અનીત પડ્ડા : અમૃતસર ટુ મુંબઈ વાયા દિલ્હી
બોલિવુડમાં ૨૦૨૫ના પહેલા ૭ મહિનામાં લગભગ ૬૫ ફિલ્મો રિલીઝ થઈ. તેમાંથી નવેક ફિલ્મોએ ૧૦૦ કરોડથી વધુનો બિઝનેસ કર્યો. એમાં 'છાવા' (૬૯૩ કરોડ) પહેલા નંબરે છે. જુલાઈમાં બોલિવુડની હિટ ક્લબમાં યશરાજ ફિલ્મ્સ અને મોહિત સૂરીની રોમાંટિક ફિલ્મ 'સૈયારા'નો ઉમેરો થયો છે. ફિલ્મનાં ગીતો અને એની લીડ પેર - અહાન પાંડે અને અનીત પડ્ડા - આ બન્નેએ આખા દેશની જનરેશન ઝેડને ઘેલુ લગાડયું છે. સમીક્ષકો અહાન અને અનીતને શાહરુખ ખાન અને કાજોલ પછીની નવી પેઢીની સૌથી આકર્ષક રોમાંટિક જોડી ગણાવી રહ્યા છે.
સૌ જાણે છે કે અહાન એક ફિલ્મી પરિવારમાંથી આવે છે, પરંતુ ૨૨ વરસની પંજાબી કુડી અનીત પડ્ડા વિશે લોકો ખાસ કાંઈ જાણતા નથી. સૌથી પહેલી વાત તો એ કે 'સૈયારા' અનીતની ડેબ્યુ મૂવી નથી. ૨૦૨૨માં રિલીઝ થયેલી કાજોલ અને વિશાલ જેઠવાની 'સલામ વેન્કી' એની પહેલી ફિલ્મ હતી. રેવતીએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં અનીતે નાનકડો રોલ કર્યો હતો. ત્યાર બાદ એણે ૨૦૨૪માં વેબ સીરિઝ 'બિગ ગર્લસ ડોન્ટ ક્રાય' પણ કરી. અલબત્ત, મિસ પડ્ડાને લાઈમલાઈટમાં લાવવાનો શ્રેય મોહિત સુરી અને એમની ફિલ્મ 'સૈયારા'ના નામે લખાયો હતો.
૧૪ ઓક્ટોબર, ૨૦૦૨ના રોજ અમૃતસરમાં જન્મેલી અનીત પડ્ડા એક મિડલ ક્લાસ પરિવારની 'ગર્લ નેકસ્ટ ડોર' છે. એના પિતા અમૃતસરમાં એક નાનકડો રિટેલ સ્ટોર ચલાવે છે અને માતા ટીચર છે. સૈયારામાં એક જિદ્દી અને મહત્ત્વાકાંક્ષી યુવતી વાણીનો રોલ કરનાર અનીત અમૃતસરની સ્પ્રિંગડેલ સિનિયર સ્કૂલમાં ભણી છે અને પછી કોલેજ કરવા એ દિલ્હી આવી.
બાળપણથી એક્ટિંગનો શોખ ધરાવતી અનીતે દિલ્હી યુનિવર્સિટીની જિસસ એન્ડ મેરી કોલેજમાં એડમિશન લઈ બેચલર ઈન હ્યુમેનિટીઝની ડિગ્રી લીધી. એ દરમિયાન એક્ટિંગ પ્રત્યેનું એનું પેશન વધી ચુક્યું હતું. ફિલ્મોમાં પ્રવેશ મેળવવા અનીતે મોડલિંગને માધ્યમ બનાવવાનું વિચાર્યું. એણે એક પછી એક ઘણી જાણીતી બ્રાંડની એડ ફિલ્મો કરી કેમેરા સામે સહજ રહેવાની કળા કેળવી. મોડલિંગ અસાઇનમેન્ટ ઉપરાંત એ ફિલ્મો માટે ઓડિશન્સ આપવા કોલેજકાળમાં અવારનવાર મુંબઈ આવતી રહી.
'સૈયારા'ને અપ્રતીમ સફળતા મળ્યા બાદ એની લીડ એકટ્રેસ વિશે મીડિયામાં વધુને વધુ માહિતી આવી રહી છે. એક વાત એવી છે કે અનીત એક ક્રિએટીવ પર્સનાલિટી ધરાવે છે. ૧૩ વરસની વયે એણે કવિતાઓ લખવા માંડી હતી. મોહિત સુરીને આ વાતની જાણ થતાં એમણે સૈયારાના એક ગીતમાં અનીતની એક કવિતાના અમુક અંશો સામેલ કર્યા છે. એને ગાવાનો પણ શોખ છે અને એણે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની તાલિમ પણ લીધી છે. ટૂંકમાં, એક સારી અભિનેત્રી બનવા અનીતે પોતાનું સાચી દિશામાં ઘડતર કર્યું છે.
ઓલ ધ બેસ્ટ, અનીત!