- રાજ કુમાર સંતોષી ડેબ્યુ ફિલ્મ 'ઘાયલ' (1990)ની સફળતા બાદ એક હળવીફૂલ કોમેડી બનાવવા માંગતા હતા. આ માટે તેમણે કાર્ટુન કેરેક્ટર્સ 'ટોમ એન્ડ જેરી' અને 'આર્ચીઝ' કોમિક્સ પરથી પ્રેરણા લીધી. ફિલ્મના મુખ્ય પાત્રો અમર અને પ્રેમ હકીકતમાં ટોમ અને જેરીનાં હ્યુમન વર્ઝન છે. આ સિવાય બાકીના કેરેક્ટર્સ 'આર્ચીઝ'નાં પાત્રોને મળતાં આવે છે
ઈન્સ્ટાગ્રામ પર એક રીલ ખૂબ વાયરલ થઈ છે. રીલનું ટાઈટલ છે, બિલિયોનેર્સને ગુસ્સો કેમ ના આવે? આ રીલમાં એક વ્યક્તિ એક બિલિયોનેરનું કિંમતી આર્ટવર્ક તોડી નાખે છે, પરંતુ પેલા ભાઈને કોઈ ફરક નથી પડતો. તેમને ગુસ્સે કરવા જ આર્ટવર્ક તોડવામાં આવ્યું હતું છતાં તેમણે ગુસ્સે ના કરતાં અચંબિત થયેલી વ્યક્તિ પૂછે છે કે, આ તૂટી ગયું, તમને ક્રોધ ન ચડયો? બિલિયોનેર હસતાં હસતાં કહે છે, 'એમાં ગુસ્સો શું? તમે તો ઉલ્ટાનો મને ફાયદો કરાવ્યો. આ આર્ટવર્ક ૧૫,૦૦૦ ડોલરનું હતું. તમે તોડયું એટલે મને સીધો ૧૦,૦૦૦ ડોલરનો ફાયદો થશે, કારણ કે ૨૫,૦૦૦ ડોલરનો તો ઈન્શ્યોરન્સ છે!'
એટલે વાત એમ કે, જીવનમાં કોઈપણ પ્રકારનો ઈન્શ્યોરન્સ જરૂરી છે, જે સમય આવતા તમને તારી લે. ફિલ્મોની જ વાત લઈ લો. તેમાં પણ ઈન્શ્યોરન્સ હોય. ફિલ્મની સ્ટોરી નબળી હોય તો લેખક એકાદ કોમેડી કેરેક્ટર ઉમેરી દે, એટલે ફિલ્મ સેટ. ફિલ્મ ઈન્શ્યોર્ડ.
કોઈને પૂછો બોલિવુડ ફિલ્મ 'રન' જોઈ? તો કદાચ પૂછશે કે, ના ભાઈ આવી કોઈ ફિલ્મ આવી નથી. પરંતુ, જો તમે કહેશો કે, વિજય રાઝનો 'કૌઆ બિરયાની'વાળો ડાયલોગ યાદ છે? તેનો 'છોટી ગંગા બોલ કે નાલે મે કૂદા દિયા' ડાયલોગ યાદ છે? તો તમને કદાચ તેનો ફેન મળી જશે. આવી જ રીતે, રાજપાલ યાદવનો 'હંગામા' ફિલ્મનો 'મારો હમકો ઝિંદા મત છોડો....હમ કોઈ મંદિર કા ઘંટા હૈ કિ કોઈ ભી આ કે બજા જાતા હૈ?' કે પછી 'ચૂપ ચૂપ કે' ફિલ્મનો 'મૈં કોઈ બોટલ સે નિકલા હુઆ ભૂત હૂં, કિ એક કે બાદ એક કામ દેતે હી જા રહે હો?' કે પછી તેની શીતલ નામના પુરુષ પહેલવાન સાથે લડાઈ હોય. આ કોમેડી કેરેક્ટર્સ સામાન્ય સ્ટોરીલાઈનવાળી ફિલ્મોને જીવંત બનાવતાં આવ્યાં છે. આ મામલામાં કાદર ખાન, જ્હોની લીવર વગેરે એક્ટર્સ એક્કા રહ્યા છે. ફિલ્મમેકર્સ તેમને એક પ્રકારના ઈન્શ્યોરન્સ તરીકે ફિલ્મમાં લેતા. તેઓ ફિલ્મમાં હોય તો દર્શકો પણ થિયેટર સુધી પહોંચતા, એક વિચાર સાથે કે, ફિલ્મમાં બીજું કંઈ નહીં હોય તો પણ કોમેડી તો હશે જ. આ જાદુ છે ફિલ્મમાં થોડો ઘણો કોમેડીનો તડકો ઉમેરવાનો.
હવે, વિચાર કરો કે, દર્શકો બે-પાંચ કોમેડી સીનથી પ્રભાવિત થતા હોય તો આખી ફિલ્મ કોમેડી હોય તો શું થાય? ફિલ્મ સુપરડુપર હિટ જાય ને? ના, એવું જરાય નથી. આજથી લગભગ ૩૧ વર્ષ પહેલા એક એવી ફિલ્મ રિલીઝ થઈ કે, જે ફૂલ-ઓન કોમેડી હતી. દર બીજા-ત્રીજા સીનમાં કોમેડી, પણ ફિલ્મ મુંબઈ અને દિલ્હી સિવાયનાં શહેરોમાં ખાસ ચાલી નહીં. આ ફિલ્મનું નામ હતું, 'અંદાઝ અપના અપના'. આ ફિલ્મ ટીવી પર રિલીઝ થઈ તે પછી સૌની ફેવરિટ બની ગઈ. ૧૯૯૪માં રિલીઝ થયેલી 'અંદાઝ અપના અપના'ની ગણતરી આજે એક 'કલ્ટ ક્લાસિક' તરીકે થાય છે.
રાજકુમાર સંતોષીનો ઈન્શ્યોરન્સ
રાજકુમાર સંતોષીની ડેબ્યુ ફિલ્મ 'ઘાયલ' બ્લોકબસ્ટર હિટ હતી. આ ફિલ્મે ૧૯૯૦માં રૂપિયા ૨૦ કરોડની કમાણી કરી હતી. તેની ડિમાન્ડ પણ ગજબની હતી. 'ઘાયલ'ને ૧૯૯૦ના દાયકામાં અનેક વખત રી-રિલીઝ કરવામાં આવી હતી. રીપિટ રનમાં પણ થિયેટરોમાં હાઉસફૂલનાં પાટિયા લાગતાં. આ દરમિયાન પ્રોડયુસર વિનય કુમાર સિંહા એક ઓફર લઈને રાજકુમાર સંતોષી પાસે આવ્યા : આમિરને લઈને ફિલ્મ બનાવો. સંતોષીને એકલા આમિરથી સંતોષ ન થયો. તેમણે ફિલ્મમાં આમિર (અમર) ઉપરાંત, સલમાન (પ્રેમ), રવીના (રવીના), કરિશ્મા(કરિશ્મા)ને લીધા. આ બધા સ્ટાર્સ ઓછા હોય તેમ ઈન્શ્યોરન્સ તરીકે કોમેડી કલાકારોની આખેઆખી ફોજ ઉતારી. રામ ગોપાલ બજાજ અને તેજાના ડબલ રોલમાં પરેશ રાવલ, ક્રાઈમ માસ્ટર ગોગો તરીકે શક્તિ કપૂર, રોબર્ટના રોલમાં વિજુ ખોટે અને પિતા અજિતની એક્ટિંગની નકલ કરનાર પુત્ર શહેઝાદ ખાનને વિનોદ ભલ્લા તરીકે લીધો. સંતોષી અહીં પણ ન અટક્યા. તેમણે અનુભવી કલાકારોને પણ ફિલ્મમાં સામેલ કર્યા. જ્હોનીના રોલમાં મહેમૂદ, ઈન્સ્પેક્ટર પાંડે તરીકે ટિકુ તલસાણિયા, મુરલી મનોહર તરીકે દેવેન વર્મા અને બાંકેલાલ ભોપાલી તરીકે જગદીપને કાસ્ટ કર્યા. આ સિવાય ગોવિંદા અને જુહી ચાવલાને મહેમાન કલાકાર તરીકે આમંત્રિત કર્યા. આટલા બધા કલાકારોની કાસ્ટિંગ સાથે તેમણે એક પ્રકારનો ઈન્શ્યોરન્સ લઈ લીધો હતો. હવે, સ્ક્રિપ્ટનો વારો હતો.
મજેદાર કહાણી
રાજકુમાર સંતોષીને ફિલ્મની સ્ટોરી લખવા માટે દિલીપ શુક્લાનો સાથ મળ્યો. બંનેએ વિચાર્યું કે, સૌથી કોમેડી પાત્રો ક્યાં? ત્યારે સૌથી પહેલો વિચાર આવ્યો ટોમ એન્ડ જેરીનો. આ કાર્ટૂન કેરેક્ટર્સ ફિલ્મમાં અમર અને પ્રેમ બની ગયાં. હવે, ટોમ એન્ડ જેરી છે એટલે સ્વભાવ પ્રમાણે એકબીજાને તંગ કરવા ઉપરાંત કોઈની પાછળ ભાગશે. એ કોણ હશે? તો જવાબ મળ્યો, એક છોકરી. આ છોકરીના મામલામાં પણ ગજબનું કન્ફ્યુઝન હશે. જે ટોમ એન્ડ જેરીને ઝઘડાવશે અને દર્શકોને હસાવશે. પ્લસ, તેમાં અલગ અલગ ફિલ્મોના એવા વિલન હશે જે ડરાવવાની જગ્યાએ ખડખડાટ હસાવશે.
ધમાલ કોમેડી ડાયલોગ્સ
(૧) મૈં તો કહેતા હૂં આપ પુરુષ હી નહીં હૈ, મહા પુરુષ હૈ મહા પુરુષ..
(૨) ગલતી સે મિસ્ટેક હો ગયા
(૩) તેજા મૈં હૂં, માર્ક ઈધર હૈ
(૪) યે તેજા તેજા ક્યાં હૈ, યે તેજા તેજા
(૫) આયા હૂં, કુછ તો લેકે જાઉંગા, ખાનદાની ચોર હૂં મૈં, ખાનદાની, મોગેમ્બો કા ભતીજા, ગોગો
(૬) સર આપને બતાયા નહીં, આજ મેરા બર્થ ડે હૈ..
(૭) દો દોસ્ત એક પ્યાલે મૈં ચાય પિયેંગે, ઈસ્સે દોસ્તી બઢતી હૈ..
(૮) જબ કોઈ બચ્ચા નહીં સોતા, તો ઉસકી મા કહેતી હૈ, સો જા સો જા નહીં તો ગોગો આ જાયેંગા
(૯) ગોગો જી...આપકા ઘાઘરા..
(૧૦) ક્રાઈમ માસ્ટર ગોગો નામ હૈ મેરા, આંખે નિકાલ કે ગોટિયાં ખેલતા હૂં
(૧૧) હાથ કો આયા, મૂંહ ના લગા
(૧૨) જો જીતા વો હી સિકંદર, જો હારા વો બંદર
(૧૩) યે વાસ્કો દી ગામા કી ગન હૈ... કિસકે મામા કી ગન?
(૧૪) યે ટીલે પર મિલા થા..ઈસ કા નામ ટીલુ હૈ..
(૧૫) રવીનાજી, મૈં આપસે પેટ કી બાત... દિલ કી બાત બોલના ચાહતા હૂં..
સચિન તેંડુલકર દ્વારા મહુરત
માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકરે આ ફિલ્મનો મહુરત શોટ આપ્યો હતો. આ ફિલ્મને બનતાં બનતાં ત્રણ વર્ષનો લાંબો સમય લાગ્યો હતો. તેનો ખ્યાલ સલમાન ખાનની બદલાતી હેર-સ્ટાઈલ અને બોડી પરથી આવી જાય છે.
સલમાન, આમિર, કરિશ્મા, રવીનાનો ઝઘડો
કરિશ્મા કપૂરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ફિલ્મના ચારેય સ્ટાર્સ એકબીજા સાથે વાતચીત નહોતા કરતાં. રવિના ટંડને તેની વાત પર મહોર મારતા કહ્યું હતું કે, 'સબ કે ઝઘડે ચલ રહે થે...' 'આમિર -સલમાન એકબીજાને ઈગ્નોર કરતા હતા અને કરિશ્મા સાથે હું વાત નહોતી કરતી... અને હા, રાજજી (રાજકુમાર સંતોષી) અને સલમાન પણ એકબીજા સાથે વાત નહોતા કરતા.' આમિરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, રવીના સેટ પર આવે તો કરિશ્મા જતી રહેતી અને કરિશ્મા આવે તો રવીના. ફિલ્મના ક્લાઈમેક્સમાં જ્યારે, રવીના-કરિશ્માને દોરડાથી બાંધવામાં આવી હતી ત્યારે શૂટિંગ પૂરું થયા બાદ પણ રાજકુમાર સંતોષીએ તેમને છોડી નહોતી. તેમણે કહ્યું હતું કે, તમે બન્ને એકબીજા સાથે વાત કરો તે પછી જ દોરડું ખોલીશું.
શૂટિંગ વખતે લોટપોટ ક્રૂ
એક લ્યૂના પર ત્રણ સવારી, પહેલી ડેટ પર હીરોના પેટમાં ગડબડ થવી વગેરે જેવા અનેક સીન દરમિયાન ક્રૂને મજા પડતી હતી. પેડમાં ગડબડવાળા સીન વખતે રાજકુમાર સંતોષી ગુડ ગુડનો અવાજ કરતા હતા. કહે છે કે, સેટ પર હાજર લોકો આ કલાકારી જોઈને હસીને લોટપોટ થઈ જતા હતા. તેની અસર આજની તારીખે પણ જોવા મળે છે. આજે ત્રણ દાયકા જૂની આ ફિલ્મ જોઈને દર્શકો લોટપોટ થઈ જાય છે.
તુષાર ભાટિયાનું રેટ્રો મ્યુઝિક
આ ફિલ્મ તુષાર ભાટિયાની પહેલી અને છેલ્લી હિન્દી ફિલ્મ હતી. તેમણે ફિલ્મના ગીતોને અલગ જ રેટ્રો ફીલ આપી હતી. આ ગીતોના બોલ મજરૂહ સુલ્તાનપુરીએ લખ્યા હતા.
ફિલ્મની અનેક ભાષામાં રિમેક
આ ફિલ્મની અનેક ભાષાઓમાં રિમેક બનાવવામાં આવી હતી. તમિલમાં 'ઉલ્લાથાઈ અલીથા' (૧૯૯૬), તેલુગુમાં 'વિદેવદંડી બાબુ' (૧૯૯૭) અને કન્નડમાં બનાવવામાં આવેલી 'અલિયાન્દ્રુ' (૨૦૦૦) દર્શકોને પસંદ આવી હતી. આ ફિલ્મની એનિમેટેડ રિમેક 'અંદાઝ નયા નયા' બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. કહેવામાં આવે છે કે, તે ૩૫ ટકા બન્યા બાદ તેને મુલતવી રાખવામાં આવી હતી. રોબર્ટનું પાત્ર રાજકુમાર સંતોષીની ૨૦૦૯ની ફિલ્મ 'અજબ પ્રેમ કી ગજબ કહાની'માં જોવા મળ્યું હતું.


