- 'ફૌજી' સિરીયલમાં શાહરુખ ખાનને એક્ટિંગ કરવાની, તો દિલ્હીના આ સંગીત શિક્ષકને સંગીત પીરસવાની તક મળી. એ સંગીત ટીચર એટલે ફિલ્મ સંગીત જગતની અમર-અકબર-એન્થની સમાન ત્રિપુટીના એન્થની ઉર્ફે લોય મેન્ડોન્સા.
આમ તો એ દેશના પાટનગર નવી દિલ્હીમાં સંગીત શિક્ષક તરીકે કામ કરતો હતો. એને પોતાના કામનો પૂરેપૂરો સંતોષ હતો. ઊગતી પેઢીને સંગીત તરફ આકર્ષવામાં એ સફળ થઇ રહ્યો હતો. પિયાનો, ગિટાર, આપણે જેને માઉથ ઓર્ગન તરીકે સંબોધીએ છીએ એ હાર્મોનિકા, ત્રણ બટનવાળું મોઢેથી હવા ભરીને વગાડાતું સાજ ટ્રમ્પેટ વગેરે પાંચ-છ વાદ્યો પર એનો જબરો કાબુ હતો. એ શાંતિથી સંગીતના અધ્યાપનનું પોતાનું કામ કર્યે જતો હતો. એક દિવસ એને દેશના ક્વીઝ એક્સપર્ટ તરીકે પંકાયેલા સિદ્ધાર્થ બસુનો સંદેશો મળ્યો: મને મળી જાઓ, પ્લીઝ...
આ સંદેશાએ એની સમગ્ર કારકિર્દીને નવો વળાંક આપી દીધો.
સિદ્ધાર્થ બસુને આપણે સૌ હાલ અમિતાભ બચ્ચન સંચાલિત 'કૌન બનેગા કરોડપતિ?'ના પ્રોડયુસર-ડિરેક્ટર અને ક્રિયેટિવ કન્સલ્ટન્ટ તરીકે ઓળખીએ છીએ, પરંતુ બે અઢી દાયકા પહેલાં સિદ્ધાર્થ 'ક્વીઝ ટાઇમ' નામે ટીવી પ્રોગ્રામના સંચાલન સાથે સંકળાયેલા હતા. દિલ્હીના સંગીત ટીચરને એમણે ક્વીઝ ટાઇમ માટે સિગ્નેચર ટયુન તૈયાર કરવાની જવાબદારી સોંપી. સંગીત શિક્ષકે એ કામગીરી સંતોષકારક રીતે પૂરી પાડી. મનોરંજનની દુનિયા અને ટીવી ચેનલ્સ સાથે સંકળાયેલા કેટલાક લોકો એને ઓળખતા થયા. 'ક્વીઝ ટાઇમ' પછી એણે 'ધ વર્લ્ડ ધીસ વીક' નામે ન્યુઝ આધારિત પ્રોગ્રામ માટે સિગ્નેચર ટયુન તૈયાર કરી. એ પણ હિટ નીવડી.
કામ કામને શીખવે છે અને કામ તમારું નામ ફરતું કરે છે. કામની તલાશમાં ઘૂમી રહેલા દિલ્હીના એક મહત્ત્વાકાંક્ષી યુવાનને 'ફૌજી' ટીવી સિરિયલમાં તક મળી અને રાતોરાત એ ઘરે ઘરે જાણીતો થઇ ગયો. યસ, આ વાત શાહરુખ ખાનની છે. શાહરુખ ખાનની સાથે દિલ્હીના આ સંગીત શિક્ષકને પણ 'ફૌજી'માં સંગીતપીરસવાની તક મળી હતી. એ સંગીત ટીચર એટલે ફિલ્મ સંગીતના અમર-અકબર-એન્થનીમાંના એન્થની ઉર્ફે લોય મેન્ડોન્સા.
'ફૌજી' સિરિયલ કર્યા પછી હિંમત કરીને લોય મુંબઈ આવી ગયો અને એહસાન નૂરાનીને મળ્યો. બંનેએ સાથે મળીને સંખ્યાબંધ જીંગલ્સ તૈયાર કર્યાં. લોય કેટલાક સ્થાનિક બેન્ડ સાથે પણ વગાડતો રહ્યો. દરમિયાન, એહસાનને ફિલ્મની ઓફર મળી અને ફિલ્મ સંગીતના અમર-અકબર-એન્થની તરીકે પંકાયેલી સંગીતકાર ત્રિપુટીનો ઉદય થયો.
હવે પછીનાં થોડાંક અઠવાડિયાં આપણે શંકર-એહસાન-લોયે ફિલ્મ સંગીતમાં કરેલા પ્રદાનનો આસ્વાદ લેવાના છીએ. હિન્દી ઉપરાંત અન્ય ભાષાઓની ફિલ્મો અને સિરિયલો ઉપરાંત આ લોકોએ સંગીતના ક્ષેત્રે ઘણું પ્રદાન કર્યું છે.
જોડી કે ત્રિપુટી હોય એવા સંગીતકારો એક વાત બહુ જલદી સમજી ગયા છે. કયા ગીતની તર્જ કોણે બનાવી એ વિશે કદી જાહેરમાં બોલવું નહીં એ વણલખી સમજૂતીનો ભંગ અકસ્માતે જયકિસને કરી નાખ્યો એ પછી શંકર-જયકિસન વચ્ચે થયેલા અણબનાવે એ પછીના સંગીતકારોને સાવધ કરી નાખ્યા. અહીં તો ત્રણ અલગ અલગ વ્યક્તિત્વો ભેગાં થયાં. આ ત્રણેએ ધાર્યા કરતાં વધુ સમજદારી દેખાડી અને છેલ્લા અઢી ત્રણ દાયકાથી તેઓ સાથે જ રહ્યા છે. એ પણ એક વિશિષ્ટ સિદ્ધિ ગણી શકાય.
આ ત્રિપુટીએ હિન્દી, મરાઠી, તમિળ, મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં લોકપ્રિય સંગીત પીરસવા ઉપરાંત અંગ્રેજીમાં પણ આલ્બમ તૈયાર કર્યાં. તેમના સંગીતથી સજેલી અને હિટ નીવડેલી પચાસથી વધુ ફિલ્મોએ નેશનલ એવોર્ડ, ફિલ્મ ફેર એવોર્ડ અને આઇફા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. આમ છતાં તેમના પગ નક્કર ભોંય પર રહ્યા છે એ બહુ મોટી વાત છે. સફળતા મગજમાં ભરાઇ જાય ત્યારે સર્જકતા થંભી જાય છે અને કામનું પુનરાવર્તન થવા માંડે છે એ મર્યાદા આ ત્રણેએ ધ્યાનમાં રાખી છે.
આગલી પેઢીના સંગીતકારોની કેટલીક ખૂબીઓ આ ત્રણેએ આત્મસાત કરી છે એ પણ ધ્યાનમાં રાખવા જેવી વાત છે. કલ્યાણજી- આણંદજીની જેમ આ ત્રિપુટીએ કેટલાક ઉલ્લેખનીય ચેરિટી શો કર્યા છે તેમ નવોદિત પ્રતિભાને તક આપવાની તૈયારી પણ દાખવી છે. શંકર પોતે અચ્છો ગાયક હોવા છતાં એણે અન્ય પ્રતિભાવાન ગાયકોને પણ તક આપી છે. એક ટીવી ચેનલ પર પ્રસારિત થતા સંગીતના કાર્યક્રમોમાં નિર્ણાયકના સ્થાને બેસીને શંકરે કેટલીક ઊગતી નવી પ્રતિભાને બિરદાવી છે, માર્ગદર્શન આપ્યું છે અને ક્યારેક પ્લેટફોર્મ પણ પૂરું પાડયું છે. તેમણે હિટ નીવડેલી હિન્દી ફિલ્મોમાં આપેલા સંગીતનો આસ્વાદ હવે પછીનાં થોડાં સપ્તાહોમાં કરવાના છીએ.


