Get The App

...અને હવે કપૂર કુટુંબની એક વધુ દીકરી રિદ્ધિમા બોલિવુડમાં ગ્રાન્ડ એન્ટ્રી

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
...અને હવે કપૂર કુટુંબની એક વધુ દીકરી રિદ્ધિમા બોલિવુડમાં ગ્રાન્ડ એન્ટ્રી 1 - image


- 'સમગ્ર સંજોગો અને  પારિવારીક પરિસ્થિતિ સાનુકૂળ હોવાથી મેં 'દાદી કી શાદી' ફિલ્મ સ્વીકારી  છે. મારા આ નિર્ણયમાં મમ્મી, ભાઇ રણબીર, આલિયા ભાભી, ફૈબા રીમા જૈને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે...'

- 'મારો ઉચ્ચ અભ્યાસ, લગ્ન, દીકરીનો જન્મ અને તેનો ઉછેર - આ સઘળી બાબતોને કારણે હું ફિલ્મજગતમાં આવી શકી નહોતી...' 

હિન્દી ફિલ્મ જગતના ફર્સ્ટ ફેમિલી ગણાતા કપૂર ખાનદાનનું યોગદાન બહુ ઉજળું રહ્યું છે.આમ તો એક તબક્કે એવું કહેવાતું કે કપૂર પરિવારની દીકરીઓ અને વહુઓ   ફિલ્મમાં કામ કરવાથી દૂર રહે છે. જોકે સમય જતાં કરિશ્મા કપૂર, કરિના કપૂર, નીતુ કપૂર વગેરેએ હિન્દી ફિલ્મના પડદે ચમક્યાં.  

હવે આ જ કડીમાં રિદ્ધિમા કપૂર સાહનીનું નામ પણ જોડાયું છે. ફોડ પાડીને કહીએ તો ઋષિ કપૂર અને નીતુ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર સાહની પહેલી જ વખત દાદી કી શાદી નામની ફિલ્મથી બોલીવુડમાં પા પા પગલી ભરી રહી છે. રિદ્ધિમા કપૂરે  દિલ્હીના બિઝનેસમેન ભરત સાહની સાથે લગ્ન કર્યાં છે. રિદ્ધિમા અને ભરત સાહનીને સમારા નામની દીકરી પણ છે.

દાદી કી શાદી ફિલ્મમાં નીતુ કપૂર, કપીલ શર્મા(કોમેડિયન), સાદિયા ખતીબ, રિદ્ધિમા કપૂર વગેરે છે. 

મહત્વની બાબત તો એ છે કે રિદ્ધિમા કપૂર  સાહની ૪૪ વર્ષની મોટી ઉંમરે બોલીવુડમાં પ્રવેશ કરી રહી છે. આમ તો રિદ્ધિમાનાં માતા પિતા ઋષિકપૂર -- નીતુ કપૂર, સુપર સ્ટાર ભાઇ રણબીર કપૂર સહિત વિશાળ કપૂર કુટુંબ હિન્દી ફિલ્મ જગતનો હિસ્સો રહ્યાં છે.

એક ખાસ વાત. રિદ્ધિમાએ ૨૦૨૪માં ફેબ્યુલસ લાઇવ્ઝ વર્સીસ બોલીવુડ વાઇવ્ઝ નામની  ટેલિવિઝન વેબ સિરિઝથી અભિનય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો જ છે. આમ છતાં હિન્દી ફિલ્મના મોટા  પડદે પહેલી જ વખત આવી રહી છે. 

જ્વેલરી ડિઝાઇનર અને બિઝનેસવુમન રિદ્ધિમા  કપૂર સાહની કહે છે,  દાદી કી શાદી ફિલ્મ વિશે  મને સૌથી પહેલી માહિતી મારી મમ્મી નીતુ કપૂર પાસેથી મળી હતી. મમ્મીએ મને કહ્યું હતું કે હું દાદી કી શાદી  નામની ફિલ્મમાં દાદીનું પાત્ર ભજવવાની છું. થોડા દિવસ બાદ  મારા આશ્ચર્ય વચ્ચે મને એવી માહિતી મળી કે  આ ફિલ્મમાં તો મારું નામ પણ છે. ખરું કહું તો આ વાત  હું માની જ શકતી નહોતી  કારણ  કે   હું તો હંમેશા બોલીવુડથી દૂર જ રહી છું. વળી, મેં ક્યારેય પણ ફિલ્મોમાં કામ કરવાની ઇચ્છા સુદ્ધાં વ્યક્ત નથી કરી. કે મને મારાં મમ્મી -- પપ્પાએ પણ ફિલ્મોમાં અભિનય કરવાની નથી પ્રેરણા આપી કે નથી સૂચન કર્યું. હું તો મારા સાસરે દિલ્હીમાં રહું છું. 

રિદ્ધિમા કપૂર સાહની ખુશી વ્યક્ત કરતાં કહે છે,   બન્યું એવું કે  દાદી કી શાદી ફિલ્મમાં  દાદીની ભૂમિકા  મારી મમ્મી  જ ભજવે છે. એટલે મમ્મી શિમલામાં શરૂ થઇ રહેલા શૂટિંગ માટે પહોંચી ગઇ હતી.  

હું   મુંબઇમાં અમારા ઘરે જ હતી. એક  દિવસ અચાનક દાદી કી શાદી ફિલ્મના દિગ્દર્શક આશીષ મોહનનો મને ફોન આવ્યો. આશીષ  મોહને મને બહુ નમ્રતાથી કહ્યું , રિદ્ધિમા, મારી આ ફિલ્મમાં તું કામ   કરીશ તો   મને  ગમશે.  આમ પણ નીતુજી દાદીમાનું પાત્ર ભજવે છે. તો તું દાદીની દીકરી બનીશ ? 

મારા નામની ભલામણ કદાચ કપીલ શર્માએ કરી હોય તે શક્ય છે.  

મેં કહ્યું ,  હું  મારી મમ્મી સાથે વાત કરીને તમને જવાબ આપીશ. ખરેખર મારી મમ્મીએ પણ મને આ ઓફર સ્વીકારવા સમજાવી. સાથોસાથ એમ   પણ કહ્યું કે તારી ઇચ્છા હોય તો પહેલાં   તું તારા હસબન્ડ  ભરતને  પણ વિશ્વાસમાં લે. ભરતની ખુશીથી હા હોય તો જ ,નહીં તો નહીં. મેં  ફિલ્મ અને પેલી ઓફર વિશે મારા    પતિ   ભરત સાહની સાથે  વિગતવાર વાત કરી. મારા આનંદ વચ્ચે મારા હસબન્ડ ભરતે પણ હા કહી દીધી.

 રિદ્ધિમા કપૂર સાહની બહુ મહત્વનો મુદ્દો  રજૂ કરતાં કહે છે, બોલીવુડમાં ઘણા વર્ષથી એવી વાત થાય છે કે  અમારા કપૂર કુટુંબની દીકરી અને વહુ ફિલ્મોમાં અભિનય કરવાથી દૂર રહે છે. કપૂર ખાનદાનમાં આ બાબતની લક્ષ્મણ રેખા છે વગેરે વગેરે. જોકે હકીકત તો એ છે કે  મારી કઝીન બહેનો કરિશ્મા અને કરીના  બંનેએ  અને મારાં મોટાં કાકી બબીતાજીએ ઘણાં વર્ષ સુધી બોલીવુડમાં કામ કર્યું છે. અને તે પણ ભરપૂર આનંદ અને સફળતા સાથે.  

રહી વાત મારી. તો હું  બ્રિટનની અમેરિકન  ઇન્ટરકોન્ટિનેન્ટલ  યુનિવર્સિટી (લંડન)માં   ડિઝાઇનિંગ એન્ડ માર્કેટિંગ  વિષયમાં ડિગ્રી કોર્સ કરતી હોવાથી ફિલ્મ જગતથી  ઘણી   દૂર  રહી   હતી.  મેં  આ ડિગ્રી કોર્સ ઉપરાંત  પણ  ફેશન  ડિઝાઇનિંગ અને જેમોલોજી બંને વિષયમાં પણ શિક્ષણ મેળવ્યું છે. હું  , આમ ભણવામાં ઘણી વ્યસ્ત રહી હોવાથી બોલીવુડની ઝળહળતી દુનિયાથી દૂર  રહી હતી.

આ જ  સમયગાળામાં મારો પરિચય ભરત સાહની સાથે થયો. પરિચય ગાઢ બન્યો અને પ્રેમ સંબંધ શરૂ થયો. અમે  ૨૦૦૬માં લગ્ન  કર્યાં. સમય જતાં અમારી દીકરી સમારાનો જન્મ થયો. સમારાનો  ઉછેર અને તેનું પ્રાથમિક ભણતર વગેરે બહુ જ મહત્વનાં હોય તે સ્વાભાવિક  છે. કહેવાનો અર્થ એ છે કે  આ બધી કૌટુંબિક જવાબદારીને કારણે હું બોલીવુડથી દૂર રહી હતી. 

આજે મારા માટે  સમગ્ર સંજોગો અને  પારિવારીક પરિસ્થિતિ સાનુકુળ હોવાથી દાદી કી શાદી ફિલ્મ સ્વીકારી  છે. મારા આ નિર્ણયમાં મમ્મી,ભાઇ રણબીર, આલીયા ભાભી, ફૈબા રીમા જૈને પ્રોત્સાહન આપ્યું. અમારા વિશાળ કપૂર કુટુંબે પણ ભરપૂર સહકાર આપ્યો છે. હા,  હું શૂટિંગ દરમિયાન મારા દીકરીના પાત્રને બરાબર ન્યાય આપી શકું તે માટે મને મારી મમ્મી નીતુ કપૂરે અને ભાઇ રણબીર ખરા અર્થમાં બહુ જ ઉપયોગી માર્ગદર્શન પણ આપ્યું છે. 

Tags :