Get The App

અનન્યા પાંડેને હવે કોઈ વાતનું ટેન્ન્શન નથી...

Updated: Aug 8th, 2025

GS TEAM

Google News
Google News
અનન્યા પાંડેને હવે કોઈ વાતનું ટેન્ન્શન નથી... 1 - image


- અનન્યાની બે ફિલ્મો 2026માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે  

ફિલ્મી દુનિયામાં  સફળતા મળે કે ન મળે પણઆજની નવી પેઢીના ફિલ્મ સ્ટાર્સ વિદેશોમાં મોજ કરવાની કોઇ તક છોડતાં નથી. તાજેતરમાં કરણ જોહરની નવી ફિલ્મ તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી ફિલ્મનું શૂટિંગ પુરૂ કરીને અનન્યાએ અમેરિકામાં ફલોરિડાના પાટનગર માયામીમાં ખૂબ મોજ કરી. ક્રોશિયામાં અનન્યા અને કાર્તિક આર્યને તેમની ફિલ્મનું શૂટિંગ પુરૂ કર્યુ ત્યારે એક ગીત પર ડાન્સ કરીને ઉજવણી કરી હતી. ઇન્સ્ટા પર વિડિયો મુકી કાર્તિકે જણાવ્યું હતું, અપની અનન્યા કા શેડયુલ ખતમ હો ઔર હમ ધીમે ધીમે સોંગ પર ડાન્સ ન કરેં ઐસા કૈસે હો સકતા હૈ? વિડિયોમાં કાર્તિક અને અનન્યા તેમની ફિલ્મ પતિ,પત્ની ઔર વોહના ગીત ધીમે ધીમે પર થિરકતાં નજરે પડે છે. ૨૦૧૯માં કાર્તિક અને અનન્યાએ પતિ,પત્ની ઔૈર વોહ ફિલ્મ કર્યા બાદ આ જોડીની બીજી ફિલ્મ તૂ મેરી મૈં તેરા મૈં તેરા તૂ મેરી છે. 

કરણ જોહરે આ ફિલ્મની રજૂઆતની તારીખ જાહેર કરતાં જણાવ્યું હતું કે તેર ફેબુ્રઆરી ૨૦૨૬ના રોજ વેલેન્ટાઇન ડેના દિવસે આ ફિલ્મ રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ નોંધપાત્ર એટલા માટે છે કે કાર્તિક આર્યન અને ધર્મા પ્રોડકશન્સ વચ્ચે દોસ્તાના-ટુના ફિયાસ્કો બાદ સબંધો વણસી ગયા હતા. પણ આ ફિલ્મથી તેમના સંબધોની નવી શરૂઆત થઇ છે. હાલ કાર્તિક આર્યન, કરણ જોહરની એક ઓર ફિલ્મ નાગઝિલા પર પણ કામ કરી રહ્યો છે. 

અનન્યા પાંડેએ ક્રોશિયામાં શૂટિંગ પુરૂ થતાં જ અમેરિકામાં ફલોરિડાની વાટ પકડી ત્યાંથી માયામીના સરસ કુદરતી ફોટા સોશિયલ મિડિયા પર મુક્યા. અનન્યા પાંડે માયામીમાં તેની મિત્ર ક્વીન પિન્ટોની મહેમાન છે. બંને જણાં માયામીના એક લોકપ્રિય ફૂડ જોઇન્ટમાં લંચ કરતાં નજરે ચડ્યા હતા. અનન્યા પાંડે એક નંબરની ફૂડી છે અને હાલ તેણે પોસ્ટ કરેલી તસવીરોમાં પણ તેને પિઝા અને અન્ય અમેરિકન વાનગીઓની મોજ માણતી જોઇ શકાય છે. મુસેલ્સ નામની એક આઇટમની મોજ માણતી જણાય છે. વિટામિન્સ અને મિનરલ્સનો ખજાનો ગણાતી આ વાનગી બાફીને, સોસ સાથે કે પાસ્તા કે રિસોટો જેવી વાનગી સાથે પણ ખાવામાં આવે છે. 

અનન્યાએ સોશિયલ મિડિયા પર મુકેલી તસવીરોમાં તેના પ્રાણીપ્રેમની પણ ઝલક મળે છે.મોટાં બ્લુ અને યલો મેકાઉ એટલે કે એક પ્રકારના મોટાં પોપટની તસવીરમાં અનન્યા પરફેક્ટ મૂડમાં જોવા મળે છે. તેનું ગલુડિયુ સ્વિમિંગ પુલમાંથી પાણી પીએ છે તે જોઇ તેના એક ભારતીય ચાહકે કોમેન્ટ કરી છે કે કૂતરાંને સ્વિમિંગ પુલમાંથી પાણી પીવું પડે તે કેવું વિચિત્ર? તેના માટે પીવાના પાણીની કોઇ વ્યવસ્થા કેમ કરાઇ નથી? જોકે, અનન્યાના ચાહકો તો તેની તસવીરો પર ઓળઘોળ થઇ જાય છે.  

સ્ટુડન્ટ ઓફ ધ યર-ટુ ફિલ્મથી હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પ્રવેશ કરનારી અનન્યા આટલાં વરસોમાં એક અનુભવી અભિનેત્રી બની ચૂકી છે. છેલ્લાં ત્રણ વર્ષમાં તેણે વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવીને ટીકાકારોની બોલતી બંધ કરી નાંખી છે. એ ૨૦૧૯માં ફિલ્મી દુનિયામાં પ્રવેશી પણ એકટિંગની ખરી મજા અનન્યાને ૨૦૨૨માં ગહરાઇયાં ફિલ્મમાં માણવા મળી. અનન્યા કહે છે, આ ફિલ્મથી હું એક્ટિંગની પ્રક્રિયાના પ્રેમમાં પડી ગઇ. અગાઉ મને સેટ પર હમેશા ચિંતા રહેતી કે લોકો શું કહેશે? ઓડિયન્સ શું વિચારશે? મને આ બધી ચિંતાઓ સતાવતી હતી. પણ ગહરાઇયા બાદ હું મારી જાત પર પુરો ભરોસો કરતાં શીખી ગઇ. એ પછી કન્ટ્રોલ અને ૨૦૨૪માં સ્ટ્રીમ થયેલા વેબશો કોલ મી બાઇ બાદ તો મારો આત્મવિશ્વાસ એ હદે વધી ગયો કે હવે મને સેટ પર કોઇ ચીજનો ડર લાગતો નથી. કામનું પ્રેશર તો હોય છે પણ તે હવે મને અગાઉની જેમ ઘાંઘી કરી નાંખતું નથી. 

તેમાં પણ કેસરી ચેપ્ટર ટુની સફળતા બાદ તો અનન્યા પાંડે એક પાકી અભિનેત્રી બની ચૂકી છે. આ ફિલ્મમાં અનન્યાએ વકીલની ભૂમિકા ભજવી હતી. પોતે આ પાત્ર સાથે કેવી રીતે એકાકાર થઇ તેની વાત કરતાં અનન્યા કહે છે, આમ તો આ પાત્ર ગઇ સદીનું ગણાય, પણ તેનો જુસ્સો અને દૃઢ નિર્ધાર આજે પણ સુસંગત લાગે છે. હું પણ આ પાત્ર જેવી જ છું. જે પોતાનો મુદ્દો રજૂ કરવા માટે કોઇ બૂમબરાડા પાડવાને બદલે મારી વાત મક્કમ રીતે વ્યક્ત કરું છું. મોટા  ભાગની ફિલ્મો બોક્સઓફિસ પર નિષ્ફળ જઇ રહી છે ત્યારે આ ફિલ્મે ૮૦ કરોડ રૂપિયાની કમાણી કરતાં અનન્યાનો ભાવ અને આત્મવિશ્વાસ બંને ઉંચકાઇ ગયા છે. 

બ્રેવો, અનન્યા!  

Tags :