અનન્યા પાંડે: હવે હું શોભાની પૂતળી નથી રહી, પ્લીઝ!
- 'કેસરી-ટુ'એ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો છે. આ ફિલ્મ ચાલવાથી સૌથી વઘારે લાભ કદાચ અનન્યા પાંડેને થયો છે. પહેલાં 'ગહેરાઇયાં' પછી 'સીટીઆરએલ' અને હવે 'કેસરી-ટુ' - આ ત્રણેયમાં અનન્યાનાં પર્ફોર્મન્સીસ વખણાયાં છે. કમસેકમ હવે તો સોશિયલ મીડિયા પર પોતાને થતું ટ્રોલિંગ અટકશે એવી અનન્યાને આશા છે...
અક્ષયકુમાર અને આર. માધવનની ફિલ્મ 'કેસરી ચેપ્ટર-ટુ' એ ડોમેસ્ટિક માર્કેટમાં રૃા.૮૦ કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો છે. બોલીવૂડની મોટાભાગની ફિલ્મો જ્યારે આજે બોક્સ ઓફિસ પર ઉંધે માથે પછડાઇ રહી છે ત્યારે આ ફિગર સંતોષકારક ગણાય. મોટાભાગની મૂવીઝના પોસ્ટર થિયેટરો પરથી એક અઠવાડીયામાં જ ઉતરી જાય છે ત્યારે કેસરી-૨ સિનેમાઘરોમાં સ્ટેડી જઇ રહી છે. અક્ષયની ફલોપ ફિલ્મોની વણજાર કેસરીની સિક્વલથી અટકી છે એવું ઇન્ડસ્ટ્રીના વર્તુળો માની રહ્યા છે.
ફિલ્મ સારી ચાલવાનો લાભ એક બીજી વ્યક્તિને પણ મળ્યો છે અને એ છે એની લીડ એકટ્રેસ અનન્યા પાંડે. પહેલા 'ગહેરાઇયાં' પછી 'સીટીઆરએલ' અને 'કૉલ મી બે' (૨૦૨૪) અને હવે 'કેસરી-ટુ'. કમસેકમ હવે તો સોશ્યલ મિડીયા પર 'શોભાનું પૂતળુ' કહીને ઉતારી નહિં પડાય. લેટેસ્ટ સકસેસથી આનંદમાં આવી ગયેલી અનન્યાએ હમણાં એક ઇવેન્ટમાં મિડીયા સાથે અલપઝલપ ઇન્ટરએકશન કર્યું.
ડિરેકટર તરીકે કરણ સિંહ ત્યાગીની આ પહેલી ફિલ્મની સફળતાનું મુખ્ય કારણ શું છે એવું પૂછાતા મિસ પાંડે કહે છે, 'કેસરી-ટુ'ની સકસેસનું મુખ્ય કારણ તો મારા મતે એની પાવરફુલ સ્ટોરી છે. આપણે બધા સ્કૂલમાં જલિયાંવાલા બાગની કરૂણાંતિકા વિશે ભણ્યા છીએ પરંતુ મને આ ગોઝારી ઘટનાની વિગતવાર માહિતી નહોતી, ફિલ્મ સાથે જોડાયા બાદ મને ઘણું બધુ જાણવા મળ્યું સ્ક્રીપ્ટ નરેશન સાંભળયા બાદ તરત જ મેં ઇતિહાસનો આ અધ્યાય લોકો સુધી પહોંચાડવાનું નિમિત્ત બનવાનું નક્કી કરી લીધું હતું.'
'કેસરી-ટુ' ૧૯૧૯ના જલિયાવાલા બાગ હત્યાકાંડ બાદ સી. શંકરન નાયર નામના ભારતીય વકીલે કોર્ટમાં બ્રિટીશ સરકારને આપેલી કાનૂની લડતની ફિકશન સ્ટોરી છે. એમાં અનન્યાએ નાયર (અક્ષય)ની યુવાન મદદનીશ વકીલ દિલરીત કૌરની ભૂમિકા ભજવી છે. જ્યારે માધવન બ્રિટીશ સરકારના એડવોકેટના રોલમાં છે. જલિયાવાલા બાગની દિલરીત અને અનન્યા વચ્ચે એખ સદીથી વધુનું અંતર છે. છતાં પોતે એના પાત્રને કઇ રીતે આત્મસાત કરી શકી એનો ફોડ પાડતા પાંડે કહે છે, 'અમારી વચ્ચે એક કોમન ખાસિયત છે. અમારા બંનેમાં એક પ્રકારનો પોલાદી નિર્ધાર છે. મારી અંદર ઘણું જોમ છે, બહુ બધો જુસ્સો છે પણ એ બહાર કદાચ દેખાતો નથી. દિલરીત પણ એવી જ હતી. એની અંદર એક શાંત નિર્ધાર હતો. એની લાગણીઓમાં ઉશ્કેરાટ હતો પરંતુ પોતાનો મુદ્દો પુરવાર કરવા એ બરાડા નહોતી પાડતી.'
કરણ જોહરના ધર્મા પ્રોડકશન્સની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર-ટુ'થી ૨૦૧૯માં ડેબ્યુ કરનાર અનન્યાની શરૂઆત નબળી રહી હતી.
એને ફિલ્મોમાં ગ્લેમર ગર્લ જેવા રોલ જ મળતા હતા. પરંતું છેલ્લાં ત્રણ વરસમાં ચંકી પાંડેની પુત્રીએ ઘણું કાઠું કાઢ્યું છે. એની ફિલ્મો ભલે ફ્લોપ થઇ હોય કે એવરેજ બિઝનેસ કરી શકી હોય પણ અભિનેત્રીએ મેચ્યોર પરફોર્મન્સીસથી પોતાના ટીકાકારોની બોલતી બંધ કરી દીધી છે.