- 'દિલ તૂટે ત્યારે રડું છું, આઇસક્રીમ ખાઉં છું અને અરિજિત સિંહનાં દર્દભર્યા ગીતો સાંભળું છું. પછી થોડીવારમાં બધું ભૂલી જાઉં છું! સામેના પાત્રને રાજી કરવા કંઈ પોતાની જાતને સમૂળગી બદલી નાખવાની ન હોય.'
અનન્યા પાંડેને તમે બોલિવુડની સૌથી લકી એક્ટર ગણી શકો. એટલા માટે કે અનન્યાની એક પછી એક ફિલ્મો બોક્સ ઓફિસ પર પીટાતી હોવા છતાં એને કામની કોઈ કમી નથી. એની પાસે ઘણી ફિલ્મો અને ઓટીટી શોના અસાઇમેન્ટ છે. એ ઉપરાંત ચંકી પાંડેની આ દીકરી કમશયલ એડ્સ કરીને પણ મબલખ કમાણી કરે છે. ઇન્ડસ્ટ્રીના જાણકારો કહે છે કે અનન્યા પર કરણ જોહરના ચાર હાથ હોવાથી એની કરીઅર ફૂલ સ્પીડમાં ચાલી રહી છે. એ ઉપરાંત સુહાના ખાન એની બેસ્ટ ફ્રેન્ડ હોવાથી કિંગ ખાનનો પણ એને પૂરો સપોર્ટ છે. એ વાત અલગ છે કે ધર્મા પ્રોડક્શન્સના બેનર હેઠળ બનેલી અને હાલમાં જ રિલીઝ થયેલી રોમેન્ટિક ફિલ્મ 'ચાંદ મેરા દિલ' ફ્લોપ સાબિત થઈ, જેમાં અનન્યા અને લક્ષ્ય લાલવાણી લીડ રોલમાં છે.
અલબત્ત, મિસ પાંડેને એક વાત માટે દાદ આપવી પડે કે પોતાની ફિલ્મોની નિષ્ફળતાથી નિરાશ થવાને બદલે એ પોઝિટિવ અભિગમ અપનાવી હંમેશાં ભાવિને જ નજર સમક્ષ રાખે છે. એ કહે છે, 'મને લાગે છે કે હજુ તો મેં માત્ર શરૂઆત કરી છે. હું કેટલીક એવી યાદગાર ફિલ્મો કરવા માંગું છું, જેને દર્શકો લાંબા સમય સુધી યાદ રાખે. મારી હયાતી ન હોય ત્યારે પણ લોકો ફિલ્મમાં મારા કામને સંભારે. ઇન્ડસ્ટ્રીના અફલાતૂન કલાકારો સાથે ઉત્કૃષ્ટ મૂવીઝ કરવાનું મારું સપનું છે. હવે મારે એક ડગલું આગળ વધવું છે. મારી પાસે ભાવિ યોજનાઓની એક લાંબી યાદી છે. મારે ઇન્ડસ્ટ્રીમાં હજુ ઘણું બધું કરવાનું ને મેળવવાનું બાકી છે. હું ફક્ત આજ માટે નહીં, પણ ભાવિ વારસા માટે કામ કરવા ઇચ્છું છું.'
બોલિવુડમાં એક્ટરો માટે બ્રેકઅપ્સ બહુ સામાન્ય બાબત છે. દિલ તૂટે ત્યારે દર્દ તો થાય જ, એમાં ફિલ્મ સ્ટાર્સ પણ અપવાદરૂપ નથી. હાર્ટબ્રેક થાય ત્યારે કોઈ ખોબે-ખોબા આંસુ વહાવે છે, તો કોઈ કામમાં ખૂપી જઈ ગમ ભુલાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ અનન્યા પાંડેએ ગમ ગલત કરવા એક જુદો જ નુસખો શોધી કાઢયો છે. હમણાં એક ઇવેન્ટમાં એને પૂછાયું કે, 'આપકા દિલ તૂટતા હૈ તબ આપ ક્યાં કરતી હૈ?' ચુલબુલી બાંદ્રા ગર્લે એનો બહુ સરસ જવાબ આપ્યો, 'દિલ તૂટે ત્યારે રોઉં છું, આઇસક્રીમ ખાઉં છું અને અરિજિત સિંહનાં દર્દભર્યા ગીતો સાંભળું છું. પછી થોડીવારમાં બધું ભૂલી જાઉં છું!'
એક્ટ્રેસના આવા રમુજી જવાબમાં પણ ખાસ કરીને યુવા પેઢી માટે એક મેસેજ છુપાયેલો છે કે બ્રેકઅપ થાય ત્યારે લાગણીઓ છુપાવવાને બદલે એની પીડા અનુભવો અને શક્ય તેટલા વહેલા એમાંથી બહાર આવી જાઓ. અનન્યા એકાધિક રિલેશનશિપમાં રહી ચૂકી છે, એટલે એ આવી સલાહ આપી શકે છે. પોતાના જાત-અનુભવો પરથી એ શીખી છે કે પ્રેમમાં પડયા બાદ યુવતીઓ સામા પાત્રને રાજી કરવા પોતાને સમૂળગી બદલી નાખે એ યોગ્ય નથી. એવું કરવાથી પુરુષોનો ઇગો ફૂલીને ફાળકો થાય છે અને એમની અપેક્ષાઓ વધતી જાય છે, એટલે એવી ભૂલ કરવા જેવી નથી.
સત્ય વચન!


