આનંદ : જીવન જીવવાની કળા .
- દાસ્તાન-એ-સિનેમા
- 'ઝિંદગી ઓર મૌત ઉપરવાલે કે હાથ મૈં હે જહાંપનાહ, ઉસે ના આપ બદલ સકતે, ન મૈં. હમ સબ રંગમંચ કી કઠપુતલિયાં હૈ, જિન કી ડોર ઉપરવાલે કી ઉંગલિયો મે બંધી હૈ... કબ કૌન કૈસે ઉઠેગા, કોઈ નહીં બતા સકતા...'
વાજાપાનની રાજધાની ટોક્યોમાં કાંજી વાટનાબે નામનો વ્યક્તિ રહે. ત્રીસ વર્ષથી તેનું બસ એક જ રુટિન: ઊઠો, તૈયાર થાવ, ઓફિસ જાવો અને ઘરે આવીને સૂઈ જાવો. ફરી પાછા સવારે ઉઠીને તૈયાર થઈને ઓફિસ. સરકારી ઓફિસની નીરસતા તેના સ્વાસ્થ્યને અસર કરવા લાગે છે. નાની અમથી બીમારી બાદ સીધું પેટના કેન્સરનું નિદાન થાય છે. અલગ રહેતા પુત્ર સાથે વાત શેર કરવામાં અસમર્થ કાંજી પલાયનવાદી બની જાય છે. તે ટોક્યોની નાઈટ લાઈફ, બાર અને બાર ડાન્સર જેવા સસ્તા મનોરંજનમાં ગળાડૂબ બને છે. સમય જતાં સસ્તા મનોરંજનની મોંઘી કિંમતનું તેને ભાન થાય છે, પણ પલાયનવાદી પ્રવૃત્તિનું સ્થાન હવે પલાયનવાદી સંબંધ લઈ લે છે. કાંજી પોતાની મહિલા સહકર્મી ટોયો સાથે સમય વિતાવવા લાગે છે. ટોયોની પોઝિટિવ એનર્જી કાંજીને આકષત કરે છે પરંતુ, સમયભરનો આ સાથ પણ છૂટી જાય છે.
કાંજીને અહેસાસ થાય છે કે, 'મૈં જો હસતા હૂં તો લોગો કો લગતા હૈ કિ મૈં ખુશ હૂં, મૈં જો રોતા હંૂં તો લોગો કો લગતા હૈં કિ મૈં કમઝોર હૂં, અજીબ સિલસિલા હૈ ઝિંદગી કા ભી, જો અંદર સે ટૂટે વહી સબસે મજબૂત હૈ....' તે ફરી એકવાર અસ્તિત્વની શોધમાં લાગી જાય છે. તેનો સરકારી વિભાગ એક મહોલ્લાના પ્લેગ્રાઉન્ડની અરજી મંજૂર કરે છે. તેને સમજાય છે કે, લીડરનું કામ અડચણરૂપ બનવાનું નહીં, પરંતુ અન્યને મદદરૂપ થવાનું હોય છે. બીજાની ખુશીમાં પોતાની ખુશી શોધવી તેને અર્થપૂર્ણ લાગવા લાગે છે. જીવનનો માંડ અર્થ સમજાયો ત્યાં જ પ્લેગ્રાઉન્ડના હિંચકા પર બેઠા બેઠા તે 'ગોન્ડોલા નો ઉતા...' (જીવનને ભરપૂર રીતે જીવી લેવું) ગીત ગાય છે અને ત્યાં જ તેના શ્વાસ થંભી થાય છે. અકીરા કુરોસાવાની આ જાપાની ફિલ્મ 'ઇકીરુ'(૧૯૫૨) તેને હચમચાવી નાખે છે. સમય જતાં તે આ સ્ટોરી પર કામ કરીને એક હિન્દી ફિલ્મ બને છે. જીવન જીવવાની ફિલોસોફી શીખવતી ફિલ્મ, કેટલાંય '૨૫ મસ્ટ-વોચ બોલિવુડ ફિલ્મ્સ' અને '૧૦૦ ફિલ્મ્સ ટુ સી બિફોર યુ ડાઈ' લિસ્ટમાં અધિકારપૂર્વક સ્થાન પામે છે. ગંભીર બીમારી સામે ઝઝૂમતી વ્યક્તિ અને તેના પરિજનો માટે આ ફિલ્મ એક હૂંફ આપનારી સાબિત થઈ છે. આ ફિલ્મ એટલે 'આનંદ' અને તેના મેકર એટલે હૃષિકેશ મુખર્જી.
'આનંદ' મરા નહીં... 'આનંદ' મરતે નહીં!
ભાસ્કર બેનર્જી (અમિતાભ બચ્ચન) નામના ડોક્ટર પાસે બધી જ સુખ સુવિધા છે. બસ, શાંતિ નથી. જ્યાં નજર નાખે ત્યાં તકલીફો દેખાય. નાની અમથી વાતે તેનું ફ્રસ્ટ્રેશન જોવા મળે. ગુસ્સો તો નાક પર. ભલેને સામે ગમે તે હોય. નામ ભાસ્કર(સૂર્ય) પણ જીવન નિસ્તેજ. આ નેગેટિવ અભિગમવાળા ભાસ્કરની મુલાકાત આનંદ સાયગલ (રાજેશ ખન્ના) સાથે થાય છે.
આનંદ એનાથી બિલકુલ વિપરીત. જિંદગીના છેલ્લા દિવસો ગણી રહેલા કેન્સરગ્રસ્ત આનંદના નામ પ્રમાણે ગુણ. અતિ ભયંકર પરિસ્થિતિમાંથી પણ ખુશી શોધી લે. પોઝિટિવીટીનાં તો જાણે તેણે ઈન્જેક્શન લીધાં છે. વાતો તેની મોટિવેશનલ સ્પીકરને પણ ટક્કર મારે તેવી. જીવનના છ મહિના જ બાકી રહ્યાં છે અને કહે છે કે, 'બાબુ મોશાય, જિંદગી બડી હોની ચાહિયે... લંબી નહીં!' તેની પાસે નથી સુખ કે નથી બચી કોઈ સુવિધા તો પણ જે છે તે વહેંચીને આનંદમગ્ન રહે છે. આ પાત્ર એવું કે પારાવાર મુશ્કેલીઓ વચ્ચે પરિવારને ટકાવવા મથી રહેલા ઘરના કોઈ વડીલની યાદ અપાવે. 'જબ તક ઝિંદા હૂં તબ તક મરા નહીં, જબ મર ગયા સાલા મૈં હી નહીં... તો ડર કિસ બાત કા...' - એનો આ એટિટયુડ પથારીવશ વ્યક્તિને પણ ઊભા કરવાની તાકાત ધરાવે છે.
ભગવત ગીતામાં જે સ્થિતપ્રજ્ઞા વ્યક્તિના ગુણો વર્ણવવામાં આવ્યા છે. તે તમામ ગુણો આનંદમાં જોવા મળે છે. દુ:ખના ડુંગર તૂટી પડે તો પણ દુ:ખી નથી થતો કે શોક નથી કરતો. સુખ કે સંપત્તિથી છલકાઈ કે ફૂલાઈ નથી જતો. ભય, ક્રોધ અને રાગદ્વેષથી મુક્ત એનું જીવન છે. તે કોઈની ખોટી પરવા કે ખુશામત નથી કરતો. અભિમાન તો તેને અડકી પણ શક્તું નથી. સ્વભાવ બાળક જેવો સરળ અને નમ્ર.
જેમ જેમ ભાસ્કર અને આનંદની મિત્રતા ગાઢ બનતી જાય છે તેમ તેમ આનંદ ભાસ્કરના નિરાશાવાદી સ્વભાવને આશાવાદ સાથે પડકારે છે. 'હમ આનેવાલે ગમ કો ખીંચ-તાન કર આજ કી ખુશી પે લે આતે હૈ... ઔર ઉસ ખુશી મેં ઝહર ઘોલ દેતે હૈ.....' અને 'માનતા હૂં કિ જિંદગી કી તાકાત મૌત સે જ્યાદા બડી હૈ... લેકિન યહ જિંદગી ક્યાં મૌત સે બદતર નહીં?' આનંદનાં આવાં વિધાનો ભાસ્કરને - અને પ્રેક્ષકોને - વિચારતા કરી મૂકે છે. આનંદના સારા સંગાથનો અસર ભાસ્કર પર જોવા મળે છે. ગુમસુમ રહેતો ભાસ્કર પ્રેમિકાને પોતાના દિલની વાત કરીને જીવનને સાચા અર્થમાં જીવવા લાગે છે. પણ જીવનની દરેક પળને માણવાનું શીખવતો આનંદ એક દિવસ અચાનક...
એ વાત જુદી છે કે 'આનંદ મરા નહીં, આનંદ મરતે નહીં...'
'મૌત, તૂ એક કવિતા હૈ, મુઝસે એક કવિતા કા વાદા હૈ મિલેગી મુઝકો, ડૂબતી નબ્ઝોં મે જબ દર્દ કો નીંદ આને લગે, જર્દ સા ચેહરા લિયે જબ ચાંદ ઉફક તક પહુંચે, દિન અભી પાની મેં હો, રાત કિનારે કરીબ, ના અંધેરા ના ઉજાલા હો, ના અભી રાત ના દિન. જિસ્મ જબ ખતમ હો ઔર રુહ કો જબ સાંસ આયે, મુઝ સે એક કવિતા કા વાદા હૈ, મિલેગી મુઝકો...' મિત્ર આનંદ માટે આ કવિતા લખનાર ભાસ્કર તેમની દોસ્તીને અમર બનાવવાનું નક્કી કરી લે છે અને મસ્તમજાનું પુસ્તક લખે છે. આ મિત્રતાની જ અસર છે કે જે એક સામાન્ય ડોક્ટરને અસામાન્ય લેખક બનાવે છે. 'આનંદ' ફિલ્મ દ્વારા જાણે હૃષિકેશ મુખર્જી આપણને કહી રહ્યાં છે કે, આનંદ જેવો મિત્ર મળે તો ભૂલથી પણ સાથ ન છોડવો.
'આનંદ'ની અફલાતૂન ટીમ
હૃષિકેશ મુખર્જીનું દિગ્દર્શન, ગુલઝારના ડાયલોગ, સલીલ ચૌધરીનું મ્યુઝિક, યોગેશ અને ગુલઝાર દ્વારા લખાયેલાં ગીતો ફિલ્મને ખાસ બનાવે છે. 'આરાધના'થી ભારતના પહેલા સુપરસ્ટાર બનેલા રાજેશ ખન્ના, નવા નવા ઊભરી રહેલા અમિતાભ બચ્ચન અને જ્હોની વોકરને આ ફિલ્મને અલગ સ્તર પર લઈ જાય છે. ચોંકાવનારી વાત એ છે કે, રાજેશ ખન્ના આ ફિલ્મના હીરોના રોલ માટે પહેલી પસંદ નહોતા. હૃષિકેશ મુખર્જી શશી કપૂર કે પછી પોતાને બાબુ મોશાયના હુલામણા નામે બોલાવનાર રાજ કપૂરને ફિલ્મમાં લેવા માંગતા હતા.
માત્ર ૨૮ દિવસમાં બનાવવામાં આવેલી 'આનંદ' ફિલ્મે બોક્સઓફિસના અનેક રેકોર્ડ તોડયાં હતાં. આ ફિલ્મ પહેલા અમિતાભ બચ્ચનની ઓળખનો અનોખો કિસ્સો જાણીતો બન્યો હતો. ફિલ્મના પહેલા શો વખતે બચ્ચન કારમાં પેટ્રોલ ભરાવા ગયા હતા. ત્યારે તેમને કોઈએ ઓળખ્યા નહતાં. તે જ દિવસે સાંજે તેઓ જ્યારે ફરી એકવાર અન્ય કારમાં પેટ્રોલ ભરાવા પહોચ્યા ત્યારે લોકો તેમને ઓળખવા લાગ્યા હતા. સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર અમિતાભે આ વાત પર મહોર લગાવી હતી. તેમણે કહ્યું કે, 'હા, સાચી ઘટના છે. એસ. વી. રોડના પેટ્રોલ પંપ પર આ કિસ્સો બન્યો હતો.' હિન્દીમાં છવાઈ ગયેલી આ ફિલ્મને મલયાલમમાં 'ચિત્રશાલભમ્'ના નામે બનાવવામાં આવી હતી.
ગીત અને ફિલોસોફી
આજકાલની ફિલ્મોનાં ગીતો અર્થ વગરના હોય છે તેવો આક્ષેપ છે, જે ખોટો નથી. 'આનંદ'નાં ગીતોને સાંભળીને ખ્યાલ આવે કે, અહીં એક એવો શબ્દ એવો નથી, જે બિનજરૂરી હોય. 'ઝિંદગી કૈસી યે પહેલી હાયે...'માં જીવનની અનિશ્ચિતતાની વાત કરવામાં આવી છે, તો 'કહીં દૂર જબ દિન ઢલ જાયે...'માં અધૂરી ઝંખનાઓની વાત થઈ છે. બીજાઓ માટે સપનાં જોવાની બહાદૂરી બહુ ઓછા લોકો દેખાડી શકે છે. આ ભાવ 'મેને તેરે લિયે હી સાત રંગ કે સપનેં ચુને...' ગીતમાં વ્યક્ત થયો છે. વાયોલિન, પિયાનો, ફ્લૂટ અને સોફ્ટ પર્કશન મ્યુઝિકમાં ઈમોશન ભેળવે છે.
મૂકેશે ગાયેલું 'કહી દૂર જબ દિન ઢલ જાયે...' સોંગ અન્ય કોઈ ફિલ્મ માટે લગભગ ફાઈનલ થઈ ગયું હતું, પરંતુ રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચને ફિલ્મના પ્રોડયુસર સાથે વાતચીત કરીને સોંગને બચાવી લીધું હતું.
'આનંદ' - એક વિચાર
આ ફિલ્મની કેસેટ્સ પણ ખૂબ વેચાઈ અને સીડી પણ. આ ફિલ્મ સાથે જોઈને કેટલાય લોકોનો જીવન પ્રત્યેના દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. બીમારીનો સામનો કરી રહેલી વ્યક્તિ માટે આ ફિલ્મે બૂસ્ટર ડોઝનું કામ કર્યું. ફિલ્મે શીખવ્યું કે, જીવનને ભરપૂર જીવો. આ એ સમયગાળો હતો જ્યારે મોટિવેશનલ પુસ્તકો અને સ્પીકર્સ ચલણમાં નહોતા, પણ 'આનંદ' ફિલ્મના સંવાદોની ઓડિયો કેસેટ્સે તેની ગરજ સારી હતી. ગીતો તો ઠીક, ફિલ્મના ડાયલોગ્ઝની કેસેટ્સ પણ ધૂમ વેચાઈ હતી. અમુક ડાયલોગ એટલી હદે રિવાઈન્ડ કરીને સાંભળવામાં આવતા કે ઓડિયો કેસેટની રીલ નીકળી જતી. દરેક સારું પુસ્તક કે સારી ફિલ્મ એક સારો વિચાર આપતી હોય છે. આ ફિલ્મે પણ ઉત્તમ વિચારભાથું પૂરું પાડયું છે. 'આનંદ' શીખવે છે કે, 'ઝિંદગી ઓર મૌત ઉપરવાલે કે હાથ મૈં હે જહાંપનાહ, ઉસે ના આપ બદલ સકતે, ન મૈં. હમ સબ રંગમંચ કી કઠપુતલિયાં હૈ, જિન કી ડોર ઉપરવાલે કી ઉંગલિયો મે બંધી હૈ... કબ કૌન કૈસે ઉઠેગા, કોઈ નહીં બતા સકતા...'