- 'હું મારા પેન્ટ-હાઉસમાં ચાલ્યો જાઉં પછી મને સંભારવું પડે છે કે હું દિલ્હીના એક સાવ સામાન્ય ઈલાકામાં ઉછર્યો છું. આ વાત હું ભૂલી કેમ ગયો હતો?'
છેલ્લા કેટલાક સમયથી બોલિવુડની ગણતરીની ફિલ્મોને જ બહોળો પ્રતિસાદ મળ્યો છે. દર્શકોએ સંખ્યાબંધ ફિલ્મોને જાકારો આપ્યો છે તેનું કારણ શોધવા મથી રહેલા આ ફિલ્મોદ્યોગને ફિલ્મ સર્જક આનંદ એલ. રાયની વાત કાન માંડીને સાંભળવી જોઈએ. તેઓ કહે છે કે દર્શકો નથી બદલાયા. હા, ફિલ્મ સર્જકો બદલાઈ જાય છે. તેમણે દર્શકોની તેમનામાં રહેલી શ્રદ્ધા ઠોકરે ચડાવી છે. અલબત્ત, જ્યારે તમે ફિલ્મ બનાવવાનું શરૂ કરો ત્યારે ખાતરીપૂર્વક ન કહી શકો કે તે દર્શકોને ચોક્કસપણે પસંદ પડશે. આમ છતાં સીધી તેમના હૃદયને સ્પર્શે, તેમના મન-મગજમાં વસી જાય એવી કહાણીને આવકાર મળે છે એ વાત સમજવી રહી.
આનંદ એલ. રાય સ્વાનુભવે કહે છે કે તેમની 'રાંઝણા' અને 'તનુ વેડ્સ મનુ' શા માટે સફળ થઈ અને 'રક્ષા બંધન'ને શા કારણે જાકારો મળ્યો. તેઓ કહે છે કે જ્યારે ફિલ્મ સર્જક પોતાના મૂળિયાં સાથે જોડાયેલો રહે ત્યારે તે દર્શકોના દિલને સ્પર્શી શકે. પરંતુ જો તે પોતાના મૂળિયાંને વિસરી જાય તો દર્શકો પણ તેને જડસોતો ઉખેડી નાખે. જો તમે દર્શકોને રાજી રાખવા ફિલ્મ બનાવતા હો તો તમે તેમને ખુશ નથી કરી શકવાના.
આજની તારીખમાં ફિલ્મ સર્જકો દર્શકોની નાડ પારખવામાં ઊણા ઉતરી રહ્યાં છે તેનું કારણ એ છે કે હવે દર્શકો તેમની જરા સરખી બેઈમાની પણ સાંખી લેવા તૈયાર નથી એ વાત ફિલ્મ સર્જકોને નથી સમજાતી. કહાણીની રજૂઆતમાં કરવામાં આવતી ગોબાચારી તેમને જે તે ફિલ્મથી દૂર કરી દે છે. જો ફિલ્મ સર્જકો એમ માનતા હોય કે દર્શકોની ભાવનાઓ સાથે રમત રમી શકાય તો એ તેમની મોટી ભૂલ છે. તમે તેમના માથે ગમે તેવી કહાણી ઠોકી બેસાડી ન શકો. ફિલ્મ સર્જકો દર્શકોની તેમના પ્રત્યેની આસ્થા અકબંધ રાખવા માગતા હોય તો તેમને દર્શકો સાથે સીધેસીધી સંકળાઈ શકે, તેમના મનના તાર ઝણઝણાવી મૂકે એવી કહાણીઓ ઇમાનદારીપૂર્વક રજૂ કરવી પડશે. 'પુષ્પા', 'કેજીએફ', 'કાંતારા'ની અપ્રતિમ સફળતા તેના શ્રેષ્ઠ ઉદાહરણો છે. તેઓ પોતાના અનુભવને સંભારતા કહે છે કે મારી 'રાંઝણા' અને 'તનુ વેડ્સ મનુ'એ સફળતાના શિખરો સર કર્યાં. પરંતુ જ્યારે મેં દર્શકોને રાજી રાખવાના દ્રષ્ટિકોણથી 'રક્ષા બંધન' બનાવી ત્યારે મારી ફિલ્મને જાકારો મળ્યો. મેં જ્યારે જ્યારે સફળ ફિલ્મ આપવાનું ભારણ રાખ્યા વિના માત્ર કહાણી કહેવાની તમા રાખી છે ત્યારે સફળતા સામે ચાલીને આવી છે. અને આ વાત કલાકારોને પણ એટલી જ લાગુ પડે છે. કલાકાર જ્યારે પોતાનામાં મસ્ત રહીને કામ કરે ત્યારે તે પોતાના કિરદારમાં રમમાણ થઈને સીધો દર્શકોના દિલને સ્પર્શી શકે. આ બાબતે દિવંગત ઇરફાન ખાન શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય. તે હવે આ દુનિયામાં નથી તોય પાત્રમાં ગુમ થઈ જવાની, કિરદારને જીવવાની વાત આવે.
આનંદ એલ. રાય માને છે કે જ્યારે કલાકારની કથની અને કરણીમાં અંતર આવી જાય ત્યારે તેની અસર તેના કામ પર પણ જોવા મળે. તેઓ આ વાત સમજાવતાં કહે છે કે આપણે હમેશાં મધ્યમ વર્ગના નામનાં ગાણાં ગાઈએ છીએ. પરંતુ તેમની જેમ જીવી નથી જાણતાં. તમારા જીવનમાં તેની ઝાંખી નથી દેખાતી. આ કારણે જ સઘળું બદલાઈ ગયું. વાતો મિડલ ક્લાસની કરવામાં આવી અને ફરવા માટે વિદેશ ઉપડવાનું શરૂ થઈ ગયું. એવું નથી કે તમે વિદેશમાં સહેલગાહે ન જઈ શકો. તેમાં કાંઈ ખોટું નથી. પરંતુ તે તમારા ફિલ્મ સર્જન પર ચોક્કસપણે અસર કરે. તેને કારણે તમે તમારા મૂળથી દૂર થતાં જાઓ. જો તમે એમ કહેતાં હો કે તમે માત્ર પૈસા કમાવવા માટે જ ફિલ્મો બનાવો છો તો જુદી વાત છે. પરંતુ સામાન્ય લોકોના હૃદય સુધી પહોંચવા તો તમારે તમારી અંદર ધરબાયેલી સ્ટોરી જ કહેવી પડે. આ ફિલ્મ સર્જકને હવે સમજાઈ ગયું છે કે પોતાના મૂળિયાં સાથે જોડાઈને રહો તો જ લોકો સાથે સંકળાઈ શકો. જડસોતાં ઉખેડાઈ ગયેલો છોડ વટવૃક્ષ ન બની શકે. તેઓ કહે છે કે જેમને માટે આપણે ફિલ્મો બનાવીએ છીએ તેમની સાથે જોડાઈ રહેવું આવશ્યક છે. મારી જમીન છૂટી જાય ત્યારે મને તે ફરીથી પકડવી પડે છે. હું મારા પેન્ટ-હાઉસમાં ચાલ્યો જાઉં પછી મને સંભારવું પડે છે કે હું દિલ્હીના એક સાવ સામાન્ય ઈલાકામાં ઉછર્યો છું. આ મારી પોતિકી કહાણી છે. આ વાત હું ભૂલી કેમ ગયો હતો? જો હું મારી રાહ પરથી ભટકી જઈશ તો નિષ્ફળતા પણ મને પાઠ નહીં ભણાવી શકે. જેમને માટે આપણે ફિલ્મો બનાવીએ છીએ તેમની સાથે જોડાઈ રહેવું આવશ્યક છે.
મારી જમીન છૂટી જાય ત્યારે મને તે ફરીથી પકડવી પડે છે. હું મારા પેન્ટ-હાઉસમાં ચાલ્યો જાઉં પછી મને સંભારવું પડે છે કે હું દિલ્હીના એક સાવ સામાન્ય ઈલાકામાં ઉછર્યો છું. આ વાત હું ભૂલી કેમ ગયો હતો? જો હું મારી રાહ પરથી ભટકી જઈશ તો નિષ્ફળતા પણ મને પાઠ નહીં ભણાવી શકે. આ ફિલ્મ સર્જકને સેંકડો કરોડોની ક્લબમાં જોડાવામાં રસ નથી. તેઓ કહે છે કે આજે હું અન્ય દિગ્દર્શકો માટે ફિલ્મોનું નિર્માણ કરું છું. પરંતુ મોટા બેનરો સાથે હરિફાઈમાં નથી ઉતરતો. હું એવી કહાણીઓ પસંદ કરું છું જેને અન્ય ફિલ્મ સર્જકો નથી અડતાં. મને કેટલા કરોડ કમાવીશ એવો વિચાર નથી આવતો. ફિલ્મ સર્જનની પ્રક્રિયા હું મનભરીને માણું છું.


