બેટોપની લોકપ્રિય ટીવી સીરિયલોના કલાકારો સામસામે આવી ગયા છે. તેઓ એકબીજા વિરુદ્ધ જે પ્રકારની કમેંટ્સ કરી રહ્યા છે એ એક જમાનામાં એકતા કપૂરના ટીવી શોમાં જોવા મળતી ખટપટની યાદ અપાવે છે. માંડીને વાત કરીએ તો 'અનુપમા'ની કાસ્ટ તાજેતરમાં સ્મૃતિ ઈરાનીએ કરેલી ટિપ્પણીથી નારાજ છે. સ્મૃતિએ એક ઇન્ટરવ્યૂમાં હમણાં એમ કહ્યું હતું કે હું રૂપાલી ગાંગુલીના શોને મારા આઇકનિક શો 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી-ટુ'નો હરીફ ગણતી નથી. અનુપમાના કલાકારોએ ઈરાનીના આવા નિવેદનની પ્રતિક્રિયામાં એમ કહ્યું છે કે અનુપમા શો ટીઆરપી ચાર્ટસમાં ટોપ પર રહેતો આવ્યો છે એ જોતા સ્વસ્થ પ્રતિસ્પર્ધાને આવકારવી જોઈએ.
એક પ્રતિષ્ઠિત ઇંગ્લીશ સામયિકને આપેલી મુલાકાતમાં સ્મૃતિ મેડમે અનુપમા સાથેની 'ક્યોંકિ સાસ ભી-ટુ'ની સરખામણી વિશે બેધડક બોલતા કહ્યું, 'હું એમની હરીફ ગણતી જ નથી. અમારી સીરિયલ ૨૫ વરસ પહેલાં ટેલિકાસ્ટ થઈ હતી અને લોકો હજુ પણ એને યાદ કરે છે. તમે (અનુપમાના મેકર્સ) પહેલાં ૨૫ વરસ સુધી દર્શકોની સ્મૃતિમાં રહેવાની ક્ષમતા કેળવો, પછી આપણે કમ્પીટીશન વિશે વાત કરીશું. '
પછી 'ક્યોંકિ...'ની લીડ એક્ટરે પોતાની સીરિયલના પહેલા ભાગે કઈ રીતે ટીઆરપી ચાર્ટસ પર એકધારા ૮ વરસ સુધી રાજ કર્યું હતું એનો ઉલ્લેખ કરી આગળ ચલાવ્યું, 'તમે ત્રણ વખત એમપી રહ્યા હો, એક દાયકા સુધી કેબીનેટ મંત્રી રહ્યા હો અને ૨૫ વરસથી ભાજપના લિડર હો ત્યારે તમારો હરીફ તમારી સમકક્ષ હોવો જોઈએ. તમારો હરીફ કોઈ એવો શો ન હોવો ઘટે કે જે હમણાં જ શરૂ થયો હોય અને સ્મૃતિ ઈરાની સાથે સ્પર્ધા કરવા તૈયાર થઈ જાય.'
પોતાના સ્વમાની પાત્ર તુલસીની જેમ દ્રઢતાપૂર્વક પોતાનો મત રાખતા સ્મૃતિએ વધુમાં કહ્યું, 'હરિફાઈ કરવી કે આવી કોઈ સ્પર્ધાનો ઉલ્લેખ કરવો પણ ખોટો છે. કારણ કે તમે ૩૦ સુધી પહોંચી શકવાના નથી. અને તમે અમારી જેમ એકધારા ૮ વરસ સુધી નંબર વન રહી શકવાના નથી. અમારી સામે બીજા હરીફ માધ્યમો (ઓટીટી) હોવા છતાં અમે સીરિયલના બીજા પાર્ટથી કમબેક કરી શક્યા - એ નોંધપાત્ર બીના કહેવાય.'
સ્મૃતિના ઇન્ટરવ્યૂની રીલ્સ સોશ્યલ મીડિયા પર જોયા બાદ અનુપમાના ઘણાં એકટર્સે એની સાથે અસંગતિ દર્શાવી પોતાના પ્રત્યાઘાત આપ્યા. સૌપ્રથમ અનુપમામાં બાનો રોલ કરતા એકટ્રેસ અલ્પના બુચે કહ્યું, 'માનનીય સ્મૃતિજી, તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી.'
એકટ્રેસ જસ્વીર કૌરે થોડી લાંબી અને જુદી પ્રતિક્રિયા આપતા લખ્યું, 'શું આ કોઈ અમસ્તી જ વાતચીત હતી કે પછી પ્રશ્ન સાંભળવામાં મારી ભૂલ થઈ છે. તમે એક જ ચેનલ પર પ્રસારિત થતા બે જુદા જુદા કાળ અને અલગ અલગ શો વિશે શા માટે આવો સવાલ કરો છો. એમાંનો એક ૨૫ વરસ પહેલાનો સૌથી પોપ્યુલર શો હતો અને બીજો છેલ્લા ૫ વરસથી પ્રસારિત થતો કરન્ટ શો છે. એમની વચ્ચે કોઈ સરખામણી ન હોઈ શકે અને છતાં સરખામણી કરાઈ રહી છે.'
અનુપમામાં ખ્યાતિ પટેલ કોઠારીનો રોલ કરતી ઝલક દેસાઈએ પોતાની કમેંટ્સમાં કહ્યું, 'સારાભાઈ વર્સિસ સારાભાઈ એક ગ્રેટ શો હતો અને એણે પણ કમબેક કર્યું હતું. લોકો હજુ પણ એને યાદ કરે છે. કોઈએ (અનુપમા)એ હમણાંથી શરૂઆત નથી કરી. હકીકતમાં (બંને સીરિયલ્સ વચ્ચે) કોઈ તુલના છે જ નહિ. ટીઆરપીના આંકડા જ બધુ કહી દે છે.'
એકટ્રેસ કૃતિકા દેસાઈની કમેંટ સૌથી બોલ્ડ હતી. એમણે સ્મૃતિ ઇરાનીના સીધેસીધુ સંબોધન કરતા કહ્યુ, 'રૂપાલી ગાંગુલીજી અને એમના શોની શરૂઆત કાંઈ તાજેતરમાં નથી થઈ. તમે ઇન્ડસ્ટ્રીમાં હો તો જાણતા જ હશો કે રૂપાલીજી તમારા કરતા પણ વધુ વરસોથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં છે. (ઈન્ટરવ્યૂમાં) સવાલ બે શો વચ્ચેની સ્પર્ધા વિશે પૂછાયો હતો, નહિ કે તમારી પોલિટિકલ કરિઅર વિશે. સ્મૃતિ મેડમ તમે બધાના આઇડલ રહ્યા છો પણ એનો મતલબ એવો નથી કે બીજુ કોઈ આઇડલ ન બની શકે. હકીકતને શાલિનતાથી સ્વીકારવી જોઈએ.'
અત્રે નોંધવુ જોઈએ કે રૂપાલીએ હજુ સુધી સ્મૃતિના ઇન્ટરવ્યૂ પર કોઈ પ્રતિક્રિયા નથી આપી.
દરમિયાન, એક જ ચેનલ પરથી પ્રસારિત થતી અનુપમા અને ક્યોંકિ સાસ ભી કભી બહુ થી-૨ એ અનુક્રમે પોતાનું પહેલું અને બીજું સ્થાન જાળવી રાખ્યું છે. હમણાં છેલ્લે રૂપાલીના શોને ૨.૩ ટીઆરપી રેટિંગ મળ્યું હતું અને ઈરાનીની સીરિયલનું રેટિંગ ૨.૨ હતું. એનો અર્થ એવો થયો કે બંને વચ્ચે નેક ટુ નેક ફાઈટ છે.


