- દાસ્તાન-એ-સિનેમા
- રાજેશ ખન્ના રોમાન્સના કિંગ હતા જ્યારે અમિતાભ એન્ગ્રી યંગમેન આ વચ્ચે અમોલ પાલેકરે કોમન મેનને નવો રસ્તો દેખાડયો હતો. તેમણે છોટી સી બાતમાં પ્રેમ શીખવ્યો અને ગોલ માલમાં સ્ટ્રીટ સ્માર્ટનેસ બતાવી સામાન્ય માણસના સાચા સુપર હીરો બન્યા હતા.
૧૯૭૦ના દાયકાની વાત છે. લોવર ક્લાસનો ૧ રૂપિયો, અપર ક્લાસના ૨ રૂપિયા, બાલ્કનીના ૫ રૂપિયા અને જો મેટ્રો સિટી હોય તો પ્રિમિયમ શોના ૧૦ રૂપિયા. આ બધા થિયેટરની ટિકિટના ભાવ. અને જો સમયસર ટિકિટ ના લીધી હોય તો બ્લેકમાં એક કા દસ તો ખરા જ. તેની પાછી આખી અલગ ઈકોનોમી. કમર તોડ સીટમાં બેસવાનું, ૨૫ પૈસાનું વાસી સમોસું ખાવાનું, તો પણ આ મજ્જાની લાઈફ. મોબાઈલ ફોન વગરના જમાનામાં બસ આ જ મનોરંજન હતું. રાજેશ ખન્નાને પ્રેમિકા મળી જાય તો આપણું પણ સેટિંગ થઈ ગયું છે તેવું માનીને બે દિવસ મલકાવવાનું. એન્ગ્રીયંગ મેન અમિતાભ બચ્ચન કોઈ વીલનને ધીબી નાખે તો બે દિવસ ઊંચા વેત ચાલવાનું. બે દિવસનું ડોપામાઈન ઉતરે ત્યારે પાછી અસલ જિંદગી આવી જતી. જે કાઠી લાગતી હતી. એટલે, ફરી પાછી એ જ સાયકલ રિપીટ કરવાની. તે જમાનામાં આ પ્રકારના બે દિવસના મનોરંજન ખૂબ ચાલ્યા. અંતે આ કોમન મેન સવાલ કરતો થયો. તેને થયું રાજેશ ખન્નાને તો દરેક ફિલ્મના અંતે પ્રેમિકા મળી જાય છે મારું શું...? બચ્ચન તો મારામારી કરીને પોતાનું કામ કઢાવી લે છે મારું શું...? કોમન મેનના આ મારું શું ના સવાલે એક સુપરહીરોને જન્મ આપ્યો. તેનું નામ અમોલ પાલેકર. અમોલ પાલેકરે છોટી સી બાત ફિલ્મમાં અરુણ બનીને કોમન મેનને રોમાન્સ કરતા શીખવ્યો. જ્યારે, ગોલ માલમાં રામપ્રસાદ દશરથપ્રસાદ શર્મા બનીને સમજાવ્યું કે, ગુસ્સે થવાથી કશું ન થાય અક્કલ વાપરો. બાસુ ચેટર્જીની ફિલ્મ છોટી સી બાત ૧૯૭૬ની સાલમાં રિલિઝ થઈ હતી. જ્યારે, હૃષિકેશ મુખર્જીની ફિલ્મ ગોલ માલ ૧૯૭૯ની સાલમાં. બંને ફિલ્મોમાં કોમન મેનના સવાલોને વાચા મળે છે.
છોટી સી બાતનો અરુણ
ડિરેક્ટર બાસુ ચેટર્જી અને પ્રોડયુસર બી.આર. ચોપરાની જોડીએ ૧૯૭૬માં રોમેન્ટિક કોમેડી ફિલ્મ છોટી સી બાત બનાવી. આ ફિલ્મમાં મિડલ ક્લાસના યુવાનની લવસ્ટોરીને ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. અરુણ નામનો કોમન મેન, ક્લાર્ક તરીકે નોકરી કરે. રોજ સવારે બસ સ્ટોપ પર પ્રભા નામની છોકરીને જુએ. મનમાં થાય કે તેની સાથે વાત કરે, તેને ડેટ પર લઈ જાય. પછી યાદ આવે કે, હું તો રાજેશ ખન્ના નથી કે પર્વતોમાં જઈને ગીતો ગાઈને પ્રેમનો એકરાર કરું. નથી મારી પાસે લૂક્સ, પૈસા, કે પાવર. એટલે રોજ કોઈ કોર્નરમાંથી પ્રેમિકાને જુએ. વિચારે આજે તો કહીં જ દઉં પણ પાછી હિંમત ખૂટી પડે. એક દિવસ હિંમત ભેગી કરી તો સામેથી નાગેશ નામનો નાગ આવી ગયો. આ નાગેશ એટલે પ્રભાનો ફ્રેન્ડ. જેની પાસે સ્કૂટર છે. પૈસા છે અને ખાસ વાત આત્મવિશ્વાસ છે. એટલે સમજોને કે બધું જ કે જે અરુણ પાસે નથી. અરુણને થાય છે કે, આ કિસ્સામાં હાર તો નિશ્ચિત છે. કોઈની મદદ લીધા વિના મેળ ના પડે. આત્મવિશ્વાસની ગોળીઓ લેવા અરુણ કર્નલ જૂલિયસ નાગેન્દ્રનાથ વિલ્ફ્રેડ સિંહ પાસે ટ્રેનિંગ લેવા પહોંચે છે. આ કર્નલ કેવી રીતે અરુણને આત્મવિશ્વાસના ઈન્જેક્શન આપે છે તેની આ મજેદાર કહાણી કોમન મેનના સવાલનો જવાબ આપે છે. અરુણના રોલમાં જાણે અમોલ પાલેકર કોમન મેનના ખભા પર હાથ મૂકીને કહી રહ્યાં છે કે, સાચો પ્રેમ કરો છો તો ચિંતા ના કરો વિશ્વાસ રાખો.
છોટી સી બાત વિશે રસપ્રદ માહિતી
(૧) બ્રિટિશ ફિલ્મની રિમેક : છોટી સી બાત ૧૯૬૦ની બ્રિટિશ કોમેડી સ્કૂલ ફોર સ્કાઉન્ડ્રેલ્સનું ઈન્ડિયન વર્ઝન છે. આ બ્રિટિશ કોમેડી ફિલ્મ સ્ટીફન પોટરની બુક ગેમ્સમેનશિપ પર આધારિત હતી.
(૨) ધર્મેન્દ્ર-હેમાના પોસ્ટર્સ : ફિલ્મના પોસ્ટર્સમાં રોમેન્ટિક જોડી ધર્મેન્દ્ર અને હેમા માલિનીને સ્થાન આપવામાં આવ્યું હતું. ઘણા દર્શકોને થયું કે, આ જોડી લીડ રોલમાં છે. પરંતુ, ફિલ્મ જોતા ખબર પડે કે, આ જોડી ફિલ્મની અંદરની ફિલ્મના સોંગ જાનેમન જાનેમનમાં જોવા મળી હતી.
(૩) ડિરેક્ટર-પ્રોડયુસર વચ્ચે ખેંચતાણ : પ્રોડયુસર બી.આર. ચોપરા ફિલ્મને કોમર્શિયલ હીટ બનાવવામાં માગતા હતા. આ માટે તેમણે ફિલ્મમાં કેબરે સોંગ, મેલોડ્રામા અને એક્શન ઉમેરવાનું સૂચન કર્યું હતું. પરંતુ બાસુ ચેટર્જી પોતાના આઈડિયા વિશે અડગ રહ્યા હતા. છેવટે, તેમના સિમ્પલ એન્ડ સોબર વિચારની જીત થઈ હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી.
(૪) ફીલ-ગુડ મ્યુઝિક : મ્યુઝિક ડિરેક્ટર સલિલ ચૌધરી અને ગીતકાર યેસુદાસની જોડીએ જાનેમન જાનેમન અને ન જાને ક્યું જેવા સુંદર ગીતો આપ્યા છે. જે ફિલ્મના હલકા-ફુલકા ટોનને જાણવી રાખે છે.
(૫) અશોક કુમાર અને વિદ્યા સિંહા : પ્રભાના રોલમાં વિદ્યા સિંહા અને કર્નલના રોલમાં અશોક કુમારની ભૂમિકાઓ ફિલ્મની હાઈલાઈટ્સ રહી હતી. અશોક કુમાર આ ફિલ્મના હીરો નહોતા પરંતુ, તેમનો રોલ દમદાર હતો.
ગોલ માલનો રામપ્રસાદ-
૧૯૭૦ના દાયકામાં ફિલ્મમેકર હૃષિકેશ મુખર્જીએ જોયું કે, મિડલ ક્લાસના વ્યક્તિની સેલેરી ઓછી અને જવાબદારીઓ વધારે છે. ઘરનું ભાડું, બાળકોનું શિક્ષણ અને વૃદ્ધ મા-બાપની દવાઓની સાથે નોકરીનું ટેન્શન. બોસને નારાજ કરવા મતલબ નોકરીથી હાથ ધોઈ નાખવા. તે સમયે બેરોજગારીનો દર પણ વધારે હતો. જેવી તેવી પણ નોકરી કરવી તે સમયની જરૂરિયાત હતી. અંદરથી આ માણસ ઈચ્છતો કે, રાજેશ ખન્ના જેવી લવ લાઈફ હોય અને બચ્ચનની જેમ દબંગાઈથી વાત કરી શકે. પરંતુ, ન તેની પાસે પૈસા હતા કે, તાકાત. આ સામાન્ય માણસનો સંઘર્ષ એટલે ગોલ માલ. આ ગોલ માલ એટલે આ...એ...ઔ...વાળી રોહિત શેટ્ટીની નહીં, પણ ઓરિજનલ ગોલ માલ કે જેમાં, હૃષિકેશ મુખર્જીએ રામપ્રસાદ દશરથપ્રસાદ શર્માના પાત્ર સાથે મધ્યમ વર્ગના આ પ્રશ્નોને ઉઠાવ્યા.
રામપ્રસાદ એટલે ઈમાનદાર પરંતુ. ડરપોક યુવાન. નોકરી માટે બોસ તેની સામે અસંભવ શરતો રાખે છે. જેમ કે, છોકરો સંસ્કારી હોય. મૂંછો રાખતો હોય, રમતગમતનો શોખ હોય પણ ગીતસંગીતનો નહીં. રામપ્રસાદ આ શરતોથી બિલકુલ વિપરીત હતો. ગીતસંગીતમાં રસ અને રમતગમતમાં જરાય નહીં. તે અમિતાભ જેવો દબંગ નથી કે બળવો કરે. એટલે છેવટે નોકરી બચાવવા માટે થોડી એક્ટિંગ કરે છે. એક તરફ, અમિતાભ કે જે ભ્રષ્ટ સિસ્ટમ સામે સીધી ટક્કર લે છે. હિંસા, વિદ્રોહ અને આક્રોશને માધ્યમ બનાવે છે. બીજી તરફ, રામપ્રસાદ કે જે એ સિસ્ટમમાં જ રહીને રસ્તો કાઢે છે. ઝઘડાની જગ્યાએ સ્ટ્રીટ સ્માર્ટનેસને હથિયાર બનાવે છે. તેની સાથે સાથે સેન્સ ઓફ હ્યુમરને જોડે છે. આ રોલ સાથે રામપ્રસાદ કહે છે કે, ઝઘડાથી બચો પરંતુ, ખોટું સહન ન કરો. યોગ્ય સમય અને શબ્દો શોધીને પોતાની વાત રજૂ કરો. ફિલ્મનો સંદેશ ટૂંકો અને ટચ છે. જેમ રામપ્રસાદનો ગીતસંગીતનો શોખ તેની ખૂબી બનીને સામે આવે છે તેમ તમે પણ પોતાની ખૂબીને છૂપાવો નહીં. તેને જીવો.
ગોલ માલ વિશે રસપ્રદ માહિતી
(૧)શોર્ટ સ્ટોરી પરથી પ્રેરિત : ગોલ માલ હિંદી લેખક એસ. કે. પોટ્ટેક્કટની આશીર્વાદ નામની શોર્ટ સ્ટોરીથી પ્રેરિત હતી. હૃષિકેશ મુખર્જીએ તેને કોમેડી ઓફ એરર્સ સાથે મજેદાર બનાવી દીધી હતી.
(૨)અમોલ પાલેકરનો ડબલ રોલ : અમોલ પાલેકરે રામ પ્રસાદ અને તેના ભાઈ લક્ષ્મણ પ્રસાદનો રોલ ખૂબ સુંદર રીતે ભજવ્યો હતો. એક રોલ માટે ક્લીનશેવ અને બીજા માટે મૂંછોનો વિચાર ફની કેરેક્ટર માટે પરફેક્ટ હતો.
(૩)આર. ડી. બર્મનનું મ્યુઝિક : આર. ડી. બર્મન દ્વારા કમ્પોઝ કરવામાં આવેલ સાઉન્ડટ્રેકમાં આને વાલા પલ અને ગોલ માલ હૈ ભાઈ સબ ગોલ માલ હૈ...આઈકોનિક હિટ્સ રહ્યાં હતાં. ફિલ્મનું મ્યુઝિક તેની પ્લેફૂલ વાઈબને મેચ કરે છે.
(૪)કોઈ વિલન નહીં બસ મજા : સામાન્ય બોલિવુડ ફિલ્મોથી વિપરીત ગોલ માલમાં કોઈ સાચો વિલન નથી. કોમેડી ગેરસમજ અને ભવાની શંકરને ઈમપ્રેસ કરવાના રામના ગપ્પાઓમાંથી ઉદભવે છે.
(૫)યાદગાર હોકી સીન : હોકી મેચનો સીન કે જેમાં રામ નોકરીના ઈન્ટરવ્યુ માટે જવા માટે ઈજાનું નાટક કરે છે. તે ફિલ્મના યાદગાર કોમેડી સીનમાંનો એક છે. તેમાં અમોલ પાલેકરની અદભુત કોમિક ટાઈમિંગ જોવા મળે છે.
(૬) ઉત્પલ દત્તનો આઈકોનિક રોલ : મૂછ પ્રેમી ભવાની શંકરના રોલમાં ઉત્પલ દત્તની ભૂમિકા ફિલ્મની હાઈલાઈટ્સમાંની એક છે. પારંપરિક મૂલ્યો પ્રત્યે લગાવ અને નવી ટ્રેન્ડ્સ માટે તિરસ્કાર તેમને સામાન્ય માણસ સાથે જોડે છે.
(૭) અનેક રિમેક માટે પ્રેરણા : ગોલ માલએ અન્ય ભારતીય ભાષાઓની ફિલ્મોને પ્રેરણા આપી છે. જેમાં, રજનીકાંતના લીડ રોલ સાથેની તમિલ ફિલ્મ થિલ્લુ મુલ્લુ (૧૯૮૧) અને કન્નડ ફિલ્મ આસેગોબ્બા મીસેગોબ્બા (૧૯૯૦) સામેલ છે. ગોલ માલને અત્યાર સુધીની સૌથી બેસ્ટ હિંદી કોમેડી ફિલ્મોમાંની એક માનવામાં આવે છે.
ફિલ્મ છોટી સી વાત (૧૯૭૬)
ડિરેક્ટર બાસુ ચેટર્જી
પ્રોડયુસર બી.આર. ચોપડા
સ્ટોરી બાસુ ચટર્જી
મુખ્ય કલાકાર અમોલ પાલેકર, વિદ્યા સિન્હા, અશોકકુમાર, અસરાની
સંગીતકાર સલીલ ચૌધરી
ગીતકાર યોગેશ
ગાયક લતા મંગેશકર, યેસુદાસ, કિશોરકુમાર
ફિલ્મ ગોલમાલ (૧૯૭૯)
ડિરેક્ટર હૃષિકેશ મુખર્જી
પ્રોડયુસર એન.સી. સિપ્પી
સ્ટોરી હૃષિકેશ મુખર્જી, સચિન ભૌમિક
મુખ્ય કલાકાર અમોલ પાલેકર, ઉત્પલ દત્ત, બિંદિયા ગોસ્વામી
સંગીતકાર આર.ડી. બર્મન
ગીતકાર ગુલઝાર
ગાયક કિશોરકુમાર, લતા મંગેશકર


