Get The App

અમોલ પાલેકર : ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
અમોલ પાલેકર : ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ 1 - image

- અમોલ પાલેકર એક્ટર તો પછી બન્યા. મૂળ તો તેઓ પ્રતિભાશાળી ચિત્રકાર હતા. એમણે બોલિવુડના હીરોની પ્રચલિત માન્યતાઓનો ભુક્કો બોલાવી દીધો 

રોહિત ટ્ટીની સુપર હિટ કોમેડી ફ્રેન્ચાઇઝને આજનું ઓડિયન્સ ખૂબ એન્જોય કરતું આવ્યું છે. યુવા પેઢીએ કદાચ ઓરિજિનલ 'ગોલમાલ' (૧૯૭૯) જોઈ નથી. આવો, આ ફિલ્મમાં બેવડી ભૂમિકા ભજવીને હાસ્યના ફુવારા ઉડાડનારા અમોલ પાલેકર વિશે થોડું જાણીએ. અમોલ પાલેકર તો કહે છે કે ભાઇ હું તો  અકસ્માતે જ અભિનેતા બની ગયો છું. મારા કુટુંબમાં દૂર દૂર કોઇ રંગમંચ કે ફિલ્મો સાથે સંકળાયેલું નથી. મારાં માતાપિતા સુહાસિની અને કમલાકર પાલેકર સામાન્ય પરિવારનાં હતાં. મેં એસએસસીની પરીક્ષા પાસ કરી ત્યારે તેમને કહ્યું હતું કે મને ચિત્રકળાનો ખૂબ શોખ હોવાથી ફાઇન આર્ટસનો કોર્સ કરવાની ઇચ્છા છે. જોકે મને મારાં માતાપિતાએ સમજાવીને કહ્યું હતું કે બેટા, તારે આખી જિંદગી મહેનત અને સંઘર્ષ કરવાં હોય તો જ તું આવો કોર્સ કરજે. આમ છતાં તારાં મન-હૃદયમાં જે ઇચ્છા હોય અને જે કળામાં શોખ હોય તેમાં જરૂર આગળ વધજે. અમે તારી સાથે છીએ.બહુ ઓછાં મા-બાપ તેના સંતાનની ઇચ્છાને આવું સન્માન આપતાં હોય છે.

સમય જતાં અમોલ પાલેકરે તેનો ચિત્રકળાનો શોખ પૂરો કરવા મુંબઇની પ્રતિષ્ઠિત જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં અભ્યાસ કર્યો. ચિત્રકળાના ક્ષેત્રમા ંઆગળ વધવા દિવસે ક્લાર્કની નોકરી કરતો અને રાત્રે મનગમતાં ચિત્રો દોરતો. એક તબક્કે અમોલ પાલેકરે તેમનાં ચિત્રોનાં પ્રદર્શનો પણ યોજ્યાં હતાં.

બીજી બાજુ, અમોલ પાલેકર તેની ગર્લફ્રેન્ડ અને નાટકોની અભિનેત્રી ચિત્રા સાથે હિન્દી નાટકોના મોટાગજાના દિગ્દર્શક સત્યદેવ દુબેની મુલાકાત થઇ. સત્યદેવ દુબેએ અમોલ પાલેકરને નાટકોમાં અભિનય કરવાની પ્રેરણા આપી. ખરેખર અમોલ પાલેકરે ચૂપ, કોર્ટ ચાલુ હૈ નામના નાટકથી તેની અભિનય કારકિર્દી શરૂ કરી. પહેલાં જ નાટકમાં અમોલ પાલેકરના અભિનયની પ્રસંશા થઇ અને અમુક અખબારોએ તેની નાંધ પણ લઇને તેને અભિનંદન પણ આપ્યાં.

અમોલ પાલેકરે  સમય જતાં મરાઠી નાટકોમાં પણ અભિનય કર્યો. હિન્દી ફિલ્મોના જાણીતા દિગ્દર્શક બાસુ ચેટરજી અવારનવાર મરાઠી નાટકો જોવા જતા હોવાથી તેમણે અમોલ પાલેકરનો સંપર્ક કર્યો. શરૂઆતમાં તો બાસુ ચેટરજીએ તેમની ફિલ્મ 'પિયા કા ઘર'માં  જયા ભાદુરી સાથે કામ કરવા અમોલ પાલેકરનો સંપર્ક સાધ્યો હતો પરંતુ કોઇક કારણસર અમોલે ના પાડી હતી.આમ છતાં બાસુ ચેટરજીએ તેમની બીજી ફિલ્મ રજનીગંધા માટે અમોલ પાલેકરને મનાવી લીધો.રજનીગંધા અમોલ પાલેકર અને વિદ્યા સિંહા બંને માટે પહેલી હિન્દી ફિલ્મ હતી પરંતુ આ ફિલ્મની સુપરહીટ સફળતાએ બોલિવુડનાં સમીકરણો બદલી નાખ્યાં. બોલિવુડની ઝાકઝમાકને બદલે રજનીગંધામાં અમોલ પાલેકરના અભિનયમાં દર્શકોને સમાજના સીધા, સરળ અને હસમુખા માનવીનાં દર્શન થયાં.પોતાપણું લાગ્યું. અમોલ પાલેકર નામના  નવા અને પ્રતિભાશાળી અભિનેતાનો ઉદય થયો. 

ત્યાર બાદ અમોલ પાલેકરે છોટી સી બાત, ચિત્તચોર, બાતોં બોતો મેં અને ગોલમાલ જેવી સપરિવાર માણવાલાયક ફિલ્મોમાં મજેદાર અભિનય કરીને દર્શકોનાં મન-હૃદય જીતી લીધાં. ગોલમોલ ફિલ્મમાં હળવી પણ મગજમાં ઘંટડી વાગે તેવી હાસ્યપ્રધાન બેવડી  ભૂમિકા ભજવીને અમોલ પાલેકરે સુપરહીટ સફળતા મેળવી. સાથોસાથ ગોલમાલ(૧૯૭૯)ના શ્રેષ્ઠ અભિનય માટે તેને ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો.