એમી વિર્ક : હું મારી ક્ષમતા સાબિત કરીશ જ!
- 'ફિલ્મની સફળતામાં વધઘટ થાય છે, પરંતુ કલાકારની પ્રતિભામાં કોઈ ફરક પડતો નથી. બસ, રેટ ઉપર-નીચે હો જાતા હૈ. મુંબઈ ફિલ્મોદ્યોગ મારી ક્ષમતા અને ગુણવત્તા બન્ને જાણે છે.'
'અબ સિનિયર જૈસી ફિલિંગ આ રહી હૈ', એમ કહેતા અભિનેતા એમી વિર્કે તેની કારકિર્દીના દસ વર્ષ પૂરા કર્યાં છે. એને જે પ્રેમ મળી રહ્યો છે એ માટે આભાર વ્યક્ત કરે છે. ૩૩ વર્ષના આ અભિનેતાએ તેની કારકિર્દી એક ગાયક તરીકેની શરૂ કરી હતી. ગાયક-અભિનેતા એમી વિર્કને મૂળભૂત તો સદાબહાર ગાયક કિશોરકુમારે અભિનય કરવાની પ્રેરણા આપી છે.
બોલિવુડમાં એક દાયકો વિતાવ્યો એ બદલ અને તેની ફિલ્મો પણ સફળ રહી એ માટે ગર્વ અનુભવે છે. બોક્સ ઓફિસ પરની સફળતા માટે એમી કહે છે, 'તમારે બોલિવુડમાં પગપેસારો કરવો હોય તો કારકિર્દીના પ્રારંભમાં તો કેટલીક સારી ફિલ્મો આપવી જ પડે. સદ્ભાગ્યે મારી ફિલ્મો અંદર સારી રહી. એક પછી એક હિટ ફિલ્મો ઉપરાંત, આજે પણ મારી સફળતાનો ગુણોત્તર ૮૦-૮૫ ટકા છે. જે દુર્લભ છે. હું સતત વિકાસ પામ્યો છું. અને મેં એવી ફિલ્મો પણ કરી છે, જે સામાન્ય રીતે પંજાબી સિનેમા સાથે જોડાયેલી નથી.'
દિલજિત દોસાંજ અને એમી જેવા સ્ટાર્સ સાથે પંજાબી કલાકારોએ સમગ્ર ભારતમાં પોતાની હાજરી દેખાડી છે. આજે તેઓ બોલિવુડમાં ખીલી રહ્યા છે. એમીને આ પરિવર્તન માટે પૂછો તો એ કહે છે, 'હવે બોલિવુડમાં ફક્ત સરદાર નહીં, પણ હીરોની ભૂમિકા ભજવવા માટે અમારો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. એક દાયકા કે તેથી વધુ સમય પહેલા હિન્દી ફિલ્મોમાં સરદારનો ઉપયોગ ફક્ત કોમેડી અથવા ઠઠ્ઠામશ્કરી કરનારા પાત્ર તરીકે થતો હતો.' આ સંદર્ભે જ્યારે પ્રશ્ન કરાયો કે શા માટે આવી એકમાત્ર છબી બતાવવામાં આવે છે? એમી કહે છે, 'સમય વિતતા નિર્માતાઓને પંજાબી સ્ટાર્સની ક્ષમતાનો અહેસાસ થયો અને તેમણે વાસ્તવિક સરદારોને કાસ્ટ કરવાનું શરૂ કર્યું, જે ઓથેન્ટિક દેખાય. એનું ઉત્તમ ઉદાહરણ છે, 'એનિમલ ' (૨૦૨૩). દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાન્ગા રણબીર કપૂરના પિતરાઈ ભાઈઓને પંજાબના કલાકારો તરીકે કાસ્ટ કર્યાં છે. આજના લેખકો અને દિગ્દર્શકો બોલિવુડની જેમ વિચારતા નથી. તેઓ વાસ્તવિકતાની નિકટ જવા માટે દોટ લગાવી રહ્યાં છે. તેઓ એવું પણ ઈચ્છે છે કે ઐસે કેરેક્ટર્સ સે ઉસ રિજન કી ખુશ્બો આયે.'
પંજાબીથી વિપરિત એમની હિન્દી ફિલ્મો હીટ રહી નથી. 'ભૂજ : ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા' (૨૦૨૦) અને '૮૩' (૨૦૨૧) સારો દેખાવ કરી શકી નથી. આ ઉપરાંત તેની તાજેતરમાં રિલીઝ થયેલી 'બેડ ન્યૂઝ' અને 'ખેલ ખેલ મેં' (બંને ૨૦૨૪) ફિલ્મ પણ સરેરાશ રહી છે. આમ છતાં એમી આત્મવિશ્વાસથી ભરપૂર છે.
'મુંબઈ ફિલ્મોદ્યોગ મારી ક્ષમતા અને ગુણવત્તા જાણે છે. મારી રિલીઝનો સમય મુશ્કેલ હતો, પરંતુ જો તક આપવામાં આવે તો હું મારી જાતને સાબિત કરીશ. ફિલ્મની સફળતામાં વધઘટ થાય છે, પરંતુ કલાકારની પ્રતિભામાં કોઈ ફરક પડતો નથી. બસ રેટ ઉપર-નીચે હો જાતા હૈ,' એમ કહીને એમી વિર્ક વાતચીતનું સમાપન કરે છે.