Get The App

અમિતાભ બચ્ચનનું ટાઇમ ટ્રાવેલ જુવાની વાહન છે, તો બુઢાપો સ્પ્રીડબ્રેકર છે

Updated: Sep 4th, 2025

GS TEAM

Google News
Google News
અમિતાભ બચ્ચનનું ટાઇમ ટ્રાવેલ જુવાની વાહન છે, તો બુઢાપો સ્પ્રીડબ્રેકર છે 1 - image


- સમય સામે સુપરસ્ટાર પણ લાચાર

૮૨મા વર્ષે પણ અમિતાભ બચ્ચન ભારતીય સિનેમામાં સૌથી ચિરસ્થાયી વ્યક્તિત્વ પૈકી એક છે. તેમની પ્રભાવશાળી ઉપસ્થિતિ, ગૂંજતો ઊંડો અવાજ અને બેજોડ કારકિર્દીએ તેમને બોલિવુડના શહેનશાહની ઉપાધિ અપાવી છે. પણ પડદાની ચમકદમકથી પેલે પાર, બચ્ચન હમેંશા જીવન વિશે ઊંડાણપૂર્વક ચિંતન કરતા રહ્યા છે અને અવારનવાર પોતાના ખાનગી બ્લોગ દ્વારા પ્રશંસકો સાથે પોતાના વિચાર શેર કરતા રહ્યા છે. 

૧૭મી ઓગસ્ટે રવિવારે પોતાના મુંબઈ સ્થિત નિવાસની બહાર પ્રશંસકો સાથે મેળાપ કર્યા પછી બચ્ચને પોતાના બ્લોગ પર શેર કર્યું કે કેવી રીતે વધતી વયએ તેમના દૈનિક જીવન પર અસર કરી છે.  બ્લોગમાં જે સામે આવ્યું તે એક સુપરસ્ટારના શારીરિક સંઘર્ષોનો ચિતાર હોવા ઉપરાંત એક કડવું સત્ય પણ ઉજાગર કરે છે કે કોઈ ગમે તેટલું શક્તિશાળી હોય અથવા વિશેષાધિકાર પ્રાપ્ત હોય, સમય કોઈની દયા નથી રાખતો.

પોતાની પોસ્ટમાં બચ્ચને સ્વીકાર કર્યો છે કે જે સાધારણ કામ પહેલા સરળ લાગતા હતા, હવે તેના માટે સભાન પ્રયાસ અને સાવધાની રાખવી પડે છે. બચ્ચને જણાવ્યું કે કેવી  રીતે તેમણે નિયમિત ગતિવિધિઓ દરમ્યાન પોતાને સ્થિર રાખવા માટે પોતાના ઘરમાં હેન્ડલ બાર લગાડવા પડયા છે. કાગળનો ટુકડો ઉપાડવા માટે વાંકા વળવું અથવા પેન્ટ પહેરવા જેવા કાર્યો જે ક્યારેક સામાન્ય લાગતા અને જેના પર ધ્યાન આપવું પણ મુશ્કેલ હતું તેના માટે હવે સાવધાનીપૂર્વક યોજના બનાવવી પડે છે.

બચ્ચન આગળ લખે છે કે શરીર ધીરે-ધીરે પોતાનું સંતુલન ગુમાવે છે અને તેને નિયંત્રિત કરવા અને સુધારવા માટે પ્રયાસો કરવા પડે છે. બચ્ચને ભારપૂર્વક જણાવ્યું કે યોગા, પ્રાણાયામ અને ગતિશીલતા પ્રશિક્ષણ તેમની દિનચર્યાનો અનિવાર્ય હિસ્સો બની ગયા છે. દવાઓ પણ તેમના કામની જેમ તેમના જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગઈ છે, જે તેમને રોજ યાદ અપાવે છે કે વય માત્ર એક સંખ્યા નથી, પણ એક વાસ્તવિકતા પણ છે જેની સાથે તાલમેલ રાખવું જરૂરી છે.

વાચકોને સિનેમાના સૌથી મજબૂત વ્યક્તિત્વની શારીરિક નબળાઈ જ નહીં, પણ જે વિનમ્રતા સાથે તેમણે આ પડકારો સ્વીકાર્યા છે તે પણ પ્રભાવિત કરે છે. બચ્ચન કબૂલ કરે છે કે કેટલીક દિનચર્યા જે અગાઉ હતી, તેને હવે ફરી શરૂ કરવી આસાન પડશે તેવી તેમની માન્યતા હતી,  પણ એવું નથી થતું. બચ્ચનની લાક્ષણિક સ્પષ્ટવક્તાને કારણે આ પોસ્ટ જેટલી ગંભીર હતી જ તેટલી આકર્ષક પણ બની.

બચ્ચન કાયમ પોતાના ગંભીર મંતવ્યોને હળવી ટિપ્પણીઓ સાથે સંતુલિત કરતા હોય છે અને આ પોસ્ટ પણ તેમાં કોઈ અપવાદ નહોતી. બચ્ચને જણાવ્યું કે કેવી રીતે વાચકો તેની ફરિયાદોની હાંસી ઉડાવશે, પણ હમણા નહિ તો પછી, પ્રત્યેક જણે જીવનમાં આ વાસ્તવિકતાનો સામનો કરવો પડશે. બચ્ચન એક વાલીની અદાથી તાકીદ  કરે છે કે યાદ રહે, આવું આપણી તમામ સાથે બનશે.

એક જગ્યાએ બચ્ચન રમૂજી રીતે યાદ કરે છે કેવી રીતે ડોક્ટરોએ તેને બેસીને પેન્ટ પહેરવાની સલાહ આપી. પ્રારંભમાં તેમણે આ સૂચનને અવિશ્વાસ સાથે ફગાવી દીધું, પણ પછી અહેસાસ થયો કે તેઓ કેટલા સાચા હતા. બચ્ચને કબૂલ કર્યું કે એક સાધારણ કાર્ય જે સહજ રીતે થોડું વહેલું આવ્યું તેમાં હવે ભારે સાવધાની રાખવી પડે છે. મારે ખુદને કહેતા રહેવું પડે છે કે બેટા, હેન્ડલ બારનો ઉપયોગ કર, તારે બધે તેની જરૂર પડશે! આ વાત તેમની કબૂલાતમાં ઉદાસીનતાની સાથે જીવનના કટાક્ષ સામે હસવાની તેમની ક્ષમતા પણ ઉજાગર કરે છે.

આ રમૂજમાંથી કદાચ બચ્ચનને સહાનુભૂતિ મેળવ્યા વિના વૃદ્ધત્વના સંઘર્ષો વ્યક્ત કરવાની શક્તિ મળે છે. બચ્ચનના આ રમૂજ પાછળ એક અભૂતપૂર્વ આધ્યાત્મિક અભિગમ રહેલો છે. બચ્ચન વૃદ્ધત્વના બણગા નથી ફૂંકતા તેમજ તેની ઉપેક્ષા પણ નથી કરતા. તેના સ્થાને તેઓ તેને એક કુદરતી ક્રમ તરીકે ગણાવે છે જેની શરૂઆત આપણા જન્મ સાથે જ થઈ જાય છે. બચ્ચન લખે છે કે આ વિશ્વમાં આપણા પ્રવેશ સાથે જ આપણી ઊંધી ગણતરી શરૂ થઈ જાય છે. આ ટ્રેન્ડ આપણા જન્મ સમયે જ શરૂ થાય છે.

બચ્ચન કહે છે કે યુવાવસ્થા પૂરપાટ દોડતા વાહન જેવી છે અને ઉંમર આપણને બળજબરીપૂર્વક ધીમા પડવાની ફરજ પાડતા સ્પીડબ્રેકર જેવી છે! તેમની  દ્રષ્ટિએ યુવાની સાહસ અને ગતિશીલતાનું પ્રતીક છે, જ્યારે વય તકેદારી, સાવધાની, મનોમંથન અને આપણા અસ્તિત્વની ગતિ સંભાળતા શીખવા બાબતે છે.

તેમના વિચારોમાં એવી વ્યક્તિના ડહાપણનો પડઘો પડે છે જેણે અંગત અને વ્યાવસાયિક સિદ્ધિઓ અને નિષ્ફળતાઓને વચ્ચે સમાન વલણ રાખ્યું હોય. મૃત્યુની નજીક પહોંચેલા અનુભવથી લઈને તેમની કારકિર્દીમાં કુખ્યાત નબળા તબક્કાથી લઈને ટીવીના લોકપ્રિય ક્વીઝમાસ્ટર અને સિનેમાના વયસ્ક કલાકાર સુધી બચ્ચનનું જીવન તેમની દ્રઢતાનો પુરાવો રહ્યું છે. બચ્ચન માટે વૃદ્ધ થવું એક નવો પડકાર માત્ર છે, જેના પર વિજય તો નથી મેળવી શકાતો, પણ તેને શાલીનતાથી અપનાવી શકાય છે.

રસપ્રદ બાબત છે કે બચ્ચને પોતાના કેટલાક મંતવ્યો પર પુત્રી શ્વેતા બચ્ચન નંદાનો પ્રભાવ હોવાનું કબૂલ્યું છે. તેમણે જાણકારી આપી કે કેવી રીતે તેના દ્વારા દિવ્ય મંત્રેચ્ચાર શેર કરવાથી તેઓ ચિંતનના માર્ગે ચાલ્યા હતા. અત્યંત સુંદર એવા આ મંત્રોએ તેમને જીવનની ક્ષણભંગુરતા અને નશ્વરતાની યાદ અપાવી હતી.

પડદા પર જેમનું વ્યક્તિત્વ શક્તિનું પ્રતીક બન્યું હતું પછી તે ૭૦ના દાયકાનો ઉત્સાહી નાયક વિજય હોય, અથવા તો તાજેતરના વર્ષોમાં સમજદાર પિતા હોય, આવી કબૂલાતો તેમની માનવતા ઉજાગર કરે છે. તેમાં વધતી વયની કડવી વાસ્તવિકતા નરમ પડવા માટે પરિવાર  અને આધ્યાત્મિકતાની ભૂમિકા હોવાનો પણ સંકેત મળે છે.

શારીરિક ક્ષમતા મર્યાદિત થઈ હોવા છતાં અમિતાભ બચ્ચને જાહેર નજરોમાંથી પાછળ હટવાના કોઈ ચિહ્નો નથી દેખાડયા. તેમનું વ્યાવસાયિક સમયપત્રક તેમનાથી અડધી વયના કલાકારો કરતા પણ વધુ વ્યસ્ત છે.

અમિતાભ હવે રિભુ દાસગુપ્તાના કોર્ટરૂમ ડ્રામા 'સેક્શન ૮૪'માં ડાયેના પેન્ટી, નિમ્રત કૌર અને અભિષેક બેનર્જી સાથે કામ કરશે. તેઓ નાગ અશ્વિનની સાય-ફાય 'કલ્કી ૨૮૯૮ એડી'ની સિક્વલમાં અશ્વત્થામાની ભૂમિકા પણ નિભાવશે જેમાં તેઓ પ્રભાસ, દીપિકા પાદુકોણે અને કમાલ હસન જેવા ઉદ્યોગના અગ્રણીઓ સાથે સ્ક્રીન શેર કરશે.

દરમ્યાન બચ્ચન કૌન બનેગા કરોડપતિની સીઝન ૧૭ના સંચાલનમાં વ્યસ્ત છે. તાજેતરના એક એપિસોડમાં તેમણે ઓપરેશન સિંદૂરની માહિતી આપનાર સૈન્ય અધિકારીઓ કોલ. સોફિયા કુરેશી અને ડબ્લ્યુ સી વ્યોમિકા સિંઘને આવકાર્યા હતા અને ફરી એકવાર અર્થસભર વાર્તાલાપ સાથે મનોરંજનના સંતુલનમાં તેમની ક્ષમતા સાબિત કરી.

બચ્ચન માટે કાર્ય એક પ્રતિબદ્ધતા હોવા ઉપરાંત જીવન અને લોકો સાથે જોડાયેલા રહેવાનું માધ્યમ પણ છે. તેનાથી તેઓ વધતી વય શરીર પર નવી મર્યાદા લાદતી હોય ત્યારે પણ પ્રાસંગિક, વ્યસ્ત અને ઊર્જાસભર રહી શકે છે.

૮૨ વર્ષની વયે પણ બચ્ચન જે હતા તે જ રહ્યા છે. એક સુપરસ્ટાર હોવા ઉપરાંત તેઓ એક અચ્છા વાર્તાકાર, ફિલોસોફર અને ખા તો જીવનના સૌથી અનિવાર્ય બોધપાઠ શીખવનારા શિક્ષક છે.

Tags :