- શહેનશાહ હજી પણ સિક્સર મારવામાં માહિર
- બચ્ચનની ઓનલાઈન હાજરી ભલે કાયમ બોલકી ન હોય, પણ તેમની નિરંતરતા શાતા આપે છે. તેમના ચાહકો તેમની ઓનલાઇન પ્રેઝન્સ માટે તરસતા હોય છે.
અમિતાભ બચ્ચન માત્ર એક સ્ટાર નથી. તે ખરેખર તો એક સિતારો છે, જે આટલા ચમકારા પછી પણ ઝાંખો પડયો નથી. જે દેશમાં લોકપ્રિયતા રાજકીય વચનો કરતા પણ વધુ ઝડપે ઝાંખી પડી જાય છે તેમાં અમિતાભ સાંસ્કૃતિક સાતત્ય છે. અમિતાભ બચ્ચનનું મહત્વ દાયકાઓ દરમ્યાન બદલતી રુચિઓ, ટેકનોલોજી અને પેઢીઓ વચ્ચે ટકી રહેવા, નવેસરથી પોતાની છબી ઘડવા અને સુસંગત રહેવાની તેમની ક્ષમતામાં સમાયેલું છે.
એક અવાજ જેણે યુગ બદલી નાખ્યો
૧૯૭૦ના દાયકામાં જ્યારે દેશ રાજેશ ખન્નાના સ્વપ્નીલ કરિશ્મામાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અમિતાભ બચ્ચનનો ઘેરો અવાજ ગૂંજી ઉઠયો. તે માત્ર એક અવાજ નહોતો, પણ એક આદેશ હતો. સલીમ-જાવેદનું એન્ગ્રી યંગ મેનનું વ્યક્તિત્વ એક સિનેમેટીક પાત્રથી ઘણુ આગળ નીકળી ગયું,
પછડાટ પછી ફરી બેઠા થવાની ક્ષમતા
પોતાના મૂળ વ્યક્તિત્વ સાથે જોડાયેલા રહીને નવો ઓપ આપવાની અદ્ભુત ક્ષમતા અમિતાભ બચ્ચનને અન્ય સ્ટાર્સથી અલગ તારવે છે. અમિતાભ તમામ તબક્કામાંથી પસાર થઈ ચુક્યા છે, એક ઉત્સાહી હીરો, નિષ્ફળ રાજકરણી, નાદાર નિર્માતા, આઈકોનિક ક્વીઝ શોના સંચાલક અને મીમના ફિલોસોફર પણ તેઓ રહી ચુક્યા છે. તેમની કંપની એબીસીએલનું પતન દેશના મધ્યમ વર્ગ માટે નાણાકીય અનુશાસનની વાસ્તવિક ચેતવણી હતી. બદલાયેલી શૈલી સાથે ફીકા પડી ગયેલા તેમના સમકાલિન કલાકારોથી વિપરીત અમિતાભ બચ્ચને સ્વયંને નવો ઓપ આપ્યો, પડછાટોને બોધપાઠમાં તેમજ કમબેકને સીમાચિહ્નમાં પરિવર્તિત કરી દીધા.
રાષ્ટ્રને આદર્શ પૂરો પાડયો
ભારત તેના આદર્શવાદી નેતાઓ ગાંધીજી, નહેરુ, નેતાજીનો અત્યંત આદર કરે છે અને અમિતાભે પડદા પર આ આદર્શને આબેહૂબ દર્શાવ્યો. અગ્નિપથમાં ક્રોધ કરતા હોય, કે શક્તિમાં રક્ષા કરતા હોય અથવા તો રાજનીતિમાં ભૂલો કરતા હોય, તેમણે ભારતીયોને જેની કાયમ ઝંખના રહેતી હોય છે તેવી કઠોર પણ આશ્વાસ્ત કરનારી, ત્રુટીયુક્ત પણ ગરિમામય પુરુષપ્રધાન હાજરીને આબેહૂબ સાકાર કરી. લાખો લોકો માટે તે પ્રતીકાત્મક પિતા સમાન બની ગયા જેનાથી ભય પણ હતો અને છતાં આદરણીય પણ હતા.
અરાજકતા વચ્ચે સ્થિરતા
૮૩ વર્ષની વયે પણ અમિતાભ પોતાના દર્શકોથી ગાઢ રીતે જોડાયેલા રહ્યા છે. તેઓ વિચિત્ર રીતે મોટા અક્ષરોમાં ટ્વીટ કરે છે, રોજ બ્લોગિંગ કરે છે અને દર રવિવારે પોતાના નિવાસ જલસાની બહાર પ્રશંસકો સાથે મુલાકાત કરે છે. તેમની ઓનલાઈન હાજરી ભલે કાયમ સાર્થક ન હોય, પણ તેમની નિરંતરતા શાતા આપે છે. તેમના દર્શકો સુસંગતિ નથી ઈચ્છતા પણ તેમની ઉપસ્થિતિ માટે તરસતા હોય છે.
બચ્ચન અટકની વિરાસત
બચ્ચન અટકની વિરાસતમાં જ ક્રાંતિના મૂળ રહ્યા છે. તેમના પતિ, કવિ હરિવંશરાય બચ્ચને ભારતની જડ જાતિવાદી પ્રથાના વિરોધમાં તેમની જાતિ સાથે સંકળાયેલી અટક શ્રીવાસ્તવ ત્યજી દીધી અને બચ્ચન અટક અપનાવી દીધી. અમિતાભનું નામકરણ પણ અગાઉ ઈન્ક્લાબ તરીકે થવાનું હતું, જેમાં હરિવંશરાયની ક્રાંતિકારી ભાવના સમાવિષ્ટ હતી. બચ્ચન અટક આગળ ધપાવીને અમિતાભે માત્ર એક નામ જ નહિ પણ વ્યક્તિત્વ અને સમાનતામાં મૂળ ધરાવતી વિચારધારા પણ વિરાસતમાં મેળવી.
સંઘર્ષથી સ્ટારડમ
અમિતાભની સફર અવરોધ રહિત નહોતી. જાવેદ અખ્તર યાદ કરે છે કે અગિયાર સતત નિષ્ફળ ફિલ્મો પછી માત્ર જયા ભાદુરી અને ઋષિકેશ મુખર્જીને જ તેમની ક્ષમતામાં પૂરો ભરોસો હતો. નિષ્ફળ ગયેલી ફિલ્મોમાં પણ તેમની પ્રતિભા આંખે વળગતી હતી, જાણે કોઈ નિષ્ક્રિય જ્વાળામુખી વિસ્ફોટની રાહ જોઈ રહ્યો હોય. અમેરિકાની નાઈટક્લબમાં પ્રવેશ મેળવવા વૈભવી કાર ભાડે લઈને હાથમાં સિગાર પકડવા જેવી તેમની પ્રારંભિક વર્ષોની ઘટનાઓ અમિતાભ સુપરસ્ટાર બન્યા તે પહેલાની મક્કમતા અને ચતુરાઈ દર્શાવે છે.
પરિવાર, શોમેનશિપ અને બુદ્ધિચાતુર્ય
સ્ક્રીન પર અને સ્ક્રીનની બહાર અમિતાભ શાલિનતા સાથે રમૂજનું સંતુલન કરે છે. લાંબા સમયથી ચાલતા તેમના શો 'કૌન બનેગા કરોડપતિ'એ તેમની લોકપ્રિયતા ફરી સ્થાપિત કરવા ઉપરાંત તેમને એક બુદ્ધિમાન અને સહેલાઈથી મળી શકાય તેવા ગુરુ તરીકે દર્શકોની નજીક લાવ્યા છે. જયા બચ્ચને રમતિયાળ રીતે શોનું સંચાલન કરીને તેમના પર તીખા સવાલોનો મારો ચલાવ્યો તેવા ઉદાહરણોમાં તેમના અતૂટ સહયોગ અને અમિતાભની નબળાઈઓ છતી થઈ હતી. તેમના સંતાનો અભિષેક અને શ્વેતા, પૌત્રો હવે આ બચ્ચન અટક આગળ તો ધપાવશે, પણ અમિતાભ જ એક છે જેઓ હજી પરિવારનું કેન્દ્ર રહ્યા છે.
આધુનિક સમયમાં સુસંગતતા
આજે પણ અમિતાભ બચ્ચન 'કલ્કી ૨૮૯૮ એડી' અને 'સેક્શન ૮૪' જેવા મોટા બજેટના પ્રોજેક્ટોમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે ઉપરાંત 'વેટ્ટાયન'થી તમિલમાં ડેબ્યુ પણ કરી રહ્યા છે. હેલમેટ સલામતીને પ્રોત્સાહન આપવા જેવા સામાજિક કાર્યોમાં તેમની સક્રિયતા સિનેમાના એક જવાબદાર વરિષ્ઠ આગેવાન તરીકેની તેમની છબીને વધુ મજબૂત બનાવે છે. તાજેતરમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડી શોએબ અખ્તરે અભિષેક શર્માની બદલે અભિષેક બચ્ચનનો ઉલ્લેખ કરતા અમિતાભે ચતુરાઈપૂર્વક આ છબરડાને રાષ્ટ્રીય પંચલાઈન બનાવી દીધી હતી. અમિતાભની આ હાજરજવાબી તેમની બુદ્ધિમતાની સાબિતી પૂરે છે.


