- વેલ્શમાં જન્મેલી અને ઉછરેલી બનિતા સંધુએ પોતાનાં પંજાબી મૂળ જાળવી રાખ્યાં છે. અગિયાર વર્ષની વયથી એક્ટિંગ કરતી બનિતા ત્રણેય દેશમાં એક્ટિંગનો અનુભવ ધરાવે છે.
હિ ન્દી ટેલિવિઝન શોમાં તમે ઓક્ટોબર ફિલ્મ જુઓ કે સરદાર ઉધમ ફિલ્મ જુઓ અને તેમાં બનિતા સંધુને હિરોઇન તરીકે જુઓ તો સમજાય કે ધીમે ધીમે દુનિયા બદલાઇ રહી છે. નવી પેઢીની આ હિરોઇન બ્રિટિશ ઉછેરને કારણે એક ખાસ ઢબે નિખાલસ વાતચીત કરવા ટેવાયેલી છે. તે કોઇપણ વાતમાં મોણ નાંખ્યા વિના જે હોય તે તડ અને ફડ જણાવે છે. બનિતાએ એક મુલાકાતમાં તેના વેલ્શમાં જન્મથી માંડી ઓક્ટોબર અને સરદાર ઉધમ ફિલ્મમાં કામ કરવા સુધીની જાત જાતની વાતો તેની લાક્ષણિક શૈલીમાં કરી છે.
મારા માતા પિતા પ્રથમ પેઢીના બ્રિટિશ શીખ છે. અમે સાઉથ વેલ્શમાં કાર્લિયોન નામના ગોરાઓની બહુમતિ ધરાવતાં વિસ્તારમાં રહીએ છીએ. હું જ્યારે કાર્લિયોનમાં ઉછરતી હતી ત્યારે મને ટેલિવિઝન અને ફિલ્મોનું વળગણ હતું. મેં પછી એક દિવસ મારા માતાપિતાને બેસાડી જણાવ્યું કે હું અભિનેત્રી બનવા માંગું છુ.ં મારા નસીબ સારાં કે તેમણે મારી વાતને ગંભીરતાથી લીધી. મેં એક ઓડિશન એજન્સીમાં મારું નામ લખાવ્યું અને ૧૧ વર્ષની વયથી કામ કરવાનું શરૂ કરી દીધું. મને સૌ પ્રથમ બીબીસી શોમાં કામ મળ્યું હતું. પણ ૧૮ વર્ષે મારી કારકિર્દી ઝળકવા માંડી.
હું ગોરાઓના વિસ્તાર વેલ્શમાં મોટી થઇ છું પણ મેં મારાં પંજાબી મૂળ મારા પરિવાર થકી જાળવી રાખ્યા છે. અમે ઘરે મારી માએ બનાવેલું ભારતીય ખાણું લઇએ છીએ. જ્યારે તક મળે ત્યારે અમે બોલિવૂડની મૂવીઓ જોઇએ છીએ. મને અને મારી નાની બહેનને હમેંશા બોલિવૂડના ગીતો કે પંજાબી ગીતો પર ડાન્સ કરવાનું કહેવામાં આવતું. અમે અમારા પરિવાર માટે લિવિંગ રૂમમાં પરફોર્મન્સ આપતાં.
ભારતમાં કામ કરવાનું તકદીરના ખેલ સમાન છે. હું અગિયાર વર્ષની હતી ત્યારે મારા એજન્ટે મને ભારતમાં એક એડ કરવા માટે બુક કરી. આ એડ આઇપીએલની સિઝન દરમ્યાન શૂટ કરવામાં આવી. આ એડ પછી લોકો મને પૂછવા માંડયા કે હું ભારતમાં રહું છું કે કેમ અને ફિલ્મ ઉદ્યોગમાં કામ કરૂ છું કે કેમ. હું આ પહેલાં કદી ભારત આવી નહોતી. મને મારી માતૃભૂમિની મુલાકાત લેવાની તક મળી અને તે મેં ઝડપી લીધી. આ દરમ્યાન મને શૂજિત સરકાર સાથે બીજી એક એડ કરવા મળી. આ એડનું શૂટિંગ પુરૂ થયું કે શૂજિતે મને ઓક્ટોબર ફિલ્મ ઓફર કરી. બે-ત્રણ મિનિટની ચ્યુઇંગમની એડ માટે અમે દિલ્હીમાં પાંચ દિવસ સુધી શૂટિંગ કર્યું હતું. શૂજિત જેવા નિર્દેશક સાથે કામ કરવાનો મારો આ ઉત્તમ અનુભવ હતો. સારા નસીબે નિર્માતા અને શૂજિતને પણ મારું કામ ગમ્યું.
શૂટિંગના અંતે શૂજિતે મને ઓક્ટોબર ફિલ્મની પટકથાના અંશો બતાવ્યા. તેમાં એક નાનકડાં સુંદર સીનની વાત હતી. મેં તેમને કહ્યું કે આ તો કાવ્યાત્મક સીન છે. તેમણે મને કહ્યું કે તેઓ આવતાં વર્ષે આ ફિલ્મને શૂટ કરવા માંગે છે અને પૂછયું કે મને તેમાં કામ કરવામાં રસ છે. મેં દેખીતી રીતે જ હા પાડી. પણ મારે યુનિવર્સિટીમાં બીજા વર્ષનું ભણવા લંડન પાછાં જવું પડયુ. મને લાગ્યું કે હવે તેઓ મારો સંપર્ક નહીં કરે. પણ થોડાં મહિનાઓ બાદ તેમણે મને ફોન કરી તેમના નિર્માતા તરફથી મને વિધિસર ફિલ્મ ઓફર કરી. અમે તૈયારીઓ શરૂ કરી અને બીજા વર્ષે તો હું તેના શૂટિંગમાં ઓતપ્રોત બની ગઇ.
મને બ્રિટિશ સિરિઝ બ્રિજરટનની સિઝન થ્રીમાં પણ કામ કરવાની તક મળી છે. ભારતમાં મેં તાજેતરમાં જ ડિટેક્ટિવ શેરદીલ ફિલ્મ કરી છે. અમેરિકામાં મેં ગ્લોસી એડ પણ કરી છે. આમ મને ત્રણ દેશોમાં કામ કરવાનો અનુભવ છે. પણ ત્રણે દેશોમાં કામ કરવાની રીત જુદી જુદી છે. અમેરિકામાં કમર્શિયલ ગ્લોસી અને મોટાં બજેટના પ્રોજેક્ટ કર્યાં છે જ્યારે ભારતમાં મેં ઇન્ડિપેન્ડન્ટ અને કળા ફિલ્મના પ્રોજેક્ટ વધારે કર્યાં છે.
ભારતમાં ફિલ્મ બનાવવાની પ્રક્રિયા ઝડપી છે. મેં જોયું કે અમે પ્રોજેક્ટ ઝડપથી શૂટ કરી નાંખીએ છીએ. અમે ૩૦થી ૩૫ દિવસમાં તો ફિલ્મનું શૂટિંગ પુરૂ કરી દઇએ છીએ. પણ બ્રિટનમાં આરામથી કામ થાય છે. મને યાદ છે બ્રિજરટનમાં એક સીન શૂટ કરવામાં પાંચ દિવસનો સમય પણ લાગતો હતો. પરંતુ સેટ પર કોઇ પ્રકારનો ભેદભાવ જોવા મળતો નથી. બે શોટની વચ્ચે અમે પુસ્તકો વાંચતા હતા અને ડાન્સ પણકરી લેતાં હતા. શિયાળામાં અમે સાથે ઠંડાગાર થતાં હતા. આ તો ફરી સ્કૂલમાં જવા જેવો અનુભવ હતો. જ્યારે ભારતમાં ડિટેકટિવ શેરદિલ કરવાનો અનુભવ અલગ જ હતો. આમાં મારે મૂકબધિરની ભૂમિકા ભજવવાની હતી. મને કોચ પાસેથી સાઇન લેંગ્વેજ શીખવાની ખૂબ મજા આવી હતી. રત્ના પાઠક શાહ અને બમન ઇરાની જેવા એક્ટર સાથે સેટ પર કામ કરવાની મજા જ અલગ હતી. આ તો ફરી એક્ટિંગ સ્કૂલમાં ભણવા સમાન અનુભવ હતો...
વેલ સેઇડ, બનિતા!


