- સંજય વિ. શાહ
- ઓટીટી પર એ જસ્ટ અનધર સિરીઝ બનીને રહી જાય છે. કારણ, એમાં નાવીન્ય, પટકથા અને દિગ્દર્શનમાં હોવી જ જોઈએ એ જાદુઈ ઇફેક્ટ આમાંનું કશુંય નથી
કોર્ટરૂમ ડ્રામાની ફોર્મ્યુલા હોય છે. ખાસ કરીને જ્યારે એ નબળી કે સરેરાશ બનાવવી હોય ત્યારે. એમએક્સ પ્લેયર (આમ તો હવે પ્રાઇમ વીડિયો) પર ફોર્મ્યુલા આધારિત કોર્ટરૂમ ડ્રામા સિરીઝ 'અમર વિશ્વાસ' રિલીઝ થઈ છે. દસ એપિસોડની, પતી જાય ત્યારે સખત લાગતી, એની લંબાઈ છે. જોવાની લાલચ થવાનું એક અને માત્ર એક કારણ એ હતું કે એ સામે આવી કે દેખાયા રાજીવ ખંડેલવાલ. 'સચ કા સામના', 'આમિર', 'શૈતાન' સહિત ટીવી, ફિલ્મ સર્જનોથી એણે દર્શકોનાં દિલ જીત્યાં છે. વધુ અગત્યનું કે ચીલાચાલુ અભિનેતા કરતાં વિશેષ એવી એમની ઇેમજ છે. એ ઇમેજ ઓછાં પણ વ્યવસ્થિત પાત્રોથી રાજીવે બનાવી છે. તેથી, સિરીઝની વાત કરવી રહી.
જેસુ નામના ફિલ્મનિર્માતાની એક હોટેલની રૂમમાં હત્યા થઈ છે. એ સિરીઝનો પ્રારંભિક પોઇન્ટ છે. રૂમમાં જસ્સુની લાશ નજીક બહર (ઉર્વશી પરદેશી) નામની ઊગતી અભિનેત્રી છે. એ ઘેનમાંથી જાગે છે. એ જસ્સુની લાશ જુએ છે ત્યાં ડોરબેલ વાગે છે. હાંફળીફાંફળી બહર રૂમમાંથી નાસી જાય છે. માર્ગમાં એ અમર વિશ્વાસની કારમાં સરકીને એનો પીછો કરી રહેલા હોટેલ કર્મચારીઓથી બચવામાં સફળ થાય છે. જોકે કારમાલિક અમર, આ કન્યા પર ધ્યાન પડતાં અને એની આપવીતી સાંભળતાં, સલાહ આપે છે, 'પોલીસને તાબે જતી રહે...'
બહર પોલીસ સ્ટેશને જતી રહે છે. કેસ મંડાય છે ત્યાં વકીલ એની વહારે આવે છે. એ વકીલ અમર જ, જેની કારમાં એને લિફ્ટ મળી હતી. અમર જાણીતો વકીલ છે. એનો પોતાનો ભૂતકાળ એને બહરની મદદ કરવા પ્રેરે છે. કોર્ટમાં કેસ શરૂ થાય છે. એ પહેલાં મીડિયા ફેસલો સુણાવી દે છે, 'બહર જ જસ્સુની હત્યારણ છે.' અમર સામે પડકાર એ જાણવાનો છે કે ખરેખર આ ૨૦ વરસની સ્ટ્રગલર એક્ટ્રેસે જસ્સુનું ખૂન કર્યું છે કે પછી જેમ એ દાવો કરે છે એમ, એ નિર્દોષ છે?
તપાસ સાથે શંકાની સોય શકમંદો તરફ તકાય છે. હોટેલના સીસીટીવી ફૂટેજમાં હત્યા આસપાસના સમયે કારમાં પલાયન થતી બુરખાધારી કન્યા, જેસુનો પાર્ટનર અકબર (આમિર અલી), હોટેલનો કર્મચારી દેવા, બહરનો બોયફ્રેન્ડ સુદર્શન (સિદ્ધાર્થ શૉ) વગેરે શકના દાયરામાં છે. એવામાં પરિસ્થિતિ નાટયાત્મક વળાંક લે છે. પબ્લિક પ્રોસિક્યુટર દિગંબર દીક્ષિત (રવિ બહેલ)ની ઊલટતપાસમાં બહર કોર્ટમાં કબૂલ કરી નાખે છે, 'હા, મેં જસ્સુની હત્યા કરી છે, મેં જ કરી છે...' હવે અમર કરે તો શું કરે?
કોઈ કોર્ટરૂમ ડ્રામામાં હોય એ પરિબળો, ટ્રેક્સ, સબ-ટ્રેક્સ, શકમંદો અને અન્ય બાબતો સિરીઝમાં ભભરાવવામાં આવી છે. હત્યા, શકમંદો ઉપરાંત એકમેક સાથે ભીડવા કચકચાતા બે મોટા ગજાના વકીલ, એમના સહાયકો (અમરનાં સહાયકો છે ગોલ્ડી એટલે અનિલ ચરનજીત અને સોનાલી એટલે ગવતા સાધવાની), પોલીસ ઇન્સ્પેક્ટર ખાંડેકર (સૌરભ ગોખલે)... અને કથા આગળ વધતી જાય એમ અન્ય પાત્રો ઉમેરાતાં જાય છે. જે નથી ઉમેરાતી એ બલાનું નામ છે રોચકતા.
પહેલા એપિસોડમાં જ સિરીઝ અંદેશો આપી દે છે કે એ બહુ બીબાઢાળ, સુસ્ત અને ફોર્મ્યુલા ટાઇપ રહેવાની છે. બીજા એપિસોડમાં, બહર ગુનાની કબૂલાત કરી લે છે એની આસપાસ, એની અને અમર વચ્ચે પોલીસ કસ્ટડીનું દ્રશ્ય છે. બેઉ વચ્ચે બોલાચાલી થાય છે. અમરને એવા વીડિયો વિશે જાણ થઈ છે જેના વિશે બહરે એને જણાવ્યું નહોતું. ગુસ્સેલ બહર કહી દે છે, 'બધાંએ મને છોડી દીધી છે, તમે પણ કેસ છોડી દો.' આ દ્રશ્ય સુજ્ઞા દર્શકના મનમાં એક વાક્ય લખીને એની નીચે ઘાટી લીટી દોરી નાખીને સંકેત આપે છે, 'આગળ ખાસ ભલીવાર નહીં હોય આમાં, ચેતીને જોજે.'
અને અંત સુધી, જો ધીરજ ધરીને સિરીઝ પતાવી નાખી તો, બીજા એપિસોડમાં થયેલી એ લાગણી અક્ષરશ: સાચી પડે છે. એક તરફ કહેવાતી તપાસ, બીજી તરફ પોલીસનાં ડાફાં (એટલા માટે કે એમાં નથી દિશા કે નથી દમ), ત્રીજી તરફ ઇમોશન્સ ઊભા કરવાનો ઢીલો પ્રયાસ, ચોથી તરફ કોર્ટનાં દ્રશ્યોમાં અસરકારકતાનો અભાવ, પાંચમી તરફ બિનજરૂરી ફ્લેશબેક્સ, છઠ્ઠી તરફ ટેલિવિઝન રિપોટગ, મીડિયા ટ્રાયલનો બિનઅસરકારક ભભરાટ વગેરે. બિનઅસરકારક ડાયલોગ્સ (રાહુલ રામચંદાની)થી લથબથ સિરીઝમાં પટકથા (અંબર હડપ) પણ પાંગળી અને કલ્પનારહિત છે. અમરના ભૂતકાળના ટ્રેકની આમાં ક્યાં જરૂર હતી? મુંબઈ પોલીસનો અધિકારી ખાંડેકર શું ખાલી આંટાફેરા કરે રાખે છે? એના લગ્નના ટ્રેકને ઉમેરીને કયો કાંદો કાઢી લીધો? ગોલ્ડી છાનબીન કરવા કોલકાતા ગયો તો ત્યાંથી શું ઉકાળી આવ્યો, સિવાય એની એડ્વોકેટ ફર્મના પૈસાનું પાણી કરવાને? અન્ય એક સ્ટ્રગલિંગ એક્ટ્રેસ આફરીન (સૌમ્યા દિલવાલ), એનાં માબાપનો ટ્રેક લાવીને થોડીઘણી એક્સાઇટમેન્ટ બનતી હતી એ પણ કેમ જેમતેમ છે? એવી જ અવદશા મોહિની (બરખા બિશ્ટ)ના ટ્રેકની કેમ કરી છે?
દિગ્દર્શક શશાંત શાહની 'અમર વિશ્વાસ' ઓટીટી પર એક જસ્ટ અનધર સિરીઝ બનીને રહી જાય છે. શોમાં અત્યાવશ્યક એવું નાવીન્ય, અને એ ના હોય તો પટકથા અને દિગ્દર્શનમાં હોવી જ જોઈએ એ જાદુઈ ઇફેક્ટ, કશેય નથી. તેથી, સિરીઝ જોવામાં ભરપૂર સમયનું રોકાણ કર્યા પછી જસ્સુ સાથે એ સમયનું પણ હનન થયા જેવું લાગે છે. બેશક, આવી કથા હોય એમાં છેલ્લે, કોથળામાંથી વાઘ (કે બિલાડું, જેવી જેવી ક્ષમતા) કાઢવાની શખ્યતા રહે છે. શરત એટલી કે એ માટે તાણાવાણા બખૂબી વણવામાં આવે અને ધીમેધીમે ઉકેલવામાં પણ આવે. એ બેમાંનું કશું અહીં થતું નથી. બાકી, મેકિંગની સૂઝબૂઝ હોય તો મર્ડર મિસ્ટરી કમ કોર્ટરૂમ ડ્રામામાં ખૂની એવી વ્યક્તિ નીકળી શકે જે ચોંકાવી દે. અહીં એવું કરવાનો નિરર્થક અને નબળો પ્રયાસ થયો છે.
અભિનયમાં પણ એવું કશું નથી જેની નોંધ લેવી પડે. રાજીવ સાધારણ પરફોર્મન્સથી વિશેષ કશું એટલે કદાચ નથી આપી શક્યા કે દિગ્દર્શન કે લેખનમાં એ માટે અવકાશ નથી. બધા કલાકારો ડિઝાઇનર વોમાં, મેક-અપના થપેડા સાથે, સિચ્યુએશન્સને સહેલી અને ઝટપટ રીતે શૂટ કરી શકાય એવાં લોકાલ્સમાં, એવા હાવભાવ અને હલનચલન સાથે પોતાનું કામ પતાવતા લાગે છે. છેવટે દર્શકને જે મળે છે એ અમર આનંદ નથી કે નથી કોર્ટરૂમ ડ્રામા મજાના હોય એ વિશ્વાસની પૂત કરતો હરખ. હવે નક્કી કરો નક્કી કે આ સિરીઝ માટે તમે અવેલેબલ છો કે નહીં.


