અમર ઉપાધ્યાય ગાંધીજીના જીવન પર ઊંડો પ્રભાવ પાડનારના પાત્રમાં
કોઈપણ માધ્યમના અભિનેતાઓ કે અભિનેત્રીઓ દ્વારા ભજવવામાં આવતાં કેટલાંક પાત્રો તેમને માટે અવિસ્મરણીય ઓળખ ઊભી કરે છે. તેઓ જે તે કિરદાર એટલી સહજતાથી ભજવી ગયા હોય છે જાણે તેમણે તેમાં અભિનય નથી કર્યો હોતો, પણ જાણે તે તેમનો રોજિંદો ક્રમ હોય. જ્યારે કેટલાંક કિરદાર તેમને એકદમ અલગ ઝોનમાં લઈ જતાં હોય છે. આવી ભૂમિકાઓ ભજવવા તેમને પોતાની ભીતર બેઠેલા કલાકારને બિલોરી કાચ લઈને ખોળવો પડે છે. અભિનેતા અમર ઉપાધ્યાયની જ વાત કરીએ તો તેણે 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી'માં 'મિહિર વીરાણી'નું પાત્ર એકદમ સહજતાથી ભજવ્યું હતું. આ કારણે જ 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી-૨'માં અમર માટે 'મિહિર વીરાણી' બનવાનું સહજસાધ્ય હોય એ સ્વાભાવિક છે.
જ્યારે ફિલ્મ સર્જક હંસલ મહેતાની સીરિઝ 'ગાંધી'માં તેના ભાગે આવેલો 'ડૉ. પ્રાણજીવન મહેતા'નો રોલ આ અભિનેતા માટે પડકારજનક બની રહે. અભિનેતા કહે છે કે હું હંસલ મહેતાની વેબ સીરિઝ 'ગાંધી'માં 'ડૉ. પ્રાણજીવન મહેતા'ની જે ભૂમિકામાં દર્શકો સમક્ષ આવીશ તે તેમના માટે કાંઈક નોખું-અનોખું હશે. તેમણે અગાઉ ક્યારેય મને આવા અવતારમાં નથી જોયો.
અમર ઉપાધ્યાય વધુમાં કહે છે કે મહાત્મા ગાંધીની નિકટના લોકોમાંના એક ડૉ. પ્રાણજીવન મહેતા વિશે લોકો બહુ ઓછું જાણે છે. તેઓ ડૉક્ટર ઑફ મેડિસિન (એમડી), ધારાશાસ્ત્રી અને ઝવેરી પણ હતાં. એક જ વ્યક્તિ પાસે આવા ત્રણ ત્રણ ક્ષેત્રોમાં પ્રાવિણ્ય હોવું નાનીસુની વાત ન ગણાય. ડૉ. પ્રાણજીવન મહેતા અને ગાંધીજીની મુલાકાત લંડન સ્થિત વિક્ટોરિયા હોટલમાં થઈ ત્યાર પછી બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ હતી. પછીથી પ્રાણજીવન મહેતાએ ગાંધીજીને સત્યાગ્રહ ચળવળ સહિત દક્ષિણ આફ્રિકા અને ભારતમાં કરવામાં આવેલા આંદોલનોમાં નૈતિક અને આર્થિક સહયોગ આપ્યો હતો. કેટલાંક ઐતિહાસિક અહેવાલો સૂચવે છે કે ૧૯૦૯માં ગોપાલકૃષ્ણ ગોખલેને લખેલા પત્રમાં ગાંધીજીને મહાત્મા તરીકે સંબોધનાર તેઓ સૌપ્રથમ વ્યક્તિ હતાં. ગાંધીજીનું પુસ્તક 'હિંદ સ્વરાજ' પ્રાણજીવન અને ગાંધીજી વચ્ચેના આદાનપ્રદાન પર આધારિત હોવાનું કહેવાય છે.
અમર ઉપાધ્યાય એ વાતે ફૂલ્યો નથી સમાતો કે ગાંધીજીના જીવન પર ઊંડો પ્રભાવ પાડનાર વ્યક્તિનું પાત્ર ભજવવાની તક તેને સાંપડી છે. મહત્વની વાત એ છે કે અમરે આ સીરિઝના અન્ય કોઈ પાત્ર માટે ઑડિશન આપ્યું હતું. પરંતુ હંસલ મહેતાને લાગ્યું કે ડૉ. પ્રાણજીવન મહેતાના કિરદારમાં તે બંધ બેસશે. અભિનેતા કહે છે કે સામાન્ય વોરો વચ્ચે ડૉ. પ્રાણજીવન મહેતા ઝાઝાં જાણીતા નથી. પરંતુ આ વેબ સીરિઝ રજૂ થયા પછી લોકોને તેમનો પરિચય મળશે. તે વધુમાં કહે છે કે મને તત્કાલીન સમયની વ્યક્તિનું આ પાત્ર ભજવવું કદાચ મુશ્કેલ લાગત. પણ જ્યારે હું તેમના ગેટઅપમાં આવ્યો ત્યારે આપોઆપ જ જાણે કે ડૉ. પ્રાણજીવન મહેતા બની ગયો. વળી જરૂર પડયે હંસલ મહેતા હમેશાં માર્ગદર્શન આપવાં તૈયાર જ હોય તેથી ચિંતાનું કોઈ કારણ નહોતું રહ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૩માં રજૂ થયેલી 'સ્કૂપ'માં અમારે હંસલ મહેતા સાથે કામ કર્યું હતું. તે કહે છે કે આ સર્જક તેના કલાકારોના કૌવતને સારી પેઠે પિછાણી જાણે છે. અને તેમને તેમની રીતે કામ કરવા આપે છે. પણ જ્યારે બે કલાકારોનું દ્રશ્ય એકસાથે હોય ત્યારે તેઓ તેની બાગડોર પોતાના હાથમાં લઈ લે છે. ગમે તેટલી મુશ્કેલ સ્થિતિને પણ તેઓ અત્યંત આત્મવિશ્વાસ અને ઠંડા મગજથી પાર પાડી જાણે છે.
અમર ઉપાધ્યાય સા સીરિઝમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા પ્રતિક ગાંધીથી પણ એટલો જ પ્રભાવિત છે. તે કહે છે કે પ્રતિક જેટલા ઊંચા ગજાનો અભિનેતા છે એટલો જ નમ્ર અને વિવેકી પણ છે.