- સિને મેજિક- અજિત પોપટ
- શંકર મહાદેવને બોમ્બે યુનિવસટીની સોફ્ટવેર એન્જિનીયરની ડિગ્રી મેળવી છે. થોડો સમય એણે એક પ્રસિદ્ધ કંપનીમાં સોફ્ટવેર એન્જિનીયર તરીકે કામ પણ કર્યું, પણ કામ કરવાની મજા આવે નહીં. કામનો આનંદ આવે નહીં. મન માને નહીં. એને સતત સંગીત યાદ આવ્યા કરે.
'તટોચના ફિલ્મ સર્જક મનમોહન દેસાઇએ ૧૯૭૦ના દાયકામાં એક જબરદસ્ત કોમેડી-કમ-એક્શન ફિલ્મ બનાવેલી. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન, રિશિ કપૂર અને વિનોદ ખન્નાને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી એ ફિલ્મ એટલે 'અમર અકબર એન્થની'. આ ફિલ્મે બોક્સ ઓફિસ છલકાવી દીધી હતી. ત્યારપછી દોઢ બે દાયકામાં ફિલ્મ સંગીત ક્ષેત્રે 'અમર અકબર એન્થની' આવ્યા. સુપરહિટ ફિલ્મમાં ત્રણે મુખ્ય પાત્રો એક જ માતાપિતાનું સંતાન હતા. સંજોગવશાત્ ત્રણે ભાઇઓ જુદા થઇ ગયા હતા. સંજોગોએ ત્રણેને જુદી જુદી કોમની ઓળખ આપી હતી.
ફિલ્મ જગતમાં સંગીતના અમર-અકબર-એન્થની તરીકે ઓળખાતા સંગીતકારો વચ્ચે કોઇ બાયોલોજિકલ સંબંધ નથી. એક હિન્દુ છે, એક મુસ્લિમ છે અને એક ઇસાઇ છે. સંગીત સાથે સંકળાયેલા હોવાના અકસ્માતે આ ત્રણેને ભેગાં કર્યા. ત્રણેએ સાથે મળીને કેટલીક સુપરહિટ ફિલ્મોને પોતાના સ્વરોથી સજાવી. આ ફિલ્મો હિટ થવાનાં કારણોમાં એક મહત્ત્વનું કારણ એનું સંગીત હતું. સમગ્ર ફિલ્મ ઉદ્યોગે એ હકીકતનો સ્વીકાર કર્યો છે. હવે પછીનાં થોડાંક સપ્તાહ આપણે આ અમર-અકબર-એન્થનીએ આપેલા સંગીતનો આસ્વાદ કરવાના છીએ. ફિલ્મ સંગીતમાં રસ ધરાવનાર દરેક વાચક આ અમર અકબર એન્થનીને પિછાણે છે. આમ છતાં ત્રણેનો અલ્પ પરિચય આપવો જરૂરી બની જાય છે.
પહેલા મળીએ અમરને. આ અમરનું સાચું નામ શંકર મહાદેવન છે. મુંબઇના ચેમ્બુર વિસ્તારમાં એનો જન્મ થયો. ચેમ્બુર આજે તો ભારે પ્રદૂષણના કારણે ગેસ ચેમ્બર તરીકે થોડું વગોવાઇ ગયું છે. એક સમયે ચેમ્બુર અન્ય કારણોથી જગવિખ્યાત હતું. અહીં ધ ગ્રેટેસ્ટ શોમેન ગણાયેલા રાજ કપૂરનો આર.કે. સ્ટુડિયો આવેલો હતો. આ સ્ટુડિયોમાં રાજ કપૂરે પોતાની યાદગાર સંગીતથી સજેલી સદાબહાર ફિલ્મો બનાવેલી. આજે એ સ્ટુડિયો રહ્યો નથી. આ જ ચેમ્બુરમાં આવેલા યુનિયન પાર્ક નામ વિસ્તારમાં આજીવન અભિનય કરનારા દાદામુનિ અર્થાત્ અશોકકુમાર રહેતા હતા. આ જ યુનિયન પાર્કમાં પચીસ-પચીસ વર્ષ સુધી દર્શકોને ઘૂ્રજાવનારા એક અને અજોડ ખલનાયક પ્રાણ સિકંદ રહેતા હતા. આજે આ મહાન કલાકારો રહ્યા નથી. ફક્ત એમની સુવર્ણ સ્મૃતિ આપણી પાસે છે. એમના અભિનયથી સજેલી ફિલ્મો આપણી પાસે છે.
શંકર મહાદેવન ભાગ્યશાળી ગણાય કારણ કે એ સંગીતપ્રેમી પરિવારમાં જન્મ્યો છે. ગળથૂથીમાં જ એને સંગીત મળ્યું. ભારતીય સંગીતનું સૌથી પ્રાચીન વાદ્ય વીણા વગાડતાં એ શીખ્યો, એટલું જ નહીં, પાંચ વર્ષની ઉંમરથી વીણા વગાડતો થઇ ગયો. સાથોસાથ એણે ઉત્તર ભારતીય અને કર્ણાટક શાીય સંગીતનો પણ ઊંડો અભ્યાસ કર્યો. મરાઠી રંગભૂમિ અને ફિલ્મોના સફળ સંગીતકાર શ્રીનિવાસ ખળે પાસે એણે સંગીતની સઘન તાલીમ મેળવી. સંગીતની દુનિયામાં આ સંગીતકાર ખળે કાકાના હુલામણા નામથી જાણીતા હતા. ખળે કાકાએ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવસટી માંથી સંગીતમાં ડિપ્લોમા મેળવ્યો હતો.
એનો અર્થ એવો નહીં કરતા કે શંકરે માત્ર સંગીતની તાલીમથી સંતોષ માન્યો છે. મોટા ભાગના સાઉથ ઇન્ડિયન કલાકારો શિક્ષણ ક્ષેત્રે પણ આગળ વધેલા હોય છે. મૂળ કેરળના તમિળ પરિવારના શંકર મહાદેવને બોમ્બે યુનિવસટીની સોફ્ટવેર એન્જિનીયરની ડિગ્રી મેળવી છે. થોડો સમય એણે એક પ્રસિદ્ધ કંપનીમાં સોફ્ટવેર એન્જિનીયર તરીકે કામ પણ કર્યું, પણ કામ કરવાની મજા આવે નહીં. કામનો આનંદ આવે નહીં. મન માને નહીં. એને સતત સંગીત યાદ આવ્યા કરે. આખરે એણે ઊંચા પગારની એ નોકરીને તિલાંજલિ આપી. સંગીત ક્ષેત્રે કારકિર્દી બનાવવાનો નિર્ણય કર્યો.
એ ખરેખર નસીબદાર કે એને પહેલી જ તક એક તમિળ ફિલ્મ માટે પાર્શ્વગાયનની તક મળી. એ ફિલ્મના સંગીતકાર હતા એ. આર. રહેમાન. પહેલી ફિલ્મના એ ગીતે શંકર મહાદેવનને બેસ્ટ પ્લેબેક સિંગરનો નેશનલ એવોર્ડ અપાવ્યો. એના આત્મવિશ્વાસમાં વધારો થયો. એટલે એણે 'બ્રેથલેસ' નામે એક મ્યુઝિક આલ્બમ રિલીઝ કર્યું. અહીં એક આડવાત જરૂરી છે. બ્રેથલેસ એટલે શ્વાસ વિનાનું નહીં. બ્રેથલેસ એટલે એક ચોક્કસ સ્વર પર ગાયક મિનિટ દોઢ મિનિટ સુધી વચ્ચે શ્વાસ લેવા રોકાયા વિના સ્વસ્થતાથી ગાતો રહે. એક દાખલો લઇએ. તમે ભજનસમ્રાટ અનુપ જલોટાને સાંભળ્યા હોય તો તમને ખ્યાલ હશે. ભજન ગાતાં ગાતાં અનુપજી વચ્ચે એકાદ સ્થળે કોઇ સ્વરને નિરાંતે લંબાવતાં રહે છે. લગભગ મિનિટ દોઢ મિનિટ એ સ્વર વાતાવરણમાં ગૂંજતો રહે. શ્રોતાઓ ગાયકની આ સિદ્ધિ જોઇને તાળીનો ગડગડાટ કરી મૂકે. આપણા શાીય સંગીતના ઘણા ટોચના કલાકારોએ આ રીતે બ્રેથલેસ ગાવાની સ્વરસિદ્ધિ મેળવી છે. ખાસ કરીને પંડિત ભીમસેન જોશીને સાંભળો તો કેટલીક વાર અમુક તાલના આઠ દસ આવર્તન સુધી ભીમસેનજીની તાન લંબાતી અનુભવાય. શંકર મહાદેવને 'બ્રેથલેસ' આલ્બમમાં આવો પ્રયોગ કર્યો હતો. એને જબરદસ્ત સફળતા મળી. સંગીતના ક્ષેત્રે એની કારકિર્દી ચાલી નીકળી. હવે પછી કરીશું અમરના બાકીના બે સાથી સંગીતકાર 'અકબર' અને 'એન્થની'ની વાત.


