Get The App

આખ્ખા બાલિવુડ એક તરફ ઔર ઈમરાન હાશમી એક તરફ...

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
આખ્ખા બાલિવુડ એક તરફ ઔર ઈમરાન હાશમી એક તરફ... 1 - image

એક  સમય  એવો હતો  જ્યારે ઈમરાન હાશ્મીનું  નામ આવતાં જ  લોકો તેને સીરિયલ  કિસર  કે કિસિંગ કિંગ કહેવા લાગતા. પણ છેલ્લા કેટલાંક  વર્ષ દરમિયાન  વિવિધ  પ્રકારના  કિરદાર બખૂબી અદા કરીને  ઈમરાન પોતાની  આ જડબેસલાક  ઈમેજમાંથી  બહાર આવી ગયો છે.  વાસ્તવમાં અભિનેતા  સ્વયં  આ છબિમાંથી  છૂટીને  બહુ  ખુશ છે. એમાંય 'બેડ્સ ઓફ બોલિવુડ' વેબ શોનો આ ડાયલોગ તો બહુ ફેમસ થઈ ગયો છે: આખ્ખા બોલિવુડ એક તરફ ઔર ઇમરાન હાશમી એક તરફ.... 

તાજેતરમાં  વેબ  સીરિઝ 'તસકરી : ધ સ્મગલર્સ ' દ્વારા ચર્ચામાં  આવેલો ઈમરાન  કહે છે કે છેલ્લાં ૧૦-૧૨  વર્ષમાં મારું  કામ બદલાયું અને તેની સાથે મારી  કિસિંગ કિંગ તરીકેની  છબિ પણ  ઝાંખી પડી તેમાં ઓટીટીએ  મહત્ત્વનો ફાળો આપ્યો  છે.  જો કે  ઓટીટીને  કારણે સફળતાપૂર્વક  એકવિધતામાંથી   બહાર આવનાર હું એકમાત્ર અભિનેતા  નથી. આ પડદાની  માગ વધવાને કારણે  બોલીવૂડમાં   પણ અત્યંત  મહત્ત્વનો બદલાવ આવ્યો.  આ પરિવર્તન કલાકારો માટે લાભકારક   નીવડયું.     દર્શકો જ્યારે  દાદ આપે ત્યારે કલાકારોને  પોરસ ચડે.  અભિનેતા  વધુમાં કહે છે કે  હું હમેશાંથી  વૈવિધ્યસભર  કામ કરવા માગતો હતો.  મારી કારકિર્દીના પહેલા  એક દશક  દરમિયાનના કામમાં  પણ  મેં વિવિધતા  લાવવાનો પ્રયાસ  કર્યો હતો.  અલબત્ત,  મારા પાત્રો  એકસરખાં   હોવાથી મને  કામ કરવાનો સંતોષ  નહોતો મળતો.  મને એમ લાગવા લાગ્યું હતું કે  આવા કિરદાર  તો હું ભરઊંઘમાંથી  ઉઠીને પણ કરી લઈ શકું.  પણ સદનસીબે પછીથી  મને જુદાં જુદાં  પ્રકારના પાત્રો મળવા લાગ્યાં.  મારી પાસે  સ્ક્રીપ્ટ  આવે અને  જો મને એવો વિચાર  આવે કે આ રોલ  હું શી  રીતે ભજવીશ તો હું તેના પર અચૂક  પસંદગી ઉતારતો.   મારી   ફિલ્મ 'હક' નું  પાત્ર તેનું ઉત્તમ ઉદાહરણ  છે.  તેમાં નેગેટિવ  શેડ હોવા છતાં  એ રોલ નકારાત્મક નથી.  આ ભૂમિકા મારા  મૂળભૂત  સ્વભાવથી  તદ્ન  વિપરીત હતી. આમ  મેં  પડકારો ઝીલવાનું  બીડું  ઝડપ્યું અને મારી  કિસર  કિંગની  છબિમાંથી બહાર આવવા લાગ્યો.

ઈમરાનને  એ વાતની  ખુશી  પણ  છે કે હવે તેનો પુત્ર  તેની  ફિલ્મો  જોઈ શકે છે.  અભિનેતા  કહે છે કે  અગાઉ  હું  ક્યારેય  નહોતો ઈચ્છતો કે મારો  દીકરો  અયાન મારી ફિલ્મો જુએ. પણ હવે મને એવી ચિંતા નથી  રહી.  હવે  તે તરૂણાવસ્થામાં પણ આવી ગયો છે.  તે નવી પેઢીનો કિશોર હોવાથી  તે આઈપેડ   અને ઈન્ટરનેટ   વળોટીને  એઆઈચેટબોટ  સુધી પહોંચી ગયો છે.  સ્વાભાવિક  રીતે જ તે પોતાના  મત રજૂ  કરવામાં  સંકોચ નથી કરતો.  ચાહે  તે મારા કામ બાબતે કેમ ન હોય.  

ઈમરાનના  પુત્રની  વાત ચાલી રહી  છે ત્યારે  એ વાતની નોંધ લેવી રહી  કે અયાન  ચેસમાં  ચેમ્પિયન  છે.  તે હમેશાં   ચેસ  સ્પર્ધામાં  ભાગ લેતો  રહે છે.  તેથી એવો પ્રશ્ન  થવો સહજ  છે કે શું તે પોતાના પિતા  તથા    મોસાળની    ફિલ્મી પરંપરા આગળ નહીં વધારે? આના  જવાબમાં   ઈમરાન કહે છે કે  હજી તે ફક્ત ૧૫ વર્ષનો  છે તેથી આગળ જતાં તે શું કરશે તે જોવું રહ્યું. હા, હમણાં  પોતાના  અભ્યાસમાં  ધ્યાન આપવા સાથે  ચેસમાં પણ આગળ ધપી રહ્યો છે.

અત્રે  ઉલ્લેખનીય  છે કે પોતાની  નવી સીરિઝ  'તસ્કરી : ધ સ્મગલર્સ'  ઈમરાને   કસ્ટમ ઓફિસરની  ભૂમિકા ભજવી છે. તે કહે છે કે  આ સીરિઝના સર્જકો  નીરજ પાંડે  અને રાઘવ જયરથે તેની કહાણીના રીસર્ચ  માટે ખાસ્સી મહેનત  કરી હતી. અભિનેતા તેમની મહેનતને  બિરદાવતાં  કહે છે કે  દાણચોરી શી રીતે થાય તેના વિશે બંનેએ ખાસ્સું  રીસર્ચ  કર્યું હતું.  મને તેમની સ્ક્રિપ્ટ જ પ્રભાવિત કરી ગઈ.  તેમણે કસ્ટમ  અધિકારીની  ભૂમિકા  માટે પુષ્કળ  સંશોધન  કર્યુ ંહતું.  તેથી મને  વધારાની  મહેનત  કરવાની જરૂર ન પડી.  વળી,  હું  પોતે પણ પ્રવાસ કરતી વખતે  કસ્ટમ  ઓફિસરોનું  નીરિક્ષણ  કરતો રહું છું.  તેનો ઉપયોગ મેં આ કિરદાર  માટે કર્યો હતો.