Get The App

અલિશા ચિનાઈનું કિશોર કુમારના ગીતોથી કમબેક

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
અલિશા ચિનાઈનું કિશોર કુમારના ગીતોથી કમબેક 1 - image

- 'અમારે 'ક્યા યહી પ્યાર હૈ' સોંગ બે વાર  રેકોર્ડ કરવું પડયું કારણ કે ગીતમાં પહેલી વાર મારી ઇચ્છા પ્રમાણેની ઇમોશન  આવી શકી નહોતી.'

અમદાવાદમાં જન્મેલી ગુજરાતી પોપસ્ટાર અને બોલિવુડની પોપ્યુલર પ્લેબેક સિંગર અલિશા ચિનાઈ ફરી ન્યુસમાં છે. એ આજકાલ ટીવી શો 'એક બાર ઔર કિશોર કુમાર'માં પોતાના કંઠનો  જાદુ પાથરી રહી છે. સાઠીમાં પ્રવેશેલી સિંગરના વોઈસનો જાદુ જેમનો તેમ છે. આજના યંગસ્ટર્સની જાણ માટે કહી શકાય કે અલિશા ૧૯૯૦ના દશકમાં દેશની સૌથી લોકપ્રિય ગાયિકાઓ પૈકીની એક હતી. એના પ્રાઇવેટ આલ્બમના સોંગ 'મેડ ઈન ઇન્ડિયા'એ લોકોને ઘેલા કર્યા હતા. એણે અનુ મલિકથી માંડી લક્ષ્મીકાંત પ્યારેલાલ સુધીના સંગીતકારો માટે ગીતો ગાયા હતા. 

ખાસ કરીને અનુમલિક અને અલિશાની જુગલબંદીએ બોલિવુડમાં ધુમ મચાવી હતી. મુંબઈમાં  ઉછરેલી ગાયિકાએ શ્રીદેવી, માધુરી દીક્ષિત અને કરિશ્મા કપૂર જેવી ટોચની હિરોઈનો માટે ગાઈ પોતાનું નોૅખું સ્થાન બનાવ્યું હતું. અનિલ કપૂરની ફિલ્મ 'મિસ્ટર ઇન્ડિયા'માં શ્રીદેવી પર ફિલ્માવાયેલું ગીત 'કાટે નહિ કટતે દિન યે રાત' ચાર્ટ બસ્ટર બની ગયું હતું. જ્યારે છેલ્લે અલિશાએ 'બન્ટી ઔર બબલી'માં 'કજરા રે કજરા રે' ગાઈ અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનને નચાવ્યા હતા. આ ગીત માટે ચિનાઈને બેસ્ટ ફિમેલ સિંગરનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

'એક બાર ઔર કિશોર કુમાર'ની એક પ્રમોશનલ ઈવેન્ટમાં અલિશા ચિનાઈએ મીડિયા સાથે ઇન્ટરએક્શન કરી અમુક બાબતના ખુલાસા કર્યા. પહેલા જ પ્રશ્નમાં સિંગરને પૂછાયું, 'મેડમ, કિશોર કુમારના ગીતો ગાવા અતિ મુશ્કેલ કામ છે એ જોતા આ શો સ્વીકારવામાં તમે કોઈ પ્રકારનો ખચગાટ અનુભવ્યો હતો ખરો?' જવાબમાં અલિશા ભરપુર આત્મવિશ્વાસ સાથે કહે છે, 'ના, બિલકુલ નહીં. મારે શા માટે સંકોચ અનુભવવો જોઈએ? ઉલટાની હું તો સુપર એકસાઇટેડ હતી. એટલે વારંવાર પૂછતી રહેતી કે આપણે ક્યારે રેકોર્ડિંગ કરીશું. હા, 'ક્યા યહી પ્યાર હૈ' સોંગ અમારે બે વાર કરવું પડયું કારણ કે ગીતમાં મારી ઇચ્છા પ્રમાણેની ઇમોશન પહેલી વારમાં આવી નહોતી.'

પછી સિંગરને એક સ્વાભાવિક પૃચ્છા થઈ 'તમારું સૌથી ફેવરીટ કિશોર કુમાર સોંગ ક્યું છે અને શા માટે?' અલિશાએ તરત કહી દીધું, 'નેચરલી મારું ફેવરીટ કિશોર કુમાર સોંગ તો મેં એમની સાથે ગાયેલું યુગલ ગીત જ હોય. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મેં એમની સાથે 'મિસ્ટર ઇન્ડિયા' માટે ડયુએટ સોંગ 'કાટે નહીં કટતે દિન યે રાત' ગાયું. એ એક લહાવો હતો.'

અલિશાને પત્રકારોએ પૂછેલો પછીનો પ્રશ્ન એવો હતો જેનો જવાબ જાણવાની સૌથી ઉત્કંઠા હોય. એક મહિલા પત્રકારે વર્સેટાઈલ સિંગરને સીધેસીધુ પૂછી લીધું, 'હિન્દી મૂવી માટે તમે કોઈ ગીત ગાયું હોય એને લાંબો વખત થઈ ગયો. બોલિવુડથી તમારા આવા રિસામણાંનું શું કારણ છે?' 

મિસ ચિનાઈના ચહેરા પર ગંભીરતા છવાઈ જાય છે, 'વેલ, ટુબી ઓનેસ્ટ હું બોલિવુડના મ્યુઝિકથી બોર થઈ ગઈ હતી. આર્ટિસ્ટ તરીકે હું સાવ નંખાઈ ગઈ હોય એવું લાગતું હતું. મારે કાંઈક નોખું કરવું હતું. એટલે અંતર કરી લીધું. બીજા પણ અમુક કારણો હતા. જેમ કે ઇન્ડસ્ટ્રીમાં રમાતું રાજકારણ, આર્ટિસ્ટોના કોપી રાઈટનો ઇસ્યુ હતો, અન્યાય થતો હતો અને કોઈ વાજબી વાત જ નહોતી. અમને કોન્ટ્રાક્ટસ સાઈન કરવાની ફરજ પડાતી હતી, જે સંપૂર્ણપણે ગેરકાયદે હતા. હું કોન્ટ્રાક્ટસ સાઈન કરવાનો ઇન્કાર કરતી એટલે મને કોઈ ગાવા બોલાવતું નહીં. મને એનો કોઈ વાંધો નહોતો. મારે ઇન્ડસ્ટ્રીથી દૂર થવું પડયું એનું એક બીજું કારણ મારા જીવનની અંગત સમસ્યાઓ પણ હતી.'

પછી થોડાક અંગત પ્રશ્નો પૂછાયા. જેમ કે, 'તમે લોકોમાં આજે પણ મેડ ઈન ઇન્ડિયા ગર્લ તરીકે ઓળખાવ છો. એ ગીત માટે તમને આટલા વરસે આજે પણ યાદ કરાય એ જાણીને કેવું લાગે છે?' ગાયિકા પોતાનું ટિપિકલ ડિમ્પલ સ્માઈલ આપીને કહે છે, 'મને આવું એન્થેમ (રાષ્ટ્રગીત) લેવલનું સોંગ ગાવાની તક મળી એ માટે પોતાને ભાગ્યશાળી ગણું છું. હું એને પોપ એન્થેમ કહું છું. એ અમારી ટીમના સહિયારા પ્રયાસનું ફળ હતું.'