Get The App

આલિયા ભટ્ટ: ફિલ્મ એ કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
આલિયા ભટ્ટ: ફિલ્મ એ કોઈ એક વ્યક્તિની જવાબદારી નથી 1 - image

- 'સંજય ભણસાલી દરેક શોટમાં પોતાનો મેજિક લઈ આવે છે એટલે જ એમની સાથે કામ કરવું મારા માટે અનુભવોના ખજાના સમાન બની રહ્યું છે. બીજા કોઈ ફિલ્મના સેટ પર મને આવો ક્રિએટીવ સંતોષ મળ્યો નથી.

આલિયા ભટ્ટ લાંબા સમયથી સ્ક્રીન પર દેખાઈ નથી. હાલમાં જ કરીઅરનાં ૧૩ વરસ પૂરાં કરનાર આલિયાનો કરિશ્મા જોવા દર્શકો તલસી રહ્યા છે. ૩૨ વરસની એક્ટર આ વાત જાણે છે. એટલે જ તાજેતરના એક મીડિયા ઇન્ટરવ્યુમાં ૩ વરસની રાહાની આ મોમ કહે છે, 'મારી લાઈફ ફિલ્મોના સેટ પરથી આગળ વિસ્તરી ચૂકી છે. આજે મારા કામનું પ્રમાણ અને એની ગતિ બદલાઈ ગઈ છે કારણ કે મારે એક દીકરી છે. મને એક સમયે એક જ ફિલ્મ કરવાનું અને એને મારી  પૂરેપૂરી શક્તિઓ આપવાનું ગમે છે. અગાઉ હું એકીસાથે બે કે ત્રણ ફિલ્મો કરતી હતી,  પરંતુ હવે મારે એવું કરવું નથી.'

૨૦૨૬માં આલિયાના ફેન્સને એની સામે કોઈ ફરિયાદ નહીં રહે કારણ કે એની ઉપરાઉપરી બે મોટી ફિલ્મો આવી રહી છે.  'આલ્ફા'માં આલિયાએ ફુલલફ્લેજ્ડ એક્શન જોનરમાં ઝંપલાવ્યું છે. એ વિશે વાત કરતા મિસીસ ભટ્ટ-કપૂર કહે છે, 'મેં અગાઉ પણ કહ્યું હતું અને આજે ફરી કહીશ કે 'હાર્ટ ઓફ સ્ટોન'ને હું મારી એક્શન મૂવી માનતી નથી. મૂવીમાં એક્શન હતી, પણ 

મારા પાત્રને એક્શન કરતું નહોતું બતાવાયું. 'આલ્ફા'માં મને એક્શન કરવાની તક મળી એને લઈને હું બહુ એકસાઈટેડ છું. 

મીડિયા સમક્ષ મહેશ ભટ્ટની આ લાડકી દીકરી 'લવ એન્ડ વોર' વિશે ચર્ચા કરવાનું ચુકતી નથી. રણબીર કપૂર, વિકી કૌશલ અને સંજય લીલા ભણસાલી સાથે જી આ બિગ બજેટ મૂવી કરી રહી છે. તેને એક સ્પેશિયલ ફિલ્મ ગણાવતા આલિયા કહે છે, 'અમે લગભગ આખુ વરસ એનું શુટિંગ કર્યું હોવા છતાં એનાથી ધરાયા નથી. તમને સતત એવું થયા કરે કે હજુ વધુ એક સીન કરી લઈએ,  શૂટ હજુ એક દિવસ લંબાય. તમે તનતોડ મહેનત કરી હોવા છતાં તમને એનો થાક ન વર્તાય.' 

માસ્ટર મૂવીમેકર ભણસાલી સાથે ફિલ્મ કરવા બોલિવુડની હિરોઈનો શા માટે તલસે છે એના તમને આલિયાની વાતો પરથી અંદાજ આવે. 'સંજય સર દરેક શોટમાં પોતાનો મેજિક લઈ આવે છે એટલે જ એમની સાથે કામ કરવું મારા માટે અનુભવોના ખજાના સમાન બની રહ્યું છે. કોઈ ફિલ્મના સેટ પર મને ક્રિએટીવ રીતે આવો સંતોષકારક અનુભવ નથી મળ્યો. એમની સાથેની મારી પહેલી ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'ને કારણે મારો જે-તે રોલ માટે તૈયારી કરવાનો  અભિગમ જ સંપૂર્ણપણએ બદલાઇ ગયો છે. હું રોજ 'ગંગુબાઈ'ના સેટ પર કોરી પાટીની જેમ કશું વિચાર્યા વિના જતી. કલાકારોને સરપ્રાઈઝ આપવું એ સંજય સરનું સૌથી મોટુ જમા પાસુ છે. એમની આ વાત એટલી અદ્ભુત છે કે તમે સંપૂર્ણપણે એમની શરણે થઈ જ જાઓ.' 

શું આલિયા પોતાની ફિલ્મની સફળતા કે નિષ્ફળતાથી વિચલિત થાય છે? એ વિશે બેધડક ખુલાસો કરતા ભટ્ટ-કપૂર કહે છે, 'સફળતા કે નિષ્ફળતા આપણાં હાથમાં નથી હોતી. એકટર તરીકે તમે તમારા અનુભવો પરથી શીખીને વિકસી શકો, ફેલાઈ શકો, બસ. આમેય ફિલ્મમેકિંગ કોઈ એક વ્યક્તિનું કામ નથી, એ ટીમવર્ક છે.' 

સત્ય વચન!