- 'હેરાફેરી' ફિલ્મમાં પહેલી જ વખત કોમેડી કરી હતી. ઓડિયન્સને એક નવો જ અક્ષય જાણવા મળ્યો. પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી સાથેના પ્રસંગોમાં ભારોભાર હાસ્ય છલક્યું.
અક્ષય કુમાર(સાચું નામ છે રાજીવ હરિઓમ ભાટિયા) માટે આનંદ અને સંતોષની બાબત એ છે કે તેણે જીવનનાં ૫૮ વર્ષ પાર કર્યાં હોવા છતાં હજી ફિલ્મ જગતમાં કાર્યરત છે. ફોડ પાડીને કહીએ તો ૨૦૨૫ની ૯,સપ્ટેમ્બરે જ અક્ષય કુમારનો ૫૮ મો જન્મ દિવસ ભરપૂર ખુશાલીમાં ઉજવાયો છે.અક્ષય કુમારે પોતાની કારકીર્દીની શરૂઆત બહુ નાના પાયે કરી છે. ઘણો સંઘર્ષ કર્યો છે. બોલીવુડનાં મોટાં નામ ધરાવતાં કલાકારો સાથે કામ કરીને ઘણું શીખ્યો છે. કહેવાનો અર્થ એ છે કે અક્ષય કુમારને આજે જે ઉજળી સફળતા, માન-સન્માન મળ્યાં છે તે તેની મહેનતનાં મીઠાં ફળ સમાન છે.
બોલીવુડનાં સૂત્રોના કહેવા મુજબ બોલીવુડમાં જે તબક્કે ખાન ત્રિપુટી(શાહ રૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન)નો ચલણી સિક્કો દોડતો હતો તે પડાકારરૂપ સમયનો જબરો સામનો અક્ષય કુમારે કર્યો છે. પોતાની અલગ છબી અને અનોખી ઉપસાવી. જીવ ઉંચો થઇ જાય તેવાં એક્શન દ્રશ્યો, દર્શકો રાજીના રેડ થઇ જાય તેવો ડાન્સ અને ગીતો, મજેદાર કથા-પટકથા, રૂપકડી હીરોઇનો સાથેનાં રોમેન્ટિક દ્રશ્યો કરવામાં સફળતા મળી. બોલીવુડ બોલિવુડમાં પોતાની ખાસ અને અનોખી ઓળખ પ્રાપ્ત કરી.
અક્ષય કુમારે પોતાના પિતાની સ્મૃતિમાં હરિઓમ ભાટિયા ફિલ્મ નિર્માણ કંપની શરૂ કરીને તેના બેનર તળે મજેદાર ફિલ્મોનું નિર્માણ પણ શરૂ કર્યું. હરિઓમ ભાટિયા ફિલ્મ નિર્માણ કંપનીના બેનરમાં રૂસ્તમ, ટોઇલેટ : એક કથા, મિશન મંગલ જ્યારે ગ્રેઝિંગ ગોટ પિક્ચર્સ બેનર તળે ઓમજી(ઓ માય ગોડ) જેવી સુપરહીટ ફિલ્મ પણ બનાવી. ઉપરાંત કેસરી, એરલિફ્ટ, મિશન મંગલ જેવી રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતી ફિલ્મોમાં પણ મજેદાર પાત્ર ભજવ્યાં.
અક્ષય કુમારનો જન્મ ૧૯૬૭ની ૯,સપ્ટેમ્બરે દિલ્હીના પંજાબી પરિવારમાં થયો છે. અક્ષય કુમારના પિતાજી હરિઓમ ભાટિયા(બીજું નામ : બ્રીજમોહન ભાટિયા) ભારતીય લશ્કરમાં ઓફિસર હતા, જ્યારે માતા અરુણા ભાટિયા ગૃહિણી હતાં. પિતાજી હરિઓમ ભાટિયા લશ્કરમાં હોવાથી ઘરમાં શિસ્તબદ્ધ અને મહેનતકશ વાતાવરણ હતું. અક્ષય કુમારને શિસ્તના અને મહેનતના ગુણ તેના પિતાજી પાસેથી મળ્યા છે.
અક્ષય કુમારે તેનું પ્રાથમિક શિક્ષણ દિલ્હીમાં મેળવ્યું. જોકે સમય જતાં તેનો પરિવાર દિલ્હીથી મુંબઇ આવી ગયો. અક્ષય કુમારે મુંબઇના માટુંગાની ડોન બોસ્કો સ્કૂલમાં હાઇ સ્કૂલનુ શિક્ષણ મેળવ્યું છે.સાથોસાથ તેણે મુંબઇની ગુરુ નાનક ખાલસા કોલેજ ઓફ આર્ટ્સ,સાયન્સ એન્ડ કોમર્સમાં પણ ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. જોકે અક્ષય કુમારને કોણ જાણે કેમ માર્શલ આર્ટ શીખવાની બેહદ ઇચ્છા હોવાથી તેના પિતાએ તેને બેંગકોક શહેરમાં મોકલ્યો. અક્ષયે બેંગકોકમાં રહીને બ્લેક બેલ્ટ ડિગ્રી પણ મળવી.
બેંગકોંકથી માર્શલ આર્ટની સઘન તાલીમ મેળવ્યા બાદ અક્ષય કુમારેે કોલકાતાની એક ટ્રાવેલ એજન્સીમાં પણ કામ કર્યું. અક્ષય કુમાર બહુ નમ્રભાવે કહે છે, મેં તો બેંગકોકની એક હોટેલમાં વેઇટર અને શેફ (રસોઇયો) તરીકે પણ કામ કર્યું છે. ખરેખર તો કોઇ કામ નાનું કે મોટું, હલકું કે ખરાબ નથી હોતું. જે કાર્ય દ્વારા જીવન ઉપયોગી જ્ઞાાન મળે તે સારું અને સન્માનનીય જ હોય.
અક્ષય કુમારે સમય જતાં મુંબઇ આવીને માર્શલ આર્ટની તાલીમ શાળા શરૂ કરી. આ જ સમયગાળા દરમિયાન અક્ષય કુમારની મુલાકાત બોલીવુડના નિર્માતા--દિગ્દર્શક પ્રમોદ ચક્રવર્તી સાથે થઇ. ઉંચા, સોહામણા,તરવરિયા, વાતચીતમાં હોંશિયાર અક્ષયને મળીને પ્રમોદ ચક્રવર્તી પ્રભાવિત થયા.પ્રમોદ ચક્રવર્તીએ અક્ષય કુમારને પોતાની ફિલ્મ દીદાર(૧૯૯૨)માં કામ કરવાની ઓફર કરી.
અક્ષય કુમારે પ્રમોદ ચક્રવર્તીની ઓફર સ્વીકારી લીધી. જોકે દીદાર ફિલ્મ રજૂ થાય તે પહેલાં અક્ષય કુમારની ફિલ્મ સૌગંધ રજૂ થઇ હોવાનો સંદર્ભ પણ મળે છે. અક્ષય કુમારે બોલીવુડમાં પા પા પગલી તો ભરી પણ પહેલી સફળતા મળી ફિલ્મ ખિલાડી(૧૯૯૨) થી. નિર્માતા--દિગ્દર્શક અબ્બાસ -મસ્તાનની ખિલાડી ફિલ્મમાં મનોરંજનનાં બધાં તત્વો હોવાથી સુપરહીટ થઇ. હિન્દી ફિલ્મ જગતમાં નવા, હેન્ડસમ, ચમકદાર ચહેરાવાળા અક્ષય કુમારનું નામ વહેતું થઇ ગયું.
ખિલાડીની સફળતા સાથે અક્ષય કુમારને ખિલાડી નામ સાથેની ઝાઝી બધી ફિલ્મો મળી.
મેૈં ખિલાડી, તુ અનાડી, સબસે બડા ખિલાડી, ખિલાડીયોંં કા ખિલાડી, મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી, ઇન્ટરનેશનલ ખિલાડી, ખિલાડી-૪૨૦ વગેરે વગેરે ફિલ્મોએ તો બોલીવુડ આખાને હિલોળે ચગાવ્યું.
૧૯૯૪નું વર્ષ અક્ષય કુમાર માટે ગોલ્ડન સાબિત થયું. એટલે કે ૧૯૯૪માં અક્ષયની મોહરા, દિલ્લગી, સુહાગ, એલાન, મેૈં ખિલાડી,તું અનાડી વગેરે ફિલ્મોએ સિનેમા ગૃહોની ટિકિટ બારી છલકાવી દીધી.
ખાસ કરીને મોહરા(૧૯૯૪) ફિલ્મમાં તો અક્ષય કુમારને હિન્દી ફિલ્મ જગતના આલા દરજ્જાના અદાકાર નસીરુદ્દીન શાહ, રવીના ટંડન,રઝા મુરાદ,ગુલશન ગ્રોવર, પરેશ રાવલ ,સદાશિવ અમરાપુરકર વગેરે સાથે કામ કરવાની યાદગાર તક મળી. સાથોસાથ મોહરા ફિલ્મનાં ગીતો(સંગીત : વીજુ શાહ) : તુ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત, દમ મસ્ત કલંદર, મસ્ત મસ્ત, ના કજરે કી ધાર ના મોતીયોં કે હાર, ટીપ ટીપ બરસા પાની.. વગેરે ગીતોએ તો ભારતભરમાં જબરી ધૂમ મચાવી હતી. મોહરા ફિલ્મની સુપરહીટ સફળતા સાથે અક્ષય કુમાર બોલીવુડનો એમ કહો કે વજનદાર, બોક્સ ઓફિસ સ્ટાર બની ગયો.
અક્ષય કુમારને ૧૯૯૭માં બોલીવુડના પ્રતિષ્ઠિત યશરાજ ફિલ્મ્સની દિલ તો પાગલ હૈ ફિલ્મમાં શાહ રૂખ ખાન અને માધુરી દિક્ષીત જેવાં લોકપ્રિય અને મોટાં નામવાળાં સ્ટાર્સ સાથે કામ કરવાની ઉજળી તક મળી. ફિલ્મમાં ભૂમિકા આમ તો નાની હોવા છતાં અક્ષય કુમારે દર્શકોનો ભરપૂર પ્રેમ મળ્યો હતો.
બોલીવુડના સફળ સ્ટાર હોવા સાથોસાથ ઘણાં સામાજિક અને રાષ્ટ્ર સેવાનાં ઉજળાં કાર્યો પણ કરતા અક્ષય કુમાર માટે ૨૦૦૦ નું વર્ષ ભરપૂર હાસ્યસભર પ્રેમનું પુરવાર થયું. એટલે કે ૨૦૦૦ માં રજૂ થયેલી હેરાફેરી ફિલ્મમાં આ ખિલાડી કુમારે પહેલી જ વખત કોમેડી પણ કરી. એક્શન સ્ટાર અક્ષય કુમારમાં કોમેડીની પણ અચ્છી કલા છે તે જાણીને --અનુભવીને દર્શકોને નવો જ અક્ષય કુમાર જોવા-જાણવા મળ્યો. આલા દરજ્જાના અદાકાર પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી સાથેના પ્રસંગોમાં ભારોભાર હાસ્ય છલકાય છે.
હેરાફેરીની સુપરહીટ સફળતાથી પ્રેરાઇને દિગ્દર્શક પ્રિયદર્શને ફિર હેરાફેરી(૨૦૦૬) બનાવીને તેમાં અક્ષય કુમારને પણ ફરીથી તક આપી.
નાણાંવટી ખૂન કેસની સત્ય કથા પર આધારિત રૂસ્તમ ફિલ્મ(૨૦૧૬) માં તો અક્ષયકુમારને શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ પણ મળ્યો. ઉપરાંત, અજનબી ફિલ્મ(નિર્માતા--દિગ્દર્શક : અબ્બાસ -- મસ્તાન)માં દર્શકોને અક્ષય કુમાર ખલનાયકના સાવ જ નવા પણ ડરામણા સ્વરૂપમાં જોવા મળ્યો. અજનબી ફિલ્મમાં પણ અક્ષયને શ્રેષ્ઠ ખલનાયકનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો.
અક્ષય કુમારે એક મુલાકાતમાં કહ્યું છે કે મને બોલીવુડના મહાનાયક બીગ બી એટલે કે અમિતાભ બચ્ચન સર સાથે કામ કરવાનો અવસર મળ્યો તે મારી ફિલ્મ કારકિર્દીનો અને જીવનનો સોનેરી અવસર છે. અમે વક્ત : ધ રેસ અગેન્સ્ટ ટાઇમ, આંખે, એક રિશ્તા : બોન્ડ ઓફ લવ , ખાકી, ફેમિલી વગેરે મજેદાર ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. હું તેમની પાસેથી અભિનયના અને શિસ્તપાલનના બહુ બહુ ઉપયોગી પાઠ શીખ્યો છું. હું અમિતજીને મારા પિતાતુલ્ય સમજું છું.


