- અક્ષય કુમાર હાલ પ્રિયદર્શન સાથે ભૂત બંગલા અને હેરાફેરી થ્રી પણ કરી રહ્યો હોઇ આ ભૂમિકા માટે તેની પસંદગી કરાઇ હોવાનું મનાય છે
હિંન્દી ફિલ્મોમાં કશું નવું ન સૂઝે તો દક્ષિણની કોઇ હીટ ફિલ્મની રીમેક કરી રજૂ કરવાનો જુગાર મોટાભાગે સફળ નીવડે છે. આ મામલે પ્રિયદર્શન એક પટકથાલેખક અને દિગ્દર્શક તરીકે એકદમ સુસજ્જ હોય છે. મૂળમાં દક્ષિણની ઘણી ફિલ્મોમાં પટકથાલેખનનું કામ કરનારા પ્રિયદર્શનને હિન્દીમાં કઇ રીમેક ચાલે તેની ગજબની સૂઝ છે. હવે પ્રિયદર્શન ૨૦૦૬માં રજૂ થયેલી મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ અભિનિત ઓપ્પમ ફિલ્મની રીમેક દસ વર્ષ બાદ હિન્દીમાં હૈવાન તરીકે બનાવી રહ્યા છે.
નવ વર્ષ અગાઉ ૨૦૧૬માં આવેલી મલયાલમ ફિલ્મ ઓપ્પમ ફિલ્મ ગોવિંદ વિજયને લખી હતી. એ સમયે પ્રિયદર્શને તેની પટકથા લખી હતી. હવે આ ફિલ્મને ભારતભરમાં રજૂ કરી શકાય એ રીતે તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે. મૂળ ફિલ્મના દિગ્દર્શક પ્રિયદર્શને ગયા વર્ષે આ ફિલ્મની કથાને હિન્દીમાં ફેરવવાનું શરૂ કર્યું હતું. હવે આ કથા હિન્દીમાં ફિલ્મ બનાવવા માટે તૈયાર છે. મૂળ ઓપ્પમ ફિલ્મમાં મોહનલાલે જયરામનની ભૂમિકા ભજવી હતી. જયરામનને દેખાતું નથી પણ તેની ગંધ, શ્રવણ અને સ્પર્શની ઇન્દ્રિયો એકદમ સાબૂત છે. એક ન્યાયાધીશે એક જણને ખોટી રીતે જેલની સજા કરી હોઇ આ કેદી બદલો લેવા માટે ન્યાયાધીશની હત્યા કરે છે ત્યારે તેની પુત્રીને આ હત્યારા કેદીથી બચાવવા માટે જયરામન મેદાને પડે છે. હૈવાનમાં જયરામનની ભૂંમિકા સૈફ અલી ખાનને ફાળે આવી છે જ્યારે ખૂંખાર નિર્દય કેદીની ભૂમિકા અક્ષય કુમાર ભજવવાનો છે. અક્ષય કુમાર હાલ પ્રિયદર્શન સાથે ભૂત બગલા અને હેરાફેરી થ્રી પણ કરી રહ્યો હોઇ આ ભૂમિકા માટે તેની પસંદગી કરાઇ હોવાનું મનાય છે.
સૈફ અલી ખાને તેના પાત્રની તૈયારીરૂપે કાલારીપટ્ટાયુ નામની કેરળની પ્રાચીન યુદ્ધકળાની તાલીમ મેળવી રહ્યો છે. મૂળ ફિલ્મ ઓપ્પમ સાથે એક અન્ય રસપ્રદ કથા પણ જોડાયેલી છે.
ફિલ્મની ૨૯મી મિનિટમાં ક્રાઇમ ફાઇલમાં ઘાતકી રીતે હત્યા કરાયેલી મહિલાની તસવીર દર્શાવવામાં આવે છે. હવે ફિલ્મ મેકર્સે આ તસવીર કેવી રીતે મેળવી એ રહસ્ય છે પણ આ તસવીરની માલિક એક મહિલા નીકળી અને તેણે ફિલ્મ મેકર્સ સમક્ષ આ તસવીર હટાવવાની રજૂઆત કરી. જે રીતે આ તસવીરને દર્શાવવામાં આવી છે તેને કારણે પોતાને માનસિક ત્રાસ થયો હોવાની રજૂઆત આ મહિલાએ કરી હતી.
આ મહિલા કોડુન્ગાલ્લુરમાં આવેલી અસામ્બી કોલેજમાં લેકચરર તરીકે કામ કરતી પ્રિન્સી ફ્રાન્સિસ છે. ફિલ્મમેકર્સે તેની વાત કાને ન ધરી એટલે પ્રિન્સીએ નિર્માતા એન્ટોની પેરુમ્બાવુર અને દિગ્દર્શક પ્રિયદર્શન સામે ચાલુકોડી મુન્સિફ કોર્ટમાં ફરિયાદ નોંધાવી કે ફિલ્મમેકર્સ દ્વારા તેના બ્લોગમાંથી આ તસવીર તફડાવી ખોટી રીતે તેનો ઉપયોગ ફિલ્મમાં કરવામાં આવ્યો છે. આખરે પ્રિન્સીએ આ મામલે અદાલતમાં ફરિયાદ કરવી પડી. જજ અમ.એસ.શાઇનીએ પ્રિન્સીની તરફેણમાં ચૂકાદો આપી ફિલ્મમેકર્સને એક લાખ રૂપિયા વળતર તરીકે અને ૧.૬૮ લાખ રૂપિયા કાનુની ખર્ચ પેટે ચૂકવી આપવાનો આદેશ આપ્યો હતો. ૨૦૧૭માં કોર્ટ કેસ થયો અને પ્રિન્સીએ સાત વર્ષે આ કેસ જીતી પુરવાર કર્યું કે સામાન્ય મહિલા પણ કાનુની વ્યવસ્થામાં ન્યાય મેળવવાનો પ્રયાસ કરે તો તેને સફળતા મળી શકે છે.


