- 'મેં પણ નકાર સાભળ્યા છે અને છેલ્લી ઘડીએ પડતી મુકાવાનું દર્દ સહ્યું છે'
- દક્ષિણની ફિલ્મોમાં કામ કરવાના અનુભવ વિશે આકાંક્ષા કહે છે, 'મને સાઉથની ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું ગમે છે. તેમનું પ્રોફેશનલીઝમ અને માણસો પ્રત્યે ઉષ્માપૂર્ણ વ્યવહાર ખરેખર અજોડ છે.'
પહેલાંના જમાનામાં મનોરંજનની દુનિયા મર્યાદિત હતી પણ આજે ય પરંપરાગત મીડલ ક્લાસના ઘરમો મનોરંજનની દુનિયા પ્રમાણમાં સંકુચિત હોય છે. જો કે, આ બાબત ઘણીવાર ફાયદાકારક પણ બની રહે છે. હરિયાણાના બહાદુરગઢ નામના એક નાના શહેરમાં ઉછરેલી આકાંક્ષા શર્માના ઘરમાં કેબલ ટીવી નહોતું. એટલે તેણે ઓમ શાંતિ ઓમ ફિલ્મ વારંવાર જોવાની તક મળી. તેમાં તે મૂવીની દુનિયાના પ્રેમમાં પડી ગઇ. બાદમાં આકાંક્ષાએ ગોલિયોં કી રાસલીલા-રામ લીલા જોઇ અને તેને થયું કે આ તો એક રોમાં ચક દુનિયા છે. પછી તો તેને એક્ટિંગ કરવાનો ચસકો લાગ્યો અને આજે તે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં એકટ્રેસ તરીકે તેનું સ્થાન જમાવી રહી છે.
પરંતુ આકાં ક્ષા માટે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સફળ થવા સુધીની સફર સામાન્ય નહોતી. આકાંક્ષા કહે છે મારા શહેરમાં તો બધાં ટીચર કે એન્જિનિયર બનવા માંગતા હોય ત્યાં મારી એક્ટિંગના ક્ષેત્રમાં જવાની વાત અસામાન્ય બની રહી હતી. પણ મારી મોમ મને સ્કૂલમાં રાધાની ભૂમિકા ભજવવા માટે તૈયાર કરતી. અને મને સ્ટેજ પર તો જબરદસ્ત મજા આવતી. એ સમયે તો મને એક્ટિંગ કરવાનું સપનાંમાં પણ સૂઝે તેમ નહોતું. પણ ઇન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડેલની સિઝન ટુમાં ભાગ લીધાં બાદ મને ગ્લેમરની દુનિયામાં કારકિર્દી બનાવવાની ચાનક ચઢી. એ પછી ૨૦૧૮માં મ્યુઝિક વિડિયો દો દિનમાં અને ૨૦૨૦માં ડિસ્કો ડાન્સર ૨.૦માં કામ કર્યું. એ પછી ૨૦૨૩માં ટાઇગર શ્રોફના કાસાનોવા અને હાર્ડી સંધુના સાયકો મ્યુઝિક વિડિયોમાં પરફોર્મ કરવા સાથે આકાંક્ષાની લોકપ્રિયતા વધીહતી.
આકાંક્ષાને કોરોના મહામારી આવી તે પહેલાં કન્નડ ફિલ્મ ત્રિવિક્રમામાં પહેલીવાર અભિનય કરવાની તક મળેલી જેમાં તેણે તૃષા નામની યુવતીની ભૂમિકા ભજવી હતી. એ પછી લાંબા સમયના અંતરાલ બાદ તે ૨૦૨૫માં લયલા નામની તેલુગુ ફિલ્મમાં ચમકી જેમાં તેણે બોલ્ડ અને ગ્લેમરસ જેનીની ભૂમિકા ભજવી. આજ અરસામાં તેને હિન્દી ફિલ્મ કેસરીવીર મળી જેમાં તેણે રાજલનું પાત્ર ભજવી તેની ગજબની સ્ક્રિન પ્રેઝન્સનો પરિચય આપ્યો. પણ કેસરીવીર ફિલ્મ મળી તે પહેલાં આકાંક્ષાએ ઘણો સંઘર્ષ કરવો પડયો હતો. આકાંક્ષા એ તબક્કાને યાદ કરી કહે છે, એ સમયે કશું જ કારગર નીવડતું નહોતું. મને એક પછી એક રિજેકશન મળી રહ્યા હતા. મને આ બધાંની સામે શંકાઓ થવા માંડી હતી. પણ એ સમયે મારી માતાએ સતત મને પ્રોત્સાહન આપી મારો જુસ્સો ટકાવી રાખ્યો અને અચાનક કેસરીવીર મળી. મારા માટે કેસરીવીર ફિલ્મ પ્રાણવાયુ પુરવાર થઇ.
કેસરીવીર કરી એ પહેલાં મેં કોઇ એકશન ફિલ્મ કરી નહોતી. પણ હું આ ફિલ્મ કરવા માટે મક્કમ હતી. મેં હારનેસ પહેરી જાતજાતની ટ્રેનિંગ લીધી. એક્શનની વર્કશોપ પણ કરી. હું તીરંદાજી શીખી અને જંગલમાં કવાયત કરવા માટે પણ ગઇ. પણ આ ફિલ્મમાં મને પહેલીવાર ગ્રીન સ્ક્રિન પર અભિનય કરવાની તક મળી. મારા માટે આ અનોખો અનુભવ હતો. પહેલાં તો ગ્રીન સ્ક્રિન સામે એક્ટિગ કરવાનું વિચિત્ર લાગ્યું. પણ પછી મને પ્રોસેસ ફાવી ગઇ અને હું મારા દિગ્દર્શક પર ભરોસો મુકતાં શીખી ગઇ. કમ્પ્યુટર ગ્રાફિકસ ઇમેજરી-સીજીઆઇ- દ્વારા બનાવવામાં આવેલાં પ્રાણીઓ સામે એક્ટિંગ કરવાનો પડકાર મારી હતો. આંમાં મારે મારી કલ્પના પર મદાર રાખી મારી નજર ચોક્કસ સ્થળે નોંધી રાખી એક્ટિંગ કરવાની રહેતી હતી. પણ ફિલ્મ સફળ થઇ અને લોકોએ મારી સરખામણી બાહુબલિની મહિલા લડાકુઓ સાથે કરી તે મારા માટે એક સિદ્ધિ બની રહી. દક્ષિણની ફિલ્મોમાં કામ કરવાના અનુભવ વિશે આકાંક્ષા કહે છે, મને દક્ષિણની ફિલ્મોમાં કામ કરવાનું ગમે છે. તેમનું પ્રોફેશનલીઝમ અને માણસો પ્રત્યે ઉષ્માપૂર્ણ વ્યવહાર અદ્વિતિય છે.
અભિનેતા દિવ્યેન્દુ સાથે ૨૦૧૯માં આકાંક્ષાએ લગ્ન કરી લીધાં છે. દિવ્યેન્દુને આકાંક્ષા સામે પોતાના પ્રેમનો એકરાર કરવામાં સાત વર્ષ લાગ્યા હતા.પહેલાં તો આકાંક્ષા માની નહોતી પણ આખરે કોલેજ ફ્રેન્ડ સામે આકાંક્ષાએ શરણાગતિ સ્વીકારી લીધી હતી. દિવેન્દુ શર્મા દિલ્હીનો છે અને તે પણ અભિનેતા છે. હાલ ૪૨ વર્ષના દિવ્યેન્દુએ ન્યુમરોલોજીને અનુસરી તેના નામમાંથી અટકને પડતી મુકેલી છે. એક જમાનામાં બોલિવૂડમાં હિરોઇન લગ્ન કરે તે સાથે તેની કારકિર્દી પુરી થઇ હોવાનું ધારી લેવામાં આવતું હતું. તેની સામે નવી પેઢીની હિરોઇન હવે લગ્ન કરી સેટલ થઇ કારકિર્દી જમાવવાના પ્રયાસો કરે છે તે એક મોટું પરિવર્તન છે. આકાંક્ષાની કારકિર્દી સફળ થશે તો તે પ્રવાહ પલટાવનારી બની રહેશે.
હવે આકાંક્ષા શર્મા મિલાપ ઝવેરી દિગ્દર્શિત ફિલ્મ તેરા યાર હું મેં માં ચમકશે. આ ફિલ્મ દ્વારા ઇન્દ્ર કુમારનો પુત્ર અમન હિન્દી ફિલ્મ દુનિયામાં પ્રવેશ કરી રહ્યો છે. ઇશ્ક, દિલ અને બેટા જેવી સફળ ફિલ્મો દ્વારા હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું આગવું સ્થાન બનાવનારા ઇન્દ્ર કુમાર તેમના પુત્ર અમનને લોન્ચ કરવામાં કોઇ કસર રાખશે નહીં. આકાંક્ષા માટે હિન્દી ફિલ્મોમાં સ્થાન મજબૂત બનાવવા માટે આ સોનેરી તક બની રહેશે.


