- 'સામાન્યપણે એવું મનાય છે કે ટીવી પર દર્શકો સાસ-બહુના ડ્રામા જ જોઇને રાજી થાય છે. લોગ કહેતૈ કિ ટીવી પર યહી ચલતા હૈ, પરંતુ નવી પેઢીને આવા શોઝનું આકર્ષણ નથી'
ઐશ્વર્યા ખરે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં હોવા છતાં ગ્લેમર ડોલ નથી. એ દર્શકોને હમેશાં ગર્લ નેક્સ્ટ ડોર જેવી લાગી છે. ઐશ્વર્યા પોતાના લુક કરતા કામને કારણે વધુ જાણીતી છે. એકધારા ચાર વરસના ટેલિકાસ્ટ બાદ આ વરસે પુરી થયેલા ડેઈલી સોપ 'ભાગ્યલક્ષ્મી'માં લક્ષ્મીની ભૂમિકાએ મિસ ખરેને સારી એવી નામના અપાવી છે. 'સાચું કહું તો આ સિરીયલમાં મને અત્યાર સુધીમાં મારી કરીઅરમાં જે કરતી આવું છું એના કરતા કંઈક અલગ કરવા મળ્યું એનો આનંદ છે. ઈટ વૉઝ રિયલી ફન પ્લેયિંગ લક્ષ્મી,' ઐશ્વર્યા કહે છે.
ટ્રેડીશનલ ટીવી સિરીયલોનો એક ખાસ દર્શક વર્ગ છે એની ના નહીં, પણ ૩૦ વરસની આ એક્ટર નવી પેઢીની બદલાયેલી પસંદગીનો ઉલ્લેખ કરતાં કહે છે, 'સામાન્યપણે એવું મનાય છે કે ટીવી પર દર્શકો સાસ-બહુના ડ્રામા જ જોઇને રાજી થાય છે. લોગ કહેતૈ કિ ટીવી પર યહી ચલતા હૈ, પરંતુ નવી પેઢીને આવા શોઝનું આકર્ષણ નથી. એમનો ટેસ્ટ અલગ છે. એમને મન શોઝમાં થોડા યુવા પાત્રો અને થોડું ફેન એલિમેન્ટ હોવું જોઈએ. સિરીયલોમાં આ વસ્તુ ખુટે છે. હું સ્ટ્રોંગલી એવું માનું છું કે ટીવી કંઈ મૃત:પ્રાય મિડીયમ નથી. પણ યુવા પેઢીનું ધ્યાન દોરતા રહેવા સિરીયલ મેકર્સે સ્ક્રીપ્ટ્સ પર હાર્ડ વર્ક કરવાની જરૂર છે. આજકાલ એ તત્ત્વ ખૂટે છે.
સિરીયલોના કાસ્ટિંગના કોઈ એક્ટરના સોશ્યલ મિડીયા પર કેટલા ફોલોઅર્સ છે એના આધારે નિર્ણયો લેવાતા થયા છે ત્યારે ઐશ્વર્યા ઓડિશન્સ આપીને રોલ મેળવવાનું વધુ પસંદ કરે છે. 'મને પહેલેથી મારા ઓડિશન્સમાં આધારે સિરીયલો મળી છે. બીજા ઘણાં એક્ટર્સની જેમ મને સોશ્યલ મિડીયા પર મારી હાજરીના જોરે આજ સુધી કોઈ રોલ ઓફર નથી થયો વળી, એટલે જ મને સિરીયલ સાઈન કર્યા બાદ રિજેક્ટ થવાનો ક્યારેય ડર નથી લાગ્યો,' એમ એક્ટર ગર્વથી કહે છે.
'ભાગ્યલક્ષ્મી' બાદ પોતાની કરીઅરમાં એક નવો અધ્યાય શરૂ થયાનું સ્વીકારતા ઐશ્વર્યા પોતાનો ભાવિ પ્લાન રજુ કરે છે, 'મારે હવે એકનું એક ભૂમિકા નહીં, પણ વધુ ચેલેન્જિંગ કામ કરવું છે. હું જુદા જુદા પાત્રો ભજવવાનું પ્રિફર કરું છું એટલે જ એક્ટર તરીકે હજુ સુધી સ્ટીરિયોટડાઈપ થવામાંથી બચી શકી છું. ટીવી સિરીયલોમાં પણ મેં હમેશાં મારી પસંદગીમાં વિવિધતા જાળવી છે. ખરું કહું તો અત્યારે મારી પાસે કોઈ શો નથી અને મને સિરીયલો સાઈન કરવાની ઉતાવળ પણ નથી. બ્રેક લેવાનું અત્યારે કોઈ પ્લાનિંગ નથી પણ એની સાથોસાથ જે આવે એ તક ઝડપી લેવાનો પણ કોઈ ઈરાદો નથી.'
આલ ધ બેસ્ટ, ઐશ્વર્યા.


