Get The App

એઆઇને કર દિયા કમાલ: ફિલ્મ દિગ્દર્શકોનું કામ સરળ બન્યું

Updated: Nov 20th, 2025

GS TEAM

Google News
Google News
એઆઇને કર દિયા કમાલ: ફિલ્મ દિગ્દર્શકોનું કામ સરળ બન્યું 1 - image

- એઆઇ ફિલ્મ નિર્માણનો ખર્ચ ઘટાડી નાખશે: એઆઇ સર્જિત ફિલ્મના મામલે લેખક-દિગ્દર્શક અને નિર્માતા આમનેસામને થઈ ગયા 

સમરથ કો નહીં દોષ ગુંસાઇ... એમ તુલસીદાસ કહી ગયા છે. આજના એઆઇ જમાનામાં પણ એ એટલું જ સાચું છે. શેખર કપૂર, શકુન બાત્રા અને વિજય સુબ્રમણ્યમ એમ ઘણાં દિગ્દર્શકો એઆઇનો લાભ લેવા મેદાને પડી ચૂક્યા છે. બીજી તરફ અનુરાગ કશ્યપ આણિ મંડળી તેના વિરોધમાં બખાળાં કરી રહી છે. પણ ભારતમાં એઆઇ સિને ક્રાંતિની શરૂઆત થઇ ચૂકી છે તે કોઇ નકારી શકે તેમ નથી. શેખર કપૂરની ફિલ્મ વોરલોર્ડઝ બનાવવા માટે એઆઇનો સઘન ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શેખર કપૂરની સાથે કામ કરી રહેલાં દિપાંકર મુખર્જીએ સ્ટુડિયો બ્લોની સ્થાપના કરી છે. શેખર કપૂરની વોરલોર્ડઝ ઉપરાંત તેઓ અન્ય ત્રણ એઆઇ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. દિપાંકર મુખર્જી કહે છે, ૨૦૨૫નું વર્ષ એઆઇ ઝીરો યર છે. દરેક જણને એઆઇનું કુતૂહલ છે. લોકો સાવધ બનીને તેનું મૂલ્યાંકન કરી રહ્યા છે. 

પરંતુ એઆઇના મામલે હાલ સૌથી મોટું માથું વિજય સુબ્રમણ્યમ ગણાય છે. કલેક્ટિવ આર્ટિસ્ટ નેટવર્ક-સીએએન-ના સ્થાપક અને સીઇઓ વિજય સુબ્રમણ્યમ માને છે કે એઆઇને કારણે ફિલ્મના બિઝનેસમાં ધરખમ ફેરફારો થશે. તેમણે પોતાના બિઝનેસને વિસ્તારવા માટે એઆઇ સંચાલિત ઇન્ફલુએન્સર માર્કેટિંગ પ્લેટફોર્મ ગેેલેરી૫ જુલાઇ ૨૦૨૪માં હસ્તગત કરી લીધું છે. મ્યુઝિકમાં પણ તેમણે એઆઇ જનરેટેડ સ્પિરિચ્યુઅલ રોક બેન્ડ ત્રિલોક બનાવ્યું છે, જેમાં બે જ મ્યુઝિકકમ્પોઝર છે. સુબ્રમણ્યમ ત્રિલોકની વાત કરતાં કહે છે, એક જમાનો હતો જ્યારે આરડી બર્મન અને એસડી બર્મન અને લક્ષ્મીકાન્ત પ્યારેલાલ મોટો સ્ટુડિયો બુક કરી ૮૯-૯૦ સભ્યોના ઓરકેસ્ટ્રા સાથે ગીત કમ્પોઝ કરતાં હતા. આજે હું ફ્રૂટી લુપ્સ કે સાઉન્ડ લોજિક પર મ્યુઝિકનો પેચ મોકલી આપું છું અને મારું કામ થઇ જાય છે. વાયોલિન અને ઢોલ વગાડનારા બેકાર થઇ જશે એવી બૂમરાણ કોઇ મચાવતું નથી. કેમ કે આપણે બધાંએ પ્રગતિ કરવાની છે. એઆઇ એ માત્ર સાધન નથી, એ એક નવી ટેકનોલોજી છે. 

નવી ટેકનોલોજીની અસર વિશે સુબ્રમણ્યમ કહે છે, પાયાની વાત આપણે એ સમજી લેવી રહી કે જ્યારે હેન્રી ફોર્ડે એસેમ્બલી લાઇન નાંખી ત્યારે શું બન્યું હતું. તેણે ટેકનોલોજીનો ઉપયોગ કરી કારનું ઉત્પાદન વધારી માનવજાતની સેવા કરી. આ જ રીતે એઆઇ અપનાવવાને પગલે કન્ટેન્ટનું પ્રમાણ વધશે. એઆઇ એક્ટરનું સ્થાન લઇ લેશે એમ હું માનતો નથી પણ નાણાંકીય મોડેલ બદલાઇ રહ્યા છે તે હકીકત છે. એઆઇની ટીકા કરી રહેલાં લોકોને એટલું જ કહેવાનું છે કે હું મારા ગ્રાહકોને વધારે નાણાં રળી આપીશ. 

પણ અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાણી અલગ સૂર આલાપે છે. અનુરાગ કશ્યપે ઇન્સ્ટા પર જણાવ્યું હતું કે સર્જકોના હિતોનું રક્ષણ કરવા પ્રતિનિધિત્વ કરવાની વાતો છે. આખરે તો આ બધી એજન્સીઓને તમારા થકી નાણાં રળવામાં જ રસ હોય છે. આ એક માણસ કળાકારો, લેખકો અને દિગ્દર્શકોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થાનો વડો છે અને હવે તે એઆઇ દ્વારા નિર્મિત ફિલ્મ બનાવી રહ્યો છે. અનુરાગે દાઢમાંથી તેની સોશ્યલ મિડિયા પોસ્ટમાં ઉમેર્યું હતું કે  સર્જકોના હિતનું રક્ષણ અને પ્રતિનિધિત્વ કરવા બદલ આભાર. કોઇપણ એક્ટર કે જે કોઇ પોતાને કળાકાર કહેવડાવતાં હોય તેમણે કરોડરજ્જુ ટટ્ટાર કરી તેને સવાલ કરવો જોઇએ અથવા તેનું સંગઠન છોડી દેવું જોઇએ. કેમ કે તેણે પુરવાર કર્યું છે કે તેના મતે એઆઇના પરફોર્મન્સની કોઇ જોડ નથી.કરોડરજ્જુ  વિનાના હિન્દી ફિલ્મ ઉદ્યોગના કહેવાતાં કાયર કળાકારોનું ભાવિ આ જ છે.અનુરાગે તેની લાક્ષણિક શૈલીમાં જણાવ્યું છે, વિજય સુબ્રમણ્યમ વેલડન, તમને તો શરમ આવવી જોઇએ. તમારે તો ગટરમાં પડયા રહેવું જોઇએ.  

જો કે, સુબ્રમણ્યમને આવી ટીકાઓની કોઇ પડી નથી. તે કહે છે, અમુક ચીજો કદી બદલાવાની નથી. સ્પર્શ અને લાગણીના અનુભવો કદી ગાયબ થશે નહીં. હું માનું છું કે એઆઇ વધારે બહેતર લેખકોને પેદાં કરશે. વિડિયો સાઇડે એડિટિંગ સરળ બની રહેશે. આમાં કોઇનું સ્થાન લેવાની વાત નથી. આમાં મૂલ્યવર્ધનની વાત છે. સમય એ એક માત્ર એવી ચીજ છે જેની પર કોઇનું નિયંત્રણ નથી. અને એઆઇ તમારો સમય બચાવે છે. વિજય સુબ્રમણ્યમ આણિ મંડળી માને છે કે ફિલ્મ મેકિંગમાં એઆઇ આવશે કે કેમ એ સવાલ નથી સવાલ એ છે કે ક્યારે આવે છે. આ નવું ઇન્ટરનેટ છે. કાં તો પાર્ટીમાં જોડાવ અથવા રહી જાવ, પણ તમે તેની સામે લડી શકો તેમ નથી. 

અનુરાગ કશ્યપનો કળાકારોના હિતોના મામલે બળાપો યોગ્ય છે કે કેમ એ તો સમય કહેશે પણ દિપાંકર મુખર્જી એ આ મામલે નક્કર કશું કરવાની દિશામાં પહેલ કરી છે. તેમણે એફએઆઇએમઓયુએસ-ફાઇમસ નામનું સેલેબ ક્લોનિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે જેમાં તે સેલિબ્રિટીઓને તેમના સત્તાવાર ક્લોન બનાવી આપી તેને બ્રાન્ડ કે એજન્સીને નિયત સમય માટે વાપરવાની સુવિધા કરી આપે છે. આમાં મહત્વની વાત એ છે કે કોઇપણ કન્ટેન્ટ બનાવવામાં આવે તેને માટે પહેલાં જે તે સેલિબ્રિટીની મંજૂરી લેવામાં આવે છે. મુખર્જી કહે છે, તમારી યુનિક ડિજિટલ આઇડેન્ટિટી હોય તો તેનો બિનસત્તાવાર ઉપયોગ થાય તો તેને પકડી પાડવાનું સરળ બની રહે છે. 

પરંતુ હોલિવૂડમાં આ જ બાબતે  અલગ રંગ પકડયો છે. હોલિવૂડમાં એક ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીએ  એઆઇ જનરેટેડ એકટ્રેસ ટિલ્લી નોરવૂડમાં રસ લેતાં હોબાળો મચી ગયો છે પણ નોરવૂડની સર્જક  પોતે એક એક્ટર એલિન વાન ડેર વાલ્ડન છે અને તે કહે છે, એનિમેશન અને કમ્પ્યુટર ગ્રાફિક્સ ઇમેજરી-સીજીઆઇ-ની જેમ એઆઇ પણ સર્જનની નવી શક્યતાઓના દરવાજા ખોલી આપે છે. હું એઆઇને લોકોનું સ્થાન લેનારી ટેકનોલોજી તરીકે નહીં પણ એક નવા સાધન તરીકે જોઉં છું.

 ટૂંકમાં હાલ તો એઆઇ મામલે માથાં એટલાં મત છે. આખરે તો પુડિંગનો ટેસ્ટ તેને ખાવાથી જ જાણી શકાય એ હકીકત એઆઇ ભૂલી શકે તેમ નથી. કીપ યોર ફિંગર્સ ક્રોસ્ડ એન્ડ કીપ ટોકિંગ વીથ ચેટ જીપીટી!