- 'હું AI ઇન્વેસ્ટમેન્ટને યોગ્ય છે કે નહીં તે પણ ચકાસી રહ્યો છું. એક્ટિંગ માત્ર યોગ્ય અભિવ્યક્તિ પૂરતી મર્યાદિત નથી જો એવું હોત તો છૈંએ એક્ટર્સને નવરાં કરી નાખ્યા હોત...'
હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં એઆઇને કારણે ધીમે ધીમે મોટું પરિવર્તનઆવી રહ્યું છે. બદલાતી દુનિયામાં એઆઇ અભિવ્યક્તિના ક્ષેત્રમાં પણ તેના ચમત્કારો બતાવશે એવા અંદેશાને કારણે હિન્દી ફિલ્મ જગતમાં પણ આ મામલે જાત જાતની વાતો થઇ રહી છે. પરંતુ કુણાલ કપૂર પાસેએઆઇને મામલે એક અલગ જ સમજ છે. તે એઆઇને એક એક્ટર તરીકે, લેખક તરીકે, રોકાણકાર તરીકે અને ટેક કંપનીના સ્થાપક તરીકે જોઇ શકે છે. કુણાલ કપૂર પાસેથી એઆઇ વિશે સાંભળીએ ત્યારે એમ લાગે કે આ એકદમ અલગ જ વાત છે.
કુણાલ કહે છે, એક એક્ટર, ટેક ફાઉન્ડર અને ઇન્વેસ્ટર તરીકે હું એક અલગ જ ત્રિભેટે ઉભો છું. મિડિયા અને એઆઇ બંનેનો મને અનુભવ છે. એઆઇ એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ઉત્તેજના જગાવે તેવી અને સાથે સાથે ભય પમાડે તેવી ટેકનોલોજી છે. એક એક્ટર તરીકે વાત કરૂ તો એઆઇને કારણે ઓડિયન્સ અને કળાકાર વચ્ચે રહેલા વિશ્વાસનો તંતુ છેદાઇ જવાની ધાસ્તી છે. એઆઇનો જો સમજી વિચારીને ઉપયોગ કરવામાં નહીં આવે તો આધારભૂતતાનો ભોગ લેવાઇ જશે. કળામાંથી આધારભૂતતા જાય એટલે અનુભૂતિ પણ જાય.
કુણાલ કપૂર એક્ટિંગ પર એઆઇની સંભવિત અસરો વિશે વાત કરતાં કહે છે, લોકોમાંએવો ભય પ્રવર્તે છે કે એઆઇ એક્ટર્સનું સ્થાન લઇ લેશે. પણ એક્ટિંગ એટલે શું એ પહેલાં સમજી લેવું પડે. એક્ટિંગ એટલે માત્ર પરફેક્ટ અભિવ્યક્તિ એવું નથી. કોઇ પણ પરફોર્મન્સ યાદગાર ત્યારે બને જ્યારે તેની પાછળ લાગણીની શક્તિ રહેલી હોય. એઆઇ હલનચલનની બરાબર નકલ કરી શકે પણ કોઇ ભાવની ભાવવાહી અભિવ્યક્તિ કરવામાં માણસ હજી એઆઇથી આગળ છે. જો માત્ર હાવભાવને જ એક્ટિંગ ગણવામાં આવતી હોત તો એઆઇએ અમને બધાંને ક્યારના નવરાં કરી નાંખ્યા હોત. કોઇ એક્ટિંગની ખાસિયત એ હોય છે કે તેના વિશે કોઇ અનુમાન બાંધી ન શકાય. એક એક્ટર એક સીન કેવી રીતે પરફોર્મ કરશે તે જાણવા અને જોવાની એક ઉત્તેજના હોય છે. એક્ટર અમુક રીતે જ પરફોર્મ કરે તેના કારણે તેના ચાહકોને મજા પડે છે. જ્યારે એઆઇની આ મામલે મોટી મર્યાદા છે. મૂળ તો દર્શકો સાથે સંવાદ સધાવો જોઇએ. જ્યાં સુધી એકટર તેના ચાહકો સાથે સંવાદ જાળવી શકે ત્યાં સુધી તેમણે એઆઇની બહું ચિંતા કરવા જેવી નથી. ટેક ફાઉન્ડર તરીકે કુણાલને વિશ્વાસ છે કે સિનેમા એઆઇના પરિવર્તનને પચાવી લેશે. કુણાલ પોતાની વાત વધારે સ્પષ્ટ કરતાં કહે છે કે ટેકનોલોજીને કોઇ અટકાવી શકતું નથી. સિનેમાએ હમેંશા નવી ટેકનોલોજીને સતત અપનાવી પોતાનો આગવો માર્ગ કંડાર્યો છે. એક જમાનામાં મૂક બોલપટની બોલબાલા હતી. એ પછી અવાજ ઉમેરાતાં તેમાં સંગીતના સૂર પણ ભળ્યા. સિનેમાને કારણે એક અલગ જ પ્રકારનું સિનેમાસંગીત સર્જાયું. એ પછી વીએફએક્સથી માંડી સીજીઆઇ સુધીના અનેક ટેકનોલોજીકલ પડકારો સિનેમાએ બખૂબી ઝીલ્યા છે. હવે નવું પરિવર્તન એઆઇ બની રહેશે. આમાં પડકાર એ છે કે એઆઇનો સર્જનાત્મક ઉપયોગ કરી સિનેમાને વધારે મનોરંજક કે અર્થસભર કેવી રીતે બનાવવી? એઆઇનો માણસના સ્થાને ઉપયોગ કરી ખર્ચ ઘટાડવાનું કામ તો સામાન્ય ગણાય. ખરો પડકાર એઆઇ દ્વારા સિનેમાની ગુણવત્તા સુધારવામાં રહેલો છે.
આ તો એક્ટર તરીકે કુણાલ કપૂરે તેની એઆઇ વિશેની સમજની વાતો કરી. પણ એક રોકાણકાર તરીકે તેને એઆઇ ટેકનોલોજી કેવી લાગે છે એ જાણવું પણ એટલું જ રસપ્રદ છે. એક ઇન્વેસ્ટર તરીકે કુણાલ કપૂર કહે છે, એઆઇનો એક મોટો ઉપયોગ પ્રોડકશન ખર્ચ ઘટાડવામાં થશે તેમાં કોઇ બેમત નથી. મોટાં સ્ટુડિયો તેમના પ્રોજેક્ટની કોસ્ટને ઘટાડવા માટે એઆઇનો સઘન ઉપયોગ કરશે. પણ મારા મતે અસલી વાત તા એ છે કે ે ટેકનોલોજીને કારણે સિનેમા વધારે લોકોના હાથમાં પહોંચશે. એક સામાન્ય ફિલ્મમેકર પણ એઆઇની સહાયથી સ્ટુડિયોને આંટી મારી શકે તેવી ચકાચક ફિલ્મ બનાવી શકશે. જેની અગાઉ કલ્પના પણ કરી શકાતી નહોતી. લેખનના ક્ષેત્રમાં એઆઇ શું પરિવર્તન લાવશે તેની વાત કરતાં કુણાલ કપૂર કહે છે, મારા પોતાના રાઇટર્સ રૂમમાં અમે પટકથાઓ લખીએ છીએ.
હવે એઆઇને કારણે અમે અમારા વિઝનમાં વધારે મહત્વાકાંક્ષી બની રહ્યા છીએ. એક જમાનામાં જે મોટા સ્ટુડિયો દ્વારા જ શક્ય હતું તે હવે ઐઆઇ દ્વારા નાનો ફિલ્મમેકર પણ સાકાર કરી શકે છે. આ પરિવર્તનને કારણે વિવિધ અવાજોને તક મળશે. વાર્તાઓ વધારે વૈવિધ્યસભર બનશે. જેને પરિણામે દર્શકોને પણ વધારે વૈવિધ્યસભર ફિલ્મો જોવા મળશે તેમ હસીને કુણાલ કપૂર તેમની વાતનું સમાપન કરે છે.
તમારા મોંમાં ગોળ સાકર કહી તેમની સમજને બિરદાવીએ!


