Get The App

અહાન પાંડે : પહેલી ફિલ્મથી જ છવાઈ ગયો

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
અહાન પાંડે : પહેલી ફિલ્મથી જ છવાઈ ગયો 1 - image


તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ 'સૈયારા'એ બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી છે. યશરાજ બેનરની મોહિત સૂરી દિગ્દર્શિત આ મૂવીની મુખ્ય જોડી અહાન પાંડે અને અનિત પડ્ડાને દર્શકોએ ખરા હૃદયથી પોંખ્યા છે એમ કહીએ તો તે વધારે પડતું નહીં ગણાય. બોલિવુડને મજા એ વાતે પડી ગઈ છે કે નવોદિત જોડીને ચમકાવતી 'સૈયારા'એ રજૂઆતના ચાર દિવસમાં જ બૉક્સ  ઓફિસને ૧૦૦ કરોડ રૂપિયાથી છલકાવી દીધી. અને છઠ્ઠે દિવસે આ આંકડો ૧૫૦ કરોડ રૂપિયાને આંબી ગયો હતો.

ફિલ્મમાં અહાન પાંડેએ સંઘર્ષ કરી રહેલા સંગીતકાર ક્રિશ કપૂર અને અનીત પડ્ડાએ મહત્ત્વાકાંક્ષી ગીતકારની ભૂમિકા ભજવી છે જે બહુ નાની વયે અલ્ઝાઈમર જેવી વ્યાધિના સપાટામાં આવી જાય છે. 'સૈયારા' અહાનની આ પહેલી અને અનીતની બીજી ફિલ્મ છે (અનીતે અગાઉ 'સલામ વેન્કી' નામની ફિલ્મમાં ટચુકડો રોલ કર્યો હતો). બન્નેની કેમિસ્ટ્રીએ કમાલ કરી છે. પહેલી જ ફિલ્મમાં અપ્રતિમ સફળતા મળતાં અહાન સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. છેલ્લા ઘણા સમયથી હિન્દી ફિલ્મો બૉક્સ ઑફિસ પર ખાસ ઉકાળી નથી શકી, ટોચના કલાકારોને પણ દર્શકો દાદ નથી આપી રહ્યા ત્યારે આ કાલના છોકરડાએ જે જાદુ ચલાવ્યો છે તે જોયા પછી તેના વિશે થોડું જાણવાની ઇચ્છા થાય તે સહજ છે.

આ અભિનેતા બિઝનેસમેન  ચિક્કી પાંડેનો પુત્ર છે. તેની મમ્મી ડીએન પાંડે ફિટનેસ એન્ટ્રપ્રેન્યોર છે. અહાનના પપ્પા અને અનન્યાના પપ્પા ચંકી પાંડે સગા ભાઈઓ થાય. જોકે અહાનની સફળતાને અનન્યા કે તેના પરિવારજનો સાથે કશો સંબંધ નથી. આ કલાકાર પોતાની મહેનત અને આવડતને પગલે પહેલી ફિલ્મથી જ બૉલીવૂડ પર છવાઈ ગયો છે. તે દિલ્હીની ઑબેરૉય ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારથી જ તેને અભિનય પ્રત્યે આકર્ષણ પેદા થયું હતું. આ શાળા આમેય તેના સર્જનાત્મક અપ્રોચ માટે જાણીતી છે. અહાન તેના શાળાના દિવસો દરમિયાન જ નાટકો તેમ જ ઈત્તર પ્રવૃત્તિઓમાં ભાગ લેવા લાગ્યો હતો. આમ છતાં અહાને ઓડિશન્સ આપવાના સ્થાને અલગ જ માર્ગ અપનાવ્યો. અભિનેતાએ શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી સીધી મુંબઈની વાટ ઝાલી. તેણે મુંબઈ યુનિવર્સિટીમાંથી ફાઈન આર્ટ્સ અને સિનેમેટિક આર્ટ્સમાંથી ડિગ્રી મેળવી, જેમાં તેનું લક્ષ્ય ટીવી અને ફિલ્મ પ્રોડક્શન હતું. જોકે તેના અભ્યાસમાં સ્ક્રીપ્ટ રાઇટિંગ, એડિટિંગ, અને પોસ્ટ-પ્રોડક્શન ઇત્યાદિ વિષયો પણ સામેલ હતા. સ્વાભાવિક રીતે જ અહાનને ફિલ્મસર્જનની ઝીણવટભરી જાણકારી મળી. પરંતુ અહાન માત્ર પુસ્તકિયું જ્ઞાાન લઈને આગળ વધવા નહોતો માગતો.  તેને આ બધું પ્રત્યક્ષ શીખવું હતું. તેથી તેણે કેટલીય ફિલ્મો અને વેબ સીરિઝોમાં આસિસ્ટંટ ડિરેક્ટર તરીકે કામ કર્યું. તે સેટ પર મોડી રાત સુધી બેસી રહેતો અને કેમેરા બ્લૉકિંગ, સાઉન્ડ ડિઝાઈન, એડિટિંગ શીખતો. એક પૉડકાસ્ટ દરમિયાન અભિનેતાએ કહ્યું હતું કે તે  ફેવરિટ ફિલ્મો જોતી વખતે તે પૉઝ કરીને તેના દ્રશ્યોનું વિશ્લેષણ કરતો. અહાન એક અચ્છો ડાન્સર પણ છે. તેને સંગીત અને ફેશનની પણ ખાસ્સી સૂઝ છે.

અહાન પાંડેની સફળતાને પગલે તેનો સમગ્ર પરિવાર લાઈમલાઈટમાં આવી ગયો છે. જોકે એવું નથી કે અગાઉ તેમને કોઈ ઓળખતું નહોતું. અહાનની મમ્મી ડીએન પાંડે જાણીતી વેલનેસ કોચ, ફિટનેસ એક્સપર્ટ, બેસ્ટ સેલિંગ ઑથર છે. તે મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ટ્રેનર રહી ચૂકી છે. અહાનની બહેન અલાના જાણીતી સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર અને મૉડેલ છે. ઇન્સ્ટાગ્રામ અને યૂટયુબ પર તેના લાખો ફોલોઅર્સ છે. તેનું ફેશન અને ટુરિઝમ વિષયક કોન્ટેન્ટ ખાસ્સું લોકપ્રિય છે. તેનું સ્ટાઈલિંગ પણ નેટિઝનોને ખૂબ ગમે છે.  અહાનના ફેમિલી ફોટોગ્રાફ્સ ફેશન, સ્ટાઈલ અને એલિગન્સથી છલકાતાં હોય છે. અભિનેતાને તેની પિતરાઈ બહેનો સાથે પણ સારું ફાવે છે. તાજેતરમાં અહાનની માતાએ સોશ્યલ મીડિયા પર મૂકેલી એક પોસ્ટમાં લખ્યું હતું કે તે પ્રિમેચ્યોર બેબી હતો. તેનો જન્મ ચાળીસ દિવસ વહેલો થયો હતો. પરંતુ પછીથે તેનો વિકાસ યોગ્ય રીતે થતાં અહાન સુંદર બાળક બની ગયો હતો. 

Tags :