Get The App

અહાન પાંડેની ફિલ્મી સફરઃ વર્ષોના સંઘર્ષ પછી સ્ટારડમની સ્પોટલાઈટ સુધી

Updated: Jun 4th, 2026

GS TEAM

Google News
Google News
અહાન પાંડેની ફિલ્મી સફરઃ વર્ષોના સંઘર્ષ પછી સ્ટારડમની સ્પોટલાઈટ સુધી 1 - image

- 'સૈયારા'ની અભૂતપૂર્વ સફળતા વિશે વાત કરતા અહાન કબૂલ કરે છે કે તે અને તેની કો-સ્ટાર અનીત પડ્ડાએ ફિલ્મ આટલી સફળ થશે તેવો સ્વપ્ને પણ વિચાર નહોતો કર્યો. 

મુંબઈમાં પાંડે નિવાસના જીવંત અને ઉષ્માભર્યા વાતાવરણમાં અહાન પાંડે કોઈ બોલીવૂડના પોલિશ્ડ સ્ટાર તરીકે નહિ પણ પોતાના જીવનને પરિવર્તિત કરનાર તોફાન સાથેના વાવાઝોડું ધરાવતા યુવાન તરીકે ઊભરી આવે છે. શાંત, શરમાળ અને આશ્ચર્યજનક રીતે નિખાલસ અહાન સેલિબ્રિટીનો પીછો કરવામાં ઓછુ અને કથાનક, કલા તેમજ ભાવનાત્મક સચ્ચાઈમાં રસ ધરાવતા કલાકાર તરીકે વધુ ઊભરી આવે છે.

ડેબ્યુ ફિલ્મ 'સૈયારા'ની સફળતાએ તેને લાઈમલાઈટમાં તો મુકી દીધો, પણ આ ઘડી સુધીની સફર કોઈ ઝડપી નહોતી. અહાન યાદ કરે છે કે કેવી રીતે કાસ્ટિંગ ડાયરેક્ટર શાનૂ શર્માએ પ્રથમવાર તેનો સંપર્ક કર્યો હતો ત્યારે તે હજી માત્ર ૧૭ વર્ષનો હતો. ત્યારે ફોનકોલને બોગસ સમજીને તેણે કાપી નાખ્યો હતો. પણ પછી શરૂ થઈ દાયકા સુધીની પ્રતિક્ષા, વર્કશોપ્સ અને અનિશ્ચિતતા. ૨૧ વર્ષની વયે યશ રાજ ફિલ્મ્સમાં એક ટેલન્ટ તરીકે જોડાયો, ૨૬ વર્ષની વયે શૂટ શરૂ કર્યું અને હવે ૨૮ વર્ષની વયે ભૂતકાળને અભિમાન તરીકે નહિ પણ કૃતજ્ઞાતાથી યાદ કરે છે.

'સૈયારા'ની અભૂતપૂર્વ સફળતા વિશે વાત કરતા અહાન કબૂલ કરે છે કે તે અને તેની કો-સ્ટાર અનીત પડ્ડાએ ફિલ્મ આટલી સફળ થશે તેવો સ્વપ્ને પણ વિચાર નહોતો કર્યો. નવોદિતો તરીકે તેઓ માનતા કે ફિલ્મ જોવા કોઈ નહિ આવે તેવી પણ શક્યતા છે. તેમનો ભય જ તેમનું પ્રેરક બળ બની ગયો. બોક્સ ઓફિસ અપેક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવાની બદલે તેમણે પોતાને પાત્રોમાં ઢાળી દીધા અને તેમના પરફોર્મન્સ પ્રત્યે પૂરી રીતે વફાદાર રહ્યા. તેમના માટે તો એક દર્શકની લાગણીને સ્પર્શ થાય તો પણ મહેનત લેખે લાગી ગણી શકાય તેવું હતું.

ફિલ્મ રજૂ થઈ ત્યારે એવી ઘડીઓ સામે આવી જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. પ્રથમ દિવસે થિયેટરોની બહાર દર્શકો પ્રતિક્ષા કરી રહ્યા હોવાના અને  ફિલ્મ જોયા વિના ત્યાંથી હટવાનો ઈન્કાર કરી રહ્યા હોવાના વીડિયો હજી પણ અહાન યાદ કરે છે. આ સફળતાએ બંને કલાકારોને સ્તબ્ધ કરી દીધા. પ્રસિદ્ધિ કરતા પણ વધુ અર્થસભર જો કે દર્શકોના અંગત પ્રતિસાદો હતા. એક દર્શકે તેને જણાવ્યું કે આ ફિલ્મે તેનું લગ્નજીવન સુધારી દીધું, જ્યારે અન્યએ કહ્યું કે આ ફિલ્મ જોયા પછી પત્ની પ્રત્યે તેનું વર્તન બદલાઈ ગયું. અહાન માટે આવી વાર્તાઓએ તેની માન્યતાને વધુ દ્રઢ બનાવી કે એક ફિલ્મ વાસ્તવમાં લોકોના જીવનને પ્રભાવિત કરી શકે છે.

લોકપ્રિયતા સતત વધી રહી હોવા છતાં અહાન ઈરાદાપૂર્વક મીડિયા એક્સપોઝરના અતિરેક અને સોશિયલ મીડિયાના વિક્ષેપથી દૂર જ રહ્યો છે. અહાન માને છે કે તેના માટે તેનું કાર્ય જ બોલશે. ચાહકોએ સૂચવેલા ફેરફારો અને ઓનલાઈન પ્રશંસાની કદર કરતો હોવા છતાં અહાન પોતાની અંતરંગ ભાવનાઓને અનુસરે છે અને પોતાના પાત્રના મનોવિશ્વમાં ઓતપ્રોત થઈ જાય છે. બીજી ફિલ્મ માટેની તૈયારીએ તેને સોશિયલ મીડિયાથી દૂર થવા પ્રેર્યો છે કારણ કે તેના મતે તેનું વર્તમાન પાત્ર સમય વેડફી ન શકે.

અહાનની ઓળખમાં તેનો પરિવાર કેન્દ્ર સ્થાને છે. માતા ડીન પાંડે તેના જીવનમાં ભાવનાત્મક આધાર બની રહી છે. અહાન તેના વિશે લાગણીથી વાત કરે છે અને તેની મક્કમતા, સંવેદનશીલતા તેમજ પોતાના વ્યક્તિત્વને આકાર આપનાર તેના અતૂટ સમર્થનને પૂરુ શ્રેય આપે છે. સૈયારા જોઈને તે વારંવાર રડી પડી હતી અને હવે રમૂજમાં કહે છે કે લોકો તેને પોતાની અંગત ઓળખના સ્થાને ક્રિશ કપૂરની માતા તરીકે વધુ ઓળખે છે. તેના પિતા ચિક્કી પાંડે તેમજ બહેનો અનન્યા પાંડે અને અલાન્ના પાંડે પણ અહાનની સફળતા બદલ ભારે ગર્વ અનુભવે છે.

આજે ભલે અભિનય અહાનની ઓળખ બની ગયું હોય, પણ અહાને પોતે એક્ટર બનશે તેવી કલ્પના ક્યારેય નહોતી કરી. એક બાળક તરીકે તે લેખક અને ડીજેથી લઈને વીડિયો ગેમ ડીઝાઈનર બનવાના સ્વપ્ન જોતો હતો. તેણે ૩ડી મોડલીંગનો અભ્યાસ કર્યો, વાર્તાઓ લખી, સંગીત રચ્યું અને અભિનય જ આ તમામ ધગશોને એકત્રિત કરી શકે તેવો અહેસાસ થવા અગાઉ અને રચનાત્મક ક્ષેત્રોનો અભ્યાસ કર્યો. વિડંબના એવી છે કે ચંકી પાંડે સહિત ફિલ્મી પરિવારનો હોવા છતાં તે ઉદ્યોગના ગ્લેમરથી અળગો જ રહ્યો હતો.

અભિનય માટે તેની તાલીમ સઘન હતી. વર્ષો દરમ્યાન તેણે થિયેટરોના દિગ્ગજો તેમજ અતુલ મોંગિયા, નીરજ કબી અને પ્રશાંત સિંઘ જેવા અભિનયના કોચ પાસેથી તાલીમ લીધી. અહાન રમૂજમાં વર્કશોપના પ્રારંભિક દિવસો યાદ કરે છે જ્યારે એરપોર્ટ પર ગર્લફ્રેન્ડને મળવા તેણે અભિનયનો ક્લાસ  નાટયાત્મક રીતે છોડી દીધો હતો અને પછી તેેને કારકિર્દી અથવા પ્રેમ વચ્ચે પસંદગી કરવાનું કહેવમાં આવ્યું હતું.

હાલ પોતાની અલી અબ્બાસ ઝફર દિગ્દર્શિત એક્શન મનોરંજક બીજી ફિલ્મમાં કામ કરી રહેલો અહાન રોલ  માટે જરૂરી શારીરિક સુસજ્જતા કેળવી રહ્યો છે. અહાન કહે છે કે તાલીમે તેને એવા સ્નાયુઓ વિશે જાણકારી આપી જેના વિશે તે અગાઉ અજ્ઞાત હતો. સફળ ડેબ્યુ પછીનો તણાવ હોવા છતાં અહાન માને છે કે ફિલ્મી સેટ પર હાજર થતાં જ અસ્વસ્થતા ગાયબ થઈ જાય છે.

પરફોર્મન્સ પ્રત્યેની તેની સમજદારીને આકાર આપનાર કલાકારો વિશે પણ અહાન નિખાલસતાથી વાત કરે છે. શાહ રૂખ ખાન તેનો સૌથી પ્રારંભિક પ્રેરણામૂર્તિ રહ્યો હતો, તેના પછી રણબીર કપૂર, રણવીર સિંહ, વિકી કૌશલ, નવાઝુદ્દી સિદ્દીકી અને આલિયા ભટ્ટ તરફથી તેને પ્રેરણા મળતી રહી. મસાન અને ગેન્ગ્સ ઓફ વાસેપુર જેવી ફિલ્મો જોઈને સિનેમા અને સાહજિક અભિનય વિશે તેની સમજમાં ભારે પરિવર્તન આવ્યું હોવાનું અહાન માને છે.

જો કે તમામ પ્રભાવોમાં શાહ રૂખ ખાન તરફથી મળેલી પ્રેરણા તેના માટે અંગત રહી છે. આર્યન ખાન અને સુહાના ખાન સાથે ઉછેર થયો હોવાથી અહાને સુપરસ્ટારની ઉદારતા અને સહાનુભૂતિને નજીકથી અનુભવ્યા છે. તે યાદ કરે છે કે કેવી રીતે શાહ રૂખ ખાને ધૈર્યથી તેની ટીનેજ ટૂંકી ફિલ્મ જોઈ હતી અને વિસ્તૃત મંતવ્યો આપ્યા હતા, જે અનુભવે નમ્રતા  વિશે તેની સમજને પ્રભાવિત કરી.

આજે તેની ફરતે આટલું ધ્યાન અને તેની પાસેથી ખૂબ જ અપેક્ષા હોવા છતાં અહાન પાંડે હજી પણ નમ્રતા અને મહત્વાકાંક્ષામાં જડાયેલો જણાય છે. તેની વાર્તા કોઈ રાતોરાત સફળતાની નથી પણ સાતત્ય, ભાવનાત્મક પ્રમાણિકતા અને વિકસવાની પ્રતિબદ્ધતા સાથે વણાયેલી છે. વિકસી રહેલા સ્ટારડમ નીચે હજી એવો કલાકાર છે જે પોતાને જ શોધી રહ્યો છે અને પ્રત્યેક પરફોર્મન્સને ડેબ્યુ તરીકે જ ગણી રહ્યો છે.