- સિન્હા ફેમિલી પર એક બાયોગ્રાફિકલ ડોક્યુમેન્ટ્રી બનાવવાની તૈયારી કરી રહ્યા હોવાનું સંભળાય છે. એમાં મુખ્ય ફોકસ એક્ટર-પોલિટિશ્યન શત્રુઘ્ન સિન્હાની પટનાથી મુંબઈ સુધીની યાત્રા પર રખાશે
બોલિવુડમાં પોતાના કોન્ટેક્ટ્સની રોકડી (એન્કેશ) કરી લેવાનું ચલણ જોરમાં ચે. ફારાહ ખાન આજે કોરિયોગ્રાફી અને ડિરેક્શન કોરાણે મૂકીને પોડકાસ્ટ બનાવવામાં પડી ગઈ ચે. એ પોતાના બિહારી કુકને લઈને સેલિબ્રિટીજના આલિશાન અપાર્ટમેન્ટ્સમાં પહોંચી જાય છે અને એમની સાતેનો કંટાળાજનક વાર્તાલાપ દર્શકોના માથે મારે છે. કાજોલ અને ટ્વિન્કલ ખન્નાએ પણ તોડા અરસા પહેલા ઈન્ડસ્ટ્રીના નામી સ્ટાર્સને પોતાના શોમાં બોલાવી ઢંગધડાવિનાની વાતો લોકોને સંભળાવી હતી.
ઈન શોર્ટ, કોન્ટેક્ટસને વટાવી ખાવાનો ટ્રેન્ડ જોરમાં છે. એનો લાભ લઈ એક્ટર-પ્રોડયુસર શશી રંજને ૨૦૨૫માં ચાર ભાગમાં 'ધ રોશન્સ' નામની એક ડોક્યુમેન્ટ્રી બનાવી હતી. દર વરસે ભપકાદાર ટીવી એવોર્ડ શો યોજવા માટે જાણીતા શશી રંજન સો બિજનેસમાં સારા કોન્ટેક્ટ્સ (સંપર્કો) ધરાવે છે. ઘણાં મોટા સ્ટાર્સ અને એમના ફેમિલી સાથે એમને ઘનિષ્ટ મૈત્રી છે. એમાં રાકેશ રોશન અને શત્રુઘ્ન સિન્હાનો પરિવાર પણ આવી જાય. ઓટીટી પર પ્રસારિત થયેલી ડોક્યુમેન્ટ્રીમાં આખા રોશન પરિવારની સિદ્ધિઓ અને એમના વિશેની જાણી-અજાણી વાતો સરસ રીતે વણી લેવાઈ હતી. ડોક્યુમેનટ્રીમાં સંગીતકાર રોશન, એમના બે પુત્રો રાકેશ અને રાજેશ રોશન અને એમના સુપરસ્ટાર હૃતિક રોશન વિશે ઇન્ડસ્ટ્રીના અગ્રણીઓના ક્વોટસ (અવતરણો) સાંભળવાની દર્શકોને મજા હતી. ડોક્યુમેનટ્રીને મળેલી નોંધપાત્ર સફળતાથી પોરસાઈને ફિલ્મમેકર રાકેશ રોશન અને એમના સ્ટાર પુત્ર હૃતિકે ગયા વરસની ૧૬મી ફેબુ્રઆરીએ મુંબઈના ઉપનગરની એક ફાઈવ-સ્ટાર હોટલમાં સ્ટારપેક્ડ રેવિશ પાર્ટી આપી હતી.
હવે સિન્હા ફેમિલી પર એક બાયોગ્રાફિકલ ડોક્યુમેન્ટ્રી બનાવવાની તૈયારી કરી રહ્યા હોવાનું સંભળાય છે. એમાં મુખ્ય ફોકસ એક્ટર-પોલિટિશ્યન શત્રુઘ્ન સિન્હાની પટનાથી મુંબઈ સુધીની યાત્રા પર રખાશે. જો કે સિન્હાઝને પાંચ દાયકાથી ઓળખતા મીડિયાકર્મીઓના મતે બિહારી પરિવારમાં બીજી પણ નામવંત વ્યક્તિઓ હોવાથી ડોક્યુમેન્ટ્રીને રસપ્રદ બનાવવા પુરતો મસાલો મળી રહેશે. શોટગનના અભિનેતા-નેતા તરીકેના નોંધપાત્ર ખેડાણ ઉપરાંત એમના એકટ્રેસ-પત્ની પૂનમ સિન્હા અને સ્ટાર પુત્રી સોનાક્ષી સિન્હાની જર્ની પણ રોચક છે. જ્યારે એમના જોડિયા પુત્રો પૈકી લવ એક એક્ટર અને કુશ એક ડિરેક્ટર છે.
નવાઈની વાત એ છે કે ભારતીય સિનેમાના એક મોટા નામ ગણાતા શત્રુઘ્ન સિન્હાની સત્તાવાર બાયોગ્રાફી ૧૦ વરસ પહેલા પ્રસિદ્ધ થઈ ચુકી હોવા છતાં એમની સાચી વય વિશેનું રહસ્ય હજુ કાયમ છે. સિનીયર જર્નાલિસ્ટ ભારતી એસ. પ્રધાને 'એનીથિંગ બટ ખામોશ ઃ ધ શત્રુઘ્ન સિન્હા બાયોગ્રાફી' લખી છે.
માહિતગાર સૂત્રોના જણાવવા મુજબ અન્યથા પોતાના નિખાલસપણાં માટે જાણીતા એક્ટર માટે એમની વય એક વર્જિત વિષય છે. ઘણાં ડિજિટલ પ્લેટફોર્મસ એવો દાવો કરે છે કે સિન્હા ૯મી ડિસેંબરે ૮૦ વરસના થશે. જ્યારે બીજા કેટલાકનું એમ કહેવું છે કે એમનો બર્થ ડે ૧૫ જુલાઈએ આવે છે. ગમે તે હોય, સોટગન દાયકાઓથી મીડિયાના માનીતા રહ્યા છે. રાજકારણ, ફિલ્મો અને સાંપ્રત વિષયોપરના એમના ધારદાર અવતરણો ચોથી જાગિરને ખુશ કરતા આવ્યા છે. એમાંય એમની પેલી ત્રાડ 'ખામોશ' એક ટ્રેડમાર્ક બની ગઈ છે.
એક જમાનામાં લાલકૃષ્ણ અડવાણી અને અટલ બિહારી વાજપેયીની નજીક ગણાતા સિન્હા ભાજપનું મોવડીમંડળ બદલાયા બાદ કોરાણે મૂકાઈ ગયા હતા. વરસો શત્રુઘ્ને ભાજપના અસંતુષ્ટ નેતાનું લેબલ લાગેલું રહ્યું. છતાં હાર માન્યા વિના બિહારીબાબુ મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા અને ૨૦૨૪માં બંગાળની આસનસોલ સીટપરથી વટકે સાથ લોકસભામાં ચૂંટાયા.


