- સિનેમા જીવંત માધ્યમ છે અને તે સતત વિક્સી રહ્યું છે. સારી ફિલ્મ રજૂ થાય ત્યારે દર્શકો સિનેમાગૃહોમાં ઉમટી પડે છે. રમેશ સિપ્પી ૧૨ ડિસેમ્બરે 'શોલે'નું ૪૦૦૦ણ વર્ઝન ૭૦ એમએમ ફોર્મેટમાં રજૂ કરશે
- 'એ સમયે પોસ્ટ પ્રોડકશનની કરામતો નહોતી. પરિણામે દરેક શોટ બારીકાઇથી પ્લાન કરી ધીરજપૂર્વક ટીમવર્કથી એક્ઝિક્યુટ કરવો પડતો હતો.'
જ્યારે ઇમરજન્સી દરમ્યાન શોલે ફિલ્મ રજૂ થઇ ત્યારે આગલા દિવસે જ ફિલ્મના નિર્દેશક રમેશ સિપ્પીને આ હિંસક અંત બદલવાનો આદેશ સેન્સર બોર્ડ દ્વારા આપવામાં આવ્યો હતો. રમેશ સિપ્પીએ ઓરિજિનલ અંતને બાજુએ મુકી સેન્સર બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર રાતોરાત નવો અંત શૂટ કરી ફિલ્મને સિનેમાગૃહોમાં રજૂ કરી દીધી હતી. પણ હવે ઇમરજન્સી ભૂતકાળ બની ચૂકી છે અને ૫૦ વર્ષ બાદ શોલે ફરી એકવાર તેના અસલી અંત સાથે બાર ડિસેમ્બરે સિનેમાગૃહોમાં ફરી રજૂ થવા જઇ રહી છે. આ પ્રસંગે રમેશ સિપ્પીએ શોલેના શૂટિંગ દરમ્યાન બનેલી ઘટનાઓ અને સિનેમા વિશે પોતાના મંતવ્યો રજૂ કર્યા છે.
શોલેના સર્જન સમયની વાત કરતાં રમેશ સિપ્પી કહે છે, માત્ર બે લાઇનના આઇડિયા પરથી આ ફિલ્મ ડેવલપ કરવામાં આવી હતી. લશ્કરી અધિકારીના વેરની વસૂલાત અને બે તોફાની યુવાનો તેમાં કેવી રીતે સામેલ થાય છે તેની વિશે ફિલ્મ બનાવવાની વાત મેં જાવેદસાબને કહી હતી. બાદમાં લશ્કરી અધિકારીને સ્થાને પોલીસ અધિકારી પર પસંદગી ઉતારવી પડી. કેમ કે લશ્કરી અધિકારીને દર્શાવવામાં અનેક પ્રકારની સરકારી મંજૂરીઓ લેવી પડે તેમ હતી અને તેને કારણે ફિલ્મનું કામ ધીમું પડી જાય તેમ હતું. જાવેદસાબને મેં ગબ્બરના પાત્ર વિશે જણાવ્યું હતું કે તે આવેગમાં આવી વર્તન કરનારો જિદ્દી માણસ છે જે એક પળે ખડખડાટ હસે છે તો બીજી પળે ગુસ્સાથી ફાટી પડે છે. ગબ્બરના પ્રથમ નેરેશન દરમ્યાન હું સમજી ગયો હતો કે જાવેદસાબે પાત્ર બરાબર સમજી લીધું છે. નવમા સીનમાં આપણને ગબ્બરનો અમર સંવાદ મળે છે, કિતને આદમી થે?
૫૦ વર્ષ પહેલાં શોલે ફિલ્મના શૂટિંગ દરમ્યાન કેવા પડકારો ઝીલવા પડયા હતા તેની વાત કરતાં રમેશ સિપ્પી કહે છે, ઠાકુર પરિવારની સામૂહિક હત્યાનો સીન શૂટ કરવામાં અમને ૨૩ દિવસનો સમય લાગ્યો હતો. હવામાન સતત બદલાતું હોઇ શૂટ ખોરવાઇ જતું હતું. પરફેક્ટ સનલાઇટ હતી તેમાં અચાનક વાદળાં ઘેરાવા માંડયા હતા. જેને કારણે અમારે વિવિધ પ્રકારની લાઇટમાં શૂટિંગ કરવાનો વારો આવ્યો હતો. આવી જ રીતે અમિતાભ જોતો હોય અને જયા દીવા સળગાવતી હોય એ સીન શૂટ કરવા અમારે ૨૦ રાત મહેનત કરવી પડી હતી. અમે બપોરે સીનનું રિહર્સલ કરતાં અને સાંંજે તેને શૂટ કરતાં. મોટા ભાગે એક સાંજે એક જ ટેક શૂટ થતો. એ સમયે પોસ્ટ પ્રોડકશનની કરામતો નહોતી. પરિણામે દરેક શોટ બારીકાઇથી પ્લાન કરી ધીરજપૂર્વક ટીમવર્કથી પાર પાડવો પડતો હતો.
૧૯૭૫માં જ્યારે શોલે ફિલ્મ રજૂ થઇ ત્યારે દેશમાં કટોકટી લદાયેલી હતી. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી ૨૧ મહિના ચાલી હતી જેમાં નાગરિક સ્વાતંત્ર્ય હણાઇ ગયું હતું. વિરોધીઓ અને ટીકાકારોને જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા અને અખબારો પર સેન્સરશિપ લાદવામાં આવેલી હતી. એ સમયને યાદ કરી રમેશ સિપ્પી કહે છે, ૧૯૭૫માં શોલે ફિલ્મ રજૂથઇ ત્યારે કટોકટી ચાલુ હતી. એટલે એ સમયે માહિતી ખાતા કે સેન્સર બોર્ડ સામે શિંગડા ભરાવવાનું શક્ય નહોતું. સલીમ જાવેદે લખેલાં ક્લાઇમેક્સમાં ઠાકુર બલદેવસિંહ ખીલાવાળા બૂટથી ગબ્બરને ચગદી નાંખી વેરની વસૂલાત કરે છે. પણ એ સમયે સેન્સર બોર્ડને આ અંત હિંસક લાગતાં તેમણે અંત બદલવામાં ન આવે તો સેન્સરનું પ્રમાણપત્ર આપવાની ના પાડી હતી. પરિણામે રાતોરાત નવો અંત શૂટ કરી સેન્સર બોર્ડમાં ફિલ્મને પાસ કરી રજૂ કરવામાં આવી હતી. રમેશ સિપ્પી કહે છે, નવા અંતમાં બહું ફરક નહોતો. મૂળ અંતમાં ઠાકુર વેરની વસૂલાત કરી ગબ્બરને મારી નાંખે છે. પણ ૫૦ વર્ષ અગાઉ રજૂ કરવામાં આવેલાં શોલેમાં પોલીસ અધિકારી આવીને ઠાકુરને અટકાવે છે અને તેને કહે છે, તમે પોતે પોલીસ અધિકારી રહી ચૂક્યા છો. તેથી, કાયદો હાથમાં લઇ ગબ્બરને મારી નાંખવાનું તમને શોભતું નથી.
આમ, હવે બાર ડિસેમ્બરે નવા અંત સાથે અત્યાધુનિક સ્વરૂપમાં શોલે: ધ ફાયનલ કટ રજૂ થશે ત્યારે તેને ફરી જોવાની મજા જ અલગ હશે. રમેશ સિપ્પી કહે છે કે સિનેમા જીવંત છે અને તે સતત વિક્સી રહી છે. દરેક સારી ફિલ્મ હીટ થાય કે લોકોના ટોળાં સિનેમાગૃહોની બહાર ઉભરાય છે. સિંગલ સ્ક્રિન થિયેટરમાં અફલાતૂન સાઉન્ડ, સુંદર પ્રોજેક્શન અને સિનેમાના રૂપેરી પડદે રેલાતો એ જાદુ યથાવત છે. મારા માટે સિનેમા એ કળા અને કોમર્સનું સંયોજન છે. માર્કેટ બદલાતું રહે છે, પણ મૂળભૂત બાબતોમાં કોઇ ફરક પડતો નથી. ફિલ્મ મેકર્સ, નિર્માતાઓ અને ફાયનાન્સિયર્સ બધાં નવા વાતાવરણને અનુરૂપ બની રહે છે પણ સિનેમા પ્રત્યેની તમારી પ્રતિબદ્ધતામાં કોઇ ફરક ન પડવો જોઇએ.
રમેશ સિપ્પી : 'શોલે-ટુ' માટે બીજો અમજદ ક્યાંથી લાવવો?
રમેશ સિપ્પીની 'શોલે' એક એવી આઇકનિક ફિલ્મ છે જેના વિશે ચર્ચા કરતા લોકો ૫૦ વરસ પછી પણ થાકતા નથી. શોલે કે. આસિફની ક્લાસિક મૂવી 'મોગલે આઝમ'ની જેમ એક લેજન્ડ બની ચુકી છે. ૧૫મી ઓગસ્ટ, ૧૯૭૫માં રિલિઝ થયેલી બ્લોકબ્લસ્ટર શોલે ૫ દશક બાદ ૧૨મી ડિસેંબરે રી-રિલિઝ થઈ રહી છે. સેકન્ડ ઇનિંગમાં મૂવીનો ઓરિજિનલ ક્લાઈમેક્સ (જેમાં ઠાકુર બલદેવ સિંહ ગબ્બરને મારી નાખે છે) અને ડોલ્બી ૫.૧ સાઉન્ડ દર્શકો માટે વિશેષ આકર્ષણ બની રહેશે.
પોતાની કરિઅરની સૌથી સફળ અને યાદગાર મૂવીની રી-રિલિઝ ટાંકણે રમેશ સિપ્પીએ પસંદગીના પત્રકારો સાથે ઐતિહાસિક ફિલ્મ વિશે ગોષ્ટિ કરી હતી. સૌ જાણે છે કે સિપ્પી શોલેની સિકવલ બનાવવાના પક્ષમાં નથી. તેઓ અનેક વાર આ વાત કરી ચુક્યા છે. આજે જ્યારે ફિલ્મમેકર્સ પોતાની ફિલ્મ બોક્સ ઓફિસ પર ૧૦૦ કે ૨૦૦ કરોડનો આંકડો પાર કરે કે તરત એની સિકવલની જાહેરાત કરી દે છે ત્યારે સિપ્પીનું મક્કમ વલણ આશ્ચર્ય ઉપજાવનારું છે. એ વિશે પોતાનો તર્ક રજુ કરતા તેઓ કહે છે, 'અમારી વચ્ચે પહેલા શોલે-ટુ વિશે વાત થતી હતી, પણ હું બીજો પાર્ટ બનાવવા કદી લલચાયો નહોતો. મેં એક સારી સફળ ફિલ્મ બનાવી એનો અર્થ એવો નથી કે મારે એની સિકવલ બનાવવી જોઈએ. બીજી વાત એ કે શોલેના બે મુખ્ય એકટર્સ સંજીવ કુમાર અને અમજદ ખાન ગુજરી ગયા હોવાથી સિકવલ બનાવવી શક્ય નહોતી. એમાંય અમજદનું કેરેક્ટર બહુ અગત્યનું અને મોટું હતું. અમે એકવાર માટે કદાચ સંજીવના રોલ માટે બીજા એક્ટરને લઈ એમના જેવો લુક અને ગેટઅપ આપી શક્યા હોત, પણ ગબ્બર માટે એ પોસિબલ નહોતું. ગબ્બરના પાત્રમાં બીજા એક્ટરને જોઈ લોકો બહુ નિરાશ થયા હોત. એટલે મને શોલે-૨ બનાવવામાં અંગત રીતે શાણપણ નહોતું લાગ્યું. શોલેના રિમેકિંગનો પ્રયત્ન ન જ થવો જોઈએ. કમસેકમ મેં તો નથી જ કર્યો.'
પછી મીડિયા સાથેની વાતચીતમાં શોલેના કાસ્ટિંગની વાત નીકળી અને એમાં જયના રોલ માટે અમિતાભ બચ્ચનની પસંદગીનો ઉલ્લેખ થયો. એ સંસ્મરણો વાગોળતા સિપ્પી કહે છે, 'ગબ્બરના રોલ માટે ડેની ડેન્જોપ્પા મારી પહેલી પસંદ હતો. અમે એને સાઈન પણ કરી લીધો હતો. એ અરસામાં ડેની અફઘાનિસ્તાનમાં ફિરોઝ ખાનની ફિલ્મ ધર્માત્માનું શુટિંગ કરી રહ્યો હતો. અમે શોલે શૂટ કરવા રેડી થયા ત્યારે પણ એ ધર્માત્માના શુટિંગમાં જ બિઝી હતો. એટલે ન આવી શક્યો. હવે અમારી પાસે ૨ વિકલ્પ હતા- કાં તો અમે અમારું શુટિંગ ૪-૫ મહિના પાછળ ઠેલીએ અથવા ગબ્બર માટે બીજા કોઈને સાઈન કરી. હું શૂટમાં વિલંબ કરવા રાજી નહોતો અને અમારે ઝડપથી નિર્ણય લેવાનો હતો. સલીમ-જાવેદે અમજદનું નામ સુચવ્યું અને એને અમારી ઓફિસમાં લઈ આવ્યા. અમે ગબ્બરના કપડાં, ગન અને બુલેટ્સ સાથે એનો ટેસ્ટ લીધો અને મને એ રોલ માટે એકદમ ઓકે લાગ્યો. રેસ્ટ ઈઝ હિસ્ટ્રી.'


