- ' અક્ષયકુમાર જેવા એક્શન હીરોને 'હેરાફેરી'માં અફલાતૂન કોમેડી કરતાં જોઈને હું દંગ થઈ ગયો હતો. ઇરફાન ખાન સર પાસેથી પણ ઘણું શીખ્યો છું. એમનું કોમિક ટાઈમિંગ તો અજોડ હતું.'
રાજકુમાર રાવે ૨૦૧૦માં કારકિર્દીની શરૂઆત કરી અને પોતાની બહુમુખી પ્રતિભાને જોરે ૩૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. રાજકુમાર રાવને પિતા બન્યાને પણ માંડ પાંચ મહિના જેટલો જ સમય થયો છે અને હવે આ અભિનેતા પડદા પર 'દાદા' બનવાના માર્ગે છે - એટલે કે ભૂતપૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીની બાયોપિકમાં સૌરવની એટલે કે 'દાદા'ની ભૂમિકા એ ભજવવાનો છે.
પુત્રી પાર્વતીના આગમન વિશે રાજકુમાર રાવે જણાવે છે, 'મારી દીકરી ખૂબ જ સુંદર છે. જ્યારે પણ કોઈ મને પાર્વતી વિશે વાત કરે છે ત્યારે મારા ચહેરા પર મોટું સ્મિત ઝબકી ઉઠે છે. જો મારું ચાલે તો હું મારો બધો સમય તેની સાથે જ વિતાવું. મેં તેના જન્મ પછી પાંચ મહિનાનો વિરામ લીધો અને પછી સૌરવ ગાંગુલીની બાયોપિકના શૂટિંગ માટે ગયો. મારે એના ઉછેરની આખી પ્રક્રિયામાં પત્રલેખાની સાથે-સાથે રહેવું છે. બાપ બન્યા પછી હું જરા નરમ બન્યો છું. મેં નક્કી કર્યું છે કે હું કામ ઘટાડીશ અને વર્ષમાં માત્ર બે જ ફિલ્મ પર કામ કરવાનો પ્રયાસ કરીશ.'
તાજેતરમાં ઓટીટી પર રિલીઝ થયેલી 'ટોસ્ટર' ફિલ્મમાં રાજકુમાર મહાકંજુસ બન્યો છે. રાજકુમાર રાવ વાસ્તવિક જીવનમાં કેટલો કંજુસ છે? એ કહે છે, 'ના, હું કંજુસ નથી. મજબૂરી અને કંજુસી વચ્ચે પાતળી ભેદરેખા છે. જો તમારી પાસે નાણાં ન હોય તો ભૂખ છીપાવવા માટે કેળું ખાઈ લેવું પડે, તે મજબૂરી છે, કંજુસી નહીં. તો હા, મજબૂરી બહોત રહી હૈ જીવન મેં, કંજુસી નહીં. એવું નથી કે તમને તમારી પહેલી ફિલ્મ મળે એટલે રાતોરાત પૈસાદાર થઈ જાઓ છો. મને મારી પ્રથમ ફિલ્મ 'લવ, સેક્સ ઔર ધોખા' (૨૦૧૦) માટે ફક્ત ૧૧,૦૦૦ રૂપિયા મળ્યા હતા અને તે પછી ઘણાં વર્ષો સુધી મને સારી કમાણી થઈ નહોતી.'
એ ઉમેરે છે, 'મારું બાળપણ મુશ્કેલ હતું. એકમાત્ર વસ્તુ જે મને આગળ વધવામાં મદદ કરતી હતી તે હતું સકારાત્મક વલણ. હું હંમેશાં સારા મિત્રો અને મારી માતાથી ઘેરાયેલો રહેતો. મસ્તી મેં હી પૂરા બચપન નિકલ ગયા. હું ડાન્સ અને માર્શલ આર્ટ્સ શીખ્યો, સ્ટેજ પર અભિનય કર્યો. તમે જ્યારે મુંબઈ આવો છો ત્યારે તમને અનુભૂતિ થાય છે કે તમે કેટલા એકલા છો, ત્યારે જ તમને સમજ પડે છે કે હવે શું કરવું? નાણાંકીય રીતે એ ખૂબ જ કઠોર પરિસ્થિતિ હોય છે. મારી પાસે તો પ્લાન-બી હતો જ નહીં.'
અભિનેતા અક્ષયકુમાર વિશે રાજકુમાર કહે છે કે, 'મેં તો તેમને 'હેરાફેરી' (૨૦૦૦)માં એમને જોયા હતા ત્યારે હું દંગ રહી ગયો હતો. આપણે તેમને એક્શન અને ડ્રામા ફિલ્મોમાં જોયા છે, પરંતુ કોમેડી તરફનો તેમનો અભિગમ ગેમ-ચેન્જર હતો. તેમનું કોમિક-ટાઈમિંગ, જે રીતે તેઓ તેમના શરીર, ચહેરા અને સ્નાયુઓનો ઉપયોગ કરે છે તે અદભુત છે. મેં તેમની પાસેથી આ બધું શીખ્યું છે. હું ઇરફાન ખાન સર પાસેથી પણ ઘણું શીખ્યો છું. એમનું કોમિક ટાઈમિંગ તો અજોડ હતું.'
સોશિયલ મીડિયા પર તમારા પર થતી ટિપ્પણીની શી અસર પડે છે? રાજકુમાર કહે છે, 'જ્યાં સુધી હું મારું સત્ય જાણું છું ત્યાં સુધી મને કશાયથી પરેશાની થતી નથી. લોકો બધા માટે વાત કરે છે. એવું નથી કે તેઓ કોઈ એક વ્યક્તિને ખાસ નિશાન બનાવવા માગતા હોય. સોશિયલ મીડિયા પર થતી ટીકાને હું બહુ ગંભીરતાથી નથી લેતો કારણ કે મને ઘણો પ્રેમ પણ મળે છે. હું તેના પર ધ્યાન કેન્દ્રિત કરું છું.'


