- ગયા વર્ષે ઓપરેશન સિંદૂર પરથી ફિલ્મનાં ટાઇટલ રજિસ્ટર્ડ કરાવવા માટે હોડ જામી હતી. ઓપરેશન સિંદૂર સબંધિત દોઢસો ટાઇટલ્સની અરજીઓ એક વર્ષ પછી હજી પેન્ડિંગ છે...
- વિવેક અગ્નિહોત્રીએ જાહેરાત કરી હતી કે તેઓ ઓપરેશન સિંદૂર વિષય પર ફિલ્મ બનાવવાના છે. 'ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ધ ઇન્ડિયાઝ ડીપ સ્ટ્રાઇકસ ઇનસાઇડ પાકિસ્તાન' નામના પુસ્તક પર આ ફિલ્મ આધારિત હશે.
- હિન્દી ફિલ્મ નગરીમાં સારા ટાઇટલને રજિસ્ટર્ડ કરાવવા માટે નિર્માતાઓની હોડ જામતી હોય છે. ગયા વર્ષે ભારતે પાકિસ્તાનમાં બહાદુરીપૂર્વક 'ઓપરેશન સિંદૂર' પાર પાડયું, ત્યારબાદ નિર્માતાઓએ આ લોકપ્રિય નામનો લાભ લેવા માટે 'સિંદૂર' શબ્દ આવતો હોય તેવા અંદાજે ૧૫૦ ટાઇટલ્સ રજિસ્ટર્ડ કરાવી દીધા છે. જોકે, નવાઈની વાત એ છે કે એક વર્ષ વીતવા છતાં આમાંથી એકપણ અરજીનો નિકાલ થયો નથી.
ફિલ્મનું ટાઇટલ મેળવવા માટે નિર્માતાઓએ સંગઠનોનો સંપર્ક કરવો પડે છે. ભારતમાં આવા ચાર મુખ્ય સંગઠનો છે ઇન્ડિયન મોશન પિકચર્સ પ્રોડયુસર્સ એસોસિએશન-ઇમ્પા, વેસ્ટર્ન ઇન્ડિયા ફિલ્મ પ્રોડયુસર્સ એસોસિએશન-ડબલ્યુઆઇએફપીએ, ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટીવી પ્રોડયુસર્સ કાઉન્સિલ-આઇએફટીપીસી અને પ્રોડયુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયા. ઇમ્પાના પ્રમુખ અભય સિંહાના જણાવ્યા અનુસાર, 'ઓપરેશન સિંદૂર' સાથે જોડાયેલી ૧૫૦થી વધુ અરજીઓ મળી હોવાથી નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો છે. પહલગામ હુમલા વિશે પણ પાંચથી સાત અરજીઓ પેન્ડિંગ છે.
રસપ્રદ બાબત એ છે કે ઓપરેશન સિંદૂર ટાઇટલ મેળવવા માટે આટલી મોટી સંખ્યામાં અરજીઓ કરવામાં આવી હોવા છતાં એક વર્ષ બાદ ઓપરેશન સિંદૂર વિશે માત્ર બે ફિલ્મની જ વિધિસર જાહેરાત કરવામાં આવી છે. ગયા મહિને 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફેમ વિવેક અગ્નિહોત્રીએ જાહેરાત કરી હતી કે તેઓ ટી-સિરીઝ સાથે મળીને ઓપરેશન સિંદૂર વિષય પર ફિલ્મ બનાવવાના છે. અગ્નિહોત્રીએ જણાવ્યું હતું કે અમારી ફિલ્મ નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ કેજેએસ 'ટાઇની' ધિલ્લોનના પુસ્તક ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ધ ઇન્ડિયાઝ ડીપ સ્ટ્રાઇકસ ઇનસાઇડ પાકિસ્તાન પર આધારિત છે.
બીજી ફિલ્મ 'ટેરર રિપોર્ટ' છે. મૂળમાં આ ફિલ્મ પહલગામ હુમલાની ઘટના પર આધારિત હતી, પણ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ સાથે નાહક સ્પર્ધા ન થાય તે માટે તેની પટકથામાં ફેરફારો કરી તેમાં ૧૯૯૮થી ૨૦૨૫ સુધીના આંતકી હુમલાઓની વાત વણી લેવામાં આવી છે. જો કે, આ ફિલ્મ હજી પટકથા લખાવાના સ્તરે જ પહોંચી છે.
ઘણાં અતિઉત્સાહી લોકો એટલી ઝડપ બતાવે છે કે તેમાં ઓડનું ચોડ વેતરાઇ જાય છે. એક નિર્માતાએ એટલી ઝડપથી ફિલ્મનું ટાઇટલ અને પોસ્ટર જારી કરી નાંખ્યા કે લોકોને લાગ્યું કે આ માણસ આ પ્રસંગને નાણાં કમાવવાની તક સમજે છે. પરિણામે સોશ્યલ મિડિયા પર એટલો ઉહાપોહ થયો કે ફિલ્મ નિર્માતાએ જાહેરમાં માફી માંગવી પડી અને ફિલ્મના પોસ્ટરને પણ રદ કરવા પડયા. આમ, હિન્દી ફિલ્મ નિર્માતાઓ ચાન્સ પર ડાન્સ કરી લેવા આતુર હોય છે પણ એ ડાન્સમાં દર્શકોને મજા પડે તેમ છે કે કેમ તે અસલી કસોટી બની રહે છે.
તાજેતરમાં સલમાનખાનની ફિલ્મ બેટલ ઓફ ગલવાનનું પણ નામ બદલવાની ફરજ પડી છે. ગલવાનની લડાઇ બાદ નિર્માતાઓએ આ ટાઇટલ રજિસ્ટર્ડ કરાવવા માટે હડી કાઢી હતી.પણ હવે જ્યારે આર્મી ફિલ્મનું ટાઇટલ બદલવા જણાવે ત્યારે તે બદલ્યા વિના છૂટકો નથી. હવે બેટલ ઓફ ગલવાન ફિલ્મનું નવું ટાઇટલ 'માતૃભૂમિ ઃ મે વોર રેસ્ટ ઇન પીસ' રાખવામાં આવ્યું છે. હવે ઇમ્પા ઓપરેશન સિંદૂરનું ટાઇટલ કોને ફાળવે છે તેની પર બધાની નજર નોંધાયેલી છે.


