Get The App

ભવ્ય લગ્ન બાદ રશ્મિકા મંદાના પાછી શૂટિંગમાં બિઝી થઈ ગઈ...

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
ભવ્ય લગ્ન બાદ રશ્મિકા મંદાના પાછી શૂટિંગમાં બિઝી થઈ ગઈ... 1 - image

- પતિદેવ વિજય દેવરકોંડા સાથે 'રણબલી', શાહિદ-કૃતિ સાથે 'કોકટેલ-ટુ', રણબીર કપૂર સાથે 'અનિમલ પાર્ક',  'પુષ્પા-થ્રી', દીપિકા પદુકોણ સાથે એક ફિલ્મ,... રશ્મિકાનાં આગામી બે-ત્રણ વર્ષ ઘટનાપ્રચુર રહેવાનાં છે... 

'બાળકો માટે મને બેહદ લગાવ છે. હું તો અત્યારથી જ મારા આવનારા બાળક વિશે  વિચારવા  લાગી છું.  મારા માટે માતૃત્વ જીવનનો એક  અત્યંત મહત્ત્વપૂર્ણ તબક્કો હશે, જેની હું અત્યારથી આતુરતાથી રાહ જોઈ રહી છું.'

દક્ષિણ ભારતીય સિનેમાનાં લોકપ્રિય કલાકારો રશ્મિકા  મંદાના અને વિજય દેવરકોંડા તાજેતરમાં લગ્ન બંધનમાં બંધાઈને ચર્ચાનું કેન્દ્ર બની ગયાં છે. બંનેએ ૨૬ ફેબુ્રઆરીના રોજ ઉદયપુરની આઈટીસી મેંમેટોઝ હોટલમાં અત્યંત શાહી ઠાઠથી લગ્ન કર્યાં. આ વિવાહ તેલુગુ અને કોડવા પરંપરાઓ અનુસાર સંપન્ન થયાં હતાં. સવારે તેલુગુ રીત-રિવાજ હેઠળ વૈદિક પરંપરાઓ નિભાવવામાં આવી, જ્યારે સાંજે કોડવા પરંપરા અનુસાર વિવાહ સમારંભ આયોજિત કરાયો. 

લગ્ન પછી રશ્મિકા હૈદરાબાદ પોતાના નવા ઘરે પહોંચી જ્યાં તેનું પારંપરિક રીતે સ્વાગત થયું. ત્યાર પછી વિજય પોતાની નવવિવાહિતા પત્નીને પોતાના પૈતૃક ગામ તલંગણાના મહેબૂબનગર જિલ્લામાં થુમ્મનપેટ લઈ ગયો. ગામલોકો નવદંપતીની એક ઝલક પામવા ઉમટી પડયા હતા. પારંપરિક  નૃત્યની રજૂઆત સાથે તેમનું સ્વાગત કરાયું. આ અવસરે ભગવાન સત્યનારાયણની પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું. આખા ગામનો માહોલ ઉત્સવ જેવો બની ગયો અને સ્થાનિક લોકોએ આ જોડીને આશીર્વાદ આપ્યા.

ત્યાર બાદ આ જોડી ભગવાનના આશીર્વાદ લેવા તિરુપતિ બાલાજી મંદિરે પહોંચી. નવા જીવનની શરૂઆત અગાઉ તેમણે અનેક મંદિરોમાં અન્નદાન કર્યું. 

રશ્મિકા લગ્ન અગાઉના સમારંભોને યાદ કરતાં જણાવે છે, 'સંગીતની રાત મારા માટે ખાસ હતી. એ રાત્રે પ્રેમ, ખુશી, આંસુ, સંગીત અને નૃત્યનો અદ્ભુત સંગમ જોવા મળ્યો. હું અને વિજય એકબીજાને સરપ્રાઈઝ આપવા માગતાં હતાં, પણ અમારા પરિવારોએ અમને અનેક સરપ્રાઈઝ આપીને આ સમારંભને વધુ યાદગાર બનાવ્યો.'

એક ઈન્ટરવ્યુમાં રશ્મિકાએ પોતાના ભવિષ્ય અને ફેમિલી પ્લાનિંગ વિશે નિખાલસતાથી વાત કરી હતી. તેણે જણાવ્યું કે તેને બાળકો સાથે ખૂબ જ લગાવ છે અને તેમના પ્રત્યે તે અત્યંત ભાવુક અને પ્રોટેક્ટિવ બની જતી હોય છે. ક્યારેક તેને એવું પણ લાગે છે કે ઇમોશનલી જાણે તે પહેલેથી જ મા બની ચુકી છે, કારણ કે તે પોતાના થનાર બાળક માટે અત્યારથી જ વિચારવા  લાગી છે. તેણે જણાવ્યું કે માતૃત્વ તેના જીવનનો એક બેહદ વિશેષ અને ભાવનાત્મક તબક્કો હશે, જેની તે અત્યારથી આતુરતાથી રાહ જોઈ રહી છે.

જોકે રશ્મિકાએ સ્પષ્ટ કર્યું કે હાલ તેનું સમગ્ર ધ્યાન પોતાની કારકિર્દી પર છે. મા બનવાને હજુ ઘણી વાર છે. તેના મતે તે પોતાને માનસિક અને શારીરિક રીતે સજ્જ થવાનો પ્રયાસ કરી રહી છે, કે જેથી જ્યારે પણ માતા બને ત્યારે પોતાના બાળકોની જવાબદારી બહેતર રીતે નિભાવી શકે. રશ્મિકાએ કહ્યું  કે તે પોતાના બાળકોને સુરક્ષિત અને ખુશહાલ જીવન દેવા માટે તમામ પડકારોનો સામનો કરવા સક્ષમ બનવા માગે છે.

વિજય દેવરકોંડાએ પોતાના પૈતૃક ગામ થુમ્મનપેટમાં એક નવું ઘર પણ બનાવ્યું છે, જેને લગ્ન પછી સુંદર રીતે સજાવવામાં આવ્યું હતું. ઉપરાંત હૈદરાબાદમાં પણ તેમનું એક ભવ્ય ઘર છે, જ્યાં ૪ માર્ચના રોજ ભવ્ય રિસેપ્શન પાર્ટી આયોજિત કરવામાં આવી. આ રિસેપ્શનમાં દક્ષિણ ભારતીય ઇન્ડસ્ટ્રી અને બોલિવુડની દિગ્ગજ હસ્તીઓ સામેલ થઈ હતી. આ સમારંભ પણ એટલો જ ભવ્ય હતો જેટલી ભવ્યતાથી લગ્ન સંપન્ન થયા.

વિવાહ પછી પણ રશ્મિકાની કારકિર્દી અત્યંત વ્યસ્ત રહેવાની છે. આગામી વર્ષોમાં તે અનેક મોટા તેમજ વૈવિધ્યસભર પ્રોજેક્ટમાં દેખાશે. ૨૦૨૬-૨૭માં તેની ફિલ્મોની લાંબી યાદી છે. એક્શન, રોમાન્સ, ઐતિહાસિક તેમજ ભાવનાત્મક ડ્રામા જેવા અલગ અલગ કેટલાય પ્રકારની ફિલ્મોમાં એ દેખાશે. એનાથી સ્પષ્ટ થાય છે કે લગ્ન પછી પણ તે પોતાની કારકિર્દીને નવી ઊંચાઈએ લઈ જવા પૂરી રીતે તૈયાર છે. તેના પ્રશંસકો તેને અલગ અલગ પાત્રોમાં જોવા ઉત્સાહિત છે.

તેની આગામી ફિલ્મોમાં 'રણબલી' ખાસ ચર્ચામાં છે, કારણ કે તે લગ્ન પછી રશ્મિકાની પ્રથમ ફિલ્મ બનશે. રાહુલ સંકૃત્યનના નિર્દેશનમાં બની રહેલી આ ઐતિહાસિક તેલુગુ ડ્રામા ફિલ્મ વિદ્રોહ અને સંઘર્ષની વાર્તા પર આધારિત છે. સોનામાં સુગંધ જેવી વાત એ છે કે ફિલ્મો હીરો એનો વર જ છે. આ ફિલ્મ સપ્ટેમ્બર ૨૦૨૬માં રિલીઝ થાય તેવી  સંભાવના છે. 

આ સિવાય રશ્મિકા 'કોકટેલ- ટુ'માં શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે દેખાશે. આ રોમેન્ટિક કોમેડી આધુનિક સંબંધોનાં સમીકરણો પર આધારિત છે. તે ૨૦૨૬ના અંત સુધીમાં રિલીઝ થવાની શક્યતા છે.

રશ્મિકાની અન્ય ફિલ્મોમાં 'મૈસા' પણ સામેલ છે જેમાં તે ગોંડ જનજાતિની એક યોદ્ધાનું દમદાર પાત્ર નિભાવી રહી છે. ઉપરાંત તે 'પુષ્પા થ્રીઃ ધી રેમ્પેજ'માં અલ્લુ અર્જુન સાથે ફરી એકવાર શ્રીવલ્લીના રૂપમાં દેખાશે. 'એનિમલ પાર્ક'માં તે રણબીર કપૂર સાથે ગીતાંજલિની ભૂમિકામાં વાપસી કરશે. સાથે જ એટલીના નિર્દેશનમાં બની રહેલી એક પેન-ઈન્ડિયા ફિલ્મમાં પહેલી જ વાર નકારાત્મક ભૂમિકા નિભાવશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં છે.

એકંદરે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ લગ્નમાં તેમના ચાહકોમાં ખુશી ફેલાવી છે. લગ્ન પછી પણ બંને પોતાના અંગત  જીવનની શરૂઆત તો કરી જ રહ્યાં છે, સાથે સાથે પોતાના વ્યાવસાયિક જીવનને પણ નવી ઊંચાઈએ લઈ જતા દેખાઈ રહ્યા છે. 

રશ્મિકાના આગામી દિવસોમાં આવી રહેલા પ્રોજેક્ટ્સ સંકેત આપે છે કે તે આગામી વર્ષોમાં પેન-ઈન્ડિયા સિનેમાની સૌથી અગ્રણી અને વ્યસ્ત અભિનેત્રીઓ પૈકી એક બની શકે છે.