Get The App

આદિત્યરાજ શમ્મી કપૂર ચુપ્પી તોડે છે: કપૂર બ્રધર્સ વચ્ચે મતભેદ નહોતો..

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
આદિત્યરાજ શમ્મી કપૂર ચુપ્પી તોડે છે:  કપૂર બ્રધર્સ વચ્ચે મતભેદ નહોતો.. 1 - image

- ફિલ્મી ઝાકઝમાળથી દૂર રહેલાં શમ્મી કપૂરના પુત્ર આદિત્યરાજ કપૂર ૬૯ વર્ષે પેશ કરે છે કપૂર ખાનદાનની અનોખી દાસ્તાન...

ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રથમ દરજ્જાના ખાનદાન કપૂર્સ વિશે અઢળક લખાઇ ચૂક્યુ છે પણ આ ખાનદાનની ખેલદિલી અને તેમનો પારિવારિક સંઘર્ષ અને તેમનું ભારતીય ફિલ્મો પ્રત્યેનું સમર્પણ એવું રોમાંચક છે કે તેમના વિશે નાની નાની બાબતો જાણવા માટેે પણ તેમના ચાહકો ઉત્સુક રહે છે. કપૂર ખાનદાનના પિતામહ એટલે કે પૃથ્વીરાજ કપૂર ભારતીય નાટકો અને ફિલ્મ ક્ષેત્રના પાયાના પથ્થર ગણાય છે. ૧૯૪૪માં પૃથ્વીરાજ કપૂરે ટ્રાવેલિંગ થિયેટર કંપની પૃથ્વી થિયેટર્સની સ્થાપના કરી હતી. તેમનો નાટક અને સિનેમા વારસો તેમના પુત્રો રાજકપૂર,શમ્મી ક પૂર અનેશશી કપૂરે આગળ ધપાવ્યો. બીજી પેઢીના આ કપૂર્સે ભારતીય સિનેમાનું રૂપાંતર થતું જોયું છે અને તેમાં પોતાના આગવા રંગો પણ ઉમેરી જાણ્યા છે. રાજકપૂરની ફિલ્મોમાં સમાજવાદનો આદર્શ અને રૂપ રૂપના અંબાર સમી હિરોઇન્સની ગરમ ગરમ આહોની મિલાવટ રહેતી તો શમ્મી કપૂરે યાહુ કરી તેમની આગવી ડાન્સિંગ સ્ટાઇલ વડે યુવાવર્ગને ઘેલું લગાડયુ હતું. જ્યારે આવાં ગાર્દ શશી કપૂરે કમર્શિયલ અને સમાંતર સિનેમામાં એકસમાન પેશનથી જાત જાતની સિદ્ધિઓ મેળવી જાણી હતી. 

એક જમાનામાં રાજ કપૂરની ફિલ્મોમાં  સહાયક નિર્દેશક અને બાદમાં અભિનેતા તરીકે  તકદીર અજમાવી ચૂકેલાં અને સમજી વિચારી ફિલ્મ લાઇનને છોડી બાઇકર તરીકે નામના રળનારાં આદિત્યરાજ કપૂર શમ્મી કપૂર અને ગીતા બાલીના પુત્ર છે. આદિત્યરાજને બીજી પેઢીના કપૂર બ્રધર્સની કારકિર્દીઓને એકદમ નજીકથી જોવાની તક મળી છે. આજે ૬૯ વર્ષની ઉંમરે આદિત્યરાજ તેમના કાકાઓના સંભારણાં વાગોળે છે ત્યારે તેમની યાદોની બારાત  રસપ્રદ બની રહે છે. પ્રસ્તુત છે કપૂર ખાનદાનની બીજી પેઢીની કથા આદિત્યરાજ કપૂરની જબાની.......

માત્ર પૃથ્વીરાજ કપૂર જ આવી ઝાકઝમાળભરી પરંપરાનો પાયો નાંખી શકે. હું મારી પસંદગીથી આ ફિલ્મ ઉદ્યોગથી અળગો થઇ ગયો પણ એક જમાનામાં મેં પણ ફિલ્મક્ષેત્રમાં મહાન થવાના સપનાંઓ જોયા હતા. રાજસાબની ફિલ્મોમાં સંગીત સંદેશની જુગલબંધી રહેતી તો શમ્મીજીની ફિલ્મોમાં જીવનનું સંગીતના તાલે ઝુમતું જોવા મળતુંં, જ્યારે શશી કપૂરની ફિલ્મોમાં અપાર શક્યતાઓ જોવા મળતી. એક જ પરિવારમાં આવી અલગ અલગ મિજાજ ધરાવતી પ્રતિભાઓ પાંગરે એ ગજબનો ચમત્કાર છે. 

મારા દાદાજી પૃથ્વીરાજ કપૂરની પ્રતિભા વિરાટ હતી. આવા દંતકથારૂપ પિતાના ત્રણ સંતાનો  રાજ કપૂર, શમ્મી કપૂર અને શશી કપૂરે પણ તેમની આગવી પ્રતિભાઓને જોરે ફિલ્મ ઉદ્યોગમાં તેમની આગવી છાપ અંકિત કરી છે. રાજ કપૂર મારા પિતા શમ્મીકપૂર કરતાં આઠ વર્ષ મોટાં હતા તો શશી કપૂર  કરતાં શમ્મી કપૂર પણ સાત વર્ષ મોટાં હતા. મારી દાદી રામસરણીદેવીને રાજજી પછી બીજા બે પુત્રો થયા હતા જે ગુજરી જવાના કારણે બંને ભાઇઓ વચ્ચે આટલો વયભેદ સર્જાયો હતો. બંને ભાઇઓ શમ્મી અને શશી તથા બહેન ઉર્મિલા સિયાલ માટે રાજજી પિતા સમાન હતા. જીવનમાં માર્ગદર્શન માટે શમ્મી કપૂર અને શશી કપૂર હમેંશા રાજકપૂર પાસે જતાં એ જ રીતે તેમના સંતાનો પણ તેમની પાસે માર્ગદર્શન મેળવતાં રહ્યા હતા. રાજ કપૂરના સંતાનો રણધીર કપૂર, રિતુ નંદા, ઋષિકપૂર, રિમા જૈન અને રાજીવ કપૂરને તેમનું માર્ગદર્શન મળ્યું હતું. એ જ રીતે શમ્મી કપૂરના સંતાનોમાં હું અને મારી બહેન કંચન દેસાઇ અને શશી કપૂરના સંતાનો કુણાલ, કરણ અને સંજના કપૂરને પણ તેમનું માર્ગદર્શન મળ્યું હતું. રાજકપૂરનો બધાના માથા પર હાથ રહેતો હતો. 

મારા પિતા શમ્મી કપૂરે મને જણાવેલું કે જ્યારે તેઓ તેમની જિંદગીમાં પહેલી કાર ખરીદવા માંગતા હતા ત્યારે તેમણે રાજસાબને લોન આપવા માટે જણાવેલું અને રાજસાબે તેમને કોરો ચેક સહી કરીનેઆપી દઇ ગમે તે કાર ખરીદી લેવા જણાવ્યું હતું. ૧૯૬૫માં મારી માતા ગીતા બાલીનું અવસાન થયું ત્યારે રાજસાબે મારા ડેડ શમ્મીજીને ત્રણ ચાર મહિના તેમના ઘરમાં રહેવા બોલાવી લીધા હતા જેથી તેમનો ગમ ઓછો થાય. રણધીર કપૂરે પણ તેનો રૂમ મારા પિતા માટે ખાલી કરી આપ્યો હતો. પણ રાજસાબના પત્ની કૃષ્ણા કપૂરે મારા પિતાને ફરી નાચતાં ગાતાં કરી દીધાં હતા. એ સમયે મારા પિતાની કારકિર્દી ટોચે હતી અને લોકો તેમના શોક સમયગાળામાંથી બહાર આવવાની રાહ જોઇ રહ્યા હતા. શમ્મીજીએ શોક મુકી તીસરી મંઝિલ ફિલ્મ પુરી કરી હતી, જે ૧૯૬૬માં  રજૂ થઇ હતી. 

રાજકપૂરે એક્ટર તરીકે સફળતા મેળવ્યા બાદ ૨૪ વર્ષની વયે આર કે સ્ટુડિયોની સ્થાપના કરી હતી.૧૯૪૮માં આગ ફિલ્મનું નિર્દેશન કરી દિગ્દર્શન ક્ષેત્રે પ્રવેશ કર્યો. તેમણે સમાજને ગમે તેવી ફિલ્મો અંદાજ, બરસાત, આવારા, આહ, શ્રી ૪૨૦ , ચોરી ચોરી અને જાગતે રહો આપી  હતી. રાજકપૂરે તેમની ફિલ્મોના પાત્રો દ્વારા પોતાની ઓળખ ઉભી કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમને ભારતીય સિનેમાના ચાર્લી ચેપ્લિન તરીકે પણ યાદ કરવામાં આવે છે.ચાર્લી ચેપ્લિનના લિટલ ટ્રેમ્પ પરથી તેમણે પ્રેરણા લઇ રાજુનું પાત્ર જીવંત કર્યું હતું.બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોના દોરમાં નિરાશામાં આશાની જ્યોત જગાવવાનું કામ તેમણે કર્યું હતું. પછી બ્લેક એન્ડ વ્હાઇટનો જમાનો વીતવા સાથે કલર ફિલ્મો બનવા માંડી અને ૧૯૬૪માં રાજ કપૂરની પ્રથમ કલર ફિલ્મ સંગમ આવી. જેમાં એક જમાનોનો રખડું શો મેન બની ગયો હતો. રાજકપૂર ફિલ્મ ઉદ્યોગમાં તેમના સ્થાનથી વાકેફ હતા. તેઓ હમેંશા લાર્જર ધેન લાઇફ ઇવેન્ટસ યોજતા. જેમાં આર કે સ્ટુડિયોમાં દર વર્ષે યોજાતી હોળીની પાર્ટીમાં હાજર રહેવા બધાં થનગનતા હતા. રાજકપૂર તેમના સદગત માતાપિતાને યાદ કરી પ્રાર્થના કરતાં અને પછી હાજર રહેલાં તમામ લોકો પર તેઓ રંગ છાંટતા અને પાર્ટીની શરૂઆત થતી. એ સમયે રંગીન પાણીના હોજમાં ડૂબકી મારવાની સ્પર્ધા થતી. આ હોળી પાર્ટીમાં ફિલ્મઉદ્યોગની અગ્રણી હસ્તીઓ સફેદ વસ્ત્રોમાં આવતી અને સાંજે રંગોમાં રંગાઇને પાછી જતી. રાજસાબની પાર્ટીઓ ફિલ્મ ઉદ્યોગમાં લાજવાબ ગણાતી. સવારથી જ ખાવાની વાનગીઓ પીરસાવાની શરૂઆત થઇ જતી જે મોડી સાંજે ડિનર સર્વ થાય ત્યાં સુધી ચાલુ રહેતી. કૃષ્ણાજીના જન્મદિવસની પાર્ટી દિવસે જ શરૂ થઇ જતી જેથી તમે સાંજે સૂવા જાવ ત્યારે તમે બને એટલું ખાઇ ભરપેટ થઇ ગયા હો. 

મારા પિતા શમ્મીજીની તેમના પિતા પૃથ્વીરાજ અને ભાઇ રાજ કપૂર સાથે સરખામણી થવી સ્વાભાવિક હતી. પણ મારી માતા સાથે તેમના લગ્ન થવાની સાથે પરિસ્થિતિ પલટાઇ ગઇ હતી. મારી માતાએ તેમની સ્ટાઇલમાં ધરમૂળથી ફેરફાર કરી નાંખ્યા હતા. તેમણે રાજસાબની ટૂથબ્રશ ટાઇપની મૂછો મૂડાવી તેમની ગ્રીન આંખોનો સ્ક્રિન પર કેવી રીતે લાભ લેવો તેની વ્યૂહરચના ઘડી કાઢી હતી. મારા પિતાને ખ્યાલ હતો કે તેમણે અલગ તરી આવવા ઘણી મહેનત કરવી પડશે. ૧૯૬૩માં સુરિન્દર કપૂરની ફિલ્મ જબ સે તુમ્હે દેખા હૈ આવી જેમાં ટેકિલા ડાન્સ સિકવન્સ હતી. પત્ની ગીતા બાલી તેમના માટે માર્ગદર્શક બની રહ્યા હતા. મારા પિતાએ મારી માતા ગીતા બાલીના સૂચનોને અનુસરી સ્ટારડમ હાંસલ કર્યું હતું. 

સમય સાથે જમાનો પણ બદલાઇ રહ્યો હતો. સમાજવાદી સિનેમાના સ્થાને રોમેન્ટિક કોમેડી ફિલ્મો બનવા માંડી હતી. મારા પિતા આ પ્રકારની ફિલ્મોમાં કામ કરવામાં મોખરે હતા. લોકો માને છે તેમ એલ્વિસ પ્રેસ્લીની કોઇ નકલ તેમણેે કરી નહોતી. શમ્મીજીની તેમની આગવી પિજિયન  વોક સ્ટાઇલ હતી. તેમના ગીતોમાં તેમની ફિલ્મની સ્ટોરી બયાન થઇ જતી હતી. તેમાં પણ કશ્મીર કી કલી ફિલ્મમાં દિવાના હુઆ બાદલ તો ઉત્તમ બની રહ્યું છે. તેની મધુર રિધમ પર તમે ડાન્સ ન કરી શકો પણ તમને તે ગણગણવાની મોજ જરૂર પડે. 

ખરેખર તો મારા પિતામાં જબરદસ્ત કુતૂહલવૃત્તિ હતી અને તે એરફોર્સમાં જોડાવા માંગતા  હતા પણ તેમના પિતાએ તેમને અટકાવ્યા હતા. મારા પિતાને ઇલેકટ્રોનિકસ અને મ્યુઝિક સિસ્ટમમાં ઘણો રસ પડતો હતો. તેમણે અમારા ઘરે અકાઇ સિસ્ટમ જાતે બનાવીને બેસાડી હતી. તેમની સદગત ભત્રીજી રિતુ નંદાએ તેમને કમ્પ્યુટરની દુનિયાનો પરિચય કરાવ્યો હતો. ૯૦ના દાયકાના આરંભમાં તેમણે કપૂર પરિવારની વેબસાઇટ બનાવી હતી. પણ એક સમયે  જ્યારે તેમની સોળ ફિલ્મો એક પછી એક નિષ્ફળ ગઇ ત્યારે તેમણે ટી પ્લાન્ટેશન મેનેજર બનવાનું નક્કી કરી નાંખ્યું હતું પણ મારી માતા ગીતાજીએ તેમને જણાવ્યું કે તારે ક્યાંય જવાની જરૂર નથી તારી આગામી ફિલ્મ હીટ છે. અને ૧૯૫૯માં રજૂ થયેલી ફિલ્મ દિલ દેકે દેખોએ તેમને મોટી સફળતા અપાવી, એ પછી તેમણે કદી પાછું વળીને જોયું નહીં.

બીજી પેઢીના કપૂર્સમાં સૌથી નાના શશી કપૂરે ૧૯૫૮માં જેનિફર કેન્ડાલ સાથે લગ્ન કર્યા.તે મારા ફેવરિટ અંકલ હતા કેમ કે તેમણે મને વધારાના પોકેટ મની આપી બગાડયો હતો. પણ તેઓ નખશિખ જેન્ટલમેન હતા અને લોકોને તેમની સાથે ફાવતું હતું. તેઓ મોકળા મને પ્રશંસા કરી શકતા હતા. શશી કપૂર કમર્શિયલી સફળ અભિનેતા હતા પણ તેમણે સમાંતર સિનેમામાં ઉત્તમ કામગીરી બજાવી હતી. તેમણે મરચન્ટ આઇવરી પ્રોડક્શન્સની ધ હાઉસ હોલ્ડર, શેક્સપિયરવાલા, બોમ્બે ટોકિઝ, હીટ એન્ડ ડસ્ટ, ઇન કસ્ટડી અને હરમાન હેસની સિદ્ધાર્થમાં યાદગાર ભૂમિકાઓ ભજવી હતી. તેમના પોતાના પ્રોડક્શન હાઉસ ફિલ્મવાલાઝ દ્વારા તેમણે જુનુન, કલિયુગ, ૩૬ ચૌરંગીલેન, વિજેતા અને ઉત્સવ નામની યાદગાર ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. ૧૯૮૬માં રજૂ થયેલી રમેશ શર્માની  ફિલ્મ ન્યુ દિલ્હી ટાઇમ્સમાં અને શ્યામ બેનેગલની ૧૯૮૧માં આવેલી ફિલ્મ કલયુગમાં તેમની ભૂમિકાઓ ઉત્તમ દરજ્જાની બની રહી હતી. 

પછી? હવે પછી જોઈશું...