- ' તે વેળા હું સાવ નવીસવી હતી, પણ ઇન્ડસ્ટ્રી તરફથી મને મળેલો આવકાર ખૂબ જ ઉષ્માભર્યો હતો.'
અભિનેત્રી અદિતિ રાવ હૈદરીની આ વર્ષની દિવાળી નોસ્ટાલ્જિયાની સાથોસાથ હુંફથી ભરેલી છે. કામમાં અત્યંત વ્યસ્ત રહેલી અભિનેત્રી અદિતિ કહે છે કે તે આ વર્ષે મુંબઈમાં તેના પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરી. મારા પતિ અભિનેતા સિધ્ધાર્થ વિનાની આ મારી પહેલી દિવાળી હતી. એનું કારણ એ છે કે એ અત્યારે અમેરિકામાં છે. આ સાથે જ અદિતિ ઉમેરે છે, સિધ્ધુ પાછા ફર્યા પછી હું તેને ભેટ આપીશ. તબ મૈં ઉનકો કુછ અચ્છા સા સરપ્રાઈઝ દૂંગી.
આ સાથે જ અભિનેત્રી શેર કરે છે, ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની તાજેતરની દિવાળી પાર્ટીએ ઉજવણીની યાદોં તાજી કરી દીધી હતી. મુંબઈમાં પ્રકાશનો ઉત્સવ લગભગ એક દાયકાથી હું માણી રહી છું. જો કે મનીષ મલ્હોત્રાની પાર્ટીએ મને મુંબઈમાં ઉજવેલી ૨૦૧૪-૧૫ ની અમિતાભ બચ્ચનના ઘરે યોજાયેલી પાર્ટીની યાદ અપાવી દીધી. મુંબઈમાં મારી એ પ્રથમ દિવાળી પાર્ટી હતી. તે વેળા હું સાવ નવીસવી હતી અને તેમની તરફથી મને મળેલો આવકાર ખૂબ જ ઉષ્માભર્યો હતો.
આ સાથે જ ૩૮ વર્ષની આ અભિનેત્રી કહે છે, મેં લગ્ન પછી પણ ઘણી દિવાળી મુંબઈમાં ઉજવી છે. એ ખરેખર ઉત્તમ અને મજેદાર હતી. સિધ્ધુ અને હું ઘરે સાથે હતા અને મારા સાસરિયા તથા પરિવાર સાથે ઉજવણી કરી હતી, ભેટો મેળવતા હતા અને અમારા વ્હાલાઓને ભેટો આપતા હતા. ઘરે પાછા વળતાં તહેવારોની શરૂઆત તો દશેરાથી થાય છે અને દિવાળી સુધી તે ચાલે છે. આ તહેવારોમાં આખો પરિવાર એકત્ર થાય છે. પૂજા વેળા પરિવારજનો એકત્ર થાય છે. પૂજા અને રાત્રિભોજન વેળા પરિવારોનું ભેગા થવું ખૂબ જ અદ્ભુત હોય છે. આ લાગણી મને આખું વર્ષ ખુશખુશાલ રાખે છે.
એમ કહી અદિતી ઉમેરે છે, સૌથી સારી વાત તો એ છે કે હું બહુ કલ્ચર્ડ પરિવારમાંથી આવું છું. જે દરેક તહેવારોમાં અલગ-અલગ અનુભૂતિનો સ્વાદ કરાવે છે.
જોકે અદિતીને મુંબઈનો આનંદપ્રમોદ ગમે છે. અદિતી હૈદરાબાદની ભવ્ય દિવાળી મિસ કરે છે, મને ત્યાંના ભોજનની યાદ આવે છે - પપ્પુ ચારુ, બધીરે બૈગન, મિર્ચી કા સલાન અને બદામ જલી જેવી મીઠાઈઓ અને સૂકા ફળોથી ભરેલી ચોખાની મીઠાઈઓ તો ભૂલાતી નથી, એમ અદિતિ રાવ હૈદર ઉમેરે છે.


