- અધ્યયન સુમન આજકાલ ખુશખુશાલ છે. એના રાજીપાનું કારણ એ છે કે સંજય લીલા ભણસાલીની મહત્ત્વાકાંક્ષી વેબ સિરીઝ 'હીરામંડી'માં તે મહત્વની ભૂમિકા ભજવે છે.
હિ ન્દી ફિલ્મ જગતમાં સગાવાદ અને પરિવારવાદનું રાજ ચાલતું હોવાના આક્ષેપો થતા રહે છે. અધ્યયન સુમનના પિતા એટલે હિન્દી ફિલ્મ જગતના અને ટેલિવિઝનના જાણીતા અભિનેતા શેખર સુમન. શેખર સુમને એક વખત ભારોભાર નારાજી વ્યકત કરતાં કહ્યું હતું, મારા દીકરા અધ્યયનને હિન્દી ફિલ્મ જગતમાં તક ન મળે અને તેની અભિનય પ્રતિભા ન ખીલે તે માટે બોલિવુડે ઘણા અવરોધ ઉભા કર્યા છે.
અધ્યયન સુમનની ફિલ્મ કારકિર્દી આજથી ૧૫ વર્ષ પહેલાં હાલ-એ-દિલ ફિલ્મ(૨૦૦૮)થી શરૂ થઇ છે. અધ્યયન સુમન દોઢ દાયકાથી હિન્દી ફિલ્મ જગતમાં હોવા છતાં આજની નવી પેઢી તેના નામ અને કામ બંનેથી સાવ જ અજાણ છે.
ગમે તો હોય, આજની ઘડીએ તો અધ્યયન સુમન બહુ બહુ રાજના રેડ છે. અધ્યયન સુમનના રાજીપાનું કારણ એ છે કે હાલ તે હિન્દી ફિલ્મ જગતના આલા દરજ્જાના સર્જક સંજય લીલા ભણસાલીની નવી વેબ સિરિઝ હીરામંડીમાં તે મહત્વની અને મજેદાર ભૂમિકા ભજવે છે.
મુંબઇમાં જન્મેલો અને ભણેલો અધ્યયન સુમન તેના ચહેરા પર ખુશી વ્યક્ત કરતાં કહે છે,આમ તો મેં હિન્દી ફિલ્મ જગતના મોટાગજાના નિર્માતા -દિગ્દર્શક પ્રકાશ ઝા ની સુપરહીટ વેબ સિરિઝ આશ્રમમાં નાની પણ મજેદાર ભૂમિકા ભજવી છે. દર્શકોને મારો અભિનય ગમ્યો છે. મને પોતાને પણ સંતોષ થયો છે. હું બહુ દ્રઢપણે માનું છું કે કોઇપણ વ્યક્તિની પ્રતિભાના ેઉજાસ આજે કે આવતીકાલે જરૂર ફેલાય છે. આશ્રમ વેબ સિરિઝમાં મારું પાત્ર બહુ નાનું હોવા છતાં તેની નોંધ સંજય લીલા ભણસાલી જેવા મોટા ગજાના સર્જકે લીધી છે. જુઓ, આજે સંજય સરે મને તેમની હીરામંડી વેબ સિરિઝમાં મજેદાર પાત્ર આપ્યું છે. સંજય લીલા ભણસાળીએ મારા માથા પર હાથ મૂકીને મને ભરપૂર આશીર્વાદ આપ્યા છે. એમ કહો કે સંજય સર મારી અભિનય પ્રતિભાને નવા રંગરૂપ આપી રહ્યા છે. હું તેમના માર્ગદર્શનમાં અભિનયના પાઠ ભણી રહ્યો છું. હું મારી જાતને બહુ બહુ નસીબદાર સમજું છું. મારી અભિનય કારકિર્દીમાં સોનાનો સૂરજ ઉગ્યો છે.
બોલિવુડમાં સતત નિષ્ફળતા અને અવગણનાથી એક તબક્કે લગભગ ડિપ્રેશનનો ભોગ બની ગયેલો અધ્યયન આત્મવિશ્વાસ સાથે કહે છે, જુઓ, મારું નામ સંજય સરની વેબ સિરિઝ સાથે જોડાયું કે તરત જ ચિત્ર આખું બદલાઇ ગયું. બોલિવુડનાં અને મિડિયાનાં લોકોની આંખો પહોળી થઇ ગઇ. તેઓને મારામાં અચાનક કંઇક નવું અને વિશિષ્ટ દેખાયું. હવે તેઓને મારી સંઘર્ષ યાત્રા જાણવામાં રસ છે. કહેવાનો અર્થ એ છે કે કોઇ વ્યક્તિને તેના જીવનમાં કે તેના ક્ષેત્રમાં ઉજળી સફળતા મળે એટલે સમગ્ર સમાજ તેની વિશે જાણવા દોડે. નહીં તો નહીં. વળી, મને જે કાંઇ મળ્યું છે તે તાસક પર નહીં, પણ ભરપૂર મહેનત તથા સંઘર્ષ બાદ મળ્યું છે. મારા પિતાજી શેખર સુમન ભલે હિન્દી ફિલ્મ અને ટીવી જગતનું જાણીતું અને સફળ નામ હોય છતાં તેમણે મને મહેનતનું સૂત્ર આપ્યું છે. સફળતા માટે ડગલે ને પગલે સંઘર્ષ કરવા શીખામણ આપી છે. હા, જરૂર હોય ત્યાં માર્ગદર્શન પણ આપ્યું છે.
અધ્યયન સુમન તેના સંઘર્ષની વાત કરતાં કહે છે, મને પ્રકાશ ઝા એ તેમની આશ્રમ વેબ સિરિઝમાં તક આપી તે તબક્કે તો ખરું કહું તો હું સાવ જ નવરોધૂપ હતો. બરાબર એ જ સમયે મને પ્રકાશ ઝાએ યાદ કર્યો અને આશ્રમમાં ટીન્કા સિંહની ભૂમિકા કરવા તક પણ આપી. આશ્રમ સિરિઝ રજૂ થઇ ત્યારે મને ખ્યાલ આવ્યો કે મારા ગણીને ત્રણ જ સીન છે. મેં નારાજી સાથે મારા પિતાજીને કહ્યું હતું કે મને લાગે છે, મારી અભિનય કારકિર્દી અહીં જ સમાપ્ત થઇ જશે. જોકે મારા અનુભવી અને પ્રેમાળ પિતાજીએ કહ્યું હતું, બેટા, મારા શબ્દો બરાબર યાદ રાખજે. આ ત્રણ દ્રશ્યો તારી જિંદગીને અને તારી અભિનય કારકિર્દીને ધરમૂળથી બદલી નાખશે. મારા પિતાજીના તે શબ્દો જાણે કે ચમત્કારી બન્યા હોય તેમ આશ્રમ વેબ સિરિઝ રજૂ થઇ તેના બરાબર ૨૦ દિવસ બાદ દર્શકોને મારું ટીન્કા સિંહનું પાત્ર બેહદ ગમી ગયુ. મારા નામની અને કામની ચર્ચા શરૂ થઇ.ચર્ચા છેક સંજય લીલા ભણસાળીના કાન સુધી પહોંચી. તેમણે મને તેમની વેબ સિરિઝ હીરામંડી માટે યાદ કર્યો.
હાલ -એ --દિલ, રાઝ ઃ ધ મિસ્ટ્રી કન્ટીન્યુ, જશ્ન, લવ બર્ડ્ઝ વગેરે ફિલ્મો સાથોસાથ દેહરાદૂન ડાયરી અને હિંમતવાલા ટીવી સિરિયલમાં પણ વિવિધ ભૂમિકા ભજવી ચૂકેલો અધ્યયન સુમન કહે છે, મારા સહિત બોલિવુડનાં તમામ કલાકારોને સંજય સર સાથે કામ કરવાની અદમ્ય ઇચ્છા હોય તે સ્વાભાવિક છે. મારા માટે તો સંજય લીલા ભણસાળીની વેબ સિરિઝ હીરામંડીના સેટ પર હાજર હોવું એ જ આશ્ચર્યની અવધી છે. અરે, મેં આ સિરિઝના એક મોટા દ્રશ્યમાં મનીષા કોઇરાલા જેવી અનુભવી અભિનેત્રી સાથે તાલમેલ કર્યો ત્યારે તો સંજય સર ખુશીથી મને ભેટયા હતા. મને કહે, મેં આવું સુંદર દ્રશ્ય ભાગ્યે જ જોયું છે. તું, ખરેખર બહુ પ્રતિભાશાળી અભિનેતા છો. બસ, સંજય લીલા ભણસાળી જેવા હીરા પારખુના આ શબ્દો જ મારી અભિનય કારકિર્દી માટે સૌથી મોટો અને મહત્વનો એવોર્ડ છે. ઓસ્કાર એવાર્ડ કરતાં પણ મોટો.


