અદા શર્મા : મને દર્શકોએ વિવિધ ભૂમિકામાં સ્વીકારી
- 'હું મારી જાતને અત્યંત ભાગ્યશાળી માનું છું કેમ કે મને ભારતભરના અત્યંત પ્રતિભાશાળી ફિલ્મસર્જકો સાથે કામ કરવાની તક મળી રહી છે.'
અભિનેત્રી અદા શર્માએ તાજેતરમાં જ ત્રિભાષી ફિલ્મ સાઈન કરી છે. અરે આ અભિનેત્રીએ તો પ્રથમ ફિલ્મ '૧૯૨૦'માં ભૂતની ભૂમિકા ભજવી બધાને તો ચોંકાવી જ દીધા. આટલું જ નહીં તેણે આ ભૂમિકા એ રીતે ભજવી કે ૨૦૦૮માં તો અદા શર્માને શ્રેષ્ઠ નવોદિત અભિનેત્રી તરીકેનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો. આ ફિલ્મ વિક્રમ ભટ્ટે બનાવી હતી. આ પછી અદા શર્માએ સંઘર્ષ કરવો પણ ૧૮ જેટલી ફિલ્મોમાં કામ કરી તેનું નામ ઇન્ડસ્ટ્રીમાં ધબકતું રાખ્યું. જો કે હવે લાગે છે કે તેની કારકિર્દીની ગાડી પુરપાટ દોડવા લાગી છે.
નવી સાઈન કરેલી ફિલ્મ અંગે વાત કરતા અદા શર્મા જણાવે છે, 'મને સફળ બ્રેક તો 'ધ કેરળ સ્ટોરી'થી મળ્યો. જેને આજે પણ વખાણવામાં આવે છે જે માટે હું દર્શકોની આભારી છું. મારી નવી ફિલ્મ સાઉથના બેનરની છે અને તે કન્નડ, તમિળ અને હિન્દીમાં બનવાની છે, જેમાં હું દૈવી તત્ત્વ ધરાવતી મહિલાની ભૂમિકા ભજવવાની છું. આ વાત સ્ત્રી સશક્તિકરણને સ્પર્શતી છે. દૈવી એટલે શક્તિ. શક્તિ એટલે જ ઊર્જા! તમે નહીં માનો પણ હું તો દરેક સ્ત્રી એક શક્તિ છે, ઊર્જા છે. હું મારી જાતને અત્યંત ભાગ્યશાળી અનનુભવું છું કેમ કે મને ભારતભરના અત્યંત પ્રતિભાશાળી ફિલ્મસર્જકો સાથે કામ કરવાની તક મળી રહી છે.'
હજુ આવતા મહિને જ અદાકારા અદા શર્માની સફળ ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' બે વર્ષ પૂર્ણ કરવાની છે. આ ફિલ્મ સંદર્ભે અદા શર્મા સ્વીકારે છે કે બોક્સ ઓફિસ પર આ ફિલ્મ રૃા.૩૫૦ કરોડથી પણ વધુની કમાણી કરી છે. આ ફિલ્મની સફળતા પછી તો અદા શર્માનું જીવન બદલાઈ ગયું છે.
'કોઈએ પોેતાનાં જૂનાં કામો પર આધાર રાખવાનું નથી, પણ પોતાની રીતે વધુ ને વધુ આગળ વધવાનું છે. જો લોકો કોઈની સાથે કામ કરવા માગે છે તો તેઓ તેમને કામ આપે છે અને હું ભાગ્યશાળી છું કે લોકો મને વિવિધ પ્રકારની ભૂમિકા આપવા માગે છે.' અદા શર્મા એવું પણ અનુભવે છે કે તે ટાઈપકાસ્ટનો શિકાર બનવાથી બચી છે. ભલે તેઓ અલગ અલગ વસ્તુ કરવા માગતા હોય, પણ તેઓ એવું કરી જ શકતા નથી. આનું કારણ એ છે દર્શકો તેમને અન્ય અવતારમાં સ્વીકારતા નથી. 'હું ભાગ્યશાળી માનું છું કે મને દર્શકોએ અલગ-અલગ ભૂમિકામાં સ્વીકારી છું, જેની હું ઋણી છું.'