mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

આંખોથી હાવભાવ વ્યક્ત કરવામાં માહેર અભિનેત્રીઓ

Updated: Jan 19th, 2023

આંખોથી હાવભાવ વ્યક્ત કરવામાં માહેર અભિનેત્રીઓ 1 - image


-જીભ પછી આંખ એવું અંગ છે જે આપણા દિલની વાત સારી રીતે કહી દે છે. અભિનયની દુનિયામાં અભિવ્યક્તિ એ બધું છે અને જો આંખો સુંદર હોય તો દર્શકોની નજર ચહેરા પર જ રહેશે. બોલિવુડમાં એવી અનેક અભિનેત્રીઓ છે જે સંવાદો કરતા પોતાની આંખો દ્વારા જ બધું કહી દે છે. મધુબાલાથી લઈને ઐશ્વર્યા રાય બચ્ચન સુધી બોલિવુડની અનેક અભિનેત્રીઓએ પોતાની મનમોહક અને ભાવવાહી આંખોથી કામ લીધું છે.  આ તમામ હિરોઈનોએ અનેક વાર કપરામાં કપરા દ્રશ્યો માત્ર આંખોની કરામત દ્વારા ભજવી દેખાડયા છે. 

- મીના કુમારી

એકવાર નિખાલસતાથી વાત કરતા લતા મંગેશકરે જણાવ્યું હતું કે મીના કુમારી માટે ગીત ગાવું તેની કારકિર્દીનો સૌથી સંતોષજનક અનુભવ હતો. મીનાકુમારી અગાઉ કે પછી, કોઈ અભિનેત્રીએ લતા મંગેશકરના અવાજને સમકક્ષ આવી શકે તેના હાવભાવ નથી આપ્યા. અજીબ દાસ્તાં હૈ યહ ગીતને લોકો લતા મંગેશકરના જાદુઈ અવાજ ઉપરાંત તેમાં અભિનય કરનાર મીનાકુમારી માટે પણ યાદ કરે છે. ગીતમાં મીનાકુમારીએ માત્ર એક ખૂણામાં બેઠા બેઠા જ પોતાની આંખોથી વ્યથા અને દુઃખની લાગણી વ્યક્ત કરી દીધી હતી. બૈજુ બાવરા, પરિણીતા, સાહેબ બીબી ઔર ગુલામ અને પાકીઝા, આ મહાન ફિલ્મો મીનાકુમારીએ પોતાની આંખો દ્વારા વ્યક્ત કરેલા હાવભાવ વિના કલ્પી ન શકાય.

નૂતનઆંખોથી હાવભાવ વ્યક્ત કરવામાં માહેર અભિનેત્રીઓ 2 - image

સાડીની ગડીમાં છુપાયેલો તેનો નાજુક ચહેરો, પ્રેમી પાસે સ્વીકૃતિ ઝંખતી, ક્રૂર જ્ઞાાતિ પ્રથા સામે ઝઝૂમતી સુજાતા (૧૯૫૯)માં નૂતનની ભૂમિકા અવિસ્મરણીય રહી. સુજાતાએ તેને એક એક્ટ્રેસ તરીકે સ્થાપિત તો કરી દીધી પણ આ ફિલ્મમાં તેણે સાબિત કર્યું કે એક કલાકાર માટે આંખોથી હાવભાવ વ્યક્ત કરવા કેટલું મહત્વનું છે. સુજાતા ઉપરાંત સીમા (૧૯૫૫) અને બંદિની (૧૯૬૩)માં પણ નૂતને પોતાની આંખોથી અદ્ભુત રીતે ઉદાસીનતા અને લાચારી વ્યક્ત કરી. પણ તેરે ઘર કે સામને (૧૯૬૩)માં તેનાથી વિપરીત નૂતને પોતાની આંખોથી નટખટ અદા પણ દેખાડી. ચાર દાયકાથી વધુની પોતાની કારકિર્દીમાં નૂતને નજાકત, માસુમિયત અને મક્કમતાના ભાવ પોતાની આંખોથી આબાદ રીતે વ્યક્ત કર્યા.

આંખોથી હાવભાવ વ્યક્ત કરવામાં માહેર અભિનેત્રીઓ 3 - image - સ્મિતા પાટીલ

સ્મિતા પાટીલે પોતાની ટૂંકા ગાળાની કારકિર્દીમાં અનેક અદ્ભુત ભૂમિકાઓ ભજવી હતી, પણ તેમાંથી બે અલગ જ તરી આવી હતી અને કટાક્ષ એ છે કે બંને ભૂમિકા અભિનેત્રીઓની જ હતી. શ્યામ બેનેગલની ભૂમિકા (૧૯૭૭)માં સ્મિતાએ સતામણી અને માનસિક વ્યથા વચ્ચે સંઘર્ષ કરતી એક અભિનેત્રીની ભૂમિકા ભજવી હતી, જે પુરુષોના શોષણ અને ત્રાસ વચ્ચે પણ સફળતાના શિખરે પહોંચે છે. બીજી તરફ અર્થ (૧૯૮૨) તેણે માનસિક અસ્થિર અભિનેત્રી કવિતાની ભૂમિકા ભજવી હતી જે પોતાના પરિણીત દિગ્દર્શક સાથે સંબંધ ધરાવે છે. આ ફિલ્મમાં સ્મિતાના તેની સમકાલીન શબાના આઝમી સાથે જોરદાર દ્રશ્યો હતા. સ્મિતા આંખોથી ઘણુ કહી દેતી. હાવભાવ તેના ચહેરા પર સરળતાથી બદલાતા અને તેમાં તેની આંખોનો ફાળો મહત્વનો હતો. પછી તે મંથન (૧૯૭૬)માં ખૂશીની લાગણી હોય કે નમક હલાલમાં કામુક દ્રશ્યો હોય.  જો કે સ્મિતા પાટીલની જે છબી માનસપટમાં કંડારાઈ ગઈ છે તે મિર્ચ મસાલામાં ખલનાયકના ચહેરા પર મરચા ફેંકતી મહિલાની છે. એ દ્રશ્યમાં તેણે આંખો દ્વારા દર્શાવેલા હાવભાવ આજે પણ દર્શકો ભૂલ્યા નથી. 

- શબાના આઝમીઆંખોથી હાવભાવ વ્યક્ત કરવામાં માહેર અભિનેત્રીઓ 4 - image

શેખર કપૂરની માસૂમમાં આપણને શબાના આઝમીના બે પ્રકારના સ્વરૂપ જોવા મળ્યા. એક સંતાનોના ઉછેરમાં રચીપચી રહેતી એક સામાન્ય માતા અને બીજી પતિના ગેરકાયદે સંબંધથી થયેલા સંતાનની જાણ થતા ગુસ્સે થતી પત્ની. શબાનાએ આ બંને સ્વરૂપોે અસરકારક રીતે વ્યક્ત કરવા આંખોનો જે ઉપયોગ કર્યો તે એક પરિપકવ અભિનેત્રી જ કરી શકે. તેના એવોર્ડ વિજેતા ડેબ્યુ અંકુરની ગુનાહિત લાગણી અનુભવતી પત્ની હોય કે શતરંજ કે ખિલાડીની રિસાળ બેગમ હોય, મકડીની ડાકણ હોય કે સ્વામીની બળવાખોર પત્ની હોય, ફાયરની નબળી પત્ની હોય કે ગોડ મધરની લેડી ડોન હોય, શબાના માટે તમામ ભૂમિકા સહજ હતી કારણ કે તેનુ જમા પાસુ છે તેની આંખો. તેની પ્રભાવક આંખોને કારણે જ તેના માટે ચહેરાના હાવભાવમાં ફેરફાર કરવો સહજ હતું. 

વહીદા રહેમાનઆંખોથી હાવભાવ વ્યક્ત કરવામાં માહેર અભિનેત્રીઓ 5 - image

વહીદા રહેમાન જે પ્રમાણે નૃત્ય કરતી હતી તેમાં એક વિશેષતા હતી. નૃત્ય કરતી વખતે તેની આંખોના હાવભાવ ગુરુદત્તની નજરે ચડી ગયા. ગુરુદત્તે પોતે પણ નૃત્યની તાલીમ લીધી હતી. તેણે વહીદાને ખાતરી કરાવી કે તે અભિનય કરી શકશે. પ્યાસા (૧૯૫૭)માં વહીદાએ એક કવિના પ્રેમમાં પડેલી પ્રોસ્ટીટયુટની ભૂમિકા ભજવી હતી. એક દ્રશ્યમાં તે પ્રકાશકને કવિની કૃતિ છાપવાની વિનંતી કરે છે. પ્રકાશક તેેને કવિ સાથે તેના સંબંધ વિશે પૂછે છે. તે સમયે વહીદાએ આંખોથી દર્શાવેલા હાવભાવ આજે પણ દર્શકો ભૂલ્યા નથી. કરૂણા હોય, કે ફિલ્મ ઉદ્યોગમાં સ્થિર થવા મથતી નવી કલાકાર હોય (કાગઝ કે ફૂલ, ૧૯૫૯) કે પછી બંધનો તોડીને મુક્તિનો આનંદ માણતી નવયૌવના હોય (ગાઈડ) કે પછી કડવા બોલ બોલતી માતા (નમકીન, ૧૯૮૨) હોય, વહીદાએ આંખોથી જે કામ લીધું છે એ અવિસ્મરણીય છે.

કંગના રનૌતઆંખોથી હાવભાવ વ્યક્ત કરવામાં માહેર અભિનેત્રીઓ 6 - image

ક્વીન, ગેંગસ્ટર, વો લમ્હે, તનુ વડેસ્ મનુ, થલૈવા સાથે કંગનાએ પોતાનામાં રહેલું વૈવિધ્ય દર્શાવીને બોલીવૂડની સ્ટીરીયો ટાઈપ હીરોઈનોની ઈમેજ તોડી. કંગના એવી અભિનેત્રીઓ પૈકી છે જે ફિલ્મ ભુલાઈ ગયા પછી પણ યાદ રહી જાય છે. આ અદ્ભુત અભિનેત્રીએ પણ તેની આંખોના હાવભાવથી પાત્રોમાં પ્રાણ પૂર્યા છે.

 તબ્બુઆંખોથી હાવભાવ વ્યક્ત કરવામાં માહેર અભિનેત્રીઓ 7 - image

બોલીવૂડમાં જ્યાં ઓવરએક્ટીંગ અને ડ્રામાની બોલબાલા છે ત્યાં તબુએ સોફ્ટ એક્ટીંગ કરીને પ્રશંસા મેળવી છે. તબુ એવી જૂજ અભિનેત્રીઓ પૈકી છે જેમણે આર્ટ અને મેઈનસ્ટ્રીમ, કોમેડી અને ડ્રામા, હિન્દી અને ક્ષેત્રીય, બોલીવૂડ અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. વય કરતા વધુ ઊંડાણ અને શાણપણ સુચવતી આંખો ધરાવતી તબ્બુ પોતાની સર્જનાત્મક ટોચે રહેલા દિગ્દર્શકોની પસંદગીની અભિનેત્રી રહી છે. ગુલઝાર (માચીસ), વિશાલ ભારદ્વાજ (મકબૂલ, હૈદર) પ્રિયદર્શન (કાલાપાની, વિરાસત), મિરા નાયર (ધી નેમસેક), શ્રીરામ રાઘવન (અંધાધૂંધ) જેવી અનેક ફિલ્મો તબ્બુ વિના ન કલ્પી શકાય.

શ્રીદેવીઆંખોથી હાવભાવ વ્યક્ત કરવામાં માહેર અભિનેત્રીઓ 8 - image

હિન્દી, તેલુુગુ, તામિલ અને કન્નડ ચાર ભાષામાં ટોચ પર રહેવાનો દાવો શ્રીદેવી સિવાય અન્ય કોઈ અભિનેત્રી કરી શકે એમ નથી. મિ.ઈન્ડિયા અને ચાલબાઝની કોમેડી હોય કે લમ્હે અને ચાંદનીની પ્રેમિકા હોય શ્રીદેવીનું જમા પાસુ તેની આંખો રહી છે. સદમાના ક્લાઈમેક્સ સીનમાં કમાલ હસનની એક્ટીંગ વિવેચકોના મતે ભલે અદ્ભુત હતી પણ દર્શકો શ્રીદેવી તેના પ્રત્યે દયનીય અને આશ્ચર્યચકિત નજરે જે રીતે જુએ છે તે ભૂલશે નહિ.

રેખાઆંખોથી હાવભાવ વ્યક્ત કરવામાં માહેર અભિનેત્રીઓ 9 - image

ઘોઘરા અવાજ અને ખિન્ન આંખો સાથે બલિદાન આપનાર, તરછોડાયેલી પ્રેમિકા તરીકે રેખાનો ઉત્કૃષ્ટ અભિનય ઉમરાવ જાનમાં જોવા મળે છે. અવગણી ન શકાય તેવી અદા અને લુચ્ચાઈ તેમજ વાંરવાર છેતરાયેલા ભગ્ન હૃદયને છુપાડતી તવાયફનું પાત્ર ભજવવામાં રેખાએ  તેની ભાવવાહક આંખોનો ભરપૂર ઉપયોગ કર્યો હતો. ઘરની ગૃહિણી, ઉત્સવની ગણિકા, ખૂબસુરતની અલ્લડ યુવતિ, તમામ પાત્રોમાં રેખાની આંખોના હાવભાવે પાત્રોમાં પ્રાણ પૂર્યા છે.

આલિયા ભટ્ટઆંખોથી હાવભાવ વ્યક્ત કરવામાં માહેર અભિનેત્રીઓ 10 - image

આલિયા હજી ૩૦ વર્ષની નથી થઈ અને તેણે ટોચની અભિનેત્રીની યાદીમાં સ્થાન મેળવી લીધું છે.  તેણે યાદગાર કહી શકાય એવી ભૂમિકા નિભાવી છે.  વય નાની હોવા છતાં મેચ્યોર્ડ પાત્રો ભજવતી વખતે તેની આંખો ઘણુ બધુ કહી જાય છે.

વિદ્યા બાલનઆંખોથી હાવભાવ વ્યક્ત કરવામાં માહેર અભિનેત્રીઓ 11 - image

બોલીવૂડમાં કહેવત છે વિદ્યા બાલન તમામ પ્રકારની મહિલાના રોલ કરી શકે છે.  વિદ્યા બાલનની એક્ટીંગ કુશળતામાં તેની ભાવવાહી આંખોનો ફાળો મહત્વનો છે.


Gujarat