- અવિકાએ 'ટ્રસ્ટ ફોલ' નામની નોવેલ લોન્ચ કરી છે. અવિકાને આ વરસે માર્ચમાં સ્પાય થ્રિલરનું બેકગ્રાઉન્ડ ધરાવતી આ અનોખી લવ સ્ટોરીનું આઇડિયા સૂઝયો હતો.
- યુવા પેઢીના એકટર્સ પોતાની ટેલેન્ટ એક્ટિંગ પુરતી સીમિત ન રાખી, ફિલ્મ મેકિંગના વિવિધ ક્ષેત્રોમાં હાથ અજમાવી રહ્યા છે. 'બાલિકા વધુ'થી લાઈમલાઈટમાં આવેલી અવિકા ગૌરે ટીવી સીરિયલો અને સાઉથની ફિલ્મોમાં લીડ રોલ્સ કરવા ઉપરાંત રાઇટિંગનો પોતાનો શોખ જાળવી રાખ્યો છે. પોતાની એ સ્કીલ વિશે વાત કરતા અવિકા કહે છે, 'બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે હું ૧૫ વરસની હતી ત્યારે મેં એક શોર્ટ ફિલ્મ આઈ, મી, માયસેલ્ફની સ્ક્રીપ્ટ લખી હતી. એ મૂવી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના શોર્ટ ફિલ્મ કોર્નર માટે સિલેક્ટ થઈ હતી અને પછી બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ નોમિનેટ થઈ. ત્યારે મને ઓરિજિનલ સ્ક્રીનપ્લે કેટેગરીની સૌથી નાની વયની યુવાન રાઇટર બનવાનું બહુમાન મળ્યું હતું.'
અલબત્ત, અવિકાએ એક્ટિંગમાં ઝંપલાવ્યા બાદ એનું લેખન-કાર્ય આપોઆપ કોરાણે મુકાઈ ગયું. એના વરસો બાદ ૨૮ વરસની એક્ટ્રેસે હમણાં પોતાની પહેલી નોવેલ 'ટ્રસ્ટ ફોલ' લોન્ચ કરી છે. અવિકાને આ વરસે માર્ચમાં સ્પાય થ્રિલરનું બેકગ્રાઉન્ડ ધરાવતી આ અનોખી લવ સ્ટોરીનું આઇડિયા સૂજ્યો હતો. એને ફુલફ્લેજ્ડ નોવેલમાં ડેવલપ કરતા ગોરને પુરા છ મહિના લાગ્યા. 'મેં ઘણાં પેશન સાથે નોવેલિસ્ટ તરીકેની મારી જર્ની શરૂ કરી કારણ કે મારે એવી સ્ટોરી કહેવી હતી જેમાં હું પોતે માનતી હોઉં. તમે નહિ માનો પણ મેં મારી નોવેલ ટ્રસ્ટ ફોલના છ ડ્રાફ્ટ લખ્યા હતા અને છેક સાતમો ડ્રાફ્ટ એડીટરે ઓકે કર્યો. એને લીધે મારામાં એક રાઇટર તરીકે કોન્ફિડન્સ આવ્યો,' એમ 'સસુરાલ સિમર કા'ની એકટ્રેસ કહે છે. હવે એ પોતાની બીજી બુક લખવાની તૈયારી કરી રહી છે, જેનો અમુક ભાગ પહેલી નોવેલની સિકવલ જેવો હશે.
ઇન શોર્ટ, ૨૦૨૫ અવિકા માટે એક યાદગાર વરસ બની રહ્યું છે. 'આ વરસ મારા માટે બહુ સ્પેશિયલ બની રહ્યું છે. જૂનમાં મારી સગાઈ થઈ, સપ્ટેમ્બરમાં મારા મેરેજ થયા અને હવે ઓક્ટોબરમાં આ બુકનું પ્રકાશન થયું. આ બુકનું રાઇટિંગ વર્ક હું ચુપચાપ બધાથી છુપાવીને કરતી હતી. મધરાત બાદ નોવેલ લખવા બેસતી. એટલે જ એ મારા પેરેન્ટસ અને ફ્રેન્ડસ માટે મોટી સરપ્રાઈઝ બની ગઈ છે. પરંતુ સૌથી વધુ આશ્ચર્ય મારા પતિ મિલિન્દ (ચાંદવાની)ને થયું હતું. એને માટે મારી આ બુક એક વેડિંગ ગિફ્ટ બની રહી હતી.'


