Get The App

અભિનેત્રી અશનૂર કૌર બિગ બોસના ઘરને પર્સનાલિટી કન્ટેસ્ટ માને છે

Updated: Sep 18th, 2025

GS TEAM

Google News
Google News
અભિનેત્રી અશનૂર કૌર બિગ બોસના ઘરને પર્સનાલિટી કન્ટેસ્ટ માને છે 1 - image

- 'મને નથી લાગતું કે તમે ત્રણ મહિનામાં કોઇના પ્રેમમાં પડી જાવ...'

- બિગ બોસને ત્રીજા પ્રયાસે અશનૂર કૌરે સંંમતિ આપી 

ભારતીય ટેલિવિઝન ઉદ્યોગમાં તમે ચાર વર્ષની વયથી કામ કરતાં હો અને ૨૧ વર્ષની વયે તમે રિયાલિટી શોનો હિસ્સો બનો તો તમને કેવું લાગે? વેલ, મુંબઇની જયહિંદ કોલેજમાં બેચલર ઓફ માસ મિડિયામાં ગ્રેજ્યુએટ થઇને અશનૂર હવે બિગ બોસ ૧૯ના ઘરમાં પહોંચી ગઇ છે. આ પ્રસંગે અશનૂર માંડીને વાત કરે છે ત્યારે તેનામાં અજબ આત્મવિશ્વાસ છલકાતો જણાય છે.  

પોતે બિગ બોસમાં શા માટે ગઇ તેની વાત કરતાં અશનૂર કહે છે, હું ચાર વર્ષની હતી ત્યારથી ટીવી પર કામ કરું છું. પણ આ બધી કાલ્પનિક કહાણીઓ હતી. મને લાગે છે કે બિગ બોસમારી ખરાં વ્યક્તિત્વને મારા દર્શકો સમક્ષ રજૂ કરશે. મેં કદી રિયાલિટી શો કર્યો નથી એટલા માટે મારે માટે આ એકદમ  નવો જ અનુભવ છે. મને જાણ છે કે આ શોમાં ભાગ લેવાથી મારી અંગત જિંદગીના ઘણાં પાસાંઓ જાહેર થશે. પણ મને તેનો કોઇ વાંધો નથી. મારે કશું છુપાવવાનું નથી. 

બિગ બોસના ઘરમાં થતાં વિવાદોમાં તને ડર નથી લાગતો તેવા સવાલના જવાબમાં અશનૂર કહે છે કે લોકો તેને વિવાદાસ્પદ જગ્યા તરીકે જુએ છે. મારા મતે તો બિગ બોસનું ઘર એ પર્સનાલિટી કન્ટેસ્ટ સમાન છે. મને શોમાં મારી અસલી બાજુ રજૂ કરવા મળશે તેનો મને આનંદ છે. વળી આ શો અગાઉ મને ત્રણ વાર ઓફર થયો હતો પણ એક યા બીજા કારણે હું તેમાં સામેલ થઇ શકી નહોતી. પહેલીવાર મને જ્યારે આ શોની ઓફર આવી ત્યારે હું ટીવી પરથી બ્રેક લઇ કોલેજમાં ભણવામાં વ્યસ્ત હતી. એ પછી ૨૦૨૪માં હું  સુમન ઇન્દોરી શ્રેણી કરવામાં વ્યસ્ત હતી ત્યારે ફરી મને બિગબોસમાં કામ કરવાની ઓફર થઇ પણ તે સ્વીકારવાનું શક્ય નહોતું. એ પછી હવે મને આ ઓફર થતાં મને લાગ્યું કે આ જ યોગ્ય સમય છે. મેં આ ઓફર સ્વીકારી અને હવે હું તેમાં કન્ટેસ્ટન્ટ તરીકે સામેલ થઇ ચૂકી છું. 

૨૦૦૯માં ઝાંસી કી રાની ફિલ્મમાં બાળ કળાકાર તરીકે કામ કરનારી અશનૂરે એ પછી મ્યુઝિક વિડિયો પણ કર્યાં છે. જેના કારણે સોશ્યલ મિડિયા પર તે જાણીતી બની છે. આ ઉપરાંત તેણે ના બોલે તુમ ના મૈને કુછ કહા અને યે રિશ્તા ક્યા કેહલાતા જેવી જાણીતી શ્રેણીઓમાં પણ કામ કરી પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે. હવે બીગ બોસના દર્શકોને તેની એક અજાણી બાજુનો આ શો દ્વારા પરિચય થશે. 

તારો સ્વભાવ જોતાં તને તડાફડી કરવા મળશે તેમ લાગે છે તેમ જણાવતાં અશનૂરે જણાવ્યું હતું કે હું મારો મત વ્યક્ત કરવામાં માનું છું, હું ચૂપ રહવામાં માનતી નથી. હું મારું ગૌરવ જાણવીને મારો મત વ્યક્ત કરી શકું છું. હું કોઇની સાથે ઝઘડું તો પણ હું મારી ડિગ્નિટી છોડતી નથી. તું બિગ બોસમાં કોઇના પ્રેમમાં પડી શકે કે કેમ તેવો સવાલ કરતાં અશનૂરે હસીને જણાવ્યું હતું કે હું આ રીતે જરા રૂઢિચુસ્ત મિજાજની છું. મને લાગે છે કે આ રિયાલિટી શો છે અને તેમાં કશું તરકટ કરવાની કોઇ શક્યતા હોતી નથી. બીજી મહત્વની બાબત એ છે કે મને નથી લાગતું કે તમે ત્રણ મહિનામાં કોઇના પ્રેમમાં પડી જાવ. મારા મતે તો દર્શકોને મારી અસલી બાજુ જાણવા મળે તે જ આ શોનો મોટો પ્લસ પોઇન્ટ બની રહે છે. મને આશા છે કે મને વાસ્તવિક સ્વરૂપમાં જોઇને મારા દર્શકો મને વધારે પ્રેમ કરતાં થશે. એક એક્ટરને બીજું શું જોઇએ? સહી બાત હૈ ભીડું!