Get The App

એક્શન, ડ્રામા અને કોમેડી તાપસી પન્નુના ભાથામાં ઘણાં તીર છે

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
એક્શન, ડ્રામા અને કોમેડી તાપસી પન્નુના ભાથામાં ઘણાં તીર છે 1 - image


પ્રચલિત ધોરણોને સતત નકારતી અને રૂઢીઓને  તોડતી અભિનેત્રી તાપસી પન્નુ ફરી એકવાર દર્શકોને આશ્ચર્યચકિત કરવા તૈયાર થઈ છે. શક્તિશાળી સ્ક્રીન પ્રેઝન્સ અને ફિલ્મોની બોલ્ડ પસંદગી માટે જાણીતી તાપસીએ ભારતીય સિનેમામાં પોતાને એક પ્રતિભાશાળી અને વિશ્વસનીય સ્ટાર તરીકે સ્થાપિત કરી છે. તીવ્ર ડ્રામા અને થ્રિલરથી લઈને હળવી મનોરંજક ફિલ્મોમાં વૈવિધ્યસભર શૈલી આવરી લેતી કારકિર્દીમાં તાપસી પ્રત્યેક નવા પ્રોજેક્ટ સાથે કંઈક નવીન કરવા તત્પર હોય છે. હવે પ્રતિશોધ ડ્રામા 'ગાંધારી'નું શૂટ પૂર્ણ કર્યા પછી આ પ્રતિભાશાળી અભિનેત્રી નવી અને અગાઉ ન કરી હોય તેવી શૈલીમાં ડૂબકી લગાવવા તૈયાર થઈ છે અને એ છે કોેમેડી ડ્રામા.

અહેવાલો મુજબ તાપસી નવા પ્રોજેક્ટમાં એક કોમેડી રોલમાં દેખાશે, જે તેની  વૈવિધ્યસભર ફિલ્મોગ્રાફીમાં તાજગીભર્યો વળાંક છે. કાસ્ટ અને પ્રોડક્શન ટીમ સહિત ફિલ્મની વિગતો હજી ગોપનીય જ રાખવામાં આવી છે ત્યારે ટૂંક સમયમાં આ પ્રોજેક્ટની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. કોમેડીમાં તાપસીની આ છલાંગ 'ગાંધારી' પછી તુરંત આવી છે જેમાં તેણે એક્શન પેક્ડ પરફોર્મન્સ આપ્યો છે અને જે તેની અભિનય ક્ષમતાની હજી એક નવી બાજુ દર્શાવે છે.

ગાંધારીની પ્રચંડ યોદ્ધા

દેવાશિષ મખિજા દિગ્દર્શિત 'ગાંધારી' દર્શકોને જકડી રાખતી વેરની વાર્તા છે જેમાં ન્યાય, આઘાત અને દ્રઢતાની લાગણીઓ દર્શાવાઈ છે. માર્ચ ૨૦૨૫માં શૂટ સમાપ્ત કર્યા પછી આ ફિલ્મ હાલ પોસ્ટ પ્રોડક્શન તબક્કામાં છે અને આ વર્ષે તે ઓટીટી પર રજૂ થશે. તાપસીને આ રોલ માટે સખત શારીરિક તાલીમ અને શિસ્તની જરૂર પડી હતી. તેની સોશિયલ મીડિયા પોસ્ટમાંથી મળેલી ફિલ્મની ઝલકથી સ્પષ્ટ થાય છે કે તેણે એક્શન દ્રશ્યો અને સ્ટન્ટ માટે સઘન તાલીમ લીધી છે.

ફિલ્મમાં ઈશ્વાક સિંઘ પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મની વાર્તા તેને અન્ય પરંપરાગત રિવેન્જ ફિલ્મોથી નોખી પાડે છે. 'ગાંધારી' સાથે તાપસીએ પોતાની ફિલ્મોગ્રાફીમાં વધુ એક શક્તિશાળી પરફોર્મન્સનો ઉમેરો કરીને એવી ઉગ્રતા દેખાડી છે જેને દર્શકોએ અગાઉ ન જોઈ હોય. મજબૂત, સશક્ત મહિલા નાયિકા ઈચ્છતા દર્શકોને તાપસીનું ચિત્રણ જરૂર પસંદ આવશે, જે અભિગમની તાપસી લાંબા સમયથી ભલામણ કરતી આવી છે.

એક્શનથી કોમેડી: એક તાજગીભર્યું પરિવર્તન

'ગાંધારી'માં તાપસીની ઇન્ટેન્સ પાત્ર ભજવવાની ક્ષમતાનું પરીક્ષણ થયું ત્યારે તેની આગામી કોમેડી ફિલ્મ તદ્દન નવો અનુભવ કરાવશે. લાગણીસભર દ્રશ્યો અને પ્રભાવશાળી ભૂમિકા ભજવવા માટે પ્રસિદ્ધ કલાકાર માટે કોમેડીના નવા ક્ષેત્રમાં પ્રવેશ કરવા સાહસ અને શ્રેણી બંનેની જરૂર પડે છે. એમાં માત્ર પંચલાઈન બોલવાની નથી હોતી, પણ ટાઈમિંગ, સહજતા અને દર્શકો માટે એક ખુશાલ વાતાવરણ ઊભુ કરવાનું હોય છે.

ગયા વર્ષે તાપસી 'ખેલ ખેલ મેં'ની મલ્ટિસ્ટાર કોમેડીમાં સામેલ હતી, પણ તેની આગામી સોલો કોમેડી પ્રોજેક્ટ તેને આ શૈલીમાં મહત્ત્વનું સ્થાન હાંસલ કરવાની તક આપશે. 'ખેલ ખેલ મેં'માં અક્ષયકુમાર અને અન્ય અનુભવી પરફોર્મરો વચ્ચે તાપસીએ પોતાનો પ્રભાવ જાળવી  રાખીને સાબિત કર્યું કે તેનામાં ડ્રામાની જેમ કોમેડીમાં પણ નિખરવાની આવડત છે.

અનુભવ સિંહા સાથે વધુ એક પ્રોજેક્ટનો સંકેત

તાપસી કોમેડી પ્રોજેક્ટની તૈયારી કરી રહી છે ત્યારે પણ એના ચાહકો દિગ્દર્શક અનુભવ સિંહા સાથે ફરી સહયોગ કરવાના તેના સંકેતથી ઉત્સુક થયા છે. તાપસીએ આલોચકોએ ખૂબ વખાણેલી ફિલ્મ 'થપ્પડ'ની પાંચમી વર્ષગાંઠના દિવસે ફિલ્મ સર્જક સાથેની એક તસવીર પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું હતું કે કેટલાક સંબંધો મીટિંગોમાં સમાપ્ત નથી થતા, પણ નવી વાર્તાઓ સર્જે છે, સરજી,  હવે શું?

તાપસીની આ સંક્ષિપ્ત પણ આશાવાદી પોસ્ટથી ચાહકો ઉત્સાહમાં છે. અનુભવ સિંહા સાથે તેના અગાઉના સહયોગ 'મુલ્ક' અને 'થપ્પડ' બંને તેના બેબાક કથાનક, જોરદાર પરફોર્મન્સ અને સામાજિક પ્રાસંગિકતા માટે પ્રશંસા પામ્યા હતા. ખાસ કરીને 'થપ્પડ' તેના શક્તિશાળી ઘરેલુ હિંસાના સંદેશ માટે વખણાઈ હતી અને આલોચકો તેમજ દર્શકો બંનેએ તેને આવકારી હતી. ઉપરાંત કોવિડ લોકડાઉન શરૂ થવા અગાઉની તે છેલ્લી મહત્ત્વની રજૂઆત હતી. તેણે ૩૩ કરોડનો વેપાર કર્યો હતો. તાપસી-અનુભવ સિંહાના અગાઉના પ્રોજેક્ટોની સફળતાને જોતા તેમના નવા પ્રોજેક્ટથી ચાહકોમાં ગણગણાટ અને ઉત્સાહ વ્યાપે તેમાં કોઈ આશ્ચર્ય નથી. તેમની ભાગીદારીમાં સતત વિચારપ્રેરક અને અર્થપૂર્ણ સિનેમા સર્જાશે એવી ભાવનાનો પડઘો પડે છે.

રૂપેરી પડદાની પાછળ

તાપસીની અપીલ માત્ર તેની અભિનય પસંદગી સુધી સીમિત નથી. સ્ક્રીનની બહાર પણ તે ચાહકો સાથે મજબૂત સંબંધ ધરાવે છે અને સોશિયલ મીડિયા પર પ્રમાણિક અને વાસ્તવિક વ્યક્તિત્વ જાળવી રાખે છે. પછી તે પારિવારીક સમય, નિખાલસ પ્રવાસ તસવીરો અથવા શૂટીંગમાં પડદા પાછળની પળોની ઝાંખી હોય, તાપસી તેના દર્શકો સાથે વાસ્તવિક અને સુસંગત રીતે જોડાયેલી રહે છે. તાપસી હાલ 'ગાંધારી' માટે પ્રમોશનમાં વ્યસ્ત થવા અગાઉ તેના વિદેશી પતિ અને પરિવાર સાથે આનંદની પળો માણી રહી હતી. તેની તાજેતરની સોશિયલ મીડિયા ગતિવિધિ પણ આગામી પ્રોજેક્ટો માટે સ્ક્રીપ્ટ વાંચન અને પ્રોડક્શન પૂર્વેની મીટિંગોનો સંકેત આપે છે અને આગામી વર્ષ વ્યસ્ત અને આશાવાદી હોવાની ધારણા બનાવે છે.

વૈવિધ્યતાની પુનર્વ્યાખ્યા કરતી સ્ટાર

'પિન્ક'થી 'બદલા', 'ડન્કી'થી 'ફિર આયી હસીન દિલરુબા' અને હવે 'ગાંધારી' સુધી તાપસીએ સતત શૈલીની અપેક્ષાને પડકારી છે. તેણે એક અભિનેત્રી તરીકે પોતાની નિશ્ચિત જગ્યા બનાવી છે જેમાં તેણે કમર્શિયલ અપીલ સાથે આલોચાત્મક ઊંડાણનો સુમેળ કર્યો છે. હવે જ્યારે તે કોમેડીમાં પગરણ માંડી રહી છે ત્યારે તેના ચાહકો તેની ધરખમ પ્રતિભાના નવા સ્તર જોવા ઉત્સુક છે.

'ગાંધારી' રજૂ થવાની તૈયારી અને બે નવા રોમાંચક પ્રોજેક્ટોના નિર્માણ, જેમાંથી એક કોમેડી અને એક સંભવિતપણે અનુભવ સિંહા સાથે સામાજિક ડ્રામા  હશે. 

તાપસી પન્નુની ૨૦૨૫ની સફર ગતિશીલ રહેવાની છે. રોલ અને શૈલી સાથે તાપસીના બેબાક પ્રયોગ તેને આજના ભારતીય સિનેમામાં સૌથી આકર્ષક અને બહુમુખી અભિનેત્રી સાબિત કરે છે. 

Tags :