FOLLOW US

અભિષેક નિગમ શોમાં શીઝાન ખાનનું સ્થાન લેતાં ખચકાયો હતો

Updated: Mar 16th, 2023


- 'મેં તુનિશા સાથે 'હીરો-ગાયબ મોડ ઓન' અને એક મ્યુઝિક વિડિયોમાં કામ કર્યું હતું. એણે જો જીવનનો અંત ન આણ્યો હોત તો આ ક્ષેત્રમાં ઘણી આગળ વધી શકી હોત.'

એ વાત  હવે સૌ જાણે છે કે ધારાવાહિક 'અલી બાબાઃ દાસ્તાન-એ-કાબૂલ'ની મુખ્ય અભિનેત્રી તુનિશા શર્માએ ૨૪મી ડિસેમ્બર ૨૦૨૨ના દિવસે આત્મહત્યા કરી લીધી અને તેને આત્મહત્યા કરવા ઉશ્કેરવાના અપરાધમાં આ શોના મુખ્ય અભિનેતા તેમ જ તુનિશાનો પ્રેમી શીઝાન ખાન પર કાનૂની કારવાઈ કરવામાં આવી.  

પરંતુ 'શો મસ્ટ ગો ઓન'ના નાતે શીઝાન ખાનનું સ્થાન હવે અભિષેક નિગમે લઇ લીધું છે.  શોનું નામ પણ બદલીને 'અલી બાબાઃ એક અંદાઝ અનદેખા' કરી દેવામાં આવ્યું છે. 

અલબત્ત, ટચૂકડા પડદાની સીરિયલોમાં રિપ્લેસમેન્ટ કાંઇ નવી વાત નથી, પરંતુ અભિષેકે જે  સંજોગોમાં શીઝાનનું સ્થાન લીધું તે કામ અઘરું ગણી શકાય. અભિષેક સ્વયં આ વાત કબૂલતાં કહે છે, 'મારા માટે આ રોલ સ્વીકારવો સહેલો નહોતો. પ્રારંભિક તબક્કે હું  બહુ ખચકાયો હતો. આ ભૂમિકા ભજવવી કે નહીં એ બાબતે મેં ઘણાં લોકોને પૂછ્યું. બધાએ મને એક જ વાત કહી કે તારે આ રોલ કરવો જોઇએ. જે થયું તેમાં મારો ક્યાંય વાંક નથી. વળી, આ શો બનાવવા પાછળ કંઇકેટલાય લોકોની મહેનત છે. તો તેને એળે શી રીતે જવા દેવાય? મને આ વાતમાં તથ્ય લાગ્યું અને મેં તેમાં મુખ્ય ભૂમિકા ભજવવાનું નક્કી કર્યું.'

જોકે અભિષેકના પક્ષે સારી વાત એ હતી કે સેટ પર બધા તેને સહકાર આપી રહ્યા છે. તે કહે છે, 'મેં આ શોનું શૂટિંગ શરૂ કર્યું ત્યારે ઘણી વખત ગભરાઇ જતો, પરંતુ સીરિયલ સર્જકથી લઇને મારા સઘળા સહકલાકારો મારી પડખે ઊભા રહેતા. તેમણે ક્યારેય મારી સાથે નવોદિતની જેવું વર્તન નહોતું કર્યું. વળી, હું પણ મારી જવાબદારી સમજતો હતો. આમ છતાં હું દિલનું દર્દ સંતાડી નહોતો શકતો.'

અભિષેક ઉપરાંત ઘણા લોકો પોતાનું દર્દ સંતાડી નહોતા શક્યા. અભિનેતા કહે છે, 'તુનિશાને ભૂલવી સહેલી નથી. બધાને તેની બહુ યાદ આવતી હતી. આમ છતાં દર્દને દિલના ખૂણે ધરબી દઇને શો આગળ વધાર્યા વિના છૂટકો નહોતો. એ વાત બધા સારી રીતે સમજતા હતા તેથી સેટ પર વાતાવરણ પોઝિટિવ થવા માંડયું હતું. બધા એમ પણ વિચારતાં હતાં કે આ શો સાથે ઘણાં લોકોની રોજીરોટી સંકળાયેલી છે.'

રીપ્લેસમેન્ટમાં અગાઉના કલાકાર સાથે તુલના થવી સહજ અને અનિવાર્ય હોય છે એ વાત અભિષેક સારી રીતે જાણતો-સમજતો હતો. તે કહે છે, 'આ વસ્તુને ટાળી શકાય તેમ નહોતી, પરંતુ મારા મતે જો તમે તમારું કામ પૂરી લગનથી કરો તો દર્શકો થોડા સમયમાં તમને સ્વીકારી લે છે. વળી, આ શોમાં કહાણીની મૂળ ભાવનાઓને અકબંધ રાખીને મારા પાત્રને તદ્દન નવેસરથી રજૂ કરવામાં આવી રહ્યું  છે તેથી પ્રમાણમાં તુલના ઓછી થઇ રહી છે.' 

મહત્ત્વની વાત એ છે કે અભિષેકે અગાઉ તુનિશા અને શીઝાન સાથે જુદા જુદા શોઝમાં કામ કર્યું છે. તેથી તે આ બંને કલાકારોને પહેલેથી ઓળખતો હતો. તે કહે છે, 'મેં તુનિશા સાથે 'હીરો-ગાયબ મોડ ઓન' અને એક મ્યુઝિક વિડિયોમાં કામ કર્યું હતું. તે બહુ રમૂજી,મહેનતુ, હસમુખી અને તેજસ્વી અદાકારા હતી. જો તે જીવતી હોત તો ઘણી આગળ વધી શકત. તેના અકાળ મોતના સમાચાર આવ્યા ત્યારે હું ઘણા દિવસ સુધી માની જ નહોતો શક્યો, પણ છેવટે હકીકત સ્વીકાર્યે જ છૂટકો. તેની સાથેની મારી સઘળી સ્મૃતિઓ મનને આનંદિત કરનારી છે. શીઝાન સાથે મેં બહુ વખત પહેલા કામ કર્યું છે. તે પણ બહુ મહેનતુ અને પોતાના કામ પ્રત્યે સમર્પિત કલાકાર છે.' 

Gujarat
News
News
News
Magazines