Get The App

અભિષેક બેનરજીએ ઓમ પુરીને શ્રદ્ધાંજલિ આપવા એક કેમિયો કર્યો

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
અભિષેક બેનરજીએ ઓમ પુરીને શ્રદ્ધાંજલિ આપવા એક કેમિયો કર્યો 1 - image

- 'હું બાળપણથી ભારતના સૌથી મોટા એક્ટિંગ લેજન્ડ પૈકીના એક ઓમ પુરી સાહેબનો પ્રશંસક રહ્યો છું. તેઓ ખરા અર્થમાં એક પાયનિયર હતા. એમણે ફિલ્મોના હીરોની પરિભાષા જ બદલી નાખી હતી.' 

નિખીલ અડવાનીની વેબ સીરીઝ 'ફ્રીડમ એટ મિડનાઈટ'ની બીજી સિઝન ઓટીટી પર સ્ટ્રીમ થઈ રહી છે. ભારત-પાકિસ્તાનના ભાગલા વખતનો ઈતિહાસ તાજો કરતી સીરિઝમાં અભિષેક બેનરજીનો એક નોંધપાત્ર રોલ છે. 

અભિષેક સીરિઝમાંના પોતાના કેમિયોને સદ્ગત એક્ટર ઓમ પુરીને પોતાની હાર્દિક શ્રદ્ધાંજલિ ગણાવે છે. 'હું બાળપણથી ભારતના સૌથી મોટા એક્ટિંગ લેજન્ડ પૈકીના એક ઓમ પુરી સાહેબનો પ્રશંસક રહ્યો છું. તેઓ ખરા અર્થમાં એક પાયનિયર (પથદર્શક) હતા અને એમણે ફિલ્મોના હીરોની પરિભાષા જ બદલી નાખી હતી. આપણે એમની ફિલ્મોગ્રાફી જોઈએ તો તરત એક વાત ઊડીને આંખે વળગે કે એમણે પોતાના રોલની સાઇઝના આધારે કદી ફિલ્મો સાઈન નહોતી કરી,' એમ અભિષેક પોતાની પ્રેરણામૂર્તિને અંજલિ આપતા કહે છે.

ભાગલા વખતની રાજકીય અને સામાજિક ઉથલપાથલનું નિરૂપણ કરતી સીરિઝમાં અભિષેક કોમી રમખાણોમાં પોતાની ગર્ભવતી પત્નીને ગુમાવ્યા બાદ એનો બદલો લેવા બહાર પડેલા એક હિંસ્સાખોર પુરુષના કિરદારમાં છે. એ વ્યક્તિ પછીથી પશ્ચાતાપરૂપે મહાત્મા ગાંધીની શરણે આવે છે. રિચાર્ડ એટનબરોની ૧૯૮૨માં રિલીઝ થયેલી આઇકનિક મૂવી 'ગાંધી'માં આ પાત્ર ઓમ પુરીએ ભજવ્યું હતું.

'પ્રોડયુસર-ડિરેક્ટર નિખિલ અડવાણીએ મને આ કેમિયો ઓફર કર્યો ત્યારે મેં નક્કી કર્યું કે હું એમના વિશ્વાસ પર ખતરો ઉતરું. મને આ પાત્ર ભજવવાની તક મળી એ મારા માટે બહુમાનની વાત છે. મારી એ ભૂમિકા પુરીસાહેબે ગાંધીમાં ભજવેલા રોલને અંજલિ છે,' એમ બેનરજી ઈમોશનલ થઈને કહે છે.

ઓમ પુરી સાથે પોતાની સરખામણી કદી ન થઈ શકે એવું ભારપૂર્વક જણાવતા અભિષેક ઉમેરે છે, 'તેઓ સાચા અર્થમાં એક આઇકન છે. આ કેમિયો રોલ કરીને પણ એમણે કંડારેલા રસ્તે ચાલવું મારે મન એક ઓનર જ છે. 

હું એક વાત હંમેશા યાદ રાખવા ઇચ્છું છું કે રોલ્સનું મહત્ત્વ કાયમ એના કદ પરથી ન અંકાય. એટલા માટે કે એક્ટરે ભજવેલું નાનામાં નાનુ પાત્ર પણ ક્યારેક જબરદસ્ત પ્રભાવ છોડી જતું હોય છે.'