- 'પરિસ્થિતિ અને સંજોગો પોતાની ઈચ્છા મુજબ આકાર ન લઈ રહ્યા હોય ત્યારે એક્ટર્સ માટે સ્વ-મૂલ્યાંકન કરવું અગત્યનું બની જાય છે.'
પોતાના લિજેન્ડરી 'પા' (પિતા) અમિતાભ બચ્ચન પાસેથી અભિષેક એક વાત જરૂર શીખ્યો છે: પાછું વળીને જોવાનું નહીં! એક્ટર તરીકે બોલિવુડમાં હમણાં ૨૫ વરસ પૂરા કરનાર અભિષેક બચ્ચન પર ચોતરફથી અભિનંદન વર્ષા થઈ રહી છે. આવા સમયે કોઈને પણ પોતાની લાંબી યાત્રાનાં લેખાજોખા લેવાનું મન થાય.
અભિષેક જુદી માટીનો માનવી છે. એ કહે છે, 'ઈન્ડસ્ટ્રીમાંને ૨૫ વરસ થઈ ગયાં એ મને હજુ માન્યામાં નથી આવતું. સામાન્યપણે મને પાછું વળીને ભૂતકાળમાં ડોકિયું કરવાનું પસંદ નથી. મારી નજર હમેશાં હવે પછી શું કરવાનું છે એના પર રહે છે. છતાં મનમાં કૃતજ્ઞાતાનો ભાવ જરૂર આવે છે. મને અઢી દાયકા સુધી સહન કરનાર દર્શકો અને મારામાં ભરોસો કરનારા ફિલ્મમેકર્સનો આભારી છું.'
'બંટી ઔર બબલી' અને 'સરકાર'ના આ હીરોએ બાવીસ વરસની કાચી ઉંમરે જે.પી. દત્તાની ફિલ્મ 'રિફ્યુજી'થી ડેબ્યુ કર્યું હતું. છતાં આજ સુધી એને સુપર સક્સેસ નથી મળી. એનો લીડ રોલ ધરાવતી ફિલ્મો બોક્સ ઓફિસને ખાસ રીઝવી નથી શકી. વચ્ચે એણે કરીઅરમાં લાંબો બ્રેક લીધો. એ યાદ કરતા એબી જુનિયર કહે છે, 'મારી આસપાસની દરેક વ્યક્તિએ મને બ્રેક ન લેવાની વણમાગી સલાહ આપી હતી. પરંતુ એ મારું બેસ્ટ ડિસીઝન પુરવાર થયું. પરિસ્થિતિ અને સંજોગો પોતાની ઈચ્છા મુજબ આકાર ન લઈ રહ્યા હોય ત્યારે એક્ટર્સ માટે સ્વ-મૂલ્યાંકન કરવું અગત્યનું બની જાય છે. એ દ્રષ્ટિએ મારો નિર્ણય મહત્ત્વનો હતો.'
અભિષેકની વાત સાચી છે, કારણ કે ૨૦૧૮માં 'મનમર્ઝિયા' થી કમબેક કર્યા બાદ એના કરીઅરને નવી દિશા મળી. ત્યાર બાદ 'આઈ વાન્ટ ટુ ટોક', 'બી હેપ્પી' અને 'કાલીધર' 'લાપત્તા' જેવી પોતાના વ્યક્તિત્વ સાથે બંધબેસતી ફિલ્મો કરતો થયો. 'હું આજે ખરા અર્થમાં મારા કરીઅરના આ તબક્કાને એન્જોય કરી રહ્યો છું. મને વિવિધતાસભર રોલ્સ ઓફર થઈ રહ્યા છે. મને આનંદ એ વાતનો છે કે હું વરાઈટીભર્યા રોલ્સ કરી શકું છું એવો મારા ડિરેક્ટર્સને વિશ્વાસ છે. એટલે હું મૂંડી નીચે કરી મારા કામ પર ફોકસ કરી રહ્યો છું. બાકી, એક વાત કરી દઉં કે કોઈ પણ એક્ટર માટે આટલો લાંબો વખત કામ કરતા રહેવું એ ધન્યતાની બાબત છે. આ ઈન્ડસ્ટ્રીમાં ટકી રહેવું સહેલું નથી. આ હું મારા જાત અનુભવ પરથી કહું છું,' અભિષેક સમાપન કરે છે.


