Get The App

આદર જૈન : પ્લીઝ, મને નેપો બેબી ન કહો!

Updated: Aug 28th, 2025

GS TEAM

Google News
Google News
આદર જૈન : પ્લીઝ, મને નેપો બેબી ન કહો! 1 - image

- 'હું ઘણી વાર રિજેક્ટ થયો છું. આ લાગણીમાંથી પસાર થવું બહુ આકરું છે. મને એક્ટિંગ ગમે છે, પણ ગમતું કામ કરવા ન મળે ત્યારે દુખ થાય છે. ઈટ હેઝ બીન અ ટફ જર્ની...'

શોમેન રાજ કપૂરની નાની પુત્રી રીમા કપૂર-જૈનના બંને પુત્રો - મોટો અરમાન અને નાનો આદર વાજતેગાજતે ફિલ્મોમાં આવ્યા, પણ બંનેમાંથી એકેયનો ગજ વાગ્યો નહીં.  દર્શકોએ બંનેમાંથી એકેયની નોંધ પણ ન લીધી. એટલે પછી અરમાન અને આદર જૈને પરણી જઈ ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કર્યો. અહીં નોંધવું જોઈએ કે રાજ કપૂરના દોહિત્રો અરમાન અને આદર જૈનની ડેબ્યુ ફિલ્મોમાં પ્રીમિયરમાં રણબીર, કરિશ્મા, કરીના, રણધીર અને નીતૂ કપૂર સહિત આખું કપૂર ખાનદાન ઉમટયું હતું. બધાએ મળીને મીડિયાને સારું એવું ગ્લેમર પુરું પાડયું હતું. પરંતુ આવી શોબાજીથી હિન્દી સિનેમામાં સફળતા મળતી નથી એ ફરી એકવાર પુરવાર થયું.

નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યા પછી હવે ૩૧ વરસના આદર જૈને રહીરહીને 'નેપો બેબી'નું લેબલ ફગાવી એવો દાવો કર્યો છે કે મને નેપોટિઝમ (સગાવાદ)થી ટકાભારનો લાભ નથી થયો. ઇન્ડસ્ટ્રીમાં મારો માર્ગ કોઈ કરતા કોઈ રીતે સરળ નથી રહ્યો.

ફિલ્મી વર્તુળોમાં નેપોટિઝમની ચર્ચા ચાલ્યા કરે છે ત્યારે આદરે એક પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે હું નેપોટિઝમની બાય-પ્રોડક્ટ (આડ પેદાશ) નથી. મને આજે ખુલાસો કરવા દો કે  મારી 

આજ સુધીમાં બે જ ફિલ્મો રિલિઝ થઈ છે. ત્યાર પછીના ગેપ ઘણો લાંબો છે. દરેક વ્યક્તિની પોતાની એક જર્ની હોય છે. મારી ફિલ્મો વચ્ચેના ગેપ્સ મેં પસંદ નથી કર્યા. એ મારી મરજી મુજબના નથી. મારા માટે ફિલ્મો મેળવવી બહુ મુશ્કેલ રહી છે. તમે ફિલ્મી પરિવારમાંથી આવતા હો એનો અર્થ એવો નથી થતો કે તમને અહીં સહેલાઈથી કામ મળી જાય. આ  હકીકત છે. લોકો નેપોટિઝનની વાતો કરે છે, પણ એનો મને કોઈ લાભ નથી મળ્યો. હા, હું રાજ કપૂરનો દોહિત્ર છું. કરીના, કરિશ્મા અને રણબીરનો કઝિન છું, પરંતુ એના જોરે મને વરસમાં ૫૦ ફિલ્મો નથી મળી જતી.'

રાજ કપૂરને પોતાના આદર્શ અને પ્રેરણાસ્રોત માનતો જુનિયર જૈન પોતાના કરિયરગ્રાફ પર નજર કરતા વધુમાં કહે છે, 'મારી પહેલી ફિલ્મ 'કૈદી બંદ' (૨૦૧૭)ને ફિલ્મ સમીક્ષકોએ વખાણી, પણ એ બોક્સ ઓફિસ પર ન ચાલી. જ્યારે મારી બીજી મૂવી 'હેલ્લો ચાર્લી' (૨૦૨૧) કોરોનાકાળ દરમિયાન ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ. હવે હું મારા વેબ શો 'ડાઈનિંગ વિથ કપૂર્સ'ની વાટ જોઈ રહ્યો છું. આશા રાખુ છું કે વધુને વધુ લોકો મારુંકામ જોશે એટલે મારા નસીબ આગળનું પાંદડું ખસશે. એટલા માટે કે કામ જ તમને વધુ કામ અપાવે છે.'

લગભગ એક દાયકાથી પોતાનું સ્થાન બનાવવા સ્ટ્રગલ કરી રહેલો એક્ટર આજે પણ રોલ્સ માટે ઓડિશન્સ આપે છે. બીજા સ્ટ્રગલર્સની જેમ એના ભાગે પણ રિજેકશન્સ આવ્યાં છે. એ કહે છે, 'હું ઘણી વાર રિજેક્ટ થયો છું. એમાંથી પસાર થવું બહુ આકરું છે. મને એક્ટિંગ ગમે છે પણ તમને ગમતું કામ કરવા ન મળે ત્યારે દુખ થાય. ઈટ હેઝ બીન અ ટફ જર્ની - મારી યાત્રા જરાય સરળ રહી નથી...' એમ કહી આદર એક લાંબો નિસાસો નાખે છે.