બોલીવુડમાં વહી રહ્યો છે રાષ્ટ્રભક્તિનો પ્રવાહ
- ફ્રીડમ એટ મિડનાઇટ, રિવોલ્યુશનરીઝ, ધ વેકિંગ ઓફ નેશન, કેસરી ચેપ્ટર ૨, ગાંધી
- નવી પેઢીના વિચારક અને રાષ્ટ્રપ્રેમી દિગ્દર્શકો કહે છે, ભારતના ઇતિહાસની અને બ્રિટીશ શાસનની ઘટનાઓને તેના સાવ સાચુકલા અર્થમાં અને સ્વરૂપમાં જાણવા-સમજવાનો આપણાં નાગરિકોને હક્ક છે
સમયના બદલાતા જતા પ્રવાહ સાથે હિન્દી ફિલ્મ જગતના પ્રવાહ પણ બદલાઇ રહ્યા છે. સામાન્ય રીતે તો ફિલ્મ એટલે ભરપૂર મનોરંજન. હીરો-હીરોઇનનું ઇલુ ઇલુ, હરિયાળા પ્રાકૃતિક સૌંદર્ય સાથે પ્રેમનાં ગીતો, હીરો અને વિલન વચ્ચેનો ખટરાગ અને છેલ્લે હીરોની હીરોગીરી અને હીરો-હીરોઇનનું મિલન. દર્શકો રાજીનાં રેડ. બહુ બહુ તો હીરો -હીરોઇન વચ્ચે કોઇક બાબતમાં ઘેરી ગેરસમજ થાય અને શરૂ થાય વિરહનાં આંસુ સાથે ગમગીન ગીતો.
જોકે હમણાં હમણાં આ જ બોલીવુડમાં નવી પેઢીના સુશિક્ષિત, સમજદાર,ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસ પ્રત્યે ભારોભાર પ્રેમ અને ગૌરવ ધરાવતા નિર્માતા અને દિગ્દર્શકોનું આગમન થયું છે. નવી પેઢીના આ નિર્માતા અને દિગ્દર્શકો ભારતની આજની નવી, ભણેલી, તર્કબદ્ધ બાબતોનો આગ્રહ રાખતી પેઢી સાથે આખા દેશને સાચો, રાષ્ટ્રભક્તિથી ભરપૂર,ગૌરવશાળી, શૌર્યવાન ઇતિહાસથી વાકેફ કરવાના ઉમદા હેતુથી મજેદાર ફિલ્મોનું સર્જન કરી રહ્યા છે.
રોકેટ બોયઝ, ફ્રીડમ એટ મિડનાઇટ, રિવોલ્યુશનરીઝ, ધ વેકિંગ ઓફ એ નેશન, કેસરી ચેપ્ટર૨,ગાંધી વગેરે ફિલ્મોની કથામાં ભારતના સાવ સાચુકલા ઇતિહાસનાં અને જેમના અમર, પ્રખર, શૌર્યવંતા યોગદાનની હજી સુધી કાં તો નોંધ નથી લેવાઇ અથવા તેમને ભારોભાર અન્યાય થયો છે એવા ભારતીય સપુતને યાદ કરવામાં આવ્યા છે.
ફ્રીડમ એટ મિડનાઇટ (વેબ સિરિઝ)માં બ્રિટીશ શાસનમાંથી ભારતને મળેલી આઝાદીની ઘટનાઓ સહિત મહાત્મા ગાંધી,જવાહર લાલ નેહરુ, સરદાર વલ્લભભાઇ પટેલના યોગદાનની કથા છે. સાથોસાથ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ખરેખર કેવા કેવા પ્રસંગો બન્યા, તે પ્રસંગો માટે કયાં કયાં કારણો અને પરિબળો હતાં વગેરે મહત્વની બાબતો દેશનાં નાગરિકો સમક્ષ સચોટ સંશોધન, અભ્યાસ, રોકડા પુરાવા સાથે રજૂ કરવામાં કરવામાં આવ્યા છે.
ફ્રીડમ એટ મિડનાઇટ સિરિઝના દિગ્દર્શક નિખિલ અડવાણી આમ તો બોલીવુડના જાણીતા દિગ્દર્શક છે. નિખિલ કહે છે, મને ઇતિહાસ બહુ ગમે છે. હું આગ્રહપૂર્વક ઇચ્છું છું કે ભારતનાં નાગરિકો આપણા ગૌરવશાળી ઇતિહાસની સાચુકલી વાતોથી વાકેફ થાય. આપણો સહુનો હક્ક છે. હકીકત તો એ છે કે આપણે આપણા દેશના કે પછી અન્ય કોઇ દેશના ઇતિહાસને ક્યારેય ભૂંસી ન શકીએ. ઇતિહાસ સાથે રમત પણ ન કરી શકીએ.
કલ હો ના હો, ચાંદની ચોક, બટલા હાઉસ,સલામ -એ -ઇશ્ક, ડી ડે, વેદા વગેરે જેવી સફળ ફિલ્મોના દિગ્દર્શક નિખિલ અડવાણી બહુ સ્પષ્ટ રીતે કહે છે, ફ્રીડમ એટ મિડનાઇટ અને રિવોલ્યુશનરીઝ જેવી સિરિઝ બનાવવા માટે ભરપૂર સંશોધન અને અભ્યાસ જરૂરી છે. સાથોસાથ જે કોઇ મહાન સ્વાતંત્ર્ય સેનાના યોગદાનની કથા હોય તેના સામાજિક અને પારિવારીક જીવનની કડીઓ, તેના જીવનના આરોહ-અવરોહ, સંઘર્ષ,રાષ્ટ્રપ્રેમ, આઝાદીના સંગ્રામમાં યાદગાર યોગદાન, ચિંતન--મનન, તેમનો પોશાક, વાતચીત કરવાની શૈલી, શૈક્ષણિક અભ્યાસથી લઇને ઘણી સુક્ષ્મ બાબતોનો ખ્યાલ રાખવો જરૂરી છે. ઉપરાંત, ફિલ્મનું બજેટ અને આધુનિક ટેકનોલોજી પણ ખરાં.
નિખિલ અડવાણી બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, મારી ફ્રીડમ એટ મિડનાઇટ અને રિવોલ્યુશનરીઝ , બંને સિરિઝનાં કથાનક સાવ જ જુદાં છે. એટલે કે ફ્રીડમ એટ મિડનાઇટ સિરિઝમાં સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટનાઓ સાથોસાથ ગાંધીજી, જવાહર લાલ નેહરુ,સરદાર વલ્લભભાસ પટેલના યોગદાનની, અમુક મહત્વના નિર્ણયોમાં કયાં અને કેવા વળાંક આવ્યા તેની કથા છે. જ્યારે રિવોલ્યુશનરીઝ સિરિઝમાં ભારત માતાના મહાન અને વીર સપૂત કરતાર સિંહ સરભ, રાસબિહારી બોઝ, ભગત સિંહ, મંગલ પાંડે, ઉધમ સિંહ, ઝાંસીની રાણી વગેરેની કથા છે. મહત્વનો મુદ્દો એ છે કે આ બધાં પાત્રો યુવાન, થનગનતા, શૂરવીર, રાષ્ટ્રપ્રેમી છે.
આ બધાં નરબંકાઓએ બ્રિટીશ રાજ સામે લાલ આંખ કરી હતી. પડકાર ફેંક્યો હતો. પોતાનાં પરાક્રમોથી અને સમગ્ર ભારતમાં જગાવેલા લોક જુવાળથી અંગ્રેજ શાસનને ખળભળાટ મચાવી દીધો હતો. હું ભારપૂર્વક ઇચ્છું છું કે આપણી આજની નવી, ઉગતી, સમજદાર પેઢી આપણા આ નરવીરોના અમર યોગદાન વિશે જાણે અને સમજે પણ ખરી.
ધ વેકિંગ ઓફ નેશન વેબ સિરિઝ અને કેસરી ચેપ્ટર -૨ ફિલ્મ જલિયાંવાલા બાગની રક્તરંજિત કરુણાંતિકા પર છે. જલિયાંવાલા બાગમાં હજારો નિર્દાષ નાગરિકો પર ગોળીબાર કરીને તેમની હત્યા કરનારા જનરલ ડાયરને તે વખતની અંગ્રેજ સરકારે હીરો ગણીને આખા ભારતનું ઘોર અપમાન કર્યું હતું.
કેસરી ચેપ્ટર --૨ ફિલ્મ ભારતના આલા દરજ્જાના એડવોકેટ સી.શંકરન નાયરના -- ધ કેસ ધેટ શૂક ધ એમ્પાયર -- પુસ્તક પર આધારિત છે. એડવોકેટ સી.શંકર નાયરે તેમના કાયદાકીય જ્ઞાાન અને જબરી હિંમતથી આખા બ્રિટીશ શાસનને હચમચાવી દીધું હતું.
આજના ભારતની નવી પેઢીને આ બધી સાવ સાચુકલી ઘટનાઓ જાણવાનો પૂરો હક્ક છે.
બીજીબાજુ જાણીતા દિગ્દર્શક હંસલ મહેતાની નવી ગાંધી ફિલ્મમાં રાષ્ટ્રપિતાને નવા અવતારમાં રજૂ કરવાનો પ્રયાસ છે. ગાંધી ફિલ્મમાં મહાત્મા ગાંધીનું પાત્ર ભજવી રહેલા પ્રતીક ગાંધી કહે છે, મારા નમ્ર મત મુજબ આજના આધુનિક યુગમાં સમગ્ર વિશ્વને ગાંધીજીની બહુ બહુ જરૂર છે.ગાંધીજીનાં મૂલ્યો આજે સુસંગત છે. જોકે આ ફિલ્મમાં ગાંધીજીને એક મહાત્માને બદલે ફક્ત ગાંધી નામની એક વ્યક્તિ તરીકે ખરા અર્થમાં રજૂ કરવાનો પ્રયત્ન છે.