- 'ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા અને બહોળા ઓડિયન્સ સુધી પહોંચવા માટે કમર્શિયલ નિર્ણયો લેવા જરૂરી હતા. મારે સાબિત કરવું હતું કે હું માત્ર ગંભીર પાત્રો નિભાવતી અભિનેત્રી નથી, હું ગ્લેમરસ હિરોઈન પણ બની શકું છું...'
- 'હું ફિલ્મોની પસંદગી ફિલ્મની સમગ્ર વાર્તા મને કેટલી પ્રભાવિત કરે છે તેના આધારે કરવા માગું છું, ફિલ્મમાં મને કેવી રીતે પ્રદર્શિત કરવામાં આવશે તેના આધારે નહિ. મારા માટે આર્ટિસ્ટિક ઈમાનદારી વધુ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે.'
છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા જાગી છે કે જાહ્નવી કપૂરે કરણ જોહરની ધર્મા કોર્નરસ્ટોન એજન્સી (ડીસીએએ)થી અંતર બનાવી લીધું છે. ભલે આ સમાચારની આધિકારીક પુષ્ટી નથી થઈ, પણ તેના તાજેતરના એક ઈન્ટરવ્યુથી આ વાતનો સ્પષ્ટ સંકેત મળે છે કે તે પોતાની કારકિર્દીના એક નવા અને વધુ સ્વતંત્ર તબક્કામાં પ્રવેશી ચૂકી છે. એક મુલાકાતમા જાહ્નવીએ નિખાલસતાથી જણાવ્યું કે હવે તે પોતાના નિર્ણયો બાબતે અગાઉ કરતા વધુ સ્પષ્ટ અને આત્મનિર્ભર બની છે.
જાહ્નવીએ આ પરિવર્તનને પોતાની કારકિર્દીના નવા તબક્કા તરીકે ગણાવ્યું છે. તેણે જણાવ્યું કે હવે તે સમજી ચુકી છે કે તે કઈ દિશામાં આગળ વધવા માગે છે અને કેવા પ્રકારના પ્રોજેક્ટ્સ તેના વ્યક્તિત્વ અને પ્રતિભાને બહેતર રીતે દર્શાવી શકે. આ આત્મવિશ્વાસ તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કાની સખામણીએ એક મોટો ફેરફાર કહી શકાય.
પોતાના પ્રારંભિક અનુભવોને યાદ કરતા જાહ્નવીએ જણાવ્યું કે 'ધડક'થી ડેબ્યુ કરતી વખતે તેના માટે માત્ર એક ફિલ્મનો હિસ્સો બનવું એક મોટી ઘટના હતી. એ સમયે તેનું ધ્યાન શીખવા અને તકનો લાભ લેવા પર કેન્દ્રિત હતું. ત્યાર પછી 'ગુંજન સક્સેના: ધી કારગિલ ગર્લ' જેવી ફિલ્મમાં તેને એક મજબૂત સ્ક્રિપ્ટ અને ગંભીર પાત્ર નિભાવવાની તક મળી, જેણે તેના અભિનયને એક નવી ઓળખ આપી. આ અનુભવે તેને અહેસાસ કરાવ્યો કે યોગ્ય વાર્તા અને દિગ્દર્શક સાથે કામ કરવાનું કેટલું મહત્વપૂર્ણ હોય છે.
જોકે પોતાની અભિનયપ્રતિભા પ્રગટ કરવા તેણે કેટલાક એવા પ્રોજેક્ટ પણ પસંદ કર્યા જે જોખમી હતા. 'મિલી', 'ગુડ લક જેરી' અને 'ઉલજ' જેવી ફિલ્મોમાં મહિલા કેન્દ્રિત ભૂમિકાઓ નિભાવવી તેના માટે એક પડકાર હતો. આ ફિલ્મોમાં તેણે પોતાના અભિનય પર પૂરતુ ધ્યાન આપ્યું, પણ સાથે તેણે સ્વીકાર પણ કર્યો કે એ સમયે તેણે દર્શકોની પ્રતિક્રિયા અથવા બોક્સ ઓફિસના આંકડા પર ખાસ ધ્યાન નહોતું આપ્યું. આ એક એવો સમય હતો જ્યારે તે પોતાને એક ગંભીર અભિનેત્રીના રૂપમાં સ્થાપિત કરવાની કોશિશ કરી રહી હતી.
ત્યાર પછી જાહ્નવીએ વ્યાવસાયિક સિનેમા તરફ નજર દોડાવી. તેણે નિખાલસતાથી સ્વીકાર કર્યું કે ફિલ્મ ઉદ્યોગમાં ટકી રહેવા અને વ્યાપક દર્શકો સુધી પહોંચવા માટે કેટલાક કમર્શિયલ નિર્ણયો પણ લેવા જરૂરી હતા. જાહ્નવીએ કહ્યું કે તેણે સાબિત કરવું હતું કે તે માત્ર ગંભીર પાત્રો નિભાવતી અભિનેત્રી નથી, પણ એક ગ્લેમરસ હિરોઈન પણ બની શકે છે, જે નૃત્ય અને મનોરંજનનું આખુ પેકેજ રજૂ કરી શકતી હોય. આવો અભિગમ અપનાવીને તેણે પોતાના પ્રોજેક્ટ્સ પસંદ કરવાનું શરૂ કર્યું, જેથી તેની એક અલગ અને બહુઆયામી છબી ઉપસી શકે.
હવે જ્યારે તે પોતાની કારકિર્દીના બંને પાસાં - અભિનયક્ષમતા અને વ્યાવસાયિક અપીલને સાબિત કરી ચૂકી છે ત્યારે ફરી તેનું ધ્યાન રચનાત્મક સંતુલન તરફ વળ્યું છે. જાહ્નવીના જણાવ્યા મુજબ હવે તે ફિલ્મોની પસંદગી વાર્તા તેને કેટલી પ્રભાવિત કરે છે તેના આધારે કરવા માગે છે, પોતાની કેવી ઈમેજ તેમાં પ્રદર્શિત કરવામાં આવશે તેના આધારે નહિ. જાહ્નવી માટે આ કલાત્મક ઈમાનદારી વધુ મહત્ત્વપૂર્ણ બની ગઈ છે, અને તે પોતાના નિર્ણયોમાં વધુ સાહસિક બનવાનો પ્રયાસ કરી રહી છે.
જાહ્નવીએ એવું પણ જણાવ્યું કર્યું કે તે પોતાની કારકિર્દીના એવા વળાંક પર છે જ્યાં તે પ્રયોગ કરવાથી ડરતી નથી. કોઈ કમર્શિયલ ફિલ્મ હોય કે પછી કોઈ સંવેદનશીલ વિષય પર આધારિત પ્રોજેક્ટ હોય, તે પ્રત્યેક અનુભવને એક કલાકાર તરીકે પોતાના વિકાસની તક તરીકે જુએ છે. તેણે એક એવા પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો જેમાં તેનું પાત્ર મોટું તો નહોતું, છતાં તેણે એટલા માટે તેને પસંદ કર્યું, કારણ કે તે દિગ્દર્શક સાથે કામ કરવા ઈચ્છતી હતી અને ફિલ્મના સાર પર તેને વિશ્વાસ હતો.
જાહ્નવી કપૂરનો આ નવો તબક્કો તેના આત્મવિશ્વાસ, સમજદારી અને પરિપકવતાને દર્શાવે છે. હવે તે માત્ર તકની રાહ જોનારી અભિનેત્રી નથી રહી, પણ પોતાની કારકિર્દીની દિશા પોતે જ નક્કી કરનારી કલાકાર બની ચુકી છે. તેના આગામી નિર્ણયો અને ફિલ્મો એ નક્કી કરશે કે તેનાં નવાં પગલાં તેને કેટલી ઊંચાઈ સુધી લઈ જાય છે.


