Get The App

બોલિવુડમાં સ્પેનિશ લોકસંગીતનો અનેરો પ્રયોગ

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
બોલિવુડમાં સ્પેનિશ લોકસંગીતનો અનેરો પ્રયોગ 1 - image

- સિને મેજિક- અજિત પોપટ

- જિંદગી ના મિલે દોબારાના ગીતો રાગરાગિણી આધારિત નહીં, પણ મોજીલા યુવા હૈયાના તરવરાટને રજૂ કરે એ રીતે સંગીત તૈયાર કરાયું છે. એક ગીતમાં સ્પેનના લોકસંગીતને મૂળ સ્વરૂપે અહીં રજૂ કરાયું છે એ આ ફિલ્મના આલ્બમનું સૌથી સબળ આકર્ષણ છે

નહીં ઐસો જનમ બારંબાર, ક્યા જાને કિછુ પુણ્ય પ્રગટે માનુષા અવતાર... મેવાડની રાજરાણી-સંત મીરાંબાઇએ એક ભજનમાં લખ્યું છે. આપણા મોટા ભાગના સંતો-સિદ્ધો કહે છે કે બસ, આ એકવાર માનવ જન્મ મળી ગયો, ફરી વાર માણસ તરીકે જનમવા મળશે એની કોઇ ગેરંટી નહીં. ફિલ્મી બાનીમાં કહીએ તો 'જિંદગી ના મિલે દોબારા' આ ટાઇટલના આધારે ભરમાઇ જવા જેવું નથી. આ ફિલ્મમાં ફિલસૂફી કે અધ્યાત્મની વાત નથી. અહીં તો ત્રણ મોજીલા યુવાનો ત્રણ અઠવાડિયાંની રોડ ટુર પર નીકળે છે અને કેટલાંક સાહસો અજમાવે છે એની વાત છે. ખાસ તો સિનેમેટોગ્રાફીની દ્રષ્ટિએ અદ્ભુત્ દશ્યો ધરાવતી આ ફિલ્મનો મોટો હિસ્સો સ્પેનમાં શૂટ થયો છે એટલે આંખને ઠારે એવી છબીકલા છે અને ખાસ તો સંગીતમાં કરાયેલા કેટલાક સરસ પ્રયોગ છે.

ઝોયા અખ્તર, ફરહાન અખ્તર અને એમના ગીતકાર પિતા જાવેદ અખ્તર આ ફિલ્મના સર્જન સાથે સક્રિય રીતે સંકળાયેલા છે. અહીં સિંગલ હીરોની વાત નથી. છેલ્લાં થોડાં વરસથી બબ્બે ત્રણ-ત્રણ હીરો પર આધારિત કથા ધરાવતી ફિલ્મો બનતી આવી છે. અહીં સ્નાયુબદ્ધ વ્યક્તિત્વ ધરાવતો હૃતિક રોશન, ફરહાન અખ્તર અને અભય દેઓલ કથાના કેન્દ્રમાં છે. કેટરિના કૈફ અને કલ્કી કોચલીન બે મુખ્ય હિરોઇન છે. ગીતોની રચનામાં સાહસપ્રિય યુવાનોની મનોદશાને ધ્યાનમાં રાખવામાં  આવી છે. ફિલ્મ હિન્દી ભાષામાં હોવા છતાં અને પૂર્ણપણે ભારતીય છતાં એક વિશિષ્ટ પ્રયોગ કરાયો છે. સ્પેનના લોકસંગીતને મૂળ સ્વરૂપે અહીં રજૂ કરાયું છે એ આ ફિલ્મનું સૌથી સબળ આકર્ષણ છે. એ જ રીતે અહીં ઔર એક મુદ્દો ધ્યાનમાં લેવા જેવો છે કે રાગરાગિણી આધારિત નહીં પણ સાહસપ્રેમી યુવા હૈયાના તરવરાટને રજૂ કરે એ રીતે સંગીત તૈયાર કરાયું છે. શંકર-એહસાન-લોયને આ પ્રયોગમાં સંપૂર્ણ સફળતા મળી છે. વધુ એક વિશેષતા એ છે કે સંગીતકારોએ ત્રણે મુખ્ય કલાકારોના કંઠે ગીત ગવડાવ્યું છે. આમ તો છેક કે એલ સાયગલના જમાનાથી અભિનેતાઓ ગીતો ગાતાં આવ્યા છે. વચ્ચેના સમયગાળામાં પ્લેબેક સિંગર્સની બોલબાલા હતી. અહીં ફરી ત્રણે હીરો પાસે સંગીતકારોએ મોજમસ્તીથી ભરપુર ગીત ગવડાવ્યું છે.

સ્પેનિશ લોકસંગીતનો પ્રયોગ ધરાવતા ગીતથી આ ફિલ્મના સંગીતનો આસ્વાદ શરૂ કરીએ. દરેક દેશમાં વણઝારા કે જિપ્સી જેવા લોકો હોય છે. સ્પેનમાં અંદાલૂસિયા પ્રદેશમાં જિપ્સી જેવા, રઝળપાટ કરતા લોકોનો એક સમૂહ છે. પોતાની રઝળપાટ, પ્યાર-મુહબ્બત, દર્દ-પીડા, હર્ષ-શોકને આ લોકો ડાન્સગીતમાં સાંકળી લે છે. ગિટારના ઝંકારને તાલે અને વચ્ચે વચ્ચે તાળીના તાલે નૃત્ય કરતાં કરતાં ગવાતા લોકસંગીતને ફ્લેમેન્કો લોકસંગીત છે. એ કાન્ટે શૈલીનું ગાયન કહેવાય છે. આ ગીતો ગાનારા કન્તાર તરીકે ઓળખાય છે. મૂળ ફ્લેમેન્કો સ્ટાઇલને રજૂ કરવા અહીં સંગીતકારોએ એક પ્રસિદ્ધ સ્પેનિશ ગાયિકા મારિયા મેર ડેલ ફરનાન્ડિઝનાં કંઠે એક ગીત સિનોરિટા (કે સેનોરિટા) ગવડાવ્યું છે. આ ગીતની ખૂબી એ છે કે સ્પેનિશ શબ્દો સાથે એનો હિન્દી ભાવાનુવાદ પણ રજૂ થયો છે. ગીતમાં ઔર એક ગાયિકા એરેડ્ના કબ્રોલ સાથે હિન્દી શબ્દો હૃતિક રોશન, અભય અને ફરહાન પાસે ગવડાવીને સંગીતકારોએ કમાલ કરી છે. મૂળ ફ્લેમેન્કો સ્ટાઇલમાં ત્રણે મુખ્ય કલાકારો સ્પેનિશ ડાન્સર્સ જોડે ડાન્સ કરતાં કરતાં આ ગીત રજૂ કરે છે. 

ઔર એક ગીતમાં સ્પેનના વિશ્વવિખ્યાત  ટોમેટિનો ફેસ્ટિવલને આવરી લેવાયો છે. આ ફેસ્ટિવલમાં હજારો લોકો એકમેક પર ટામેટાં ફેંકે છે. ચારેકોર રતુમડું વાતાવરણ સર્જાય છે.  ટમેટાના રાતા રસની જાણે નદી વહે છે.  આ ગીત ઇક ઝૂનુન તરીકે રજૂ થયું છે. ફિલ્મ સર્જકના કહેવા મુજબ આ ગીતના શૂટિંગમાં સોળ ટન (આશરે સોળ હજાર કિલો) ટમેટાં વપરાયાં હતાં. ગીતનો ઉપાડ આ રીતે થાય છે- 'એક ઝૂનુન, એક દીવાનાપન, હર તરફ હર તરફ, બેખુદી બેખુદી બેખુદી, હર તરફ હર તરફ, યે પલ જો ભરપુર હૈ, જો નશે મેં ચુર હૈ...' આ પણ સાંભળનારને પગ પછાડીને તાલ આપવા કે ઊભા થઇને ઝૂમવા પ્રેરે એવું ગીત છે. વિશાલ દદલાની, શંકર મહાદેવન, આલિશા ચિનોય અને રોંકની કેના કંઠમાં છે. આ ગીતમાં પણ ટોમેટિનો ફેસ્ટિવલનું અનુસંધાન માણી શકાય છે.

'ઉડે ખુલે આસમાં મેં ખ્વાબોં કે પરીન્દે, ઊડે દિલ કે જહાં મેં ખ્વાબોં કે પરીન્દે, ઓહો ક્યા પતા, જાયેંગે કહાં...' ગીતમાં કોઇ લયવાદ્યનો ઉપયોગ કર્યા વિના માત્ર ગિટારના ઝંકાર સાથે અને ખાસ સ્વરલગાવ સાથે આ ગીત મોહિત ચૌહાણ અને એલિસા મેન્ડોન્સાના કંઠમાં રજૂ થયું છે.

સૂરજ જગન, શંકર મહાદેવન અને જોય બરુઆના કંઠે યુવા પેઢીની બેફિકરાઇને રજૂ કરતું ગીત ડાન્સને અનુરૂપ ખટકદાર લયમાં રજૂ કરાયું છે. આ એકમાત્ર ગીત રાગ પહાડી પર આધારિત છે. 'દિલ જૈસે ધડકે ધડકને દો... ક્યૂં હૈ કોઇ આગ દબી, શોલા જો ભડકે ભડકને દો, હે હે હે ચલો ના ઢૂંઢે  શહર નયા...'

અન્ય ગીતો પરદા પર માણવા જેવાં છે અને લગભગ તમામ ગીતો પર્યટન શોખીન યુવાનોની મનોદશાને રજૂ કરે છે. અહીં રોડ પ્રવાસની મોજમસ્તી અને સતત અનુભવાતો તરવરાટ છે. ફિલ્મ સુપરહિટ નીવડી હતી. એના સંગીતને પણ મોકળા મને બિરદાવાયું હતું.